• 17 December, 2025 - 1:24 AM

નિવૃત્તિમાં તનાવ મુક્ત જીવન જીવવું છે, તો આટલું કરો

  • પહેલા પગારથી કુલ પગારના વીસ ટકા રકમ બચત ખાતે નાખવાનું શરૂ કરશો તો નિવૃત્તિની જિંદગી આરામદાયક બની રહેશે

નિવૃત્તિ પહેલા જ નિવૃત્ત જીવન-Retirementના નિર્વાહનું આયોજન કરનાર શાણો ગણાય છે. તેને માટે નોકરીના પહેલા મહિનાથી જ રોકાણ કરવાનું આયોજન કરવું જરૂરી છે. નોકરીના આરંભમાં મોટા ભાગના યુવાનોને માથે ઘર ચલાવવાની મોટી જવાબદારી હોતી નથી. અપવાદરૂપ કિસ્સામાં જવાબદારી હોઈ શકે છે. તેથી જ આજનું રોકાણ તમારા આવતીકાલ માટે શાંતિ લાવી શકે છે. તમારા ભાવિ જીવનની અનિશ્ચિતતાને દૂર કરે છે. દર મહિને લેવાયેલા નાના નિર્ણયો સમય સાથે મોટા પરિણામોમાં ફેરવાય છે. હવે તમે જ વિચારી લો કે તમે બચત કરો છો ખરા?

તમારી નિવૃત્તિમાં દાયકાઓ બાકી હોય કે પ્રવૃત્તિનો આરંભ થતો હોય ત્યારથી જ પૈસા રોકવાનું ચાલુ કરવાથી પૈસાને વધવાનો પૂરતો અવકાશ મળે છે. બજારના ઉતાર-ચઢાવ સહન કરવાની ક્ષમતા મળે છે. આ રીતે રોકાણ કરીને નિયમિત રીતે કમ્પાઉન્ડિંગ-પૈસાને મલ્ટીપ્લાય થવા દેવામાં આવે છે.  મોટાભાગના લોકો નિવૃત્તિના સમયને તેમની આવક બંધ થયા પછી તત્કાળ ચાલુ રહેનારી ખર્ચની જવાબદારી તરીકે જોતા જ નથી. તેઓ ભાડું, EMI, કારકિર્દી વિકાસ, પરિવાર ઉછેર પર જ ફોકસ કરીને આયોજન કર્યા કરે છે. પરિણામે નિવૃત્તિનું આયોજન આગળ ધકેલાતું રહે છે. નિવૃત્તિ આવશે ત્યારે જોઈ લઈશની માનસિકતા સાથે ચલાવ્યા કરે છે. નિવૃત્તિને હજી ઘણી વાર છે તેથી ચિંતા કરવાની જરૂર નથી. તેમ માનીને ચાલ્યા કરે છે.

પરંતુ સત્ય એ છે કે મોટાભાગના લોકો 50ની આસપાસની ઉંમરે પહોંચે છે ત્યારે જ નિવૃત્તિ તેમની કારકીર્દિના બારણે ટકોરા મારતી ઊભી થઈ જાય છે. તેથી જ તમે નોકરીકાળના આરંભથી જ કઈ નાણાકીય આદતો વિકસાવો છો અને કેટલું બચાવો છો તે મહત્વનું છે. તેમ જ તમારી બચતના પૈસાને વધવા માટે કેટલો સમય આપો છો તે પણ મહત્વનું છે. તેના પર જ તમારી નિવૃત્તિ સ્વતંત્રતાપૂર્ણ રહેશે કે ચિંતાઓથી ભરેલી તે નક્કી થઈ જાય છે.

ભારતમાં હવે સરેરાશ આયુષ્ય હવે 72થી 73 વર્ષ થવા આવ્યું છે. તેથી ઘણા લોકોએ નિવૃત્તિ પછી 20થી 30 વર્ષ જીવવાનું આવે છે. તેમાંય આવક વિનાના 20થી 25 વર્ષ બહુ જ આકારાં બની જાય છે. તેથી જ નિવૃત્તિ માટે આરંભથી જ આયોજન કરવાની જરૂર છે. તેમ કરશો તો જ તમારી વર્તમાન જીવનશૈલીને નિભાવી શકશો. તેને માટે જોઈતી બચત કરી શકશો.

તમાર માટે મહત્વના3 દાયકા

નિવૃત્તિની તૈયારીમાં થોડો વિલંબ તમારા ભવિષ્યને બગાડી શકે છે. દર મહિને બચાવવાની રકમમાં વધારો કરી છે . પરિણામે આનંદદાયક બનનારી નિવૃત્તિ અનાવશ્યક રીતે તણાવભરી બની જાય છે. રોકાણ કરવામાં પાંચ વર્ષનો વિલંબ સમય જતાં રોકાણના પ્રમાણમાં 30થી 40 ટકાનો વધારો લાવી શકે છે. રોકાણ કરવામાં દસ વર્ષનો વિલંબ તમને સમયજતાં નોર્મલ કરતાં ત્રણ ગણુ રોકાણ કરવાની ફરજ પાડી શકે છે. નોર્મલ કરતાં ત્રણ ગણુ રોકાણ કરશો તો જ તમારો નિવૃત્તિકાળ આરામ દાયક બનશે. નોકરીની અનિશ્ચિતતા કે ધંધાની આવકની અનિશ્ચિતતા આ સમસ્યા વકરાવી શકે છે. કેટલાક લોકો સાવ સરળ જીવનશૈલી ઈચ્છે છે. જ્યારે કોઈ યુવાનીમાં ન મળેલી સુવિધાઓ નિવૃત્તિ કાળમાં ભોગવવાની ઇચ્છા રાખે છે. તેમ જ કોઈ નવી મુસાફરી કરવાની, ફરવાની અને ખર્ચમાં તેને જરૂર મુજબનો ખર્ચ કરવાની છૂટ મળી રહે તેવી ઇચ્છા રાખે છે.

સામાન્ય જીવન શૈલીને જાળવી રાખવા માટે નોકરીયાત કે ધંધાદારીને માસિક રૂ. 40,000થી રૂ. 50,000ની જરૂર પડે છે. તેમ જ આરામદાયક જીવન જીવવા માટે મહિને રૂ. 75,000થી રૂ.1 લાખની જરૂર પડે છે. અલબત્ત પ્રીમિયમ જીવનશૈલીથી નિવૃત્તિ કાળ વિતાવવા માટે મહિને રૂ. 1.5 લાખથી વધુનો ખર્ચ કરવાની ક્ષમતા નિવૃત્તિ પછી હોવી જરૂરી છે.

મોંઘવારી વધતા રૂ. 50,000 પૂરતા નહિ ગણાય

સતત વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં લેતા આજના ખર્ચ આગામી 25–30 વર્ષ સુધી એવા જ રહેશે તેવી માન્યતામાં રહી શકાય તેમ નથી. મોંઘવારી ધીમે ધીમે સતત આવનારા ખર્ચનો બોજ વધારતી જ રહે છે. કરિયાણા, વીજબિલ, પાણી બિલ, આરોગ્યના ખર્ચ, ઘરનોકરના પગારના ખર્ચ, દૈનિક જરૂરિયાતના ખર્ચ સતત વધ્યા જ કરશે. આ વધારા ધ્યાનમાં ન લો તો વર્ષો સુધી બચત કર્યા પછી પણ નિવૃત્તિમાં પૈસાની ખેંચ આવી શકે છે. તેમાંય ખાસ કરીને આરોગ્ય ખર્ચ સામાન્ય મોંઘવારી કરતાં ઝડપથી વધે છે.

નિવૃત્તિ ભંડોળ કેટલું હોવું જોઈએ

નોકરીનો પગાર બંધ થયા પછી પણ જીવનની ગુણવત્તામાં ઘટાડો ન થાય તે મહત્વનું છે.  નિવૃત્તિ પછીનું જીવન સરેરાશ 20થી 30 વર્ષ સુધી ચાલે છે. તેથી જ તમારી બચત રોજિંદા ખર્ચ, અણધાર્યા ખર્ચ અને વધતા આરોગ્ય ખર્ચ માટે પૂરતી હોવી જોઈએ. આ રકમ 30 વર્ષથી વધુ સમય ચાલે તેટલી હોવી જોઈએ. તમારા બચતના ભંડોળમાંથી માત્ર 3–4 ટકા રકમનો ઉપાડ સુરક્ષિત લાગે છે. તેનાથી વધુ ઉપાડ થાય તો તમારી લાંબી નિવૃત્તિમાં પૈસા ખૂટી જવાની શક્યતા વધી જાય છે.

તમારો માસિક SIP કેટલો હોવો જોઈએ?

નિવૃત્તિ માટે જરૂરી મોટી રકમ શરૂઆતમાં ભયજનક લાગી શકે છે. પરંતુ તેને દર મહિને તમે કેટલી રકમ આરામથી બચાવી શકો છો તે રીતે તોડવાથી કામ સરળ બની જાય છે. મધ્ય-કારકિર્દી વ્યાવસાયિકો માટે, EPF, NPS અને મ્યુચ્યુઅલ ફંડ SIP મળીને માસિક આવકના લગભગ 20–30 ટકા લાંબા ગાળાની નિવૃત્તિ માટે રોકાણ કરવાનું અર્થઘટન થાય છે.

20 ટકા બચતનો નિયમ

આવક આધારિત માર્ગદર્શિકાઓ નિવૃત્તિ આયોજન શરૂ કરવાનો સરળ રસ્તો છે. આવક પ્રમાણે ટકાવારી નક્કી હોવાથી, દર તબક્કે કેટલું બચાવવું તે ગણતરી કરવાની જરૂર રહેતી નથી. આવક વધે તેમ રોકાણ પણ વધે છે, જેથી યોજના સરળ, ગોઠવેલી અને વાસ્તવિક રહે છે. રૂ. 1 લાખ માસિક આવક ધરાવતો વ્યક્તિ જો નિયમિત રીતે 20 રોકાણ કરે અને આવક સમય સાથે વધતી રહે, તો સમગ્ર કાર્યજીવન દરમિયાન બહુ-કરોડની નિવૃત્તિ ભંડોળ બનાવી શકે છે. આ ભંડોળને વધારવા માટે તમારી વ્યાજની કે મૂડીલાભની આવકને ફરી ફરી રોક્યા કરો. તમારે તેમાંથી કોઈપણ જાતનો ખર્ચ કરવો નહિ.

મોંઘવારીને હરાવવા લોન્ગટર્મ માટે શેર્સમાં રોકાણ કરો

તમે ક્યાં રોકાણ કરો છો તે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તમે કેટલું રોકાણ કરો છો. યુવાન ઉંમરે તમને પરિસ્થિતિ પ્રમાણે રોકાણના આયોજન બદલવાની સ્થિતિસ્થાપકતા-લવચીકતા મળે છે. આ ગાળામાં રોકાણ કરો તો તમે બજારના ઉતાર-ચઢાવમાં રોકાયેલા રહી શકો છો. અને ટૂંકા ગાળાની અસ્થિરતામાંથી પોર્ટફોલિયોને પુનઃસર્જિત થવા દઈ શકો છો. તમારી બચતની વૃદ્ધિ આધારિત વ્યૂહરચના મોંઘવારીને પાછળ છોડી દેવા અને ખરીદ શક્તિ વધારવામાં મદદ કરે છે. શરૂઆતમાં ખૂબ જ સંરક્ષિત રોકાણ સુરક્ષિત લાગતું હોઈ શકે છે, પરંતુ ધીમી વૃદ્ધિ ભવિષ્યમાં વધુ જોખમી નિર્ણયો લેવા મજબૂર કરી શકે છે. ઇતિહાસ મુજબ, ઇક્વિટીએ લાંબા ગાળે 10–12 ટકા કે વધારે રિટર્ન આપ્યું છે. તેની સામે ફિક્સ્ડ ઇન્કમ સાધનો 6થી 7 ટકાની આસપાસ વળતર આપે છે. અત્યારે વધી રહેલી મોંઘવારી સામે લડવા ઇક્વિટી જરૂરી છે.

SIP ઇન્વેસ્ટમેન્ટને શક્તિશાળી બનાવો

નિવૃત્તિ માટે રોકાણ ત્યારે સૌથી અસરકારક બને છે જ્યારે તમારી આવક વધે અને તેની સાથે સાથે જ રોકાણ પણ વધતું રહે છે. તેમાં મોટા ઉછાળા જરૂર રહેતી જ નથી. નાના, સતત વધારા સમય સાથે મોટો ફેરફાર લાવે છે. પગારવધારો, બોનસ કે વધારાની આવક મળે ત્યારે, તેને ફક્ત આજની જીવનશૈલી સુધારવા નહીં પરંતુ ભવિષ્યની નાણાકીય સુરક્ષા માટે વાપરવી જોઈએ. આવકની સાથે વધતું રોકાણ વધુ ટકાઉ લાગે છે. માસિક રૂ. 50000નો કે રૂ. 1 લાખનો પગાર દાર તેની પગારની રકમના વીસ ટકા રકમ ફરજિયાત બચતમાં નાખે તે જરૂરી છે. તેને એક નિયમિત ઘરખર્ચ ગણીને બચત કરવી જોઈએ. પગાર વધતો જાય તેમ તેમ બચત પણ વધતી જવી જરૂરી છે.

 

Read Previous

રૂપિયો પહેલી વાર 91 ને પાર, છેલ્લા પાંચ સત્રમાં 1% થી વધુ ઘટ્યો, રૂપિયો કેમ સુધરતો નથી?

Read Next

PM મોદીની જોર્ડન મુલાકાત: ફોસ્ફોરિક એસિડ,DAP અંગે જોર્ડન સાથે કરારની અપેક્ષા, ફર્ટિલાઇઝર્સના શેરોમાં ઉછાળો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular