• 22 November, 2025 - 8:45 PM

અદાણી એન્ટરપ્રાઈઝિસે 25,000 કરોડના રાઈટ્સ ઈશ્યુની યોજના ઘડી

રાઈટના શેર્સના ઇશ્યૂની જાહેરાત કરવામાં આવી તે પછી તરત જ અદાણી એન્ટરપ્રાઈસના શેરના બજાર ભાવમાં છ ટકાનો ઊછાળો આવ્યો

  • અદાણી એન્ટરપ્રાઈસના રાઈટના ઈશ્યુ પહેલાં કંપની પાસે 1,15,41,80,729 ઇક્વિટી શેર બાકી હતા, રાઈટ્સ ઈશ્યુમાં સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન થાય તો 1,29,26,82,416 શેર સુધી વધશે

અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઈસ રાઈટના શેર્સની ઓફર લઈને બજારમાં આવવાનું આયોજન કરી રહ્યું છે. શેરના વર્તમાન બજાર ભાવની તુલનાએ રાઈટના શેર્સ 24 ટકા ડિસ્કાઉન્ટથી ઓફર કરવાનું આયોજન છે. રાઈટના આ ઇશ્યૂના માધ્યમથી અદાણી એન્ટરપ્રાઈસ રૂ. 25000 કરોડ બજારમાંથી એકત્રિત કરવાનો ઇરાદો ધરાવે છે. રાઈટનો ઇશ્યૂ લાવવાની અદાણી એન્ટરપ્રાઈસે જાહેરાત કરી તે પછી તરત જ તેના શેર્સના ભાવમાં છ ટકાનો ઊછાળો આવી ગયો છે.

રાઈટ્સ ઈશ્યુ એ એક એવી પ્રક્રિયા છે જેમાં હાલના શેરહોલ્ડર્સને ડિસ્કાઉન્ટેડ ભાવ પર વધુ શેર ખરીદવાની તક મળે છે અને કંપની પોતાને જોઈતી મૂડી એકત્રિત કરી શકે છે. આ મૂડીનો ઉપયોગ કંપનીના વિસ્તરણ, દેવાની ચુકવણી અથવા અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરી શકે છે.

અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (AEL) એ ₹24,930.30 કરોડના રાઈટ્સ ઈશ્યુની જાહેરાત કરી છે, જેમાં આંશિક ચૂકવણી કરેલા ઈક્વિટી શેર્સના માધ્યમથી મૂડી એકઠી કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝની રાઈટ્સ ઈશ્યુ કમિટીએ 11 નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી બેઠકમાં BSE અને NSE તરફથી 7 નવેમ્બર, 2025ના રોજ મળેલી સૈદ્ધાંતિક મંજૂરી પછી ઈશ્યુની વિગતવાર શરતોને મંજૂરી આપી હતી. અદાણી એન્ટરપ્રાઈસ દ્વારા ઈશ્યુ પ્રાઈસ શેરદીઠ રૂ. 1,800 નક્કી કરવામાં આવી છે. આ ઓફર પ્રાઈસ વર્તમાન માર્કેટ ભાવ કરતાં અંદાજે 24 ટકા ઓછો છે. આ ઈશ્યુ હેઠળ રૂ.1ની મૂળ કિંમતના 13,85,01,687 આંશિક ચૂકવણી કરેલા ઈક્વિટી શેરો ઈશ્યુ થશે. જો સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન અને કૉલ મની ચૂકવણી થાય તો ઓફર કરવામાં આવનારા શેર્સનું કુલ મૂલ્ય રૂ. 24,930.30 કરોડ થાય છે.

કંપનીએ સેબીને એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને આપેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ઈશ્યુમાં ભાગ લેવા માટે પાત્ર શેરહોલ્ડર્સ નક્કી કરવા માટેની રેકોર્ડ તારીખ સોમવાર, 17 નવેમ્બર, 2025 રાખવામાં આવી છે. રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ રેશિયો 3 રાઈટ્સ ઈક્વિટી શેર પ્રતિ 25 પૂર્ણ ચુકવાયેલા શેર તરીકે નક્કી થયો છે. ઈશ્યુ પહેલાં કંપની પાસે 1,15,41,80,729 શેરનું હોલ્ડિંગ હતું. ઇશ્યૂ સંપૂર્ણ સબસ્ક્રાઈભ થઈ ગયા પછી કંપની પાસે 129,26,82,416 સુધી વધશે.

આ પગલું અદાણી ગ્રૂપના સૌથી મોટા ફંડ રેઝિંગ પ્રયાસોમાંનું એક છે, જે તેનું મૂડી માળખું મજબૂત કરવા અને ભવિષ્યના વૃદ્ધિની શક્યતા ધરાવતા ઉપક્રમોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2023ની શરૂઆતમાં હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અને શેર ક્રેશ બાદ, અદાણી એન્ટરપ્રાઈઝિસે પોતાનો સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ થયેલો Follow-On Public Offer (FPO) રદ કર્યો હતો અને રોકાણકારોને રકમ પરત કરી હતી. તે સમયે, અદાણી એન્ટરપ્રાઈઝિસ રૂ. 20,000 કરોડ એટલે કે લગભગ $2.4 અબજ ડૉલર એકત્ર કરવાની પ્રક્રિયામાં હતી. તે જ સમયે હિન્ડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યો હતો. તેમાં ગ્રૂપ પર સ્ટોક મેનિપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રૉડના આરોપ લગાવવામાં આવ્યા હતા. પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, SEBIએ પોતાની તપાસ બાદ અદાણી ગ્રૂપને તમામ હિન્ડનબર્ગના આરોપોમાંથી મુક્ત જાહેર કર્યો હતો.

 

Read Previous

Growwનો IPO લિસ્ટિંગમાં શું આપી શકે છે આશ્ચર્યજનક રિટર્ન?  

Read Next

ટાટા મોટર્સ CVના શેર 28% પ્રીમિયમ પર લિસ્ટ થયા, ડિમર્જર પછી નવી સફરની શરૂઆત 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular