Avocado Farming Success Story: ખેતી કરવી હોય તો આવી કરો: ઓછી મહેનત અને 1 કરોડની કમાણી, જાણો યુવાનનો રહસ્યમય ફોર્મ્યુલા
– યુકેમાં અભ્યાસ કર્યા બાદ ભોપાલના યુવાને એવોકાડોની ખેતી શરૂ કરી અને તકલીફો સામે લડીને વર્ષમાં 1 કરોડ સુધીની આવક હાંસલ કરી
– હર્ષિતે ઇઝરાયેલથી શીખેલી એડવાન્સ ડ્રિપ સિંચાઇ પદ્ધતિને ભારતમાં અમલમાં મૂકી અને સફળતાપૂર્વક ફળ ઉત્પાદન કર્યું .

freepik
Avocado Farming Success Story: એવોકાડોની લોકપ્રિયતા વિદેશોની સાથે ભારતમાં પણ પ્રતિદિન વધી રહી છે. આ ફળમાં કાર્બોહાઇડ્રેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન ઇ, વિટામિન બી, વિટામિન સી અને ફાઇબર પ્રચૂર માત્રામાં રહેલા છે. એવોકાડોના છોડ 20-25 ડિગ્રી સેલ્સિયસમાં થાય છે, જ્યારે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન છોડના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. એવોકાડો મેક્સિકો અને મધ્ય અમેરિકામાં મળે છે. જોકે, ભારતમાં પણ હવે ઘણા ખેડૂતો તેની ખેતી કરવા લાગ્યા છે અને તેમાંથી સફળતાપૂર્વક સારી આવક મેળવી રહ્યા છે.
આવા જ એક યુવા ખેડૂત હર્ષિત ગોધાએ એવોકાડો ઉગાડતા ઇઝરાયેલી ખેડૂતો પાસેથી પ્રેરણા લઇને ભારતમાં ભોપાલમાં એવોકાડોની સફળતાપૂર્વક ખેતી કરી છે. સાથે દેશના ઘણા ખેડૂતોને એવોકાડોના છોડ વેચીને વાર્ષિક 1 કરોડથી વધારેની કમાણી કરી રહ્યા છે.
માર્કેટિંગના અભ્યાસ પછી અપનાવી ખેતી
હર્ષિતનો જન્મ ભોપાલમાં થયો છે અને તેઓએ ત્યાં જ શિક્ષણ મેળવ્યું છે. કૃષિ જાગરણના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે મને પહેલાથી જ માર્કેટિંગમાં રસ હતો, તેથી બિઝનેસના અભ્યાસ માટે હું યુકે ગયો. સ્વાસ્થ્ય અને ફિટનેસની વધારે કાળજી રાખવા હું એવોકાડોનું દરરોજ સેવન કરતો, જે મને ખૂબ જ પસંદ હતું. જ્યારે પણ હું ઉનાળાની રજામાં ભારત આવતો ત્યારે અહીં ખાવા માટે સારા એવોકાડો નહોતા મળતા અને જો મળે તો તે ખૂબ મોંઘા હતા.
યુકેનો અનુભવ કામ લાગ્યો
મને યાદ આવ્યું કે જ્યારે હું યુકેમાં હતો તે દરમિયાન એવોકાડોના બોક્સ પર જોયું હતું કે તે ઇઝરાયેલમાં ઉગાડવામાં આવ્યા છે. તેના વિશે રીસર્ચ કર્યા બાદ મને જાણવા મળ્યું કે, અમેરિકા, મેક્સિકો અને કોલંબિયા જેવા દેશોમાં તેની વધારે ખેતી થાય છે. પરંતુ મને જાણીને આશ્ચર્ય થયું કે ઇઝરાયલ જેવા શુષ્ક અને ગરમ દેશમાં પણ એવોકાડો ઉગાડવામાં આવે છે. 60 વર્ષ પહેલા ઇઝરાયેલના ખેડૂતોને એવોકાડોની ખેતીનો પરીચય થયો હતો. જે બાદ ઇઝરાયેલમાં એડવાન્સ ટેક્નોલોજી આવવાથી ગરમ તાપમાન, ખરાબ માટી અને પાણી હોવા છતાં એવોકાડોની સારી ખેતી થવા લાગી અને યૂરોપના માર્કેટમાં તેને એક્સપોર્ટ કરવામાં આવે છે.
ઇઝરાયેલી ટેક્નોલોજીનો કર્યો ઉપયોગ
આ જાણીને હર્ષિતને પણ ભોપાલમાં ઇઝરાયેલી ટેક્નિક દ્વારા એવોકાડોની ખેતી કરવાનો વિચાર આવ્યો. જે બાદ તે એવોકાડોની ખેતી શીખવા દોઢ મહીના માટે ઇઝરાયેલ ગયો. જ્યાં તે ઇરિગેશન એક્સપર્ટ્સ, ગ્રીનહાઉસ મેનેજર, એક્સપોર્ટર્સ, માર્કેટર્સ, બ્રીડર્સ અને રીસર્ચર્સ જેવા એક્સપર્ટ્સના મળ્યો. ત્યાર બાદ ભારત આવીને તેણે ભોપાલમાં તેની જમીનમાં એવોકાડોની ખેતી થઇ શકે છે કેમ તે જાણવા માટે ઇઝરાયેલથી એક મિત્રને બોલાવ્યો. ભોપાલના વાતવારણ અને જમીન પરીક્ષણ બાદ તેના મિત્રએ કહ્યું કે એવોકાડોની અમુક પ્રજાતિની ખેતી અહીં કરી શકાય છે.
ઇઝરાયેલથી આયાત કર્યા એવોકાડોના છોડ
ભોપાલમાં એવોકાડોની જે પ્રજાતિની ખેતી કરી શકાતી હતી, તેના છોડ હર્ષિતે ઇઝરાયેલથી મંગાવ્યા. આયાતની જટિલ પ્રક્રિયા અને કોરોના મહામારીના કારણે વર્ષ 2021માં તેને એવોકાડોના છોડની પહેલી ખેપ મળી, જે તેણે 2023માં બગીચામાં લગાવ્યા. ત્યાં સુધી તેણે આ છોડને પોતાની નર્સરીમાં રાખ્યા હતા.
ઇઝરાયેલી સિંચાઇ ટેક્નિક
14 મહીના બાદ તેમાં ફળ આવવા લાગ્યા. હર્ષિતે સિંચાઇ માટે ઇઝરાયેલી ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, જે ઇઝરાયેલની એડવાન્સ ટેક્નોલોજી નેટાફિસ ડ્રિપ ઇરિગેશનની યૂનિરામ છે. દેશમાં આ ટેક્નિક આયાત થાય છે અને હર્ષિતે પણ તેનો ઓર્ડર આપ્યો હતો.
કેવા વિસ્તારમાં થઇ શકે એવોકાડોની ખેતી?
દેશમાં તમામ વિસ્તારમાં એવોકાડોની ખેતી શક્ય નથી. પરંતુ જ્યાં સિંચાઇની સારી સુવિધા છે, ત્યાં એવોકાડોની વિવિધ પ્રજાતીની ખેતી થઇ શકે છે. જો કોઇ ક્ષેત્રમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે, તો તેની ખેતી ન કરવી જોઇએ. આ ઉપરાંત જ્યાં બરફ પડે છે, ત્યાં પણ એવોકાડોની ખેતી શક્ય નથી.
એવોકાડોની ખેતી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
હર્ષિતે જણાવ્યું કે, એવોકાડોની ખેતી કરતા પહેલા ખેડૂતોએ સોઇલ ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઇએ. આ ઉપરાંત એવોકાડોની જાતનું પણ ધ્યાન રાખવું. આ છોડમાં બે ભાગ હોય છે- રૂટસ્ટોક (ગ્રાફ્ટની નીચેનો ભાગ) અને કલ્ટીવાર, ગ્રાફ્ટની ઉપરનો ભાગ. ઇઝરાયલે દુષ્કાળ અને નબળી પાણીની ગુણવત્તા સામે પ્રતિરોધક બહુવિધ રૂટસ્ટોક્સનું સંવર્ધન કરીને વિકાસ કર્યો છે. જમીનના પ્રકારને આધારે રૂટસ્ટોક પસંદ કરવામાં આવે છે. કલમની ઉપર આબોહવા અનુસાર વિવિધતા પસંદ કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષમાં તેણે ઈઝરાયેલથી 10 હજાર એવોકાડો પ્લાન્ટ્સ આયાત કર્યા છે અને દેશના ઘણા રાજ્યોના ખેડૂતોને વેચ્યા છે અને આ વર્ષે તે 10 હજાર છોડની પ્રથમ કન્સાઈનમેન્ટ મંગાવી રહ્યો છે.
એવોકાડોની ખેતીમાં ખર્ચ અને નફો
હર્ષિતે જણાવ્યું કે, એવોકાડોની ખેતી દરમિયાન એક એકરમાં 3.5 મીટર અને 7.5 મીટરના અંતરે 170 છોડ વાવવામાં આવે છે. હાલ હું 10 એકર જમીનમાં એવોકાડોની ખેતી કરું છું. રોપાની કિંમત રોપાની ઉંમર પર આધારિત હોય છે. સામાન્ય રીતે છોડની ઉંમર દોઢથી બે વર્ષની હોય છે. દોઢ વર્ષ સુધીના છોડની કિંમત 2500 રૂપિયા અને બે વર્ષ જૂના છોડની કિંમત 3000 હજાર રૂપિયા છે. એવોકાડો વર્ષમાં એકવાર ફળ આપે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ફળોની કાપણી કરવામાં આવે છે. એવી કેટલીક જાતો છે જેમાંથી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ફળો લેવામાં આવે છે. એક છોડ 30-35 કિલો ફળ આપે છે, જ્યારે એક એકરમાંથી લગભગ 6 ટન ફળ મળે છે.
1 કરોડની કમાણી
હર્ષિતે વધુમાં જણાવ્યું કે, એવોકાડો જથ્થાબંધમાં 250થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે છૂટકમાં એવોકાડોની કિંમત 200થી 250 રૂપિયા સુધી રહે છે. એવોકાડોનું વજન 250-300 ગ્રામ છે. ખર્ચની વાત કરીએ તો, શરૂઆતના વર્ષમાં એક એકર દીઠ રૂ. 4થી 5 લાખનો ખર્ચ થાય છે. ત્યાર પછી ખર્ચ ઓછો થાય છે. એક જ છોડ 40થી 50 વર્ષ સુધી ફળ આપે છે. આવકની વાત કરીએ તો તે જાતો પર આધારિત છે. આમાંથી સરેરાશ 6થી 12 લાખ રૂપિયા પ્રતિ એકર આવક થાય છે. અત્યારે મારી આવક 1 કરોડ રૂપિયા સુધી છે.
એવોકાડો ફળોનું માર્કેટિંગ
હર્ષિતે કહ્યું કે, જે પણ ખેડૂત અમારી પાસેથી છોડ ખરીદે છે, તેની પાસેથી અમે ફળ ખરીદવા તૈયાર છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં એવોકાડોની આયાત લગભગ 400 ટકા વધી છે. બ્લુ બેરી અને એવોકાડો જેવા ફળોનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, તેથી આવા ફળોની ખેતી કરી શકાય છે.