EoDB માટે વૈશ્વિક ધોરણોની માન્યતા ધરાવતી કંપનીઓને આયુષ ક્વોલિટી માર્ક મળશે

અમદાવાદઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (WHO-GMP), ISO અથવા સમકક્ષ વૈશ્વિક ધોરણોની માન્યતા અથવા સર્ટિફિકેશન ધરાવતી કંપનીઓને આયુષ ક્વોલિટી માર્ક મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે. આ માન્યતા સરળ, ડેસ્ક-બેઝ્ડ સમીક્ષા પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે, જેથી પુનરાવર્તિત નિરીક્ષણો ટાળી શકાય અને Ease of Doing Business (EoDB) ને પ્રોત્સાહન મળે, તેમ A YUSHEXCILના સિનિયર આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. ત્રિપ્તા દિક્ષિતે જણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ એક એકરૂપ વૈશ્વિક બ્રાન્ડ ઊભો કરવાનો છે. વિશ્વભરના ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કરે અને ભારતની નિકાસ વિશ્વસનીયતા વધારે તથા બ્રાન્ડ આયુષને વૈશ્વિક પરંપરાગત ઔષધ ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકામાં સ્થાપિત કરવામાં મદદ કરશે. ડૉ. દિક્ષિતના જણાવ્યા અનુસાર આયુષ ક્વોલિટી માર્ક એક વ્યાપક માન્યતા ધરાવતો કાર્યક્રમ છે, જે અસલિયત અને ઉત્તમતાના વૈશ્વિક માપદંડ તરીકે કાર્ય કરશે. તેનું મુખ્ય સિદ્ધાંત એ છે કે હાલની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશનોને માન્યતા આપી એકત્રિત કરવામાં આવશે.
આયુષ ક્વોલિટી માર્કના અમલ અને જારી કરવા માટે AYUSHEXCILને નોડલ એજન્સી તરીકે નિમવામાં આવી છે. પ્રારંભમાં આ માર્ક સાત મુખ્ય શ્રેણીઓને આવરી લેશે, જેમાં આયુષ ઔષધીય ઉત્પાદનો, બોટાનિકલ્સ, ઔષધીય વનસ્પતિઓ, પ્રોડક્ટ ટેસ્ટિંગ લેબોરેટરીઝ, હોસ્પિટલ, ડે-કેર સેન્ટર્સ, ક્લિનિક્સ, વેલનેસ સેન્ટર્સ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ ફેસિલિટેટર્સનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં તાલીમ અને શિક્ષણ સંસ્થાઓને પણ તેમાં સામેલ કરવાની યોજના છે.
પ્રધાનમંત્રીએ 19 ડિસેમ્બર, 2025ના રોજ શરૂ કરેલી આ પહેલ સરકાર અને ઉદ્યોગ વચ્ચેની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ પહેલ દ્વારા આયુષ ક્વોલિટી માર્કને ગુણવત્તા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનું પ્રતીક બનાવવાનો ઉદ્દેશ છે, જેથી વિવિધ ગુણવત્તા માન્યતાઓને એક શક્તિશાળી વૈશ્વિક પ્રતીક હેઠળ એકત્રિત કરી શકાશે.
ડૉ. દિક્ષિત કહે છે કે હાલની માન્યતાઓ અને સર્ટિફિકેશનોને સ્વીકારીને નિયમન પ્રક્રિયા સરળ બનશે અને Ease of Doing Businessને વધુ વેગ મળશે. સરકાર અને ઉદ્યોગ વચ્ચેનો આ સહયોગ “બ્રાન્ડ આયુષ”ને વૈશ્વિક મંચ પર મજબૂત બનાવશે અને ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને આધુનિક સુરક્ષા, અસરકારકતા અને વિશ્વાસ સાથે વિશ્વ સુધી પહોંચાડશે.
ભારત સરકાર, આયુષ મંત્રાલય મારફતે દરેક આયુષ ઉત્પાદન અને સેવાઓ ઉચ્ચતમ શુદ્ધતા, અસરકારકતા અને સુરક્ષા ધોરણો પૂર્ણ કરે તે માટે પ્રયત્નશીલ છે, જેથી વૈશ્વિક ગ્રાહકોમાં વિશ્વાસની મજબૂત પાયાની રચના થશે. 2014માં અલગ આયુષ મંત્રાલયની સ્થાપના એ મહત્વપૂર્ણ પગલું હતું, જેના દ્વારા આ પ્રાચીન વિજ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક માન્યતા સાથે નિયમિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.
ડૉ. દિક્ષિત જણાવે છે કે ભારતની તમામ આયુષ ઉત્પાદન એકમો માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (GMP)નું પાલન ફરજિયાત છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1945 હેઠળના શેડ્યૂલ-Tમાં આયુર્વેદ, સિદ્ધ અને યુનાની (ASU) દવાઓ માટે ફેક્ટરી પ્રાંગણ, સાધનો, કાચા માલની ગુણવત્તા અને દસ્તાવેજીકરણની ચોક્કસ જોગવાઈઓ છે, જેથી કાચા ઔષધોથી અંતિમ ઉત્પાદન સુધીની સમગ્ર પ્રક્રિયા નિયંત્રિત અને માન્યતા પ્રાપ્ત બનશે.
એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના કરવામાં આવી છે. આ વિશ્વનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર છે, જે પરંપરાગત ચિકિત્સા માટે સમર્પિત છે અને ભારતને પુરાવા આધારિત સંશોધન અને ડેટા દસ્તાવેજીકરણમાં વૈશ્વિક નેતૃત્વ આપશે. આ કેન્દ્ર પરંપરાગત ચિકિત્સાના જ્ઞાનનો વૈશ્વિક ભંડાર તૈયાર કરશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરશે.



