BCCLનો આઈપીઓ 100 ગણો સબસ્ક્રાઈબ થયો

ભારતના ‘બ્લેક ગોલ્ડ’ મોનોપોલી પર દાવ લગાવશો કે હાઈપથી દૂર રહેશો?
Bharat Coking Coal IPOમાં ઓફર કરવામાં આવેલા શેર્સના ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 ટકા જેટલું બોલાઈ ગયા પછી તેના શેર્સનું આજે આઈપીઓ ઓફર બંધ થઈ ત્યાં સુધીમાં 100 ગણો સબસ્ક્રાઈબ થયો છે. જોકે Bharat Coking Coal IPOના ત્રીજા દિવસે જ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 46 ટકા સુધી પહોંચી ગયું હતું.
Bharat Coking Coal IPOના સબસ્ક્રાઈબર્સને રૂ. 23ના ભાવથી શેર ઓફર કરવામાં આવ્યો હતો. આ ઇશ્યૂ નવા શેર્સનો નહોતો. પ્રમોટર્સ પાસેના શેરનાહોલ્ડિંગમાંથી શેર્સ વેચવામાં આવ્યા છે. હવે Bharat Coking Coal (BCCL)નું IPOના અરજદારને 14 જાન્યુઆરીએ એલોટમેન્ટ કરી દેવામાં આવશે. તેમ જ 16 જાન્યુઆરીએ BSE તથા NSE પર લિસ્ટ થવાની શક્યતા છે. લિસ્ટિંગ લાભ મળવાની મજબૂત શક્યતા જણાઈ રહી છે. તેમાંય ખાસ કરીને કૉલ ઇન્ડિયાના શેર્સની સંગીન તેજી જોતાં સંખ્યાબંધ અરજદારો તેમનું રોકાણ જાળવી રાખવાનું પસંદ કરે તેવી સંભાવના છે.
ભારત કૂકિંગ કૉલના IPOમાં સંપૂર્ણપણે Offer for Sale (OFS) છે. એટલે કંપનીને કોઈ નવી મૂડી મળશે નહીં. આઈપીઓની તમામ રકમ કંપનીના પ્રમોટર તથા વેચનાર શેરહોલ્ડરના હિસ્સામાં જ જશે. આઈપીઓ-IPOના માધ્યમથી રૂ. 1,071.11 કરોડ એકત્રિત કરવાના છે. કુલ મળીને 46.57 કરોડ શેર્સ ઓફર કરવામાં આવ્યા છે. IPO પહેલાં કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹273.13 કરોડ ઉઘરાવી લીધા હતા.
નીચી ગુણવત્તાનો કોલસો કંપનીની સમસ્યા છે. ભારતીય કોકિંગ કોલસામાં રાખનું પ્રમાણ વધારે હોય છે, જેથી તેની ગુણવત્તા વિદેશી કોલસા કરતાં ઓછી ગણાય છે. જો આયાતી કોલસો સસ્તો બને અથવા BCCLનો કોલસો મોંઘો પડે તો ગ્રાહકો આયાતી કોલસા તરફ વળી શકે છે.
બીજું, કોલસા ભંડારના અંદાજમાં અસચોક્કસતા છે. કંપનીના રિઝર્વ અને રિસોર્સના અંદાજો ISP ધોરણો પર આધારિત છે, જે JORC જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોથી અલગ છે. આમાં કોઈ પણ મોટી ભૂલ કંપનીની આવક અને ખર્ચ પર નકારાત્મક અસર કરી શકે છે.
ભૌગોલિક મર્યાદા પણ તેને નડી રહી છે. BCCLની તમામ ખાણો ઝારિયા (ઝારખંડ) અને રાણિગંજ (પશ્ચિમ બંગાળ) વિસ્તારમાં જ છે. ત્યાં જો સંસાધનો ખતમ થાય, પર્યાવરણીય નિયમો કડક બને, મજૂર વિવાદ કે કુદરતી આપત્તિ આવે તો ઉત્પાદન પર મોટો અસર થશે.
સરકારની કિંમત અને વિતરણ નિયંત્રણ નીતિઓની પણ ચર્ચા કરી લઈએ. New Coal Distribution Policy (NCDP), SHAKTI અને Linkage Auction જેવી નીતિઓ કારણે કંપનીને ભાવ નક્કી કરવાની અને સપ્લાય કરાર મેળવવાની સ્વતંત્રતા મર્યાદિત રહે છે.
પર્યાવરણીય અને ક્લાઈમેટને લગતા નિયમો પણ તેને સ્પર્શી શકે છે. ભારતના 2070 Net-Zero લક્ષ્યાંક હેઠળ કોલસા ઉદ્યોગ પર વધુ કર, સખત ઉત્સર્જન નિયમો અને દંડ લાગુ થઈ શકે છે.
આવકનો મોટો ભાગ એક જ સેગમેન્ટ પર આધારિત હોવાની પણ તકલીફ છે. 30 સપ્ટેમ્બર 2025 સુધીના છ મહિનામાં BCCLની 77.20% આવક કાચા કોકિંગ કોલસાથી આવી હતી. સ્ટીલ અથવા પાવર ક્ષેત્રમાં મંદી આવે તો કંપનીની આવક ભારે ઘટી શકે છે.
કંપનીને માથે મોટી કન્ટિજન્ટ લાયબિલિટીઝ પણ છે. BCCL સામે ₹3,598.59 કરોડની સંભવિત જવાબદારીઓ છે, જેમાં ટેક્સ વિવાદ, રોયલ્ટી, અને કાનૂની કેસો સામેલ છે. ઊંચા GMP અને ભારે સબ્સ્ક્રિપ્શન છતાં BCCL IPOમાં મોટાં નિયમનકારી, પર્યાવરણીય અને બિઝનેસ જોખમો જોડાયેલા છે. શોર્ટ-ટર્મ લિસ્ટિંગ ગેઇન શક્ય છે, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ.



