• 6 November, 2026 - 9:28 PM

રૂ. ૧.૭૪ રૂ.કરોડનું સોનું પડાવી લેનાર ચીટર ભૂમિ શાહની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી, મિહિર પરીખની પણ સંડોવણી

માસિક બે ટકા વળતર આપવાની લાલચ આપી ૧.૭૪ રૂ.કરોડનું સોનું પડાવી લેનાર ભૂમિ શાહની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

બિરવા ગાંધી સોનું પરત માગવા ગયા ત્યારે ખબર પડી કે નોટરી રાજેન્દ્ર આર. શાહે પણ ખોટી સહી કરીને દસ્તાવેજ  કરી આપ્યો હતોઃ અમેરિકામાં રહેતા મોનીષ ગાંધીને નામે ખોટી નોટરીનું ખોટું લખાણ આપીને સવા કિલો સોનું લીધું અને ચાઉં કરી ગઈ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ કદમ્બમાં રહેતા બિરવા અપૂર્વ ગાંધીને માસિક પોણા બે ટકા રિટર્ન અપાવીને ૧૩૦૦ ગ્રામથી વધુ સોનું લઈ જઈને પછી પરત ન કરનાર અમાદાવાદમાં શીલજ ચાર રસ્તા પાસે કાવેરી સંગમ ( ડી ૧૨૦૨)માં રહેતા ભૂમિકા હાર્દિક શાહના જામીન અરજી આજે વધારાના  ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ હિતેશ જયંતીલાલ તન્નાએ આજે ફગાવી દીધી છે. બિરવા ગાંધી તરફથી કોર્ટમાં રજૂઆત કરનાર એડવોકેટ સચિન વસાવડનાએ જણાવ્યું હતું કે ભૂમિકા હાર્દિક શાહ અત્યારે ફરાર થઈ ગઈ છે. પોલીસ તેની તલાશ કરી રહી છે.

ભૂમિકા હાર્દિક શાહે મિહિર જિતેન્દ્ર પરીખ (રહેવાસી. ૩૦૯ શિવાલિક શિલ્પ, ઇસ્કોન ચાર રસ્તા પાસે) અને હેમરાંજસિંહ વિક્રમસિંહ રાણા (રહેવાસી ૧૬૮, સરસ્વતી પાર્ક, નારાયણ નગર સોસાયટી, ખોડિયારનગર) સાથે મળીન માસિક બે ટકા વળતર અપાવવાની ખાતરી આપીને બિરવા અપૂર્વ ગાંધી સાથે છેતરપિંડી કરી હતી.

મિહિર પરીખ અને ભૂમિકા હાર્દિક શાહે બ્રોકર કંપની મોતીલાલ ઓસવાલની ફ્રેન્ચાઈઝી લીધી હોવાનું જણાવીને શેરબજારમાં રોકાણ કરવા બિરવા ગાંધીને લલચાવ્યા હતા.રોકાણ કરવા માટે પૈસા ન હોવાનું બિરવા ગાંધીએ જણાવ્યું ત્યારે વારસામાં મળેલા સોનું આપીને તેના પર માસિક ૨ ટકા વળતર આપવાની ખાતરી આપી હતી.

સોનામાં રોકાણ કરવા માટે ૮૫ ટકા ફિઝિકલ ગોલ્ડ હોવું જરુરી હોવાનું જણાવીને બિરવા ગાંધી પાસે અંદાજે રૃા. ૧,૭૪,૪૬,૦૦૦ના મૂલ્યનું ૧૩૦૦ ગ્રામ જેટલું સોનું મેળવ્યું હતું. આ સોનાના બદલામાં બે ટકા વળતરના નાણાં દર મહિને આપવાની ખાતરી આપી હતી.

મિહિર પરીખની એસોન વિસ્ટા, પીએસપી હાઉસ-ઇસ્કોન આંબલી રોડ પરની ઓફિસે જઈને તેરસો ગ્રામના સોનાના બિસ્કિટ આપ્યા બાદ તેનું લખાણ માગતા તેમણે બે દિવસ પછી મોનિષ રશ્મિન ગાંધી (રહે. સી-૭૧  અજયદીપ સોસાયટી)ને નામે સોનું મળ્યું હોવાનું લખાણ મોકલી આપ્યું હતું. તેમાં મોનિષ ગાંધીનો ફોટો અને અંગૂઠાનું નિશાન જોતાં સવાલ ઊઠાવવામાં આવ્યો ત્યારે તે મોનિસ તેમનો જ સાથીદાર હોવાનું અને તેના નામે જ બધાં સોદા કરતાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ માસિક વળતર ન મળતાં સોનું પાછું માગ્યું તો ૧૫ દિવસમાં પરત આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ સોનું પરત ન મળતાં મિહિર પરીખની ઓફિસે ગયા ત્યારે ખબર પડી કે મિહિર પરીખ પણ ફરાર થઈ ગયા છે.

મિહિર પરીખે મોતીલાલ ઓસવાલની ફ્રેન્ચાઈઝીને નામે પણ કરોડો રુપિયાની છેતરપિંડી કરેલી હોવાનું જાણવા મળ્યું હતું. મોનીષ ગાંધી પણ ન મળતા તેમના ઘરે ગયા ત્યારે તેમની માતા સોનલ ગાંધી મળ્યા હતા. તેમએ કહ્યું હતું કે મોનીષ ગાંધી ૨૦૧૯થી અમેરિકામાં છે. પરત આવ્યો જ નથી. મિહિર પરીખે તેમના દીકરા સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું. મોનિષ ગાંધીની ખોટી સહી કરવાનો કરાર કરી આપનાર નોટરી રાજેન્દ્ર આર. શાહે (રજિ.નબર ૧૦૯૫-૨૦૧) પણ ખોટી સહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મિહિર પરીખ, ભૂમિકા શાહ અને હેમરાજ  રાણા સામે પણ ફરિયાદ નોંધી છે.

Read Previous

રદ થયેલી ફ્લાઇટ ટિકિટ પર મુસાફરોને GST પરત કરી એરલાઇન્સ સરકાર પાસેથી રિફંડ મેળવી શકશે

Read Next

સંવત 2083માં સેન્સેક્સ 87,000 અને નિફ્ટી 27,000નું મથાળું બતાવી શકે

Most Popular