• 15 January, 2026 - 10:12 PM

GSTના ઘટેલા દરથી ખેતીના ક્ષેત્રમાં મોટા પરિવર્તનો આવશે

– યાંત્રિકરણને કારણે ખેતરમાં ઉગાડેલા પાકને પાણીની જરૂરિયાત ક્યારે કેટલી છે

તેનો અંદાજ મેળવી શકાશે

– સેન્સર આધારિત આધુનિક યંત્રને પરિણામે ઊભા પાકને રોગ લાગવાની શક્યતાનો આગોતરો અંદાજ મળી જતાં હોવાથી પાકને રોગનો ભોગ બનતો અટકાવવાના પગલાં લઈને ખેત ઉપજ વધારી શકાય

– ખેતીનું યાંત્રિકરણ થશે તો ખેડૂતો વધુ સરળતાથી મજૂરોની ખેંચની સમસ્યાનો ઉકેલ લાવીને ખેતી કરી શકશે

– સેન્સર યુક્ત આધુનિક યંત્રને પરિણામે ખેત ઉપજ કેટલી મળશે તેની અંદાજ પહેલાથી જ મેળવી શકાય છે, તેથી તેના માર્કેટિંગના આયોજનો કરી શકાય છે

આજેય ભારતની 50 ટકા વસતિ કૃષિ પર નિર્ભર છે. ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે જ 22મી સપ્ટેમ્બરથી કૃષિ ક્ષેત્ર માટે જીએસટીના ઘટાડેલા દર લાગુ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. જીએસટીના ઘટાડાને પરિણામે કૃષિ ક્ષેત્રની કામગીરીને વેગ મળશે તેવી સરકારને આશા છે. રાસાયણિક ખાતર, કૃષિ ક્ષેત્રમાં વપરાતા રસાયણો, કૃષિ કામના યંત્રો અને ઉપકરણો, કૃષિ ઉપજ પર પ્રોસેસ કરીને મૂલ્ય વર્ધન કરવા માટેના યંત્રો અને મશીનરીઓ પરના જીએસટીના દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યા છે. પરિણામે ખેડૂતોનો ખેતી કરવાનો ખર્ચ નીચે આવી શકે છે. નાના અને સીમાંત ખેડૂતોને તેનાથી વધુ લાભ મળી શકે છે. તેમના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થઈ શકે છે. ફૂડ પ્રોસેસિંગની મશીનરી પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. તેથી ખેડૂતોને મોંઘી પડતી હોવાથી ફૂડ પ્રોસેસિંગના વ્યવસાયમાં ખેડૂતો કે ખેડૂતોનો સમુહ એન્ટ્રી લઈ શકતો નહોતો.

નાના અને સીમાંત ખેડૂતો સરળતાથી યાંત્રિકરણ તરફ વળી શકે છે. આમેય અત્યારે મજૂરી ખર્ચ ખાસ્સો મોંધો થઈ ગયો છે. મજૂરો મળવા મુશ્કેલ છે. તેથી પણ ખેતીના યાંત્રિકરણની જરૂરિયાત વધી છે. યાંત્રિકરણને કારણે ઓછા ખર્ચે ઝડપથી કૃષિ કામ થઈ શકશે. હજીય 50 ટકાથી ઓછા ખેડૂતો યંત્રોનો ઉપયોગ ખેતી કરવા માટે કરે છે. પૂર્વ ભારતના અને મધ્ય ભારતના ખેડૂતોમાં તો યંત્રોનો ઉપયોગ કરવાનું વલણ બહુ જ ઓચું છે. વાસ્તવમાં યાંત્રિકરણને કારણે ખર્ચ ઘટતાં ખેડૂતોની આવક વધવારના રસ્તા ખલૂશે. થ્રેસર, હાર્વેસ્ટર અને સોલાર પાવરથી ચાલતી સિંચીની સિસ્ટમ પરના જીએસટીના દર ઘટતા તેનો ફાયદો ખેડૂતોને ખાસ્સો મળશે.

કૃષિ હેતુ માટે ડ્રોનનો ઉપયોગ કરનારાઓ વધશે. તેમ જ હવામાનના કૂકડોની જેમ ફરતાં યંત્રનો ઉપયોગ વધશે. આ યંત્રમાં સેન્સર હોય છે. આ સેન્સર હવામાંના ફેરફારોને પારખી શકે છે. તેમ જ ખેતરમાં ઊભા પાકમાં કયા વિસ્તારમાં રોગચાળો લાગ્યો છે તેનો નિર્દેશ પણ આપી શકે છે. તેમ જ પાકને ક્યારે કેટલું પાણી આપવું જરૂરી છે તેનો પણ ખેડૂતોને નિર્દેશ આપી શકે છે.  આમ પાકને સિંચાઈના પાણી આપવાથી માંડીને પાકને રોગ લાગવાની સમસ્યા અંગેનો આગોતરો અંદાજ આ ઉપકરણો આપી દેતા હોવાથી ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. સરકાર પણ ઇચ્છે છે કે ખેડૂતો આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરતાં થાય. ખેત ઉપજના પ્રમાણ અંગે પણ આ ઇલેક્ટ્રોનિક ઉપકરણ આગોતરો અંદાજ આપી શકે છે. તેમ જ ખેડૂતો પોતાની પાસેના સાધનોનો મહત્તમ ઉપયોગ  કરી શકે છે. રોગનો આગોતરો અંદાજ મેળવીને તેનું નિયમન પણ કરી શકે છે. ક્લાઈમેટ ચેન્જની સમસ્યા તીવ્ર બની રહી છે તેવા સંજોગોમાં આ પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઈઝનો ઉપયોગ કરવો લાભદાયી સાબિત થઈ શકે છે. તેનાથી ખેડૂતો પોતાની પાસેના ટાંચા સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.

આ સાધનો ખેતરની બંને તરફથી 800થી 1000 મીટરના વિસ્તારમાં બેક્ટેરિયાની સંખ્યામાં થતા વધઘટનો અંદાજ આપવાને સમર્થ છે. આમેય ગુજરાત સહિતના રાજ્યોમાં ખેતી માટે વીજળી સમયસર અને દિવસ દરમિયાન ન મળતી હોવાની સમસ્યા છે જ છે. સોલાર પાવર આ સમસ્યાનું સમાધાન આપી શકે છે. સોલાર પાવરની પેનલ બેસાડવાન કારણે ખેડૂતોને જોઈએ ત્યારે વીજળી મળી શકે છે. સૌર ઉર્જાથી પેદા થતી વીજળીનો સંચય-સંગ્રહ કરવાની સુવિધા ઊભી કરી લે તો 24 કલાક વીજળી મેળવી શકે છે. પરિણામે ખેતી કામ સરળતાથી થઈ શકે છે. સોલાર વૉટર પમ્પ પણ હવે રૂ. 40,000ની આસપાસની કિમતે આજકાલ મળતા થયા છે. સોલાર પેનલ બેસાડવા માટે સરકારે સબસિડી આપીને ખેડૂતોની સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કર્યો જ છે.

બાર કે ચોવીસ કલાક સૌર ઉર્જાની વીજળી મળતી થાય તો ખેતી કામ કર્યા પછીના સમયમાં ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ માટે કે પછી ખેતીના ઉપકરણો બનાવવાના નાના મોટા ધંધાઓ કરીને વધારાની આવક મેળવવાના પ્રયાસો કરી શકે છે. આમ ગામડાંમાં જ ધંધા વિકસાવવાનો માર્ગ ખૂલશે. આ માર્ગ ખૂલે તો શહેરી વિસ્તાર તરફનો ગ્રામીણ પ્રજાનો ધસારો સીમિત થશે. શહેરોનો વસતિ વિસ્ફોટ સીમિત થશે. ખેતી અને અન્ય વ્યવસાય કરવાની ગામડાંમાં જ તક મળશે તો તેને પરિણામે શહેરમાં જઈને નોકરી કરવા માટે ગામડાં છોડનારા યુવાનો ઓછા થશે.  તેમ જ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન અને ગ્રામીણ વિસ્તારના સ્ટાર્ટઅપ્સ ફૂડ પ્રોસેસિંગને લગતી કે ખેત ઉપજ ખેડૂતો પાસેથી સીધી ખરીદીને સારા ભાવે બજારમાં વેચવાની કામગીરીમાં વધારો કરી શકશે. આમ ખેડૂતોને સારી આવક મેળવવામાં મદદરૂપ બનશે.

એક અંદાજ મુજબ ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ અંદાજે 600 અબજ ડૉલરનો છે. તેની મદદથી પાકની લણમી કર્યા પછી થતાં નુકસાનમાં મોટો ઘટાડો આવી જાય છે. એક અંદાજ મુજબ પાક ઉપજ લીધા પછી 30 ટકા વસ્તુઓ વપરાયા વિના જ બગડી જાય છે.  બગાડ ઘટવાને પરિણામે પણ ખેડૂતની આવકમાં વધારો થાય છે. વરસો સુધી ફૂડ પ્રોસેસિંગની મશીનરી પરનો ઊંચો ખર્ચ ખેડૂતનો પરિશાન કરતો હતો. હવે તેમાં ખાસ્સી રાહત મળશે. ખેડૂતો ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશનની રચના કરીને ખેત ઉપજને સૂકવવાની, તેમાંથી તેલ કાઢીને બજારમાં વેચવાની, કૃષિ ઉપજના પેકિંગ, ગ્રેડિંગ અને બ્રાન્ડિંગની એક્ટિવિટી કરી શકે છે. આ તમામ પ્રવૃત્તિ પરના જીએસટીના દરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તેને પરિણામે ખેડૂતોને માટે મળતી આખરી કિંમતમાં ખાસ્સો વધારો થઈ શકે છે.

તેની સાથેસાથે જ શાકભાજી અને અનાજનો બગાડ પણ સીમિત થઈ જશે. કારણ કે યંત્રો આવતા ખેતઉપજનો સંગ્રહ કરવાની સુવિધા પણ પહેલાની તુલનાએ વધુ અસરકારક બનશે. કૃષિ ઉપજની જાળવણી વધુ સરળ બનશે. કૃષિ ઉપજની જાળવણી અને સંગ્રહની સુવિધા ઊભી કરવાને પરિણામે ગ્રામીણ વિસ્તારમાં નવી રોજગારીનું નિર્માણ થશે. ખેતઉપજના પેકિંગ, ક્વોલિટી કંટ્રોલના કામકાજમાં ગામડાંની મહિલાઓ વધુ રોજગારી મેળવી શકશે. બિહારમાં મખાણાની ખેતી અને વેલ્યુ એડિશન કરવાને પરિણામે મોટી સંખ્યામાં ગરીબ મહિલાઓને રોજગારી મળી છે. તેમના થકી ઘર ચાલતા થયા છે.

આ પ્રકારના અનેક કિસ્સાઓ ગુજરાત અને ભારતના ગામડાંઓમાં બની શકે છે. આ સ્થિતિ વધુને વધુ વિસ્તારોમાં નિર્માણ થાય તો તેવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધતા શહેર તરફની સ્થળાંતર ઘટી શકે છે. બીજું, અપૂરતા પોષણવાળા આહારની ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી સમસ્યા પણ હળવી થઈ શકે છે.

મહારાષ્ટ્ર સરકારે માત્ર ને માત્ર સરગવાની ખેતી પર ફોકસ કરીને અપૂરતા પોષણની સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારીએક સાહસિકને સોંપી છે. માત્ર સરગવાની ખેતી કરવા માટે કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર કે ડિરેક્ટર તરીકેનો જોબ છોડીને આવનાર વ્યક્તિને મહારાષ્ટ્રમાં અપૂરતા પોષણની સમસ્યાનો ઉકેલ સરકારને આપી રહી છે. બિઝનેસ સેક્ટરમાં ટોચની પોસ્ટ પર રહેલી આ વ્યક્તિ  અપૂરતા પોષણની સમસ્યાનો ઉકેલ લાવવાની પાંચ જિલ્લાની કામગીરી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ વ્યક્તિને સોંપવામાં આવી છે. સરગવો એ સુપર ફૂડ ગણાય છે. જુદાં જુદાં સ્વરૂપમાં સરગવાનો ઉપયોગ કરવાથી માનવ શરીરની 80 ટકા બીમારીઓ દૂર થતી હોવાનું કહેવાય છે. બાળકોમાં કેલ્સિયમની સમસ્યાનો પણ તેનાથી ઉકેલ લાવી શકાય છે. વડીલોના હાડકાં બટકણાં થઈ જવાની એટલે કે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાનો પણ તેનાથી ઉકેલ આવે જ છે.

ફૂડ પ્રોસેસિંગની શક્યતા વધતા ખેડૂતો જુદાં જુદાં પ્રકારના પાક લેતાં થશે. કઠોળ, ફળ શાકભાજી, બાજરી, જવ, જુવારના પાક લેવા તરફ વળશે. આમ લોકોને પણ વધુ પોષક આહાર મળતો થશે. તેમ જ ગ્રામીણ વિસ્તારના પરિવારોની આવકની સલામતીમાં પણ વધારો થશે. આમ ગામડાંમાં સ્વરોજગાર વધશે. ગુજરાત અને ભારતના અનેક વિસ્તારમાં પુરુષો પરિવાર માટે આવક મેળવવા માટે ગામડાં છોડીને શહેરમાં જાય છે. બાંધકામના સેક્ટરમાં મજૂર તરીકે કામ કરીને દહાડિયું મેળવે છે. પુરુષો રોજી મેળવવા સ્થળાંતર કરી જતાં હોવાથી મહિલાઓએ ખેતી કરવી પડે છે. થોડા વરસો પહેલા મહિલાઓમાં ખેતીની બાબતમાં જોઈએ તેવી સૂઝબૂઝ નહોતી. તેથી ખેતીની જમીમમાં અપેક્ષા પ્રમાણે ખેતી કરીને ઉપજ મેળવી શકાતી નહોતી. હવે છેલ્લા દસ પદંર વર્ષથી તેમાં ફેરફાર આવી રહ્યો છે. તેથી ગ્રામીણ વિસ્તારમાં લોકો પાસે રોજગારી ઓછી હોવાની સમસ્યા હળવી થવા માંડી છે. મહિલાઓ પણ ખેતીમાં સક્રિય થઈ રહી છે. જોકે દેશના અનેક વિસ્તારોમાં આ સમસ્યા આજેય પહેલા જેવી જ છે. ફૂડ પ્રોસેસિંગના કામકાજ વધતાં પુરુષો અને મહિલાઓ બંને માટે રોજગારીની નવી તક નિર્માણ થશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ સક્રિય થઈને મહિલાઓની સક્રિયતા અને આવક વધારવાનો પ્રયાસ ચાલુ કરી રહ્યા છે. સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ નાના નાના સાહસોમાં રોકાણ કરવા માંડ્યા છે.  મહિલાઓ પાપડ બનાવવાના, મસાલા દળી  આપવાના, નર્સરી ચલાવવાના અને અન્ય નાના નાના સાહસોમાં પણ સેલ્ફ હેલ્પ ગ્રુપની માધ્યમથી જોડાઈ રહ્યા છે. મહિલાઓના સશક્તિકરણ પણ તેનાથી થઈ રહ્યું છે.

ભારત સરકારે જીએસટીમાં કરેલા ઘટાડાની વ્યક્તિગત ખેડૂતો પર પણ અસર પડતી જોવા મળશે. ખેતી કરવા માટેના કાચા માલ પર ને ફૂડ પ્રોસેસિંગ માટેની મશીનરી પર ઓછો જીએસટી લાગવાને પરિમામે ફૂડ પ્રોસેસિંગના બિઝનેસનું ફલક વધુ વિસ્તરશે. ગ્રામીણ વિસ્તારમાં નવા સાહસિકો આગળ આવશે. તેમને માટે ખેતાના ક્ષેત્રમાં નવી તકનું નિર્માણ થશે. મહિલાઓ ને યુવાનો પણ સાહસ કરતા થઈ જશે. આમ ફાર્મથી ફોર્ક એટલે કે ખેતરથી માંડીને ખાનારના મોઢા સુધીની સફર સરળ બનશે. તેઓ મૂલ્યવૃદ્ધિના કામ સાથે જોડાશે. પેકિંગના, વિતરણને કામ કરશે. આમ કૃષિ ઉપજોનું ફલક વિસ્તરશે.

બીજીતરફ આ પ્રવૃત્તિઓ ગ્રામીણ વિસ્તારમાં વધતા રોજગારીનું નિર્માણ પણ થશે. પાક લીધા પછીના નુકસાનમાં ઘટાડો થશે. ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારના સપનાંને સાકાર કરવામાં મહત્તવનો ફાળો આપશે. દેશની અન્ન સુરક્ષામાં વધારો થશે. આમ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઊઠાવેલું એક મહત્વનું  કદમ ગણાશે. કૃષિ ઉપજોમાંથી તૈયાર થતા પ્રોડક્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ પછી તૈયાર કરેલા પ્રોડક્ટ્સ પરના જીએસટીનો ઘટાડો અત્યંત મહત્વનો સાબિત થશે. જીએસટીના ઘટાડાનો ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં ખાસ્સો લાભ મળશે. જીએસટીના ઘટાડેલા દરનો લાભ દરેક ખેડૂતને પણ મળે તેવી સરકારની ઇચ્છા છે. જીએસટીના ઘટાડેલા દર અને નિયમોમાં કરેલા ફેરફારોને પરિણામે ફાર્મર્સ પ્રોડ્યુરસર ઓર્ગેનાઈઝેશન-એફપીઓને માટે કામકાજનું વિસ્તરણ કરવું સરળ બનશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ અને એગ્રીકલ્ચરના સેક્ટરના સ્ટાર્ટ અપ્સ સક્રિય થઈને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ અને યુવાનોને માટે રોજગારીની તક નિર્માણ કરી શકે છે.

Read Previous

કરદાતા કેટલું સોનું રાખે તો આવકવેરા ખાતાને હિસાબ આપવો ન પડે

Read Next

નવા સપ્તાહમાં ભારતના શેરબજાર પર કોનો પ્રભાવ જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular