BIS સર્ટિફિકેશન મેળવવા શું કરશો? તેનાથી શું ફાયદા થાય?

BIS સર્ટિફિકેશન મેળવવા શું કરશો? તેનાથી શું ફાયદા થાય?
બજારમાં પોતાનું વર્ચસ્વ જમાવવું હોય તો તેનો ફક્ત એક જ રસ્તો છે- એવી પ્રોડક્ટ આપવી જેના પર ગ્રાહક આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકે. ખાસ કરીને ભવિષ્યમાં બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય, પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાનો પ્લાન હોય તો તેવામાં પ્રોડક્ટની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. પ્રોડક્ટ કે સર્વિસ ગુણવત્તાસભર અને કિફાયતી હશે તો ગ્રાહક ફરી તે ખરીદશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારતના ગ્રાહકો સુધી પહોંચનારી પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાની હોય તેની ખાતરી કરવા માટે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની સ્થાપના કરવામાં આવી છે. 1986માં અસ્તિત્વમાં આવેલા BISના કાયદાને 2016માં રિવાઈઝ કરવામાં આવ્યો હતો. પ્રોડક્ટની ગુણવત્તાની ચકાસણી બાદ BIS દ્વારા સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવે છે. BISની અપેક્ષા પર ખરી ઉતરેલી પ્રોડક્ટ્સ ગ્રાહકો આંખ મીંચીને ખરીદી લે છે. હાલ 361 પ્રોડક્ટ્સ એવી છે જે BIS સર્ટિફિકેટ વિના વેચી શકાતી નથી. તેમાં પીવીસી પાઈપ્સ, ડ્રેનેજ તથા સુએજ સિસ્ટમના ફિટિંગ્સ, સીવવાના સંચા, ઓટોમોબાઈલ વ્હીલ રીમ કોમ્પોનન્ટ, પેપર, સેફ્ટી ગ્લાસ, રમકડા, એલપીજી માટે રબર હોઝ, કેમિકલ્સ તથા ખાતર, ઈલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર તથા મોટર, સ્ટીલ અને આયર્ન પ્રોડક્ટ્સ, મેડિકલ ઈક્વિપમેન્ટ, ઓટોમોબાઈલ એક્સેસરીઝ, સ્ટવ, બેબી ફૂડ અને બોટલ્સ, બેટરી, ઘરમાં વસાવાતા ઈલેક્ટ્રિકલ સાધનો, સિમેન્ટ વગેરે પર BIS સર્ટિફિકેટ લેવું અતિ આવશ્યક છે. નવા વર્ષથી સરકારે તમામ રમકડા માટે પણ BIS સર્ટિફિકેશન ફરજિયાત બનાવી દીધું છે. આ ઉપરાંત 1 જૂન 2021થી સોનાના ઘરેણા માટે પણ આ સર્ટિફિકેટ ફરજિયાત બની રહ્યું છે. ભારત સરકારનું આયોજન ભવિષ્યમાં 600થી વધુ પ્રોડક્ટ્સ માટે BIS સર્ટિફિકેશન ફરજિયાત બનાવવાનું છે. આવા સંજોગોમાં વેપારીઓને આ સર્ટિફિકેટ ક્યાંથી, કેવી રીતે મળે તેનું જ્ઞાન હોય તો સમગ્ર પ્રક્રિયા સરળ બની જાય છે.
BIS સર્ટિફિકેશન લેવાના ફાયદાઃ BIS સર્ટિફિકેશન એટલે કે તમારી પ્રોડક્ટ પર ISI માર્ક એ વાતનો બોલતો પુરાવો છે કે તમે ગુણવત્તાસભર પ્રોડક્ટ બનાવો છે. તે એ વાતની ખાતરી આપે છે કે પ્રોડક્ટ ક્વોલિટી કંટ્રોલ અધિકારી દ્વારા ચકાસાઈ છે અને તે ગુણવત્તાના તમામ ધારાધોરણોને મળતી હોવાથી જ તેને મંજૂરી આપવામાં આવી છે. BIS સર્ટિફિકેશન ગ્રાહકોને ખાતરી અપાવે છે કે તમારી પ્રોડક્ટ સારામાં સારા રો મટિરિયલમાંથી બની છે અને તે લાંબી ટકશે. ગ્રાહક જ્યારે પોતાના ખૂબ મહેનતથી કમાયેલા રૂપિયા કોઈ પ્રોડક્ટ પાછળ ખર્ચતા હોય તો તે એવી જ પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખે છે જેની ગુણવત્તા સારી હોય. આથી જ સર્ટિફિકેશન વિનાની પ્રોડક્ટ્સની સરખામણીએ માર્ક ધરાવતી પ્રોડક્ટ્સ ઝડપથી વેચાઈ જાય છે. આ ઉપરાંત ગવર્મેન્ટ પરચેસમાં BIS સર્ટિફિકેશન મેળવનારને પ્રાથમિકતા આપવામાં આવે છે. AHBO-Iના હેડ એસ.કે સિંહ જણાવે છે, “વેપારીને શરૂઆતમાં લાગી શકે છે કે તેમણે લાયસન્સ મેળવવા માટે ખર્ચ કરવો પડી રહ્યો છે પરંતુ સરવાળે તેમને BIS સર્ટિફિકેશનથી ફાયદો જ થાય છે. ઉત્પાદનની પ્રોસિજર ડિફાઈન થવાથી વેસ્ટેજ ઘટી જાય છે. વળી, દર વર્ષે ક્વોલિટી ટેસ્ટિંગ થતું રહેતું હોવાથી વેપારીને પણ ખબર પડે છે કે તેમની પ્રોડક્ટની ગુણવત્તા બરકરાર છે કે નહિ.” ઘણી વાર એવું પણ બની શકે કે વેપારીના પર્સનલ ટેસ્ટિંગ ઑફિસર પ્રોડક્ટની ગુણવત્તા પર બરાબર ધ્યાન ન આપે તો વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય છે. BISના ધારાધોરણો મુજબ નિયમિત પ્રોડક્ટનું ટેસ્ટિંગ થતું રહે તે માટે જો વેપારી ટેસ્ટ ઈક્વિપમેન્ટ વસાવે તો રૂ. 10 લાખ સુધીના ખર્ચ ઉપર રાજ્ય સરકાર તેને સબસિડી પણ આપે છે.
BIS સર્ટિફિકેશન કેવી રીતે મેળવી શકાય? BIS સર્ટિફિકેટ મેળવવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. AHBO-IIના હેડ સુમિત સેંગર તેના પર પ્રકાશ પાડતા જણાવે છે, “સર્ટિફિકેટ બે રીતે મેળવી શકાય છે- સિમ્પ્લિફાઈડ પ્રોસિજર અને નોર્મલ પ્રોસિજર. https://www.manakonline.in/MANAK/login (માનકઓનલાઈન) વેબસાઈટ પર જઈને ત્યાં વેપારી યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અહીં જ તેને પૂછવામાં આવશે કે તે નોર્મલ પ્રોસિજર પસંદ કરવા માંગે છે કે સિમ્પ્લિફાઈડ. ત્યાર બાદ વેબસાઈટમાં જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ વેપારીએ અપલોડ કરવાના રહે છે. સિમ્પ્લિફાઈડ પ્રોસિજરમાં સેમ્પલનું બે વખત ટેસ્ટિંગ થાય છે. એક વખત વેપારી પોતે કરાવે છે અને બીજી વખત BISના અધિકારી ટેસ્ટિંગ કરે છે. આખા દેશમાં BISની પોતાની 8 લેબ છે. આ ઉપરાંત બીજી 267 ખાનગી લેબને BISએ ટેસ્ટિંગની માન્યતા આપેલી છે. આ લેબમાં જઈને વેપારી BIS સર્ટિફિકેશન મેળવવાની રજૂઆત કરી શકે છે. તે પોતાની પ્રોડક્ટનું સેમ્પલ સબમિટ કરે ત્યાર બાદ તેને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ ટેસ્ટ કરવામાં આવે છે. અરજી BIS ઑફિસ પાસે આવે ત્યાર બાદ પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે ઑફિસર એસાઈન કરવામાં આવે છે. તે પાંચ દિવસની અંદર એપ્લિકેશનની સ્ક્રૂટિની કરે છે. કોઈ ક્વેરી ન હોય તો ઈન્સ્પેક્શનની તારીખ નિશ્ચિત કરે છે અને 17 દિવસની અંદર અંદર BIS અધિકારી મેનુફેક્ચરિંગ ફેસિલિટી પર જઈને ફિઝિકલ વેરિફિકેશન કરે છે. આ માટેની તારીખ પણ ઓનલાઈન જ નક્કી કરવામાં આવે છે. એક વાર લાયસન્સ મળી જાય પછી વર્ષમાં એક કે બે વાર રેન્ડમ સર્વેલન્સ થાય છે. BISની વેબસાઈટ પર પ્રોડક્ટ મેન્યુઅલ્સમાં દરેક પ્રોડક્ટ માટે ક્યારે ક્યારે વેરિફિકેશન જરૂરી છે તેની યાદી આપેલી છે. પ્રોડક્ટના પ્રકાર મુજબ તેનું દરરોજ કે દર અઠવાડિયે ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. “
અચ્છા, BISના અધિકારી સર્ટિફિકેશન માટે કઈ બાબત ધ્યાનમાં લેશે તેની વિગતો પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. હોમ પેજમાં કન્ફર્મિટી એસેસમેન્ટ સેક્શનમાં પ્રોડક્ટ સ્પેસિફિક ગાઈડલાઈન્સ પર ક્લિક કરતા પ્રોડક્ટ મેન્યુઅલ્સ ખૂલશે. તેમાં તમે તમારી પ્રોડક્ટ સિલેક્ટ કરશો એટલે લાયસન્સ લેવા માટે રો મટિરિયલ કેવા હોવા જોઈએ, કેવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જોઈએ વગેરે તમામ વિગતો તમને મળી જશે. ‘ સિમ્પ્લિફાઈડ પ્રોસિજર હોય તો 30 દિવસની અંદર અંદર વેપારીને લાયસન્સ ગ્રાન્ટ થઈ જાય છે. આ પ્રક્રિયામાં વેપારીએ પૂર્વેથી લેબ ટેસ્ટિંગ કરાવ્યું હોવાથી BIS પોતાના લેબ ટેસ્ટિંગના રિઝલ્ટની રાહ જોતું નથી અને સીધું સર્ટિફિકેટ આપી દે છે. નોર્મલ પ્રોસિજરમાં વેપારી પોતે લેબ ટેસ્ટિંગ કરાવતો નથી. આથી આ પ્રક્રિયામાં લાયસન્સ મેળવવામાં 4 મહિનાનો સમય લાગી જાય છે. નોર્મલ પ્રોસિજરની ફી સિમ્પ્લિફાઈડ પ્રોસિજર કરતા ઓછી છે પરંતુ તેમાં સમય વધુ લાગતો હોવાથી મોટા ભાગના વેપારીઓ સિમ્પ્લિફાઈડ પ્રોસિજર જ પસંદ કરે છે. સુમિત સેંગર જણાવે છે, “BIS સર્ટિફિકેશન માટે ઓનલાઈન એપ્લિકેશનની પ્રક્રિયા સાવ સરળ છે. દરેક સ્ટેપ પર આગળ અરજકર્તાએ શું કરવાનું છે તેની સૂચના આપી દેવામાં આવે છે. આથી ટેક્નોલોજીનું સાધારણ જ્ઞાન ધરાવતા વેપારી પણ ઓનલાઈન અરજી કરી શકે છે.”
ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજ જોઈએ? તમારે ઓનલાઈન અરજી કરવા માટે કેટલાંક જરૂરી દસ્તાવેજો અરજી સાથે અપલોડ કરવાના રહેશે. તેની વિગતો આ મુજબ છે. -એક્સેલ શીટમાં જણાવેલ ફોર્મેટ મુજબ મેનુફેક્ચરિંગ ફેસિલિટીની વિગતો -એક્સેલ શીટમાં જણાવેલ ફોર્મેટ મુજબ ટેસ્ટિંગ ફેસિલિટીની વિગતો – DIC/MSME રજિસ્ટ્રેશનનો પુરાવો – ઑફિસ તથા ફેક્ટરીના એડ્રેસનો પુરાવો – કંપનીના રજિસ્ટ્રેશનનો પુરાવો. – BIS લેબોરેટરીનો કન્સેન્ટ લેટર – ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા દર્શાવતો ફ્લો ચાર્ટ (અમુક કિસ્સામાં પ્રોડક્ટ્નું ચિત્ર) – ફેક્ટરીનો લોકેશન પ્લાન, તે એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી કેટલી દૂર છે તેની વિગતો. – ટેસ્ટ રિપોર્ટ – લેઆઉટ પ્લાન – ક્વેલોટી કંટ્રોલ અધિકારીએ આપેલા ક્વોલિફિકેશન સર્ટિફિકેટ્સની કોપી – રો મટિરિયલના ટેસ્ટ સર્ટિફિકેટની નકલ – બ્રાન્ડ નેમ ડિક્લેરેશન અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ – અરજી કર્યા પછી કમસેકમ ત્રણ મહિના સુધી વેલિડ હોય તેવા કેલિબ્રેશન સર્ટિફિકેટની નકલ – લખાણ કે ચકાસણી દરમિયાન સેમ્પલ ધારાધોરણ મુજબની ગુણવત્તાના નહિ હોય તો ગ્રાન્ટ કરેલું લાયસન્સ સસપેન્ડ કરાશે.
સર્ટિફિકેશન માટે કેટલી ફી ચૂકવવી પડે? દરેક પ્રોડક્ટ માટે અલગ અલગ ફી નિર્ધારિત કરવામાં આવી છે. તેમાં લેબમાં ટેસ્ટિંગ કરવાનો ખર્ચ જ વધારે આવે છે. પરંતુ સામે પ્રોડક્ટની વિશ્વસનીયતા વધતી હોવાથી વેપારીઓ વર્ષે એક વાર સર્ટિફિકેશન પાછળ કરવામાં આવતા ખર્ચ સામે જોતા નથી. એક વખત સર્ટિફિકેટ મળી જાય પછી તેને દર વર્ષે રિન્યુ કરાવવું પડે છે. આ માટે એન્યુઅલ લાયસન્સ ફી અને એપ્લિકેશન ફી ભરવાની રહે છે. સર્ટિફિકેટ મેળવ્યા બાદ પણ ગુણવત્તા જાળવવી જરૂરીઃ સર્ટિફિકેટ ઈશ્યુ કર્યા બાદ પણ BISના અધિકારીઓ દ્વારા વર્ષમાં એક-બે વાર રેન્ડમ સર્વેલન્સ કરવામાં આવે છે. આ ઉપરાંત એન્ડ્રોઈડ પર BIS Care એપ પર જો કોઈ ગ્રાહક પ્રોડક્ટની ગુણવત્તા વિષે ફરિયાદ કરે તો અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરે છે. જો ચકાસણીમાં સેમ્પલ 1 વાર ફેલ થાય તો વેપારીને સુધારવાની તક મળે છે. બે વાર સેમ્પલ નિષ્ફળ જાય તો લાયસન્સ સસપેન્ડ થાય છે અને ત્રીજી વાર ફેલ જાય તો લાયસન્સ રદ કરવામાં આવે છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં ઑફિસ આવેલી છે? ગુજરાતમાં BISની પાંચ ઑફિસ આવેલી છે. તેમાં અમદાવાદમાં 2, રાજકોટમાં 2 અને સુરતમાં 1 ઑફિસ છે. AHBO-I (અમદાવાદ)માં ગુજરાતના ચાર જિલ્લા- અમદાવાદ, મહિસાગર, પાટણ અને સાબરકાંઠા કવર થાય છે. AHBO-IIમાં ગુજરાતના કુલ 10 જિલ્લા- મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, વડોદરા અને નર્મદા કવર થાય છે. RJBO-I (રાજકોટ)માં ત્રણ જિલ્લા રાજકોટ, બોટાદ અને અમરેલીનો સમાવેશ થાય છે જ્યારે RJBO-II, રાજકોટમાં ગુજરાતના 9 જિલ્લા- કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. SUBO (સુરત)માં ગુજરાતના સાત જિલ્લા- સુરત, ભરુચ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ તથા ત્રાણ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દીવ તથા દમણનો સમાવેશ થાય છે.
બોક્સઃ 1 જૂન 2021થી ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગ ફરજિયાતઃ ભારત સરકારે સોનાના ઘરેણામાં ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે 1 જૂન 2021થી ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવી દીધું છે. AHBO-Iના હેડ એસ.કે સિંહ જણાવે છે, “હાલ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એસેયિંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરમાં જ્વેલરી ટેસ્ટ કરાવવી પડે છે. બધી જ જ્વેલરી પર હોલમાર્ક ફરજિયાત છે. જો તપાસતા જ્વેલરીની શુદ્ધતા જણાવ્યા મુજબની ન નીકળે તો જ્વેલર અને હોલમાર્કિંગ સેન્ટર બંને સામે એક્શન લેવાય છે. ગ્રાહકે હોલમાર્ક જોઈને જ્વેલરી ખરીદી હોય અને પાછળથી તેની શુદ્ધતા ઓછી હોવાનું જાણવા મળે તો તેને કિંમતના તફાવતની બેથી ત્રણ ગણી રકમ વળતરરૂપે મળે છે.” અમદાવાદ મહાનગર જ્વેલર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ રોહિત ઝવેરીનું માનવું છે કે આ પગલાને કારણે ઘરેણાના મેકિંગ ચાર્જીસમાં વધારો થઈ શકે છે. તેઓ જણાવે છે, “ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવાતા ગ્રાહકોને સ્ટાન્ડર્ડ સોનું અને 22 કેરેટના પ્યોર દાગીના મળશે. અત્યાર સુધી નાના સોનીઓ અને ખાસ કરીને ગામડામાં 18 કેરેટનો માલ 22 કેરેટ દર્શાવીને આપતા હતા અને લોકો વિશ્વાસથી લઈ પણ જતા હતા. સોનામાં માર્જિન મળતું હોવાથી તેઓ મેકિંગ ચાર્જ ઓછો રાખતા હતા. હવે આ શક્ય બનશે નહિ. નાના ગામમાં પણ લોકોને શુદ્ધ સોનાના દાગીના મળી શકશે પરંતુ તેમણે મેકિંગ ચાર્જ વધારે ચૂકવવા પડશે.” સોનામાં 18 કેરેટ, 22 કેરેટ અને 21 કેરેટ માટે હોલમાર્ક આવે છે. 5 કરોડ કરતા ઓછું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ રૂ. 7500ની રજિસ્ટ્રેશન ફી ચૂકવીને હોલમાર્કિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 5થી 25 કરોડના ટર્ન ઓવર માટે આ ફી રૂ. 15,000, 25થી 100 કરોડના ટર્નઓવર માટે રૂ. 40,000 અને 100 કરોડથી વધુના ટર્ન ઓવર ધરાવતા જ્વેલર્સ માટે આ ફી રૂ. 80,000 રાખવામાં આવી છે. ચેકિંગ માટે દરેક ઘરેણા દીઠ ઝવેરીએ રૂ. 25 કે રૂ 35ની ફી ચૂકવવાની રહેશે. બોક્સઃ 1 જાન્યુઆરી 2021થી ઈમ્પોર્ટેડ ટોય્ઝ માટે પણ સર્ટિફિકેશન ફરજિયાતઃ અગાઉ ચીનથી મોટા પ્રમાણમાં સબસ્ટાન્ડર્ડ પ્લાસ્ટિકથી બનેલા રમકડા ભારતમાં ઠલવાતા હતા. ભારતમાં બનેલા રમકડાં જ નહિ, વિદેશથી આયાત થતા રમકડા પણ ઉચ્ચતમ ગુણવત્તાના હોય અને બાળકોને હાનિ ન કરે તે માટે સરકારે 1 જાન્યુઆરીથી આયાત કરેલા રમકડા માટે સર્ટિફિકેશન ફરજિયાત બનાવી દીધું છે. AHBO-IIના હેડ સુમિત સેંગર જણાવે છે, “BISના અધિકારીઓ વિદેશમાં પણ મેનુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લઈને, પ્રોડક્ટની ગુણવત્તા ચકાસીને જ સર્ટિફિકેટ આપે છે.” તેમાં ખાસ કરીને જોવાય છે કે રમકડા બનાવવામાં વપરાયેલું મટિરિયલ બાળક મોંમાં નાંખે તો તેમાંથી કોઈ ઝેરી દ્રવ્યો તો બાળકના શરીરમાં નથી જતા ને. આ ઉપરાંત બાળકને તેનાથી સ્કિન ઈરિટેશન ન થાય, રમકડામાં કોઈ એવી ધાર ન હોય જે બાળકને વાગી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ઈલેક્ટ્રિકલ ટોય્ઝમાં બેટરીની ગુણવત્તા ચકાસવામાં આવે છે જેથી બાળક રમતું હોય ત્યારે બેટરી ફાટવાનો ડર ન રહે.