• 15 January, 2026 - 10:13 PM

સોનાની તેજી સાથે જ તમામ કિંમતી ધાતુઓમાં તેજીની ચાલ

2026ના વર્ષમાં પણ સોના અને ચાંદી ઉપરાંત પ્લેટિનમ ને પેલેડિયમ સહિતની કિંમતી ધાતુઓમાં તેજી યથાવત રહેશે

અમદાવાદઃ સોનામાં ચાલતી તેજી હવે માત્ર સોનાં સુધી સીમિત રહી નથી, પરંતુ ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી તમામ કિંમતી ધાતુઓમાં પૂર્ણ રેલીમાં ફેરવાઈ ગઈ છે. નવા વર્ષમાં પણ આ તેજી ફરી એકવાર જોવા મળી શકે છે. 1848માં કેલિફોર્નિયાની અમેરિકન નદીમાં જેમ્સ માર્શલને સોનાં જેવાં દેખાતા પથ્થરો મળ્યા હતા. એ ઘટનાએ ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલા “ગોલ્ડ રશ-સોનું મેળવવા માટેની પડાપડી”ને જન્મ આપ્યો હતો. દુનિયાભરના લોકો સોનાની શોધમાં અમેરિકા તરફ ધસી આવ્યા હતા. ત્યાર બાદ દુનિયા ઘણી બદલાઈ ગયું છે.

બ્રેટન વૂડ્સ સિસ્ટમ હેઠળ અમેરિકન ડોલરને સોનાથી જોડવામાં આવ્યો હતો. પરંતુ 15 ઑગસ્ટ 1971ના રોજ રિચર્ડ નિક્સને ડોલરને સોનાની ગેરંટીમાંથી બહાર કાઢી દીધો અને દુનિયા ફિયાટ કરન્સીના યુગમાં પ્રવેશી ગઈ હતી. ભારતમાં પણ આ જે ચલણી નોટ્સ છાપે છે ત્યારે તેની પાછળ સોનાની ગેરન્ટી હોતી નથી. ત્યારે કેટલાક લોકોએ સોનાનું મહત્વ ઘટી જશે એવી આગાહી કરી હતી, પરંતુ એના બદલે આગામી દસ વર્ષમાં સોનાનો ભાવ દસગણો થયો હતો. 1970ના દાયકામાં તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે મોંઘવારી 20 ટકા કરતાં વધુ વધી ગઈ હતી.

પચાસ વર્ષ બાદ ફરી એકવાર 1971 જેવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, વૈશ્વિક રાજકીય તણાવ અને વૈશ્વિક અર્થતંત્રની મંદીએ એક નવા ગોલ્ડ રશ-સોનાની ખરીદી માટેની પડાપડીને જન્મ આપ્યો છે. આ વખતે લોકો નદીમાં સોનાં શોધવા નથી ઊતર્યા. પરંતુ રોકાણકારો ઘરેલુ પરિવારો અને કેન્દ્રીય બેંકો સોનાં પાછળ દોડી રહ્યા છે.

2025માં સોનાએ ઐતિહાસિક તેજી નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં 24 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,479 ડોલર રહ્યો હતો. એક વર્ષ અગાઉ આ ભાવ 2,633 ડોલરનો હતો. ભારતમાં પણ સોનાએ ગયા વર્ષે 50થી વધુ વખત નવા રેકોર્ડ બનાવ્યા છે. ડિસેમ્બર 2025 સુધીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1.31 લાખની આસપાસ પહોંચી ગયો હતો. સોનામાં 1974 પછીની આ સૌથી મોટી તેજી ગણાય છે.

ભારતીય પરિવારો પાસે અંદાજે 34,600 ટન સોનું હોવાનું માનવામાં આવે છે. સરકારના પ્રયાસો છતાં ભારતીયોનો સોનાં પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી, અને આયાતના આંકડા પણ એ જ બતાવે છે. સોનાની સરખામણીમાં ચાંદીની તેજી તો હજી વધુ છે. ઇલેક્ટ્રિક વાહન, સોલાર ઊર્જા અને ડેટા સેન્ટર્સ જેવી નવી ટેક્નોલોજીમાં ચાંદીની માંગ વધતા ચાંદીના ભાવમાં જબરદસ્ત ઊછાળો આવ્યો છે. પ્લેટિનમ અને પેલેડિયમ પણ આ તેજીમાં જોડાયા છે.

ભારત જેવી આયાત પર આધારિત અર્થવ્યવસ્થા માટે આ સ્થિતિ ચિંતાજનક છે. કિંમતી ધાતુઓની વધતી કિંમતોને કારણે વિદેશી મુદ્રા પર ભાર વધી રહ્યો છે. ડિસેમ્બર 2025માં રૂપિયો પ્રતિ ડોલર 91 સુધી નબળો પડ્યો હતો. FY25માં ભારતે લગભગ 58 અબજ ડોલરનું સોનું આયાત કર્યું હતું. જે આગળના વર્ષ કરતાં 27 ટકા વધુ હતું. FY26માં માત્ર ઓક્ટોબર સુધીમાં સોનાની આયાત મૂલ્યમાં 21 ટકાનો વધારો થયો છે. ભલે સોનાની આયાતના જથ્થામાં ઘટાડો થયો હોય તો પણ તેના મૂલ્યમાં વધારો થઈ ગયો છે.

વિશ્લેષકો માને છે કે 2026માં પણ કિંમતી ધાતુઓમાં તેજી યથાવત રહેશે. BNP Paribas Fortisના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર ફિલિપ ગિજલ્સના મતે સોનાનો ભાવ 5,000થી 6,000 ડોલર સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી ત્રણ અંકના ભાવ સુધી જઈ શકે છે. પ્લેટિનમમાં સૌથી વધુ સંભાવના છે. વિખ્યાત રોકાણકાર રે ડાલિયો પણ સોનાં અંગે આશાવાદી છે. તેઓ રોકાણકારોને પોતાના પોર્ટફોલિયોમાં 5થી 15 ટકા સોનામાં રોકાણ કરવાની સલાહ આપે છે, કારણ કે આર્થિક સંકટ અને મોંઘવારીના સમયમાં સોનું સુરક્ષિત આશ્રય સાબિત થાય છે.

2025-26માં ચાંદીએ ભારતીય બજારમાં 133 ટકાનો ઉછાળો નોંધાવ્યો અને પ્રતિ કિલો રૂ.2.38 લાખ સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીનો ભાવ 150 ટકા વધ્યો છે. પરંતુ આ તેજી દરેક માટે સુખદ નથી. ઊંચા ભાવને કારણે જ્વેલરી ક્ષેત્રમાં માંગ ઘટી શકે છે. જોકે ગોલ્ડ લોન કંપનીઓ માટે આ સ્થિતિ ફાયદાકારક સાબિત થઈ છે. વિશ્લેષકો ચેતવણી પણ આપે છે કે બજારમાં ક્યારેક 10 ટકા કે તેથી વધુનું કરેક્શન એટલે કે ભાવમાં ઘટાડો આવી શકે છે. તેમ છતાં લાંબા ગાળે કિંમતી ધાતુઓનું ભવિષ્ય મજબૂત દેખાઈ રહ્યું છે. સારાંશરૂપે, સોનું અને ચાંદી હવે માત્ર દાગીના નહીં, પરંતુ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતામાં મહત્વપૂર્ણ રોકાણ વિકલ્પ બની ગયા છે.

 

Read Previous

ક્રિપ્ટો સ્કેમ કેવી રીતે ઓળખવવા માટે ભારતીય રોકાણકારો માટે ચેતવણીના સંખ્યાબંધ સંકેતો

Read Next

નિવૃત્તિ પછી નાગરિકોને પૂરતું પેન્શન ન આપીને સામાજિક સુરક્ષાની વ્યવસ્થા ન કરી શકતી સરકાર નિવૃત્ત કર્મચારીઓ પર વેરાનો બોજ વધારવાનું બંધ કરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular