કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના (OPS) તરફ પરત જવાની સ્પષ્ટ ના પાડી

કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે હવે NPS અને UPSને વધુ મજબૂતી મળશે
અમદાવાદઃ કેન્દ્રના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પાછી આવશે તેવી શક્યતા પર હવે પાણી ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેનું ધ્યાન હવે NPS અને UPS પર છે, OPS પર ધ્યાન છે જ નહીં. 8મી સેન્ટ્રલ પે કમિશન (Central Pay Commission) ની Terms of Referenceમાં બિન-યોગદાનવાળી (non-contributory) પેન્શન યોજનાઓના અનફંડેડ ખર્ચનો ખાસ ઉલ્લેખ કર્યો છે. સરકારનો આ ઉલ્લેખ સ્પષ્ટ કરે છે કે જૂની પેન્શન યોજના (OPS) પાછી લાવવાની સંભાવના બહુ જ ઓછી છે. કેન્દ્ર સરકાર હવે NPS અને UPSને વધુ ટકાઉ અને જવાબદાર નિવૃત્તિ લાભ યોજના તરીકે મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે.
OPS અંગે તાજેતરનો અપડેટ
કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, તેમાંથી ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓને બાદ કરીને વાત કરીએ તો ઘણા સમયથી OPS ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. National Pension System (NPS) જાન્યુઆરી 2004માં શરૂ કરવામાં આવી હતી, નેશનલ પેન્શન સ્કીમે દાયકાઓ જૂની ખાતરી આપતી પરંતુ બિન-યોગદાનવાળી જૂની પેન્શન યોજના OPSનું સ્થાન લીધું હતું.
એકવીસ વર્ષ પછી પહેલી એપ્રિલ, 2025ના રોજ કેન્દ્ર સરકારે Unified Pension Scheme (UPS) નામની નવી યોજના શરૂ કરી હતી. આ એનપીએસ યોજનામાં OPS અને NPS બંનેનાં ઘટકોને સમાવી લેવામાં આવેલા છે. UPS એક યોગદાન આધારિત યોજના છે. યુપીએસની યોજના NPSની યોજના જેવી જ છે. પરંતુ તેમાં OPS જેવી ન્યૂનતમ પેન્શનની ખાતરી પણ આપવામાં આવે છે, શરત એ છે કે કર્મચારી ચોક્કસ વર્ષો સુધી સેવા આપેલી હોવી ફરજિયાત છે.
કર્મચારી સંગઠનોની માંગ અને સરકારનો પ્રતિભાવ
આ વર્ષે જાન્યુઆરીમાં 8મી પે કમિશનની જાહેરાત બાદ સરકારે કર્મચારી સંસ્થાઓ પાસેથી પગાર અને પેન્શન સંબંધિત સૂચનો માંગ્યા હતા. જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી એ તેમની મુખ્ય માંગોમાંની એક હતી. પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ રજૂઆત વિચારાધીન નથી. હાલમાં જ જાહેર કરાયેલા 8મી પે કમિશનના Terms of Reference (ToR) અનુસાર કમિશન આગામી 18 મહિનામાં તેની ભલામણો રજૂ કરશે.
સરકારે OPS ને નકારવાનો સંકેત આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી તાજેતરની કેન્દ્ર કેબિનેટની બેઠકમાં 8માં સેન્ટ્રલ પે કમિશનની શરતોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં મહત્વનો મુદ્દો એ છે કે બિન-યોગદાનવાળી પેન્શન યોજનાઓનો અનફંડેડ ખર્ચ વાળી યોજના છે. સરકાર આર્થિક શિસ્ત અને લાંબા ગાળાની ટકાઉપણાને મહત્વ આપે છે અને જૂની OPS જેવી બિન-યોગદાનવાળી યોજનાઓ પર પાછા જવા માગતી નથી. કેબિનેટ દ્વારા મંજૂર શરતો મુજબ, કમિશન ભલામણો તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેશે. તેમાં દેશની આર્થિક અને નાણાંકીય શિસ્તને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. સરકારને જોઈતા વિકાસ ખર્ચના નાણાં અને કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચના નાણાં મળી રહે તે રીતે સમગ્ર આયોજનને અમલમાં મૂકવામાં આવશે. ઓપીએસનું મોડેલ સરકારની દ્રષ્ટિએ નાણાકીય રીતે અસહ્ય છે.
ત્રણ પેન્શન યોજનાઓનો પૃષ્ઠભૂમિ — OPS, NPS, અને UPS
ઓલ્ડ પેન્શન યોજના 1 જાન્યુઆરી 2004 પહેલા નિયુક્ત કર્મચારીઓ માટે લાગુ હતી. તેમાં કર્મચારી કોઈ ફાળો આપતા નહોતા. તેમ છતાં તેમની નિવૃત્તિ પછી સરકાર સંપૂર્ણ પેન્શન ચૂકવતી હતી. સમય જતાં આ ખર્ચ સરકારના ખજાને ભારે પડવા લાગ્યો હતો. બીજીતરફ એનપીએસની યોજના-NPS જાન્યુઆરી 2004માં શરૂ થઈ હતી. આ યોજનામાં સરકાર અને કર્મચારી બંને પગારનો એક ભાગ ફાળવે છે. આ રકમ બજાર આધારિત ફંડમાં રોકાય છે, અને નિવૃત્તિ પછી મળતી પેન્શન આ રોકાણના રિટર્ન પર આધારિત રહે છે. તેથી પેન્શનની ખાતરી નથી, પણ આ મોડલ સરકાર માટે ટકાઉ છે. તેથી જ સરકાર તેને વળગી રહેવા માગે છે.
તાજેતરમાં રજૂ થયેલી યોજના UPS-NPS જેવી રોકાણ યોજના હેઠળ ન્યૂનતમ ખાતરી આપતી પેન્શનની વ્યવસ્થા પણ છે. એટલે કે UPSની યોજના સુરક્ષા અને ટકાઉપણું બંનેનું સંતુલન ધરાવે છે. OPS પર સરકારે વલણ સ્પષ્ટ કર દીધું છે. સરકાર OPS પુનઃસ્થાપિત કરશે જ નહી. મતદારોને રીઝવવાના ઇરાદા સાથે રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ અને ઝારખંડ જેવી વિપક્ષી રાજ્ય સરકારો મતદારોને આકર્ષવા માટે OPS તરફ વળ્યાં છે. તેમ છતાં કેન્દ્ર સરકારએ સાફ કહ્યું છે કે તે OPS લાગુ કરશે જ નહીં. વિત્ત મંત્રાલય અને Personnel & Training (DoPT) વિભાગે પણ વારંવાર જણાવ્યું છે કે OPS ફરી લાવવામાં નહીં આવે અને કેન્દ્રના કર્મચારીઓ માટે NPS તથા UPS જ લાગુ રહેશે.



