ત્રીજી જાન્યુઆરીથી ત્રણ કલાકમાં બેન્ક ખાતામાં ચેકના નાણાં જમા મળી જ જશેઃ રિઝર્વ બેન્ક

- ચોથી ઓક્ટોબરથી વ્યવસ્થા અમલમાં મૂક્યા પછી ધ્યાનમાં આવ્યું કે બેન્કની મોટાભાગની શાખાઓએ સ્કેનર જ વસાવ્યા નહોતા
- આઠમી ઓક્ટોબરે અમદાવાદની બેન્કોએ 1.47 લાખ ચેક ક્લિયરિંગ માટે મોકલ્યા જ નહોતા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર,
ત્રીજી જાન્યુઆરી 2026થી ખાતેદાર તેના બેન્કના ખાતામાં ચેક જમા કરાવે તેના ત્રણ જ કલાકમાં બેલેન્સ આવી જ જશે, એવી જાહેરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરી છે.(cheque clearing in three hours) પહેલા ચોથી ઓક્ટોબરથી આ સિસ્ટમ અમલમાં તો મૂકી હતી, પરંતુ સંખ્યાબંધ બેન્કના શાખાઓએ તેને માટે જોઈતા સ્કેનર જ વસાવ્યા નહોતા. પરિણામે બેન્કો સમયસર ચેક જ મોકલી શકી નહોતી. તે પણ બેથી ત્રણ કલાકમાં ખાતામાં ચેકની રકમ જમા આપવાની વ્યવસ્થા ચુસ્ત રીતે અમલમાં આવી શકી નહોતી.
બેન્ક સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે પહેલાથી જ ત્રીજી જાન્યુઆરીથી (new clearing system to be tighten from આ વ્યવસ્થા અમલ કરવામાં આવી હતી. ચોથી ઓક્ટોબરથી તેનો અમલ કરીને જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બેન્કોની શાખાઓએ સ્કેનર ન વસાવ્યા હોવાથી અને રિઝર્વ બેન્કે તેમણે સ્કેનર વસાવ્યા કે નહિ તેની ચકાસણી ન કરી હોવાથી આરંભમાં જ ફિસાસ્કો થયો હતો. આ જ સિસ્ટમમાં આઠમી ઓક્ટોબરે તો અમદાવાદની બેન્કોએ એક જ દિવસમાં 1.47 લાખથી વધુ ચેક ક્લિયરિંગ માટે મોકલ્યા જ નહોતા. તેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક સહિતની બેન્કોનો સમાવેશ થાય છે.
પરંતુ ત્રીજી જાન્યુઆરીથી આ વ્યવસ્થાનો અમલ કરવા રિઝર્વ બેન્ક મક્કમ છે. ત્રણ કલાકમાં ચેકના નાણાં ખાતેદારના ખાતામાં જમા આવી જ જાય તેવી જડબેસલાક વ્યવસ્થા કરવા માગે છે. ખાતેદાર તે પૈસાનો ઉપયોગ પણ કરી શકશે. જોકે આ સુવિધાઓનો લાભ મેળવવા માટે અને પૈસા મળવામાં વિલંબ ન થાય તેમાટે ચેક બાઉન્સ ન થાય તેની તકેદારી રાખવાની સૂચના પણ રિઝર્વ બેન્કે દરેક ખાતેદારોને આપી છે. ચોથી કે પાંચમી ઓક્ટોબર 2025 ક્લિયરિંગ માટે અમદાવાદમાંથી રજૂ કરવામાં આવેલા અંદાજે 2.32 લાખ ચેકમાંથી 61000 ચેક અનપેઈડ રિટર્ન થયા હતા.
સહકારી બેન્કના સૂત્રોનું કહેવું છે કે આજે 15મી તારીખે પણ નવમી અને દસમી ઓક્ટોબરના ચેક ક્લિયર થયા નથી. સ્ટાફે મોડી રાતના દસ દસ વાગ્યા સુધી બેસી રહેવું પડી રહ્યું છે. એપીસીઆઈ-નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-એનપીસીઆઈ તરફથી ચેક જમા લેનારી બેન્કોને પ્રતિભાવ મળતો નથી. પરિણામે પણ ચેક ક્લિયરિંગની સમસ્યા વકરી ગઈ છે.
બેન્કોની નવી નોટ પણ પૂરતી આપી નથી
રિઝર્વ બેન્કે દિવાળીના સમયમાં બેન્કોને નવી નોટો પૂરતા પ્રમાણમાં આપી જ નથી. પરિણામે નવી નોટ લેવા માટે આવનારા ખાતેદારોને વીલાં મોંએ પરત ફરવું પડી રહ્યું છે. સો, પચાસ, વીસ અને દસ દરેકના બંડલ પૂરતા આપ્યા જ નથી.


