કોંગ્રેસ દ્વારા આક્રોશઃ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હળાહળ અન્યાય
ગુજરાત સરકાર દ્વારા ખેડૂત ખાતાદીઠ ટેકાના ભાવે (રૂ. ૧૪૦૦ પ્રતિમણ) મગફળી ખરીદ કરવાની જાહેરાત કરી છે, ત્યારે જામનગર તાલુકા/જિલ્લામાં લગભગ મોટાભાગના ખેડૂતોની મગફળીની ઉપજ ૩૦૦ મણ કે વધુ છે તેથી સરકાર દ્વારા ખેડૂત ખાતાદીઠ ૭૦ મણના બદલે ૩૦૦ મણ મગફળીની ખરીદી કરે તેવી ઉગ્ર માગણી જામનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા, કોંગી અગ્રણી કાસમભાઈ ખફીની આગેવાની હેઠળ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવી હતી.
જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા બળદ ગાડા અને ઢોલ-નગારા સાથે તાલુકા કોંગ્રેસના કાર્યકરો સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપરાંત ખેડૂતો પણ જોડાયા હતાં. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હાલ બજારમાં મગફળીનો મણનો ભાવ ૧૦૦૦ જેવો છે, જ્યારે ટેકાનો ભાવ ૧૪૦૦ જેવો છે. સરકાર માત્ર ૭૦ મણની ખરીદી જ કરે છે તેથી ખેડૂતોને સરકાર દ્વારા હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસે જણાવ્યું કે આ સ્થિતિમાં ખેડૂતોને આર્થિક મુશ્કેલી પડી રહી છે અને તેના ખેતીકામમાં પણ મુશ્કેલીમાં મૂકાય ગયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તાકીદે ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવી માગણી તાલુકા કોંગ્રેસના આગેવાનોએ કરી હતી. કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ કોઈ રાજકારણ કરવા માગતું નથી. ખેડૂતોની વ્યથાને વાચા અને ન્યાય માટે આ રજૂઆત કરવામાં આવી છે.


