• 9 October, 2025 - 3:28 AM

4 ઓક્ટોબરથી તમે બેન્કમાં નાખેલો ચેક તરત જ ક્લિયર થઈ જશે

અવિરત ચેક ક્લિયરિંગની વ્યવસ્થાથી ગ્રાહકોને ફાયદો કે બેંકોને પડકાર?

–   તમે ચેક જમા કરાવો તે જ સાંજ સુધીમાં તમારા ખાતામાં ચેકની રકમ જમા આવી જશેઃ ચેક ક્લિયરિંગના નવા ચાર્જ ગ્રાહકોને માથે બેન્કો નાખે તેવી સંભાવના

અમદાવાદઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા નિયમો મુજબ બેંકો હવે ચેક ક્લિયરિંગ માટે બેચ સિસ્ટમને બદલે સતત ક્લિયરિંગ પદ્ધતિ અપનાવવા જઈ રહી છે. આ નિર્ણય 4 ઑક્ટોબર 2025થી અમલમાં આવશે અને તબક્કાવાર રીતે જાન્યુઆરી 2026 સુધી દેશભરમાં લાગુ કરાશે. અત્યારે બે ત્રણ કલાકમાં જમા આવતા ચેક ક્લિયરિંગ માટે સામટા મોકલવામાં આવે છે. હવે ચેક ક્લિયરિંગ માટે આવે એટલે તરત જ મોકલી દેવામાં આવશે.

ચેક ક્લિયરિંગની અત્યારની સિસ્ટમમાં ખાતામાં રકમ જમા દેખાતા એકથી દોઢ  દિવસ કે બે દિવસ લાગી જાય છે. તેને બદલે ચોથી ઓક્ટોબરથી અમલમાં આવનારી સિસ્ટમને કારણે જે તે દિવસે જ કે બેન્ક બંધ થાય તે સમયે તમારા ખાતામાં ચેકની રકમ જમા આવી જશે. કારણ કે તમે બેન્કમાં ચેક જમા આપશો કે તરત જ બેન્ક કર્મચારી ચેક સ્કેન કરીને ક્લિયરિંગ માટે મોકલી આપશે. સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બેન્ક ચેક સ્કેન કરીને ઇમેજ ક્લિયરિંગ હાઉસમાં ક્લિયરિંગ માટે અપલોડ કરી શકશે.

રિઝર્વ બેન્ક દ્વારા દાખલ કરવામાં આવી રહેલી નવી ચેક ક્લિયરિંગની સિસ્ટમને કારણે ખાતેદારને ઝડપથી રકમ મળતી થશે. ચેકક્લિયર થવામાં મોડું થશે નહીં. પરિણામે વ્યક્તિગત તથા નાના વ્યવસાયોને રોકડની અત્યારે પડતી અછત ઓછી થઈ જશે. તેમના નાણાંકીય વહેવારો ઝડપી બની જશે. બેન્ક ખાતેદારોને તરત જ નાણાં મળી જશે. ગ્રાહકોને અંદાજ આવશે કે ક્યારે રકમ તેના ખાતામાં આવી જશે.

બેન્કોને પણ તેનાથી લાભ થશે. સતત ક્લિયરિંગની સિસ્ટમનથી બેંકો તેમના દૈનિક નાણાં પ્રવાહ  સારી રીતે જાળવી કે સંભાળી શકશે. થોડા વરસો પહેલા દાખલ કરવામાં આવેલી ચેક ટ્રન્કેશન સિસ્ટમનો વધુ કાર્યક્ષમતાથી ઉપયોગ થશે. બીજું ચેક ગુમ થવું, ચેકના નાણાં મળવામાં વિલંબ થવાની શક્યતા ઓછી થઈ જશે. ઘણીવાર બેન્કો ખાતેદારના ખાતામાં રકમ જમા આપવામાં વિલંબ કરે છે. કેટલીકવાર આ ગાળો 24થી 48 કલાક સુધીનો હોવાનું જોવા મળે છે. પેન્શનરના નાણા જમા આપવામાં ખાનગી બેન્કો પણ ભયંકર વિલંબ કરતી હોવાનું જોવા મળે છે.

ચેક ટ્રન્કેશન સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવા માટે દરેક બેન્કોએ નવી ટેકનોલોજી અને સિસ્ટમને અપગ્રેડ કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. બેન્કના કર્મચારીઓએ ચેકની ઇશ્યૂ કરનારની સહીની ચકાસણી કરવાના દબાણ હેઠળ રહેવું પડશે. ફ્રોડ  ચેક, સિગ્નેચર મિસમેચ કે અન્ય ભૂલોને પકડી પાડવા માટે ઝડપથી કામગીરી કરવી પડશે. આ કામગીરી કરવી તેમને માટે તકલીફ દાયક બનશે. નાની નાણાકીય સંસ્થાઓ માટે સતત રકમ નીકળતી રહે એ એક પડકાર બની શકે છે. તેમણે તેમના નવા ચેક માટેની રકમ ખાતામાં જમા રાખવી પડશે. અન્યથા ચેક બાઉન્સ થવાની સમસ્યા વકરી શકે છે. બીજું, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ખાતામાં સિલક નહિ હોય તો ચેક ઇશ્યૂ કરવાનું પસંદ કરશે નહિ. પહેલાની જેમ ચેક બાઉન્સ થવાની સમસ્યા સમય જતાં હળવી બની જવાની સંભાવના છે.

ચોથી ઓક્ટોબરથી આ નવી સિસ્ટમનો અમલ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં ટેકનિકલ ખામીઓ, સ્ટાફ તાલીમ અને પ્રોસેસ બદલાવને કારણે કેટલાક અવરોધ આવી શકે છે. ગામડાંની બેન્કો અને દૂરસુદૂરના વિસ્તારની મુશ્કેલી વધી શકે છે. તેમની પાસેનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું ન હોય તો તેમને માટે તકલીફ વધી જશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન ધરાવતા વિસ્તારોમાં સતત ક્લિયરિંગ સુવ્યવસ્થિત રીતે અમલમાં લાવવી મુશ્કેલ બની શકે છે. ચેક ટ્રન્કેશન સિસ્ટમમાં ત્વરિત ક્લિયરિંગને કારણે બેન્કોએ વધારાના ખર્ચને કરવો પડશે. આ ખર્ચ બેન્કો ગ્રાહકોને માથે નવી ફી લાદીને તેમની પાસેથી વસૂલ કરી શકે છે.

આમ સતત ચેક ક્લિયરિંગ લાંબા ગાળે વધુ ફાયદાકારક સાબિત થશે. ગ્રાહકોને ઝડપી સેવા અને બેંકોને કાર્યક્ષમતા મળશે. જોકે શરૂઆતના દિવસોમાં બેંકો તથા ગ્રાહકોને થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

Read Previous

ગુજરાત સરકાર 500 ટનના ગોદામ માટે રૂ. 50 લાખની સહાય આપશે

Read Next

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 5 ડિસેમ્બરથી શરૂ , સ્વદેશી ઉત્પાદનો માટે બનશે વૈશ્વિક પ્લેટફોર્મ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular