કફ સિરપથી બાળકોનાં મોતનો મામલો: નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓના લાયસન્સ રદ કરવા સરકારનો આદેશ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકાર સક્રિય થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે ઉધરસની દવાઓની ગુણવત્તા અને યોગ્ય ઉપયોગ અંગે ચર્ચા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે તમામ ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોને સુધારેલા શેડ્યૂલ એમનું કડક પાલન કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓના લાઇસન્સ રદ કરવા નિર્દેશ આપ્યો હતો.
વધુમાં, ખાસ કરીને બાળકોમાં, ઉધરસની દવાઓનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી હતી, કારણ કે મોટાભાગની ઉધરસ જાતે જ દૂર થઈ જાય છે અને તેને દવાની જરૂર હોતી નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સારી દેખરેખ, સમયસર રિપોર્ટિંગ, આઇડીએસપી-આઇએચઆઇપી રિપોર્ટિંગ ટૂલનો વ્યાપક પ્રસાર અને માહિતી શેરિંગ અને સંયુક્ત કાર્યવાહી માટે મજબૂત સંકલન જાળવવા સલાહ આપવામાં આવી હતી.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ સરેશન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત કફ સિરપ “કોલ્ડ્રિફ” સામે કડક કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે. દવા ખાધા પછી ઘણા બાળકો મૃત હાલતમાં મળી આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સીડીએસસીઓ તમિલનાડુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખીને કંપની સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરશે. મૃતક બાળકોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના છિંદવાડાના બાળકોનો સમાવેશ થાય છે.