• 23 November, 2025 - 8:45 AM

પ્રાકૃતિક ખેતી કરીને ડાંગના મંગીબેન બન્યા લખપતિ દીદી, પ્રથમ માસમાં જ નાગલીના 15,000ના ઉત્પાદનો વેચ્યા

7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન મોદીના સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત 7 થી 15 ઑક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત 14 ઑક્ટોબરનો દિવસ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને ‘કૃષિ વિકાસ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કર્યા છે, જેના પરિણામે રાજ્યના ખેડૂતો કૃષિની ટકાઉ પદ્ધતિ અપનાવીને નફો મેળવી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે.

‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન

જ્યારે પ્રાકૃતિક કૃષિની વાત થાય ત્યારે ‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાનનો ઉલ્લેખ આવશ્યક બની જાય છે. આ અભિયાન દ્વારા વર્ષ 2021માં કુદરતી સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ પહેલે આદિવાસી ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. આ જ રીતે પ્રાકૃતિક રીતે ખેતી કરીને આહવા તાલુકાના ધવલીદોડ ગામના મંગીબેન ખાસ આજે લખપતિ દીદી બની ગયા છે.

ડાંગના મંગીબેનનું સાહસ ફળ્યું: સ્થાનિક શ્રીઅન્ન નાગલીમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવ્યા

મંગીબેનની સાહસથી સમૃદ્ધિની સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થઈ છે. મંગીબેનને મિશન મંગલમ (NRLM) હેઠળ ફીલ્ડ કો-ઓર્ડિનેટરે સ્વ-સહાય જૂથ (SHG)માં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ડાંગ જેવા જંગલોથી ઘેરાયેલા અને ત્યાંની સમૃદ્ધ વન પેદાશોના મહત્વને સમજીને મંગીબેને નવું જ સાહસ શરૂ કર્યું. ડાંગમાં થતા શ્રીઅન્ન કે રાગી, જે નાગલી તરીકે ઓળખાય છે, તે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય લાભો અને બજાર સંભાવનાને ધ્યાનમાં રાખીને મંગીબેને નાગલીની ખેતી અને પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમના જૂથ સાથે નાગલીમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું.

એક ખેતમજૂરથી ઉદ્યોગસાહસિક બન્યા મંગીબેન

સ્વ-સહાય જૂથમાં જોડાતા પહેલાં મંગીબેન સીઝનલ ખેતમજૂર તરીકે અને મનરેગા હેઠળ રોજગાર મેળવતા હતા. મંગીબેનના જીવનનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (RSETI) તરફથી શ્રીઅન્નની પ્રોસેસિંગમાં નિ:શુલ્ક તાલીમ મેળવી. તાલીમ બાદ તેઓ નાગલી લોટ, લાડુ, કૂકીઝ અને સ્વાસ્થ્યપ્રદ મિશ્રણ બનાવતા શીખ્યા અને નાના પાયે એક ઉદ્યોગ શરૂ કર્યો. જ્યારે ગુજરાત સરકારે ડાંગને સંપૂર્ણપણે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કર્યો ત્યારે મંગીબેને નાગલીની ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું. ટકાઉ ખેતીથી ઉત્પાદનોની ન્યુટ્રિશનલ વેલ્યૂ (પોષણ મૂલ્ય) તો વધી, સાથે બજાર મૂલ્ય પણ વધ્યું.

પ્રથમ માસમાં જ 15,000ના ઉત્પાદનો વેચ્યા, યુનિટ દ્વારા દર મહિને 60,000ના ઉત્પાદનોનું વેચાણ

મંગીબેને ઉદ્યોગ શરૂ કર્યાના પ્રથમ માસમાં જ 15,000ના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના સ્વ-સહાય જૂથમાંથી વધુ 10 મહિલાઓને આ પ્રવૃત્તિમાં સામેલ કરી. આજે તેમનું યુનિટ દર મહિને 60,000 સુધીના નાગલીના પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને 20,000ની માસિક આવક મેળવે છે. સરકારના સહયોગથી તેઓ વિવિધ પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લે છે, બજારને વિસ્તૃત કરે છે અને પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય મિશન હેઠળ બ્રાન્ડિંગ અને પ્રમોશન પહેલોનો લાભ મેળવે છે.

મંગીબેનની ખેતમજૂરથી એક ઉદ્યોગસાહસિક બનવાની સફર એ લખપતિ દીદીની પહેલને પણ ઉજાગર કરે છે. તેમની આ સફર દર્શાવે છે કે, કેવી રીતે પ્રાકૃતિક ખેતીનો માર્ગ ડાંગની મહિલાઓ માટે નિયમિત રોજગારીનું માધ્યમ બન્યો છે અને અન્ય મહિલાઓને પણ આ દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપી છે. એટલું જ નહીં, સ્થાનિક સંસાધનોના ઉપયોગ અને સામુદાયિક જોડાણ દ્વારા તે વિકાસનું ટકાઉ મૉડેલ પણ દર્શાવે છે.

Read Previous

FIEO-ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટ: 2,200થી વધુ બિઝનેસ મીટિંગનું આયોજન, 500 કરોડથી વધુની એક્સપોર્ટ ઇન્ક્વાયરીઝ પ્રાપ્ત

Read Next

મધ્યપ્રદેશના ખેડૂતે માટી વગર બટાકા ઉગાડ્યા, પીએમ મોદી આશ્ચર્યચકિત, જૈન બટાકાની વિશેષતાઓ જાણો,જૂઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular