DMart પછી હવે NSE! શેરબજારના દિગ્ગજ દામાણીની બીજી મોટી કમાણીની તૈયારી
NSEમાં દામાણીનું સ્ટ્રેટેજિક રોકાણ અને તેનો ભવિષ્યમાં મોટો લાભ
DMart બાદ NSE બનશે દામાણીની બીજી સૌથી મોટી સંપત્તિ

શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં પોતાના રોકાણથી હજારો કરોડ રૂપિયાની કમાણી થઇ શકે એમ છે. D-Martના સંસ્થાપક દામાણીની NSEમાં 1.58% ભાગીદારી છે. હાલ અનલિસ્ટેડ માર્કેટમાં તેની વેલ્યુ લગભગ 9,300 કરોડ રૂપિયા છે. તેમના પોર્ટફોલિયોમાં Avenue Supermarts (D-Martની પેરેન્ટ કંપની) બાદ બીજી સૌથી મોટી ભાગીદારી છે. NSE જલ્દી જ પોતાના IPO માટે અરજી કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુલાઈના અંત સુધીમાં કંપની IPO લોન્ચ કરી શકે છે.
NSEએ સેબી સાથે 1388 કરોડ રૂપિયાનું રેકોર્ડ સેટલમેન્ટ આવેદન જમા કર્યું છે. આ સેટલમેન્ટ 2015થી 2019 વચ્ચે કો-લોકેશન અને ડાર્ક-ફાઈબર બાબતોને સોલ્વ કરવા માટે કરાયું છે. તેને સેબી સાથે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રસ્તાવિત સેટલમેન્ટ માનવામાં આવી રહ્યું છે.
ગ્રે માર્કેટમાં શું છે NSEના શેરના હાલ?
દામાણીએ વર્ષ 2020ની શરૂઆતમાં Norwest Venture Partners પાસેથી પ્રાઇવેટલી NSEના શેર ખરીદ્યા હતા. ગ્રે માર્કેટમાં NSEના શેર 2300 રૂપિયાથી વધુના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે. દામાણીની 3.91 કરોડ શેરોની ભાગીદારી વર્ષ 2026માં ચોથા ક્વાર્ટરમાં સંભવિત લિસ્ટિંગ પહેલાં ચર્ચાનો વિષય બની છે.
NSEમાં દામાણીનું રોકાણ હવે Trent (રૂ. 2,788 કરોડ) અને VST ઇન્ડસ્ટ્રીઝ (રૂ. 1,560 કરોડ) કરતાં પણ વધી ગયું છે. CNBC-TV18ના રિપોર્ટ અનુસાર, NSEના કેશ ઇક્વિટી સેગમેન્ટમાં લગભગ એકાધિકાર સ્થિતિ, મજબૂત આર્થિક સ્થિતિ અને SEBIની હાલની મંજૂરીએ તેના IPOને સૌથી આકર્ષક બનાવી દીધો છે.
NSEના નફામાં થયો મજબૂત વધારો
NSEએ તાજેતરમાં માર્ચ ક્વાર્ટર અને નાણાંકીય વર્ષ 2025ના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2025માં કંપનીએ રૂ. 12,188 કરોડનો નફો નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 47%નો વધારો દર્શાવે છે. NSE બોર્ડે રૂ. 35 પ્રતિ શેર (3,500%)ના ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. જેમાં રૂ. 11.46ના સ્પેશ્યલ ડિવિડન્ડ પેમેન્ટનો પણ સમાવેશ થાય છે. હાલ આ માટે શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે.
ડી-માર્ટ બાદ સૌથી મોટી કમાણી
ડી-માર્ટમાં દામાણીની રૂ. 1.90 લાખ કરોડથી વધુની ભાગીદારી તેમની સૌથી મોટી સંપત્તિ છે, પરંતુ NSEના આગામી લિસ્ટિંગથી તેમની સંપત્તિમાં મોટો વધારો થાય તેવી આશા છે. આ IPO દરમિયાન તેઓ શેર વેચશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ જો તેઓ કેટલાક શેર વેચે તો પણ તે મોટી કમાણી કરી શકે છે.