કચ્છ: રાપરમાં ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેકટરી ઝડપાઇ, 9.43 લાખનો મુદ્દામાલ કબ્જે
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે દરોડો પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કોલગેટ કંપનીને જાણ કરતા, કંપની દ્વારા આ ટૂથપેસ્ટ ડુપ્લીકેટ હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી. પોલીસે કુલ 9,43,574 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ડુપ્લીકેટ ટૂથપેસ્ટનો જથ્થો અને તેની બનાવટમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે.
આ મામલે કોલગેટ કંપનીના પ્રતિનિધિ લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્મા ( મુંબઈ) દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રાજેશભાઈ ડાયાભાઈ મકવાણા, સુરેશભાઇ મહેશભાઇ ઉમટ, નટવરભાઈ અજાભાઈ ગોહીલ અને નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મકવાણા (તમામ રહે. નલિયાટીંબા, તા. રાપર) સામે ગુનો નોંધ્યો છે.
આરોપીઓ દ્વારા ચિત્રોડ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ દસ શટરની દુકાનમાં, રવેચી લાઈટ ડેકોરેશનના પ્રથમ રૂમમાં, ગેરકાયદેસર રીતે કોલગેટ પામોલીવ કંપનીના પરવાના વિના ડુપ્લીકેટ ટૂથપેસ્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું.
આરોપીઓ સામે બી.એન.એસ. તથા કોપીરાઈટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ગાગોદર પોલીસે હાથ ધરી છે.