સુરતમાં ડુપ્લીકેટ ગોલ્ડનો ગોરખધંધો, 24 કેરેટનું લેબલ લગાવી ઠગબાજો સોનાની બિસ્કિટ પધરાવી દેતા હતા
સુરતમાંથી પોલીસે ડુપ્લીકેટ સોનું પધરાવી 36 લાખની ઠગાઈ કેસમાં બે ઠગબાજોની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હરેશ ઉર્ફે હરિ પોપટભાઈ મોરડિયા અને નિકુંજ ખીમજી ધકાણની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચે હરેશની સુરતથી જ્યારે નિકુંજની મુંબઈથી ધરપકડ કરી બન્નેને જલેનાં હવાલે કર્યા છે.
વિગતો મુજબ 15 ઓક્ટોબરે આરોપીઓએ અમિત ચાંદગઢિયા જોડે છેતરપિંડી કરી હતી. મહારાષ્ટ્રનાં પૂણેના જ્વેલર્સ તરીકે ઓળખ આપી પરિચય કેળવ્યો હતો. વિશ્વાસ અને ભરોસામાં લઈ વેપારી પાસેથી સોનાના 6 નંગ અલગ અલગ ડિઝાઇન ડોકિયા સેટ મંગાવ્યા હતા, રીંગ રોડ સ્થિત સલાબતપુરા ખાતે બોલાવી ડુપ્લીકેટ સોનાની બિસ્કિટ આપી હતી.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ રૂપિયા 36 લાખની કિંમતનું 22 કેરેટ સોનુ લઈ ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસ ચોપડે ગુનો નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપી હરેશ વ્યવસાયે રત્ન કલાકાર હોવાનું તપાસમાં ખૂલ્યું છે જ્યારે જ્યારે નિકુંજ મુંબઈની અલગ અલગ હોટલોમાં મજૂરી કામ કરે છે. ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોના વેપારીઓ જોડે છેતરપિંડી હોવાનો ઘટસ્ફોટ પણ પોલીસ તપાસમાં થયો છે.
સોનાના મોટા વેપારી તરીકે ઓળખ આપી લોકોનો વિશ્વાસ કેળવી બન્ને ઠગો ડુપ્લીકેટ ગોલ્ડ પધરાવી દેતા હતા. વેપારીઓ પાસેથી સોનાના ઘરેણા પસંદ કરી તેના બદલા માં 24 કેરેટ નું લેબલ લગાવેલ ડુપ્લીકેટ સોનાની બિસ્કિટ પધરાવતા હોવાનો ગોરખધંધો કરતા હતા. હરેશ અગાઉ વરાછા અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ઝડપાયો છે, જ્યારે નિકુંજ મુંબઈ અને રાજસ્થાન પોલીસ સ્ટેશનનાં વિવિધ ગુનામાં આરોપી હોવાનું ખૂલવા પામ્યું છે. વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.


