સોચા થા ક્યા, હુઆ ક્યા, સરકારની મૂંઝવણઃ GSTના દર ઘટ્યા છતાં ઈ-કોમર્સ કંપનીઓએ વધારી કિંમતો
- સિમેન્ટ કંપનીઓએ તો 22મી સપ્ટેમ્બર પહેલા જ ગુણદીઠ ભાવમાં રૂ.30નો વધારો કરી દીધો
- જીએસટી પર સરકારનો અંકુશ છે, પરંતુ એમ.આર.પી. લખવા પર સરકારનો કોઈ જ અંકુશ ન હોવાથી ગેરલાભ ઊઠાવતા મેન્યુફેક્ચરર્સ કે ઉત્પાદકો
GST-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST & CGST)ના દરમાં ભારત સરકારે 10થી 12 ટકાનો ઘટાડો કર્યો અને 22મી સપ્ટેમ્બર 2025થી તે લાગુ કરી દીધો હોવા છતાંય અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે તેની વિરુદ્ધ કિંમતો વધારી દીધી છે. પરિણામે ગ્રાહકોને કે જનતાને સસ્તે દામે વસ્તુઓ પૂરી પાડવાના કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનસૂબા પર પાણી ફરી રહ્યું છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર સતર્ક બની રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
પરિણામે ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ(Notices to e-commers companies) પણ આપવામાં આવી છે. સમાચાર એજન્સી IANS મુજબ, સરકારે મોટી ઈ-કોમર્સ કંપનીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે કે જીએસટીના દરમાં ઘટાડા છતાં કેટલીક વસ્તુઓની કિંમતો કેમ વધારી દેવામાં આવી. એક કંપનીએ ‘ટેકનિકલ ખામી’નો બહાનો બતાવી કિંમતો વધારી હતી. ત્યારબાદ તેમાં ઘટાડો કરી દીધી હોવાનું પણ કહેવાય છે.
જોકે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સના ઘટાડા પ્રમાણે વસ્તુઓની કિંમત ન ઘટાડવામાં આવી હોવાની 3000થી વધુ ફરિયાદો કેન્દ્ર સરકારના કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટને 30મી સપ્ટેમ્બર પહેલા જ મળી ચૂકી છે. આ ફરિયાદોનો પ્રવાહ ચાલુ જ છે. સરકારે ફરિયાદો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સને મોકલી આપી છે.
જોકે ભારત સરકારે અગાઉથી ચેતી જઈને 54 જેટલી ચીજવસ્તુઓના ભાવ ઘટે છે કે નહિ તેના પર નજર રાખવાની સૂચના આપી દીધી છે. અમૂલ જેવી વિશ્વવ્યાપી બ્રાન્ડે પણ તેના 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડી દીધા છે. મધર ડેરીએ પણ તેના 600થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવાની જાહેરાત કરીને અમલ ચાલુ કરી દીધો છે. આ સંજોગોમાં કોઈપણ દુકાનદાર, મેન્યુફેક્ચરર્સ કે પછી ઉત્પાદક જીએસટીના ઘટાડાનો લાભ ગ્રાહકોને ન પહોંચાડે તો તેવા સંજોગોમાં તેની તપાસ કરવાનો આદેશ કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તથા રાજ્ય સ્તરની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધિકારીઓને કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આદેશ આપી દીધો છે. પરિણામે દેશભરમાં એસજીએસટી અને સીજીએસટીની ફિલ્ડ ટીમો કિંમતોનું મોનિટરિંગ કરી રહી છે અને 50થી વધુ ઉત્પાદનોની કિંમતોની સમીક્ષા ચાલી રહી છે.
‘Inspector Raj’ નહીં, પરંતુ પારદર્શિતા અપેક્ષિત
પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગ જગત પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ દરમાં થયેલી કપાતનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડે, પરંતુ તેની અમલવારી માટે ‘Inspector Raj’ જેવી પરિસ્થિતિ સર્જવા ઈચ્છતી નથી.
છતાંય સિમેન્ટ કંપનીઓએ તેમના પ્રોડક્ટ્સના ભાવમાં 10 ટકાનો ઘટાડો કરી દીધો હોવાની ક્રેડાઈની પણ ફરિયાદ છે. અમદાવાદ-ગુજરાતના ગાહેડ નામની બિલ્ડરોની સંસ્થાની પણ ફરિયાદ છે. સરકારનો જીએસટી પર નિયંત્રણ છે, પરંતુ પ્રોડક્ટ્સની એમ.આર.પી. નક્કી કરવા પર કોઈ જ નિયંત્રણ નથી. તેથી ઘણી કંપનીઓએ 22મી સપ્ટેમ્બર પહેલા જ તેના પ્રોડક્ટ્સની એમ.આર.પી.માં વધારો કરી દીધો છે.
પરિણામે જીએસટીનો લાભ જનતા સુધી ન પહોંચે તેવી નોબત આવી છે. આ સંજોગોમાં સરકારે એમ.આર.પી. એક્ટ લાવીને પ્રોડક્ટ્સની ઉત્પાદન કિંમતના બમણાથી વધુ છૂટક વેચાણ કિંમત ન રાખવાની જોગવાઈ કરવી જોઈએ. તેમ કરવાથી આડેધડ છૂટક વેચાણ કિંમત લખવાનું બંધ થઈ જશે. ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરીને જીએસટીના દરના ઘટાડાથી વંચિત રાખવાનો ખેલ પણ અટકી શકે છે.
ઉત્સવની સીઝનમાં અસર વધુ સ્પષ્ટ થશે
સરકારને આશા છે કે આગામી તહેવારોની સીઝનમાં, જ્યારે ખરીદીઓમાં વધારો જોવા મળે છે, ત્યારે જી.એસ.ટી. કપાતનો લાભ ગ્રાહકો સુધી સ્પષ્ટ રીતે પહોંચી જશે. પરંતુ સરકારની અપેક્ષા સંતોષાઈ જણાતી નથી. જનતા હવે ફરિયાદ લઈને જેટલી વધુ આગળ આવશે તેટલા વધુ પ્રમાણમાં તેમની સસ્તી વસ્તુઓ મળતી થશે.