• 16 January, 2026 - 1:39 AM

કેન્દ્ર સરકારે નવા લેબર લો અમલમાં મૂક્યા પછી બિઝનેસ કરવો સરળ બનશે?

  • કંપનીઓ માટે ટૂંકા ગાળાના પ્રોજેક્ટના કામની જવાબદારી સ્વીકારનારા કામચલાઉ કર્મચારીઓને પણ શ્રમ સંહિતા પ્રમાણે પગારના લાભ આપવાની સાથે તેમને આરોગ્ય સહિતના તમામ લાભ આપવા ફરજિયાત

અમદાવાદઃ કેન્દ્ર સરકારે અંતે ચારેય લેબર કોડ્સ-શ્રમ સંહિતા નોટિફાય કરી દીધી છે. તેથી કંપનીઓને નિયમોના પાલનની ઝંઝટમાં-કમ્પ્લાયન્સમાં ખાસ્સી રાહત મળી જશે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ એટલે કે બિઝનેસ કરવો સરળ બની જશે. નવી શ્રમ સંહિતાને પરિણામે શ્રમિક વર્ગને પણ લાભ મળે તેવી અપેક્ષા અને ધારણા છે..

નવી શ્રમિક સંહિતામાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે કામકાજના સ્થળે એટલે કે નોકરિયાત કંપની કે ફેક્ટરીમાં કામ કરતો હોય ત્યારે અકસ્માત થાય અને કર્મચારીને ઇજા થાય ત્યારે લાગુ પડતો એમ્પ્લોયીઝ કમ્પેન્સેશન એક્ટ વર્ષ 1923માં અમલમાં આવ્યો હતો. ભારતની અર્થવ્યવસ્થાએ 1947ની આઝાદી, 1969ની સાલનું બેન્કોનું રાષ્ટ્રીયકરણ તથા ડૉ. મનમોહન સિંહના વડપણ 1991માં ચાલુ કરવામાં આવેલી ઉદારીકરણની નીતિ ઉપરાંત 2016ની સાલની નોટબંધી, 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ શરૂ થયો હોવા છતાંય અને કોવિડ-19 મહામારી બાદ હવે ડિજિટલ અર્થતંત્ર સુધીની યાત્રા કરી હોવા છતાં આ કાયદો યથાવત રહ્યો હતો. તેથી તેમાં સમયોચિત બદલાવ લાવવો જરૂરી હતો.

આ બદલાવ સાથે પગલું મિલાવવા માટે સરકારે લગભગ એક દાયકા પહેલાં જૂના શ્રમ કાયદાઓને આધુનિક બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેનું પરિણામ 2019 અને 2020માં ચાર લેબર કોડ્સ અમલમાં આવ્યા છે. તેમાં કોડ ઑન વેજેસ-2019, ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2019, ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ, 2020 અને કોડ ઑન સોશિયલ સિક્યુરિટી, 2020નો સમાવેશ થાય છે. સરકારનો હેતુ છેલ્લા એક શતાબ્દી દરમિયાન બનેલા 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને એકત્રિત કરીને તેમને આધુનિક અર્થતંત્ર, નોકરીદાતાઓ અને શ્રમિકોની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવાનો હતો.

કંપની કે ફેક્ટરીમાં નોકરી આપનાર માલિકો માટે શ્રમિકોને લગતા કાયદાઓની જટિલતાઓ અને તેનું પાલન કરવું લાંબાસમયથી માથાનો દુખાવો બની ગયા હતા. તેમાં ટોયલેટ સુવિધા, કામના કલાકો, પીએફ રિટર્ન જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. પાલન ન થાય તો દંડ અને ગુનાહિત જોગવાઈઓ પણ લાગુ પડતી હતી. તેમાં બદલાવ લાવવાની પ્રક્રિયાનો આરંભ તો કરવામાં આવ્યો પરંતુ ટ્રેડ યુનિયનોના ભારે વિરોધ અને નોકરી દાતાઓની ચિંતાઓને કારણે આ કોડ્સ પાંચ વર્ષ સુધી અમલમાં આવી શક્યા નહોતા. છેવટે સરકારએ 21 નવેમ્બરથી તેને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ કોડ્સ શ્રમિકોને માટે હિતકારી અને ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ છે. સર્વસમાવેશક સામાજિક સુરક્ષા ઊભી કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા છે. તેમાં સમયસર વેતન ચુકવણી, નોકરીના સ્થળે સલામતી આપે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગિગ વર્કર્સ એટલે કે કાયમી નોકરી લેનારા નહિ, પરંતુ ટૂંકા ગાળા માટે ફ્રીલાન્સના ધોરણે કંપનીઓના પ્રોજેક્ટના કામ લેનારાઓની એટલે કે ગિગ વર્કર્સની સલામતીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ શ્રમ સંહિતાની મદદથી પ્લેટફોર્મ વર્કર્સને પણ શ્રમિક તરીકે ગણતરીમાં લેવામાં આવ્યા છે. પ્લેટફોર્મ વર્કર્સ ટૂંકા ગાળાના કામ કરવાની કે સેવા આપવાની જવાબદારી લે છે. પ્લેટફોર્મ વર્કર્સમાં ઓનલાઈન એપ પર કે પછી વેબસાઈટમાં કામ પણ કરે છે. તેમને પણ નવા શ્રમિક કાયદા હેઠળ કાયદાના લાભ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ડિલીવરી બૉય તરીકે કામ કરનારા, ફ્રી લાન્સ પર ડિજિટલ કામ લેનારાઓને પણ તેનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિજિટલ વર્ક લેનારાઓને સામાન્ય રીતે નિયમ કરતાં બહુ જ ઓછું વેતન આપવાના અઢળક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. તેમને આરોગ્યના કે પછી પેન્શનના લાભ આપવામાં આવતા નથી. તેમની સાથે સાથે જ યુવા અને નારી શક્તિને વધુ સમર્થ બનાવે તે રીતે શ્રમિક માટેના કાયદાઓ તૈયાર કરવામાં આવ્યા છે. અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે તે તબક્કે જ શ્રમ સંહિતાનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી શ્રમપ્રધાન નિકાસ ક્ષેત્રો અને MSME પર અસર પડી રહી છે અને આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ચિંતા વધી રહી છે.

સરકારે સપ્ટેમ્બર 2025થી GSTના કાયદાને સરળ બનાવી વેરાનો બોજ હળવો કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે જ એક્સપોર્ટ પ્રોમોશન સ્કીમ આપીને નિકાસકારોને રાહત આપવાના પગલાં લીધા છે. શ્રમ સંહિતા-લેબર કોડ્સ પણ તેનો જ એક હિસ્સો છે. ચારેય કોડ્સનો હેતુ પાલન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. ઇન્સ્પેક્ટરોને બદલે હવે ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર રહેશે. શ્રમ સંહિતાના માધ્યમથી જુદા જુદાં ફોર્મ, રજિસ્ટર અને શ્રમિકોને લગતી  વ્યાખ્યાઓને વધુ સરળ બનાવવામાં આવી છે. તેમ જ વેતન-પગારની વ્યાખ્યા તમામ કોડ્સમાં એકસરખી રાખવામાં આવી છે.

TeamLease RegTechના CEO ઋષિ અગ્રવાલ કહે છે કે નિયમોની સંખ્યા 1,436માંથી ઘટીને 351 કરી દેવામાં આવી છે. તેમ જ ફોર્મની સંખ્યા 181થી ઘટીને માત્ર 73 કરી દેવામાં આવી છે. તદુપરાંત કંપનીઓએ રાખવાના રજિસ્ટરની સંખ્યા 84માંથી ઘટાડીને માત્ર આઠ જ કરી દેવામાં આવી છે. હવે સિંગલ રજિસ્ટ્રેશન, સિંગલ લાયસન્સ, સિંગલ રિટર્ન સિસ્ટમ પણ અમલમાં આવશે. તેથી જ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, CII અને Assocham સહિત, મોટેભાગે કોડ્સને સકારાત્મક ગણે છે, જ્યારે કેટલાક ટ્રેડ યુનિયનો તેને શ્રમિક વિરોધી કહી રહ્યા છે અને રાષ્ટ્રીય હડતાળની યોજના બનાવી છે. MSME ક્ષેત્રે ખર્ચ વધવાની ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને સામાજિક સુરક્ષા, હેલ્થ ચેક-અપ, શ્રમિકોના બાળકોને સાચવવાની સુવિધા ઊભી કરવાના નિયમો અને ડિજિટલ પાલન ખર્ચમાં વધારો થઈ જવાની શક્યતા દર્શાવી છે..

શ્રમ સંહિતાના અમલ સામે પડકારો

શ્રમ વિષય સંવૈધાનિક રીતે Concurrent Listમાં આવતો હોવાથી કેન્દ્ર અને રાજ્યોને અલગ-અલગ નિયમો ઘડવાના રહેશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવાનું રહેશે. નિષ્ણાતો કહે છે કે રાજ્ય સ્તરે નિયમોમાં ભિન્નતા રહેશે ત્યાં સુધી પૂર્ણ સુમેળ શક્ય નથી. આમ દરેક રાજ્યમાં એક સરખા નિયમો લાગુ કરવામાં આવે તે જરૂરી છે.

રોકાણ અને રોજગાર પર અસર

NCAERના અહેવાલ મુજબ ભારતને દર વર્ષે લાખો નવી નોકરીઓની જરૂર છે, પરંતુ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારીમાં સ્થિરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમ જ સ્થિરતામાં ઘટાડો આવતો હોવાનું જોવા મળી રહ્યું છે. શ્રમ સંહિતા-લેબર કોડ્સ હવે ઉત્પાદન અને સેવા ક્ષેત્રેના વિકાસને વેગ આપનારો સાબિત થઈ શકે છે. તેમાંય ખાસ કરીને મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપીને આ દિશામાં મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.

જોકે 300 કામદારો સુધી લેઓફ અને ક્લોઝર માટે મંજૂરીની મર્યાદા વધારવી વિવાદાસ્પદ છે, બીજા શબ્દોમાં કહીએ તો 300 કામદારો હોય તેવા યુનિટ્સને બંધ કરી દેવા માટે સરકારના કોઈ પણ વિભાગની આગોતરી મંજૂરીની જરૂર ન હોવાની જોગવાઈ વિવાદાસ્પદ હોવાનું જણાય છે. આ જોગવાઈને લેબર યુનિયનો શ્રમિક અધિકારો પરનો મોટો હુમલો ગણે છે. બીજીતરફ આ જોગવાઈને ઉદ્યોગો લવચીકતા-ઉદ્યોગની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપતી વ્યવસ્થા તરીકે જુએ છે. આમ લેબર કોડ્સની સાચી કસોટી એમાં રહેશે કે શું તે ખરેખર પાલનનો બોજ ઘટાડે છે અને રોકાણકારોને નવી એકમો સ્થાપવા પ્રોત્સાહિત કરે છે કે નહીં. આવનારો સમય જ આ અંગે સ્પષ્ટતા કરશે.

 

Read Previous

યુવાનો હવે ક્રેડિટ કાર્ડનો સ્માર્ટ ઉપયોગ કરતાં થઈ ગયા

Read Next

દવાના વેપારમાં લૂંટઃ દવા બનાવતી કંપનીઓએ દરદીઓ પાસેથી રૂ. 8500 કરોડ વધુ વસૂલ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular