ક્રિકેટર અનિલ કુંબલેની કંપનીએ કોમ્પ્યુટર સેન્સર સાથેનું બેટ વિકસાવ્યું

કોમ્પ્યુટરાઈઝ બેટ ક્રિકેટરને તેની બેટિંગની ટેકનિકમાંની ખામી સુધારવાની રિયલ ટાઈમ ગાઈડન્સ આપશે
અમદાવાદઃ અનિલ કુંબલે બોલર તરીકે ચાલશે નહિ તેવું કહેનારાઓની કારકીર્દિમાં 619 વિકેટ લઈને બોલતી બંધ કરી દે તેવું પરફોર્મન્સ તેણે ક્રિકેટ કેરિયરમાં આપ્યું છે. હવે બિઝનેસ સેક્ટરમાં પણ અનિલ કુંબલે કાઠું કાઢી રહ્યો છે. જમ્બો એન્જિનિયરિંગના નામે અનિલ કુંબલે મલ્ટીમિલિયન ડૉલરનું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરી રહ્યો છે. આમ ક્રિકેટ કેરિયરમાં સફળતાની સીડી ચઢ્યા બાદ બિઝનેસમાં સફળતાની સીડી પર ડગ માંડ્યું છે.
બાસવગુડી વિસ્તારથી શરૂ થયેલી તેની સફર આજે માસ્ટર ઓફ પાવર બેટ સુધી પહોંચી છે. ક્રિકેટર તરીકેની કારકીર્દિ પૂરી થયા પછી શું કરવું એ સંખ્યાબંધ ક્રિકેટરો માટે એક સમસ્યા જ છે. પરંતુ અનિલ કુંબલેએ કંપની બનાવી છે કે જે બેટમાં કોમ્પ્યુટર સાથે જોડાયેલા સેન્સર ફીટ કરીને-ભાવિ ક્રિકેટરને તૈયાર કરે છે. અત્યાર સુધીમાં તેની પાસે 80,000થી વધુ યુવાનો તાલીમ લેવા માટે આવી ચૂક્યા છે.
હા, બેટમાં મૂકેલું કોમ્પ્યુટર કે સેન્સર કેવી રીતે કામ કરે છે તે આપણે જાણી લઈએ. બેટની અંદર આખું કોમ્પ્યુટર મૂકવામાં આવતું નથી. તેને બદલે આધુનિક બેટમાં નાના નાના સેન્સર મૂકવામાં આવે છે. આ સેન્સરને મોશન સેન્સર તરીકે પણ ઓળખાવી શકાય છે. આ સેન્સર બેટની ગતિ અને તેની અસરને લગતા ડેટા સતત કોમ્પ્યુટરને મોકલી આપે છે. ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ એક વાસ્તવિક હાર્ડવેર છે. આ બેટ તૈયાર કરનારી કંપની સ્પેક્ટાકોમ્સ પાવર બેટ છે. પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ સ્થાપેલી કંપની આધુનિક પાવર બેટ તૈયાર કરે છે. તેમાં સેન્સર હાર્ડવેર અને ક્લાઉડ એનાલિટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે.
બેટની અંદર ફીટ કરેલા સેન્સરનું વજન પાંચ ગ્રામથી ઓછું હોય છે. બેટના હેન્ડલ અને ખભઆના હિસ્સાની પાછળની તરફ બેટની અંદરના ભાગમાં આ સેન્સર ફીટ કરવામાં આવે છે. આ સેન્સર બેટની ગતિનો અંદાજ મેળવે છે. બેટ સાથે બોલ અથડાય છે તે તબક્કે કેવી અસર થાય છે તેનો અંદાજ આપે છે. આ સેન્સર બોલને ફટકારવા માટે બેટ કેટલી ઝડપથી આગળ વધ્યુ તેનો અંદાજ આપે છે. તેમ જ બેટની દિશામાં ક્યારે કેટલો બદલાવ આવ્યો તેનો પણ અંદાજ આપે છે. તેને પરિણામે બોલને ફટકારવાની પ્રક્રિયામાં કેટલો બદલાવ આવ્યો તેનો પણ અંદાજ મળી જાય છે. તેની સાથે જ બોલને ફટકારવામાં આવ્યો ત્યારે બેટના યોગ્ય-સ્વિટ સ્પોટ પર જ હતો કે અન્ય કોઈ સ્પોટ પર બોલ ટકરાયો હતો તેનો અંદાજ આપી વિશ્લેષણ કરી આપે છે.
આ વિશ્લેષણને અંતે બેટર-બેટ્સમેનનો બોલને ફટકારવાના પરફેક્શનનો સ્કોર તૈયાર કરી આપે છે. તેને પાવર સ્પેક્સ તરીકે ઓળખાવવામાં આવે છે. બેટની વિંઝવાની ઝડપ અને તેની દિશામાં ફટકારવાની પ્રક્રિયા દરમિયા આવતા બદલાવને લગતી બધી જ વિગતો મોશન સેન્સર કેપ્ચર કરી લે છે. તેને માઈક્રોઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ-મિમ્સ-મેમ્સ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. વાહનને અકસ્માત થાય ત્યારે એરબેગ ખૂલી જાય તે માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
મેમ્સના માધ્યમથી એકત્રિત કરવામાં આવેલો બેટરના બેટની મુવમેન્ટનો ડેટા બ્લુ ટૂથ લૉ એનર્જીના માધ્યમથી સ્ટમ્પ બોક્સ તરીકે ઓળખાતી ડિવાઈઝમાં મોકલવામાં આવે છે. આ ડેટાને ત્યારબાદ માઈક્રોસોફ્ટ એઝ્યુર તરીકે ઓળખાતા ક્લાઉડમાં મોકલી આપવામાં આવે છે. આ ક્લાઉડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અ મશીન લર્નિગંના ટુલ્સ તેનું વિશ્લેષણ કરે છે. ગણતરીની સેકન્ડ્સમાં તેનું વિશ્લેષણ થઈ શકે છે. આ માહિતી રિયલ ટાઈમમાં મળી શકે છે. કોમેન્ટેટર કે વિશ્લેષક તે અંગે કોમેન્ટ્સ પણ કરી શકે છે. 2017થી કુંબલેની કંપનીએ ક્રિકેટ બેટમાં કોમ્પ્યુટર સેન્સર લગાવીને અખતરાઓ કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમાં સ્પેક્ટેકોમના સહસ્થાપક ગૌરવ માનચંદાએ સહકાર આપ્યો છે. બેટની પાછળની તરફ ગોઠવી દેવામાં આલા આ સેન્સર બેટ્સમેનને દેખાતા જ નથી.
ત્યારબાદ અનિલ કુંબલેની એકેડમી તેમાં આવતા ભાવિ ક્રિકેટરોને મોબાઈલ એપની મદદથી તાલીમ લઈ રહેલા શીખાઉ ક્રિકેટરને તેની સમજણ આપે છે. આ મોબાઈલ એપ બીએલઈના માધ્મયથી એઝ્યુર ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સ, એઝ્યુર મશીન લર્નિંગ અને સ્માર્ટ એનાલિટિક્સ માટેના ડેટા બેઝ સાથે જોડાયેલી હોય છે. તામિલનાડુ પ્રીમિયર લીગની મેચોમાં આ બેટનો અખતરો કરી લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે તેના અખતરાઓને સમર્થન આપીને માન્ય રાખ્યા છે. આ અખતરાઓમાં 98થી 99 ટકા એક્યુરસી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
બેટરના બેટમાં સેન્સર મૂકવાની નવતર ટેક્નલોજીને પરિણામે બેટ્સમેને મારેલો ફટકો કેમ સફળ કે નિષ્ફળ ગયો તેનો અંદાજ મેળવી શકાય છે. સામાન્ય કોચ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન કરતાં વધુ સંગીન માર્ગદર્શન આ ટેકનોલોજી આપી શકે છે. તેની મદદથી બેટ્સમેન તેની બેટ વિંઝવાની ઝડપમાં ઘટાડો કે વધારો કરીને શોટ્સની ક્વોલિટીમાં સુધારો લાવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો બેટ્સમેન તેનું ટાઈમિંગ સુધારી શકે છે. બેટનો એન્ગલ, સ્પીડ, ફોલો થ્રુ, પાવર જનરેશન બધું જ જાણીને તેમાં યોગ્ય બદલાવ લાવી શકે છે. તેનાથી બેટ્સમેનના પરફોર્મન્સમાં સાતત્ય વધી શકે છે. ક્રિકેટરને તત્કાળ માહિતી મળતી હોવાથી તે તેની ટેકનિકમાં તત્કાલ બદલાવ લાવી શકે છે.
ટેનવિકના નામથી કંપની ચાલુ કરી
એક જ મેચમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ કર્યા પછી અનિલ કુંબલેએ ટેનવિક-ટેન વિકેટ નામની કંપની ચાલુ કરી હતી. ટેનવિક યુવાનોને ત્રણ બાબત શીખવે છે. એક, તાલીમ લેવામાંથી પાછા ખસી જવાનું વલણ રાખતા નહિ. બે નિવૃત્ત ખેલાડીઓને કોચ અને મેનેજર બનવાની તાલીમ આપે છે. ત્રીજું, માત્ર મોબાઈલ ફોનમાં ખૂંપી રહેતા યુવાનોને તે તેમાંથી બહાર ખેંચી લાવે છે. અત્યાર સુધીમાં અનિલ કુંબલે પાસે 80,000થી વધુ યુવાનો તાલીમ લઈ ચૂક્યા છે. ટેનવિક સ્પોર્ટ્સના સાધનો પણ વેચે છે. 2012માં કુંબલેએ ટેનવિક રિટેઈલ પણ ચાલુ કરી છે. કુંબલે પોતાની કંપની જ ચલાવે છે તેવું નથી. અન્ય સ્ટાર્ટ અપ્સને ટેકો પણ આપે છે. આજે કુંબલેની નેટવર્થ 11 મિલિયન ડૉલરની છે. રૂપિયામાં તેની વર્થ 92 કરોડની થાય છે.
ક્રિકેટમાં ટેકનોલોજી નવો બદલાવ લાવવાની દિશામાં આગળ વધી રહી છે. જોકે અનિલ કુંબલે માને છે કે હજીય આ ટેકનોલોજી ગલી ક્રિકેટના લેવેલે જ-બહુ જ બાલ્યઅવસ્થામાં છે. સ્પેક્ટાકોમનો ડેટા રિયલ ટાઈમ પ્રેડિક્શન આપી શકે તેવી સ્થિતિ નિર્માણ કરવાનું અનિલ કુંબલેનું સપનું છે. ટી ટ્વેલન્ટીમાં દરેક બોલની અલગ પેટર્ન હોય છે. બોલર એક ઓવરમાં ત્રણ યોર્કર નાખે છે. હવે પછી કેવો બોલ આવશે તેનો અંદાજ માંડવા સુધી જવા માગે છે. તેમ જ બેટ્સમેન બે વાર સફલ(Shuffel) કરે તો તે કેવા પ્રકારનો શોટ્સ મારવાનો વિચાર કરી રહ્યો છે તેનો પણ અંદાજ આવે તે લેવલ સુધી જવા માગે છે. આ બધાંને સમજી શકાય તે માટેનું અલ્ગોરિધમ તૈયાર કરવાની દિશામાં અનિલ કુંબલેની કંપની આગળ વધી રહી છે. તેની મદદથી ક્રિકેટરને થતાં દરેક સવાલના જવાબ મળી શકશે. તેનાથી ક્રિકેટરની-ક્રિકેટ ટીમની સ્પર્ધાત્મકતા વધી જશે. જોકે ટેક્નોલોજી આવવાથી માનવ મગજનું તત્વ તેમાંથી વિલાઈ જાય તેવું અનિલ કુંબલે ઇચ્છતો નથી.



