• 9 October, 2025 - 12:59 AM

ગાંધી જયંતિ: CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વેગ

ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના વિચારને વેગ આપ્યો છે. મુખ્ય પ્રધાને ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ની મુહિમમાં સહભાગી થયા હતા. સ્વદેશીના પ્રતીકસમાન ખાદીની ખરીદી કરીને ભૂપેન્દ્ર પટેલે ‘લોકલ ફોર વોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રોને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના માટે ખાદીની ખરીદી કરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનિટ ઓમ ખાદીમાંથી પોતાના માટે ખાદીની ખરીદી કરી હતી. આ દરમિયાન શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય
‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાનને ઝીલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતિથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025 થી 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે.

ખાદી-પોલીવસ્ત્રના વેચાણને પ્રોત્સાહન અપાશે
રાજ્યમાં ખાદી-પોલીવસ્ત્રના વેચાણ અને પ્રોત્સાહન આપવા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ સ્થળોએ પ્રદર્શન સહ વેચાણ મેળા ખાદી બોર્ડ દ્વારા યોજવામાં આવે છે. આ વર્ષે ગાંધી જયંતિ અવસરે 5 ઓક્ટોબર 2025થી 14 ઓક્ટોબર 2025 દરમિયાન ભરૂચ, 5 નવેમ્બર 2025થી 14 નવેમ્બર 2025 દરમિયાન ચીખલી અને 16 નવેમ્બર 2025થી 25 નવેમ્બર 2025 દરમિયાન વાપી ખાતે પ્રદર્શન સહિત વેચાણમેળાનું આયોજન કરવામાં આવશે.

Read Previous

ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ પછી સીધી ફ્લાઇટ, આ દિવસથી શરુ થશે

Read Next

ઈન્ફ્રાસ્ટ્રક્ચર: સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા માટે 20,000 કરોડનું ‘રિસ્ક ગેરંટી ફંડ’ બનાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular