• 21 October, 2026 - 6:39 PM

સોલાર વીજળીનો વેડફાટ અટકાવવા સરકાર 10 ટકા ક્સ્ટમ્સ ડ્યૂટી અને 18 ટકા જીએસટી નાબૂદ કરે

સોલાર વીજળીનો વેડફાટ અટકાવવા સરકાર 10 ટકા ક્સ્ટમ્સ ડ્યૂટી અને 18 ટકા જીએસટી નાબૂદ કરે

ભારતમાં સોલાર પાવર સ્ટોરેજ બેટરીની આયાત પરના અંકુશો સૌર ઉર્જાથી પેદા થતી પ્રદુષમ મુક્ત વીજળીને થઈ રહેલો વેડફાટ

અમદાવાદઃ ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો કરાવવા માટે ભારત સરકાર સોલાર પાવર પર 10 ટકા જેટલી આયાત ડ્યૂટી લગાડી બેઠી છે. વીજ ઉત્પાદકોએ 10 ટકાની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી ઉપરાંત સોલાર પાવરની આયાતી બેટરી પર 18 ટકાનો તોતિંગ ઇન્ટીગ્રેટેડ જીએસટી-આઈજીએસટી પણ ચૂકવવો પડી રહ્યો છે. સૌર ઉર્જાથી પેદા થતી પ્રદુષણ મુક્ત વીજળીનું ઉત્પાદન વધે અને સૌર ઉર્જાથી પેદા થતી વીજળીનો વેડફાટ બચાવી શકાય તે બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી હટાવી લેવી જોઈએ. આયાત ડ્યૂટીની આવક કરતાં સોલાર પાવરથી પેદા થતી વીજળીનો વેડફાટનું નુકસાન વધી રહ્યું હોવાથી સરકારે આયાત પર બોજ ન નાખવો જોઈએ, એમ ઉદ્યોગોનું કહેવું છે. 

તેમ કરવાને બદલે ભારત સરકાર દેશમાં આત્મનિર્ભરતા લાવવા અને સ્થાનિક બેટરી મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે આયાતી ગ્રીડ-સ્કેલ સોલાર બેટરીઓ પર તબક્કાવાર નીતિવિષયક અંકુશો અને કરવેરા લાગુ કરી રહી છે. પરંતુ તેને કારણે સ્થાનિક સ્તરે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે સ્પષ્ટતા કરી છે કે ગ્રીડ-સ્કેલ અને સ્ટેશનરી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ -BESS પર ૧૦ ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યુટી વસૂલવામાં આવશે. ઉપરાંત, ટેરિફ હેડિંગ હેઠળ ૧૮ ટકા IGST અને સામાજિક કલ્યાણ સરચાર્જ ઉમેરાતાં આયાતી ફિનિશ્ડ બેટરી પરનો લેન્ડેડ ટેક્સ બોજ વધી જાય છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે ડેન્જરસ ગુડ્સ રેગ્યુલેશન 2026 હેઠળ જાન્યુઆરી ૨૦૨૬થી લિથિયમ-આયન બેટરી સેલ્સની આયાત માટે સખત ડિજિટલ યુએન 38.3 ટેસ્ટ સમરી અને ક્વોલિટી કમ્પ્લાયન્સ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તેથી જ યોગ્ય પ્રમાણપત્ર વગરના બેટરી કન્ટેનર પોર્ટ પરથી ક્લિયર કરવામાં આવતા નથી. બીજીતરફ ચીનમાંથી આવતા સસ્તા લિથિયમ-આયન સેલ્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ-BESS કન્ટેનર પર એન્ટી-ડમ્પિંગ પ્રોટેક્શન ડ્યુટી અને સખત ચકાસણી લાગુ હોવાથી ચીન પર નિર્ભર સપ્લાય ચેઈનમાં મોટો વિલંબ થઈ રહ્યો છે.

અંકુશોના કારણે ગુજરાત અને ભારતના સોલાર પાવર પ્રોડ્યુસર્સને પડતી તકલીફો

ભારત સરકારના નીતિગત અંકુશો અને આયાત ડ્યુટીના કારણે ગુજરાતની ગુજરાત ઊર્જાવિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ એનર્જી કોર્પરેશન લિમિટેડ તથા સોલાર પાવરના ખાનગી વીજઉત્પાદકોની ઉત્પાદકોની વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આયાતી બીઈએસએસ પર ૧૦ ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી અને ૧૮ ટકા IGST લાગુ કરવામાં આવ્યો હોવાને કારણે સો મેગાવોટ-૧૦૦ MW તથા ૪૦૦ મેગાવોટ અવર્સ-MWhના મોટા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટની પડતર ખર્ચમાં સીધો રૂ. ૬૦ થી રૂ. ૮૦ કરોડનો વધારાનો બોજ પડે છે. પરિણામે સસ્તી અને પ્રદિષણ મુક્ત સોલાર પાવરની પ્રોડક્શન કોસ્ટ ઉપર જઈ રહી છે. 

પ્રોજેક્ટ મૂડી ખર્ચમાં મોટો વધારો

સ્થાનિક સ્તરે હજુ પણ પૂરતા પ્રમાણમાં લિથિયમ આયર્ન ફોસ્ફેટ સેલ બનતા નથી, જેના કારણે પ્રોડ્યુસર્સે આયાત કરવી જ પડે છે. એક મેગાવોટના સ્ટોરેજ માટેની બેટરી આયાત કરવાની અંદાજિત પડતર કિંમત રૂ. 1.10 કરોડની આસપાસની પડે છે. આ મેગાવોટ અવર્સ પ્રમાણે કામ કરે છે. તેમાં એક કલાક સુધી એક મેગાવોટના ફૂલ ફોર્સથી વીજળીનો સપ્લાય આપી શકાય છે. પરંતુ બે પાંચ મેગાવેટના ઉત્પાદકોને આ ખર્ચ પરવડતો ન હોવાથી તેઓ બેટરીના આયાત કરી શકતા નથી. તેના પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીનો 10 ટકાનો અને આઈજીએસટીનો 18 ટકા ઉપરાંસ વેલ્ફેટ ટેક્સનો 10 ટકાનો બોજ આવી રહ્યો છે. 

સપ્લાય ચેઈનમાં વિલંબ અને પ્રોજેક્ટ ડેડલાઈન ચૂકી જવી

સખત કસ્ટમ્સ ચેકિંગ, UN38.3 ડિજિટલ સર્ટિફિકેશન અને પોર્ટ ક્લિયરન્સમાં વિલંબના લીધે બેટરી કન્ટેનર્સ પોર્ટ પર અઠવાડિયાઓ સુધી અટવાયેલા રહે છે. તેના કારણે BESS પ્રોજેક્ટ્સ સમયસર શરૂ થઈ શકતા નથી, જેથી પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA)ની શરતો ભંગ થતાં કંપનીઓએ દંડ ભરવો પડે છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં નક્કી કરેલા કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર (CUF) એટલે કે વાર્ષિક મિનિમમ ૧૫ ટકાથી ૨૦ ટકા) કરતાં ઓછું વીજ ઉત્પાદન થાય, તો કરાર મુજબ પાવર પ્રોડ્યુસરે વીજ વિતરણ કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ રૂપે દંડ ચૂકવવો પડે છે. બીજીતરફ મંજૂર થયેલ ક્ષમતા કરતાં વધુ મોડ્યુલ લગાવીને વીજળી ગ્રીડમાં ફીડ કરવા બદલ જર્ક-ગુજરાત વીજ નિયમન પંચના નેટ-મીટરિંગ નિયમો હેઠળ દંડની આકરી આકારણી અને બિલિંગ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. આ અંગે ગુજરાત સરકારની વીજ કંપનીઓના કોમર્શિયલ હેડ કમલેશ જાંગીડને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે હું થોડા સમય પછી વાત કરી શકીશ. 

સોલાર પાવર પ્રોડ્યુસર્સે અગાઉ જે રેટ  એટલે કે રૂપિયા પ્રતિ યુનિટના આધારે ટેન્ડર ભર્યા હોય, તેના કરતાં આયાત ડ્યુટી અને લોજિસ્ટિક્સ ખર્ચ વધી જતાં તેમનો નફાનો ગાળો ધોવાઈ જાય છે. ગુજરાતમાં સાંજના પીક અવર્સમાં વીજળી આપવા માટે બેટરી સેટઅપ કરવું મોંઘું પડે છે, જેનાથી પ્રોડ્યુસર્સ માટે ‘આર્બિટ્રેજ’ (સાંજે મોંઘી વીજળી વેચવાનો લાભ) મેળવવો મુશ્કેલ બને છે.

સ્થાનિક સેલ સપ્લાયની અછત

કેન્દ્ર સરકાર પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ સ્થાનિક ગ્રીડ-સ્કેલ બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ દેશમાં હજુ સુધી જરૂરિયાત મુજબના સેલનું ઉત્પાદન સ્કેલ-અપ થવામાં સમય લાગી રહ્યો છે. પરિણામે આયાતી બેટરી પર નિર્ભર રહેવું પડે છે અને નીતિગત અંકુશોના લીધે મોંઘવારી સહન કરવી પડે છે. આયાતી બેટરી પર નિર્ભર રહેવું પડે તે ગાળા માટે સરકારે તેના પરની આયાત ડ્યૂટી રદ કરવી જોઈએ. તેમ જ તેના પર લેવાતો 18 ટકા આઈજીએસટી અને આઈજીએસટી પર 10 ટકા સોશિયલ વેલ્ફેર ટેક્સ વસૂલવાનું બંધ જ કરી દેવું જોઈએ.

Read Previous

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં રિકવરીના મળી રહેલા સંકેત 

Most Popular