સોલાર બેટરીની આયાત પર અંકુશથી નાના ઉત્પાદન એકમોનો કચ્ચરઘાણ, વીજળી મોંઘી

સોલાર વીજળીનો વેડફાટ અટકાવવા સરકાર ૧૦ ટકા ક્સ્ટમ્સ ડયૂટી અને ૧૮ ટકા જીએસટી નાબૂદ કરેઃ આયાતને સંપૂર્ણ ટેક્સ મુક્ત કરે
મોટી વીજ કંપનીઓને લાભ કરાવવા નાની સોલાર પાવર કંપનીઓના વિકાસના માર્ગમાં રોડાં નાખી રહેલી સરકાર
ભારતમાં સોલાર પાવર સ્ટોરેજ બેટરીની આયાત પરના અંકુશો સૌર ઉર્જાથી પેદા થતી પ્રદુષમ મુક્ત વીજળીને થઈ રહેલો વેડફાટ
સોલાર બેટરી માટેની નવી નીતિની ગુજરાત સરકાર ડિસેમ્બરના અરસામાં જાહેરાત કરે તેવી સંભાવના
ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો કરાવવા માટે ભારત સરકાર સોલાર પાવર પર કેન્દ્ર સરકાર ૧૦ ટકા આયાત ડયૂટી લગાડી બેઠી છે. આમ વીજ ઉત્પાદકોએ ૧૦ ટકાની બેઝિક કસ્ટમ્સ ડયૂટી ઉપરાંત સોલાર પાવરની આયાતી બેટરી પર ૧૮ ટકાનો તોતિંગ ઇન્ટીગ્રેટેડ જીએસટી-આઈજીએસટી પણ ચૂકવવો પડી રહ્યો છે. ૧૮ ટકા આઈજીએસટી ઉપરાંત આઈજીએસટી પર ૧૦ ટકાનો સામાજિક કલ્યાણ ટેક્સ પણ વસૂલવામાં આવે છે. સરકારની આ નીતિને પરિણામે જ વીજ વપરાશકારોને સસ્તી વીજળી મળતી નથી. પ્રજાએ યુનિટદીઠ રૃ. ૮થી વધુના ભાવની વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. તેનો ફાયદો મોટા વીજ ઉત્પાદન એકમોને મળી રહ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે ગ્રીડ-સ્કેલ અને સ્ટેશનરી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઉપર ૧૦ ટકા બેઝિક કસ્ટમ્સ ડયુટી નાખી છે. ઉપરાંત ૧૮ ટકા આઈજીએસટી અને આઈજીએસટી ઉપર ૧૦ ટકા સામાજિક કલ્યાણ સરચાર્જ નાખ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે ડેન્જરસ ગુડ્સ રેગ્યુલેશન ૨૦૨૬ હેઠળ જાન્યુઆરી ૨૦૨૬થી લિથિયમ-આયન બેટરી સેલ્સની આયાત માટે આકરો ડિજિટલ યુએન ૩૮.૩ ટેસ્ટ સમરી અને ક્વોલિટી કમ્પ્લાયન્સ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તેથી જ યોગ્ય પ્રમાણપત્ર વગરના બેટરી કન્ટેનર પોર્ટ પરથી ક્લિયર કરવામાં આવતા નથી. ૩૮.૩ ટેસ્ટ સમરી એક આંતરરાષ્ટ્રીય સુરક્ષા પ્રમાણપત્ર છે. તેનો અર્થ એ થાય કે જે બેટરી મંગાવવામાં આવી રહી છે, તે બેટરીનો ડિજિટલ ફોર્મેટમાં સેફ્ટી ટેસ્ટ થયેલો છે.
ભારત સરકારના નીતિગત અંકુશો અને આયાત ડયુટીના કારણે ગુજરાતની ગુજરાત ઊર્જાવિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ એનર્જી કોર્પરેશન લિમિટેડ તથા સોલાર પાવરના ખાનગી વીજઉત્પાદકોની ઉત્પાદકોની વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આયાતી બેટરી પરની બેઝિક કસ્ટમ્સ ડયૂટી, આઈજીએસટી તથા સામાજિક કલ્યાણ સેસેને કારણે સો મેગાવોટ તથા ૪૦૦ મેગાવોટ અવર્સના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટના પડતર ખર્ચમાં સીો રૃ. ૬૦ થી રૃ. ૮૦ કરોડનો વધારાનો બોજ પડે છે. પરિણામે સસ્તી અને પ્રદિષણ મુક્ત સોલાર પાવરની પ્રોડક્શન કોસ્ટ ઉપર જઈ રહી છે.
બીજું, સ્થાનિક સ્તરે હજુ પણ પૂરતા પ્રમાણમાં લિથિયમ આયર્ન ફોસ્ફેટ સેલ બનતા નથી, જેના કારણે પ્રોડયુસર્સે આયાત કરવી જ પડે છે. એક મેગાવોટના સ્ટોરેજ માટેની બેટરી આયાત કરવાની અંદાજિત પડતર કિંમત રૃ. ૧.૧૦ કરોડની આસપાસની પડે છે. આ બેટરી મેગાવોટ અવર્સ પ્રમાણે કામ કરે છે. તેમાં એક કલાક સુધી એક મેગાવોટના ફૂલ ફોર્સથી વીજળીનો સપ્લાય આપી શકાય છે. પરંતુ બે પાંચ મેગાવેટના સોલાર પાવરના ઉત્પાદકોને આ ખર્ચ પરવડતો ન હોવાથી તેઓ બેટરીના આયાત કરી શકતા નથી.
દંડની સરકારી નીતિઓ પણ જોખમી
સરકારે કરેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં નક્કી કરેલાં કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે વાષક મિનિમમ ૨૫ ટકાથી ટકા કરતાં ઓછું વીજ ઉત્પાદન થાય, તો કરાર મુજબ પાવર પ્રોડયુસરે વીજ વિતરણ કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ રૃપે દંડ ચૂકવવો પડે છે. બીજીતરફ મંજૂર થયેલ ક્ષમતા કરતાં વધુ મોડયુલ લગાવીને વીજળી ગ્રીડમાં ફીડ કરવા બદલ જર્ક-ગુજરાત વીજ નિયમન પંચના નેટ-મીટરિંગ નિયમો હેઠળ દંડની આકરી આકારણી અને બિલિંગ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. સોલાર પાવરના ઉત્પાદકોને સપ્લાય ઘટાડે તો પણ તેમને દંડ કરવામાં આવે છે.
આ અંગે ગુજરાત સરકારની વીજ કંપનીઓના કોમશયલ હેડ કમલેશ જાંગીડને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમણે સરેરાશ ૨૫ ટકાનો સપ્લાય આપવો ફરજિયાત છે. તેનાથી ઘટે તો તેમના યુનિટદીઠ સપ્લાય રેટના ૨૫ ટકા એટલે કે યુનિટના ભાવ રૃ.૩ નક્કી થયા હોય તો ૭૫ પૈસાનો યુનિટદીઠ દંડ કરવામાં આવે છે. તેમને સપ્લાય ઘટાડવાનો આદેશ આપવાની સત્તા જીયુવીએનએલ પાસે છે જ નહિ. સ્ટેટ લેવલ ડિસ્પેચ સેન્ટર વીજ વિતરણ લાઈનની ફ્રિક્વન્સી ૪૯.૫થી ૫૦.૦૫મા રેન્જ જળવાઈ રહે તે માટે જ થોડા થોડા સમય માટે સપ્લાય પર કાપ મૂકે છે. સોલાર પાવર પ્રોડયુસરને આખા દિવસ માટે ૭૦ ટકા કાપ નહિ, પરંતુ બપોરે અગિયારથી અઢી વાગ્યાના અરસામાં કાપ મૂકવામાં આવે છે. કારણ કે વીજવહન કરતી ગ્રીડમાં ૪૯.૫થી ૫૦.૦૫થી વધુનીં ફ્રિક્વન્સી ન થવી જોઈએ. આ ફ્રિક્વન્સી જાળવી રાખવા અને ગ્રીડની કામગીરી ખોરવાઈ ન જાય તે માટે કાપ મૂકવામાં આવે છે. જોકે આ સમસ્યાનો પણ ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર સોલાર બેટરી માટેની નવી યોજના લઈને આવી રહી છે. આગામી ડિસેમ્બરના અરસામાં આવનારી નવી યોજનાને પરિણામે આ સમસ્યામાં ખાસ્સી રાહત મળી જશે.
કેન્દ્ર સરકાર પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ સ્થાનિક ગ્રીડ-સ્કેલ બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ દેશમાં હજુ સુધી જરૃરિયાત મુજબના સેલનું ઉત્પાદન સ્કેલ-અપ થવામાં સમય લાગી રહ્યો છે. પરિણામે આયાતી બેટરી પર નિર્ભર રહેવું પડે છે અને નીતિગત અંકુશોના લીધેે મોંઘવારી સહન કરવી પડે છે. આયાતી બેટરી પર નિર્ભર રહેવું પડે તે ગાળા માટે સરકારે તેના પરની આયાત ડયૂટી રદ કરવી જોઈએ. તેમ જ તેના પર લેવાતો ૧૮ ટકા આઈજીએસટી અને આઈજીએસટી પર ૧૦ ટકા સોશિયલ વેલ્ફેર ટેક્સ વસૂલવાનું બંધ જ કરી દેવું જોઈએ.
