પૈસા ઉપાડવા અને જમા કરાવવાના ચાર્જ લેવા માંડેલી બેન્કો હવે કરન્ટ એકાઉન્ટમાં પડેલી રકમ પર વ્યાજ ચૂકવે

પૈસા ઉપાડવા અને જમા કરાવવાના ચાર્જ લેવા માંડેલી બેન્કો હવે કરન્ટ એકાઉન્ટમાં પડેલી રકમ પર વ્યાજ ચૂકવે
અમદાવાદની કોટક મહેન્દ્રા જેવી ખાનગી બેન્કો એક લાખ રોકડેથી જમા કરાવવા પર રૂ. 500 અને જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ. 1 લાખ રોકડેથી જમા કરાવવા પર રૂ. 100નો ચાર્જ માગવા માંડ્યો હોવાથી નારાજ થયેલા વેપારીઓએ કરન્ટ એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં જમા પડી રહેલા નાણાં પણ બચત ખાતા જેટલું વ્યાજ ચૂકવવાની માગણી કરી છે. તેમની દલીલ છે કે બેન્કો પૈસા જમા કરાવવાથી માંડીને પૈસા ટ્રાન્સફર કરવા માટે એનઈએફટી કે આરટીજીએસ તમામના ચાર્જ સહિતની નાની મોટી સેવાઓ પર ચાર્જ વસૂલવા માંડ્યા છે ત્યારે અમે પણ અમારા કરન્ટ એકાઉન્ટમાં પડી રહેતા નાણાં પર સેવિંગ એકાઉન્ટમાં પડી રહેતી થાપણો જેટલું વ્યાજ આપવાની માગણી કરી રહ્યા છે. કરન્ટ એકાઉન્ટમાં અમારી પડી રહેતી થાપણો પર કેમ વ્યાજ આપવામાં આવતું નથી તેવો સવાલ શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠને ઊઠાવવામાં આવ્યો છે. આમ અત્યારે દેશની રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો દ્વારા ગ્રાહકો અને ખાસ કરીને વેપારીઓ પાસે અલગ-અલગ સેવાઓ બદલ લેવામાં આવતા ચાર્જીસને લઈને મોટો અસંતોષ જોવા મળી રહ્યો છે.
બેંકો દ્વારા વસૂલવામાં આવતા વિવિધ સર્વિસ ચાર્જીસ
ગ્રાહકો અને વેપારીઓનો આરોપ છે કે નીચે મુજબની દરેક પ્રાથમિક સુવિધા પર બેંકો કમિશન અને ચાર્જના નામે મોટી રકમો વસૂલી રહી છે. મર્યાદા કરતાં વધુ વખત કે વધુ રકમ રોકડમાં જમા કરાવવા પર એક લાખ પર ખાનગી બેન્કો રૂ. 500 અને જાહેર ક્ષેત્રની બેન્કો રૂ. 100 માગી રહી છે. નોકરિયાત વ્યક્તિએ ખરીદેલી મિલકત માટે ચૂકવવાના થતાં રૂ. 9 લાખના રોકડ ઉપાડ માટે પણ એચડીએફસી બેન્કે ચાર્જની માગણીકરી છે. કોર બેન્કિંગની સેવા આપવાની શરૂઆત કર્યા પછી સ્ટેટ બેન્કે હોમ બ્રાન્ચ સિવાયની બ્રાન્ચમાંથી રૂ. 5000 જમા કરાવવા માટે ઓછામાં ઓછા રૂ. 50નો ચાર્જ માગ્યો હતો. ઓક્ટોબરમાં જ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક વેપારી પાસે સાડા ત્રણથી ચાર લાખની રોકડ જમા કરાવવા માટે 18 ટકા જીએસટી સાથે રૂ. 475થી વધુ ચાર્જ લીધો હતો. એપ્રિલના આરંભમાં બેન્કો પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા આપવામાં આવતા ચેકના નાણાં નિર્ધારિત 5 તારીખથી પહેલા જમા ન બતાવતા હોવાથી ખાતેદારોએ એક મહિનાનું વ્યાજ ગુમાવવું પડતું હોવાથી ખાતેદારો રૂ. 1.50 લાખ રોકડેથી આપે તો તે લેવામાં પણ સ્ટેટ બેન્કની આકાશદીપ ટાવરની બ્રાન્ચના કર્મચારીઓ ધાંધિયા કરે છે.
રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો દ્વારા વસૂલાતા વિવિધ ચાર્જીસ સામે કરન્ટ એકાઉન્ટ ધારકોનો આક્રોશપૂર્ણ
વર્ષ દરમિયાન મફતમાં મળતા ચેક ઉપરાંતના ચેક વપરાય તો ચેકબુકના પણ ચેકદીઠ રૂ. 1 લેખે ચાર્જ ખાતેદારો પાસેથી વસૂલી લેવામાં આવે છે. ચેક રિટર્ન કે ચેક બાઉન્સ થવાનો પણ ચાર્જ જાહેર ક્ષેત્રની બેન્કો રૂ. 300ની આસપાસનો અને ખાનગી બેન્કો રૂ. 750 જેટલો ચાર્જ લે છે. પહેલા કુરિયરથી કે ખાસ માણસ રાખીને ચેક ક્લિયરિંગ માટે આપવા સ્ટાફ રાખવા પડતા હતા. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશને કરેલી વ્યવસ્થા હેઠળ ક્લિયરિંગ હાઉસમાંથી માત્ર ચેકની ઇમેજ જ મોકલી આપવાનું કામ કરવું પડે છે. છતાં ચેક રિટર્ન એટલે કે સિકરાયા વિના પરત થાય તો રૂ. 300થી માંડીને રૂ. 750 જેટલો ચાર્જ દંડ તરીકે લેવામાં આવી રહ્યો છે.
કોર બેન્કિંગમાં અન્ય બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવા કે જમા કરાવવા સહિતની દરેક સેવાનો ચાર્જ લેવાય છે, તો કરન્ટ એકાઉન્ટમાં જમા પડી રહેતા નાણાં પર વ્યાજ કેમ નહીં?’
આજ રીતે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, યુપીઆઈના પેેમેન્ટ રૂ. 2000થી વધુ કરે તો તેના પર જીએસટી પણ વસૂલવામાં આવી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કે બ્રાન્ચ ટ્રાન્સફર કરવા માટે આ ચાર્જ વસૂલવામાં આવે છે. ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા અંગે દરેક બેન્કોએ અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે. કોઈ બેન્ક રૂ. 1000, કોઈ બેન્ક રૂ. 5000 અને એકાઉન્ટની કેટેગરી પ્રમાણે રૂ. 25000નું મિનિમમ બેલેન્સ જાળવી રાખવાનું ફરજિયાત કર્યું છે. આ બેલેન્સ ન જળવાય તો ખાતામાંથી રૂ. 1000 જેટલી માતબર રકમ કપાઈ જવાના કિસ્સાઓ બની રહ્યા છે. મિનિમમ બેલેન્સમાં પણ એવરેજ મિનિમમ બેલેન્સનું ગતકડું કરવામાં આવી રહ્યું છે.
એસએમએસ એલર્ટ અને મિસેલેનિયસ ચાર્જીસ
એસએમએસ સેવા, એટીએમ વાર્ષિક ફી, અને સ્ટેટમેન્ટ મેળવવા માટેના ચાર્જીસ પણ બેન્કો વસૂલે છે. હવે એસએમએસ સમયસર મળે કે ન મળે તેમારા ખાતામાંથી મહિને અંદાજે રૂ. 17થી 18 કપાઈ જ જાય છે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના અનેકવાર ફોન કરીને પૈસાનો ઉપાડ થઈ ગયો છે કે નહિ તેની જાણકારી મેળવવી પડે છે. તેમના એસએમએમસ મળતાં જ નથી. પરંતુ ચાર્જ કાપી લેવામાં જરાય ઇરેગ્યુલર નથી. એસએમએસના ચાર્જ કાપી લેતી એચડીએફસી બેન્કના મેસેજ પણ સમયસર ન મળતાં હોવાની ફરિયાદ કરી શકાય તેમ છે. તમને ડેબિટ કાર્ડ જોઈતો હોય કે ન જોઈતો હોય બેન્કો તમારે ત્યાં ડેબિટ કાર્ડ મોકલી આપે છે. આ ડેબિટ કાર્ડના ચાર્જને નામે વરસને અંતે રૂ. 300થી 500 તમારા ખાતામાંથી ઉપાડી લે છે. તેની સામે વાંધો નોંધાવનારને પરત આપીને વિવાદ શમાવી દેવાનું વલણ પણ બેન્કો અપનાવે છે. જોકે મોટા ભાગના ખાતેદારો તેની સામે વિરોધ નોંધાવતા નથી.
કરન્ટ એકાઉન્ટ પર વ્યાજ આપવાની માંગણી
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની પ્રચલિત માર્ગદર્શિકા મુજબ બેંકોને કરન્ટ એકાઉન્ટ (ચાલુ ખાતા) માં વ્યાજ આપવાની મનાઈ છે, કારણ કે આ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શનની કોઈ મર્યાદા હોતી નથી. તેની સામે વેપારીઓની દલીલ છે કે નાની અને મોટી કંપનીઓ કરન્ટ એકાઉન્ટમાં લાખો-કરોડો રૂપિયાની કાર્યકારી મૂડી જાળવી રાખે છે. દુકાનદારો પણ એકાએક ખરીદી કરવી પડે ત્યારે પેમેન્ટ આપવા માટે નાણાં મૂકી રાખે છે. આ નાણાંનો ઉપયોગ બેંકો અન્ય ક્ષેત્રોમાં ધિરાણ આપીને ઊંચું વ્યાજ કમાવા માટે કરે છે. આ સ્થિતિમાં કરન્ટ એકાઉન્ટમાં પડી રહેતી થાપણો પર બેન્કોએ ખાતેદારેનો વધુ નહિ તો સેવિંગ બેન્ક એકાઉન્ટમાં પડી રહેતી થાપણો જેટલું વ્યાજ તો ચૂકવવું જ જોઈએ. અન્યથા બીજા ચાર્જ લેવાનું બંધ કરી દેવું જોઈએ. ભૂતકાળમાં જ્યારે બેંકો સેવાઓ મફત અથવા નજીવા ચાર્જે આપતી હતી ત્યારે કરન્ટ એકાઉન્ટ પર વ્યાજ ન આપવું વાજબી ગણાતું હતું. પરંતુ હવે જ્યારે દરેક સેવા (રોકડ જમા/ઉપાડ, ટ્રાન્સફર, ચેકબુક) પર વ્યાજ અને ચાર્જ લેવાય છે, ત્યારે કરન્ટ એકાઉન્ટમાં રોકાયેલા નાણાં પર વ્યાજ ન આપવું તે ગ્રાહકો સાથે અન્યાય છે.
વેપારી મંડળો અને ગ્રાહકોની માગણીઓ
રીઝર્વ બેન્કે કરન્ટ એકાઉન્ટ પર વ્યાજ આપવા પર મૂકેલો પ્રતિબંધ હટાવવો જોઈએ અથવા ‘નોમિનલ ઇન્ટરેસ્ટ રેટ’ (ઓછામાં ઓછું બચત ખાતા જેટલું વ્યાજ) મંજૂર કરવું જોઈએ. બીજું, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો દ્વારા વસૂલાતા અનિયંત્રિત ચાર્જીસ પર રિઝર્વ બેન્કે મર્યાદા મૂકી આપવી જોઈએ. તેમ જ વેપારીઓને કે ખાતેદારોને કરવા મળતા ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારી આપવા જોઈએ. તેમ કરવાથી ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ તેમજ કેશ ટ્રાન્ઝેક્શન પરના લેવી ચાર્જીસ રદ અથવા ઓછા કરવામાં આવે તે પણ સમયની જરૂરિયાત છે.
