• 4 November, 2026 - 8:43 AM

ટેક્સનાદર વધી જતાં ભારતમાં સોનાની દાણચોરીમાં 1500 ટકાનો વધારોઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

સોના પર આયાત ડ્યૂટી વધતા ગેરકાયદે આયાતમાં ૧,૫૦૦% નો જંગી ઉછાળો: WGC રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો

જુલાઈ-સપ્ટેમ્બર (Q3) ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં અનઅધિકૃત માર્ગે ૫૦ મેટ્રિક ટન સોનું ઘૂસાડવામાં આવ્યું

ભારતમાં સોના પરના આયાત કર વધારવાના નિર્ણય બાદ દેશમાં સોનાની ગેરકાયદે અને બિનઅધિકૃત આયાત અભૂતપૂર્વ ઝડપે વધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના કન્સલ્ટન્સી ફર્મ મેટલ ફોકસના આંકડાઓને ટાંકીને જારી કરાયેલા અહેવાલ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર (Q3) ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં અનઅધિકૃત માર્ગે ૫૦ મેટ્રિક ટન સોનું ઘૂસાડવામાં આવ્યું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં માત્ર ૩ મેટ્રિક ટન હતું. આમ, ગેરકાયદે આયાતમાં ૧,૫૦૦ ટકાથી વધુનો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જે વર્ષ ૨૦૨૩ પછીનું સર્વોચ્ચ સ્તર છે.

આયાત ડ્યૂટી વધારવાનો નિર્ણય અને તેની વિપરીત અસર

ચાલુ વર્ષના પ્રારંભમાં સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાના વધતા ભાવો અને વધતી વેપાર ખાધને અંકુશમાં લેવા માટે સોના અને ચાંદી પરની આયાત જકાત બમણીથી વધુ કરીને ૧૫ ટકા કરી હતી. નિકાસ કરતાં આયાત વધી જાય ત્યારે ટ્રેડ ડેફિસિટ-વેપારી ખાધ વધે છે.  જોકે, WGC મુજબ આયાત કરમાં થયેલા આ નોંધપાત્ર વધારાએ વેપારીઓ અને દાણચોરી માટે સત્તાવાર માર્ગો છોડીને અનઅધિકૃત માર્ગો અપનાવવાનું મોટું આર્થિક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દાણચોરી અને વ્યક્તિગત રીતે નાની માત્રામાં ટેક્સ ચૂકવ્યા વગર લાવવામાં આવતા સોનાના કારણે સરકારને કરોડો રૂપિયાની કસ્ટમ્સ ડ્યૂટીનું નુકસાન થઈ રહ્યું છે.

રોકડ વ્યવહારો અને બિન-અધિકૃત વેચાણમાં વધારો

ઉંચી આયાત ડ્યૂટીના કારણે દેશના સ્થાનિક બજારમાં પિલચોરી અને “અંડર-ધ-કાઉન્ટર” એટલે કે બિલ વગરના રોકડ વ્યવહારો વધ્યા છે.

  • બિલ વગર ખરીદી: ગ્રાહકો અને વેપારીઓ ૧૫ ટકા ટેક્સ બચાવવા માટે જીએસટી કે પાકા બિલ વગર સોના-ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે.

  • ટ્રેકિંગમાં મુશ્કેલી: બિલ વગરના વેચાણના કારણે સરકારી એજન્સીઓ અને ટેક્સ વિભાગ માટે સોનાની હિલચાલ અને કાળા નાણાંના વ્યવહારો ટ્રેક કરવા મુશ્કેલ બન્યા છે.

તહેવારોની મોસમ અને સોનાના ભાવોમાં ઘટાડો

ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે. અહીં લગ્નસરા, દિવાળી અને વિવિધ ધાર્મિક તહેવારોમાં સોનાની ભારે માંગ રહે છે.

  • ભાવમાં ઘટાડો: ઓક્ટોબર મહિનામાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૬.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ $૪,૦૦૦ પ્રતિ ઔંસની સપાટીથી નીચે સરી પડ્યા છે.

  • વેપારીઓની સાવચેતી: દેશના અગ્રણી રિફાઇનર્સના જણાવ્યા મુજબ, જ્વેલર્સ અને વેપારીઓ હાલમાં ખરીદીમાં સાવચેતી વર્તી રહ્યા છે કારણ કે તેમને આંતરરાષ્ટ્રીય ભાવોમાં હજુ વધુ કરેક્શન (ઘટાડો) આવવાની શક્યતા દેખાઈ રહી છે.

  • તહેવારોની માંગ પર અસર: ઓક્ટોબર-ડિસેમ્બરના તહેવારોના ત્રિમાસિક ગાળામાં માંગ વધવાની અપેક્ષા હોવા છતાં, આ વખતે ઊંચા ટેક્સ અને ભાવની અસ્થિરતાને લીધે રિકવરી ધાર્યા કરતાં પણ ધીમી રહી શકે છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular