કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વીમા કવરેજ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતની સુવિધા સાથેનું સેલરી અકાઉન્ટ પેકેજ જાહેર

- કર્મચારીઓને રૂ. 5 કરોડ સુધીનું પર્સનલ અકસ્માત વીમા કવર, રૂ. 2 કરોડ સુધીનું વિમાન અકસ્માત કવર સાથે કાયમી સંપૂર્ણ-આંશિક અક્ષમતા માટે રૂ. 1.5 કરોડ સુધીનું કવર પણ આપવામાં આવશે.
- ઝીરો બેલેન્સવાળા સેલરી અકાઉન્ટ સાથે હોમ લોન, શિક્ષણ લોન, વાહન લોન તથા પર્સનલ લોન પર ઓછા વ્યાજ દરોની ઓફર આપવામાં આવશે.
- નવા પેકેજ હેઠળ બેંકિંગ, વીમા અને પ્રીમિયમ કાર્ડ સુવિધાઓ આપમેળે સેલરી અકાઉન્ટ સાથે જોડાઈ જતા કર્મચારીઓને અલગ-અલગ પ્રોડક્ટ્સ સંભાળવાની જરૂર નહિ પડે
અમદાવાદઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારએ નવું સંકલિત સેલરી અકાઉન્ટ પેકેજ અમલમાં મૂક્યું છે, જેમાં બેંકિંગ સેવાઓ, વીમા કવર અને કાર્ડ સંબંધિત લાભો એક જ ખાતામાં ઉપલબ્ધ થશે. આ યોજના આ સપ્તાહે જાહેર કરવામાં આવી હતી અને ગ્રુપ A, B તથા Cના તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર ક્ષેત્રની બેન્કો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સેલરી અકાઉન્ટ ઝીરો બેલેન્સ રહેશે અને આ એકાઉન્ટ સાથે હોમ લોન-ઘર લોન, શિક્ષણ લોન, વાહન લોન તથા પર્સનલ લોન પર ઓછા વ્યાજ દરોની ઓફર આપવામાં આવશે. પરિણામે સેલરી અકાઉન્ટ માત્ર પગાર જમા થવાનું માધ્યમ નહીં રહે, પરંતુ એક સંપૂર્ણ નાણાકીય સોલ્યુશન બનશે. નાણાં સેવાઓ વિભાગ (DFS) દ્વારા તૈયાર કરાયેલા આ નવા પેકેજ હેઠળ બેંકિંગ, વીમા અને પ્રીમિયમ કાર્ડ સુવિધાઓ આપમેળે સેલરી અકાઉન્ટ સાથે જોડાઈ જશે, જેથી કર્મચારીઓને અલગ-અલગ પ્રોડક્ટ્સ સંભાળવાની જરૂર પડશે નહીં. .
એક અકાઉન્ટ, અનેક લાભો
નવી વ્યવસ્થા હેઠળ ઝીરો બેલેન્સ વાળા સેલરી એકાઉન્ટના માધ્યમથી કર્મચારીઓ ઓછા વ્યાજ ખર્ચે મોટા ખર્ચાઓ પૂરા કરી શકશે. લોન માટેની પ્રોસેસિંગ અને દસ્તાવેજી ચાર્જિસ પણ કર્મચારીની કેટેગરી અને બેન્ક મુજબ ઘટાડવામાં કે માફ કરવામાં આવશે.
આ પેકેજની મુખ્ય વિશેષતા એ છે કે સેલરી અકાઉન્ટમાં જ વીમા કવર સામેલ કરવામાં આવ્યું છે. કર્મચારીઓને રૂ. 1.5 કરોડ સુધીનું પર્સનલ અકસ્માત વીમા કવર અને રૂ. 2 કરોડ સુધીનું વિમાન અકસ્માત-એર અકસ્માત વીમા કવર મળશે. તેની સાથે-સાથે કાયમી સંપૂર્ણ અથવા આંશિક અક્ષમતા માટે રૂ. 1.5 કરોડ સુધીનું કવર પણ આપવામાં આવશે.
ઉપરાંત રૂ. 20 લાખ સુધીનું ઇન-બિલ્ટ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ કવર મળશે, જેમાં ઓછી પ્રીમિયમમાં ટોપ-અપ પ્લાન દ્વારા કવર વધારવાની સુવિધા રહેશે. કર્મચારી અને તેના પરિવાર માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પણ આ પેકેજનો ભાગ છે.
પ્રીમિયમ કાર્ડ સુવિધાઓ
નવા સેલરી અકાઉન્ટ સાથે જોડાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડમાં પ્રીમિયમ બેંન્કિંગ જેવી સુવિધાઓ મળશે. તેમાં અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન્સ, ઝીરો એન્યુઅલ મેન્ટેનેન્સ ચાર્જ, રિવોર્ડ પોઇન્ટ્સ અને કેશબેક ઓફર્સનો સમાવેશ થાય છે. પગાર સ્તર અનુસાર કર્મચારીઓને RuPay Platinum અથવા RuPay Select જેવા પ્રીમિયમ કાર્ડ પણ આપવામાં આવી શકે છે. કેટલાક કાર્ડ વિકલ્પોમાં દેશી અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જ એક્સેસ પણ મળશે, જે અત્યાર સુધી ઘણા સરકારી કર્મચારીઓ માટે સહેલાઈથી ઉપલબ્ધ ન હતી.
આ પેકેજ કેમ મહત્વનું છે
હાલ સુધીમાં ઘણા સરકારી કર્મચારીઓએ અલગ-અલગ વીમા પોલિસી, પ્રીમિયમ કાર્ડ અથવા ઊંચા વ્યાજવાળી લોનનો સહારો લેવો પડતો હતો. આ તમામ સેવાઓને એક જ સેલરી અકાઉન્ટમાં સંકલિત કરીને સરકારનો હેતુ નાણાકીય સુરક્ષા વધારવાનો, સુવિધાઓ સરળ બનાવવાનો અને વધારાનો ખર્ચ ઘટાડવાનો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પેકેજ જાહેર ક્ષેત્રની બેંકો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી દેશભરમાં એકસરખા લાભો અને સરળ અમલ સુનિશ્ચિત થઈ શકશે.
અમલ અને પ્રચાર
જાહેર ક્ષેત્રની બેંકોને આ નવી યોજના અંગે પોતાની વેબસાઇટ પર માહિતી મૂકવા, સરકારી કચેરીઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા અને કર્મચારીઓનો સીધો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. જે કર્મચારીઓ ઈચ્છે તેઓ પોતાની હાલની સેલરી અકાઉન્ટને આ નવા સંકલિત પેકેજમાં પરિવર્તિત કરી શકશે.
આ પેકેજનું ઔપચારિક લોન્ચ DFS સચિવ એમ. નાગરાજુ દ્વારા SBI, અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.



