• 16 January, 2026 - 12:08 AM

2026નો પહેલો IPO: ભારત કોકિંગ કોલના રૂ.1,071 કરોડના ઈશ્યૂના ગ્રે માર્કેટ પ્રીમિયમ-GMPમાં 70 ટકાનો ઉછાળો

IPO માટે સબ્સ્ક્રિપ્શન 9 જાન્યુઆરીથી શરૂ થઈ 13 જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે, જ્યારે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ 8 જાન્યુઆરીએ યોજાશે. શેરોના અલોટમેન્ટની પ્રક્રિયા 14 જાન્યુઆરીએ પૂર્ણ થવાની સંભાવના

અમદાવાદઃ 2026ના નવા કેલેન્ડર વર્ષની પ્રથમ મેઇનબોર્ડ IPO તરીકે ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)નો રૂ. 1,071 કરોડનો પબ્લિક ઈશ્યૂ (IPO) બજારમાં જોરદાર રસ જગાવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં શેરો પર મળતો પ્રીમિયમ આ IPO માટે મજબૂત લિસ્ટિંગની અપેક્ષા ઊભી થઈ રહી છે.

ભારત કોકિંગ કોલે IPO માટે પ્રતિ શેર રૂ. 21 થી રૂ. 23નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. પ્રાઇસ બેન્ડના ઉપરના સ્તરે કંપનીનું મૂલ્યાંકન રૂ.10,700 કરોડથી વધુ થાય છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) એટલે કે પ્રમોટરના હોલ્ડિંગમાંથી શેર્સ વેચવાની વ્યવસ્થાને આધારિત છે. કંપનીના પ્રમોટર્સ કે મોટા શેરહોલ્ડર્સ કોલ ઈન્ડિયા લિમિટેડ પોતાની પાસેના 46.57 કરોડ ઇક્વિટી શેરો વેચી રહી છે. પરિણામે આ આઈપીઓ-IPOમાંથી કંપનીને કોઈ નવી મૂડી મળશે નહીં.

આ IPO માટે સબ્સ્ક્રિપ્શન 9 જાન્યુઆરીથી શરૂ થઈ 13 જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે, જ્યારે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ 8 જાન્યુઆરીએ યોજાશે. શેરોના અલોટમેન્ટની પ્રક્રિયા 14 જાન્યુઆરીએ પૂર્ણ થવાની સંભાવના છે અને 15 જાન્યુઆરીએ BSE તથા NSE પર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.

એક લોટમાં 600 શેરો રાખવામાં આવ્યા છે, જે મુજબ કટ-ઓફ કિંમતે પ્રતિ લોટ રોકાણ ₹13,800 થાય છે. આ IPO માટે IDBI Capital Markets & Securities Limited અને ICICI Securities Limited બુક-રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) શું કહે છે?

ગ્રે માર્કેટ ટ્રેકર્સ અનુસાર, ભારત કોકિંગ કોલના શેરો પર અંદાજે રૂ.16 થી ₹16.5નો GMP બોલાઈ રહ્યું છે. આશરે 70 ટકા સુધીના લિસ્ટિંગ ગેઇનની સંભાવના દર્શાવે છે. પ્રાઇસ બેન્ડના ઉપરના ભાવ રૂ. 23ને આધારે જોવામાં આવે તો લિસ્ટિંગ ભાવ લગભગ રૂ. 39.5 સુધી જઈ શકે છે. જોકે, બજારના જાણકારો ચેતવણી આપે છે કે ગ્રે માર્કેટના આ આંકડા અનૌપચારિક હોય છે અને બજારની સ્થિતિ પ્રમાણે ઝડપથી બદલાઈ શકે છે. પરિણામે માત્ર ને માત્ર તેને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ નહિ. કંપનીના ફંડામેન્ટલ્સ અને ભાવિ વિકાસની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય લેવો રોકાણકારના હિતમાં છે. જોકે ટૂંકા ગાળાના રોકાણકારો આઈપીઓમા અરજી કરીને લિસ્ટિંગ ટાણેનો લાભ લઈને નીકળી જતાં હોય છે. તેથી તેમને આ શેર્સના આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવામાં અને લિસ્ટિંગ લાભ લણી લેવામાં વધુ રસ પડે તેવી સંભાવના છે.

ભારતનું સૌથી મોટું કોકિંગ કોલ ઉત્પાદક

CRISILના આંકડામાં જણાવ્યુ મુજબ નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં ભારતની કુલ ઘરેલુ કોકિંગ કોલ ઉત્પાદન(Total domestic production)માંભારત કોકિંગ કોલનો હિસ્સો લગભગ 58.5 ટકા રહ્યો હતો, જેના કારણે બીસીસીએલ દેશનું સૌથી મોટું કોકિંગ કોલ ઉત્પાદક કંપની બની ગઈ છે. કોકિંગ કોલ સ્ટીલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. કોકિંગ કોલ ઉપરાંત BCCL નોન-કોકિંગ કોલ અને વોશ્ડ (બેનેફિશિએટેડ) કોલનું પણ ઉત્પાદન કરે છે, જે સ્ટીલ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોને પૂરું પાડવામાં આવે છે.

મિની રત્ન PSU તરીકે ઓળખાતી BCCL કુલ 32 ખાણોનું સંચાલન કરે છે, જેમાં 25 ઓપનકાસ્ટ, 3 અન્ડરગ્રાઉન્ડ અને 4 મિક્સ્ડ ખાણોનો સમાવેશ થાય છે. કંપનીની મુખ્ય કામગીરી ઝારખંડના ઝરિયા કોલફિલ્ડ અને પશ્ચિમ બંગાળના રાણિગંજ કોલફિલ્ડમાં કેન્દ્રિત છે. ચોમાસું સારુ રહ્યું હોવા છતાં FY25માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ 40.50 મિલિયન ટન કોલ ઉત્પાદન કર્યું છે. કુલ કોલ ભંડાર લગભગ 7,910 મિલિયન ટન હોવાનું અનુમાન છે. આમ કંપની ઉદ્યોગ માટેનો કાચો માલ લાંબા ગાળા સુધી આપતી રહેશ તેવો મજબૂત વિશ્વાસ આપે છે.

કંપનીની કુલ આવકમાં કોકિંગ કોલનો ફાળો આશરે 74-77 ટકાનો છે, જ્યારે બાકીની આવક વોશ્ડ કોલ અને નોન-કોકિંગ કોલમાંથી આવે છે.

કંપનીની નાણાકીય કામગીરી

નાણાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો FY25માં ભારત કોકિંગ કોલે રૂ. 13,803 કરોડની આવક કરી  હતી. FY24માં કંપનીની આવક રૂ. 14,246 કરોડની હતી. કંપનીનો વેરા પછીનો નફો રૂ.1,240 કરોડ રહ્યો હતો. EBITDA માર્જિન 16.36 ટકા અને PAT માર્જિન 8.61 ટકા છે.  FY2025-26ના પ્રથમ છ માસિક ગાળાને અંતે કંપનીની આવક રૂ. 6,846 કરોડથી ઘટીને રૂ. 5,659 કરોડ થઈ હતી. આમ કંપનીના ટોપલાઇન-કામકાજ પર થોડું દબાણ હોવાનું દર્શાવે છે.

2026ના પ્રથમ IPO તરીકે ભારત કોકિંગ કોલનું લિસ્ટિંગ PSU IPO અને સંસાધન ક્ષેત્રના શેરોમાં રોકાણકારોની રૂચિ અંગે મહત્વપૂર્ણ સંકેતો આપશે. મજબૂત બજાર હિસ્સો અને લાંબી રિઝર્વ લાઈફ કંપની માટે સકારાત્મક બાબતો છે. જોકે રોકાણકારો માટે આ IPO સંપૂર્ણ OFS હોવું અને આવક-નફાની પ્રવૃત્તિઓ પણ મહત્વપૂર્ણ પરિબળ રહેશે.

 

Read Previous

સામાન્ય શોખથી શરૂ થયેલી ગૌ સેવાએ મહેન્દ્ર પટેલને શ્રેષ્ઠ પશુપાલક બનાવ્યા, મજબૂત આવક ઊભી કરી આપી 

Read Next

બાળકોના ભાવિને સલામત બનાવવા કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular