GSTના દર બદલાતા પડનારી ઘટ સરભર કરવા પેટ્રોલ-ડીઝલના વેરા વધારી શકે
- બોગસ બિલિંગ કરીને ખોટી ઇનપુટ ટેક્સ લેનારાઓ પર તવાઈ આવી શકે છે. જીએસટીની ચોરી કરનારાઓને દાબમાં રાખવા પડશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા દર લાગુ કરવાની એટલે કે ચારમાંથી બે સ્લેબ કરી દેવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ત્રીજી-ચોથી સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠક મહત્વની સાબિત થાય તેમ છે. જીએસટીના દર ઓછા થતાં લોકોને ચીજવસ્તુઓ સસ્તી મળશે. પરંતુ તેને કારણે કેન્દ્ર સરકારની જીએસટીની વાર્ષિક આવકમાં રૂ. 1.10 લાખ કરોડનું ગાબડું પડવાની સંભાવના છે. રાજ્ય સરકારોની આવકમાં પણ અંદાજે રૂ. 70000 કરોડનું ગાબડું પડે તેવી સંભાવના છે.
હા, તેનો ફાયદો થશે. લોકોને ચીજવસ્તુઓ સસ્તી મળશે. તેનાથી જીડીપીમાં અડધા ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. ચીજવસ્તુઓના વપરાશને કારણે જીએસટીની આવક કરતાં કર્ણાટક અને તામિલનાડુને તેનો ફાયદો થશે. પરંતુ પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળને તેનાથી રૂ. 900થી રૂ. 1000 કરોડની ખોટ જવાની સંભાવના છે. મહારાષ્ટ્રની આવકમાં પણ મોટો ઘટાડો થશે. આ રાજ્યોમાં 40 ટકા આવક જીએસટીના માધ્યમથી થાય છે. તેમની આ આવકમાં ઘટાડો થતાં તેમના ગણિતો ખોરવાઈ જશે. આ ખોટને સરભર કોણ કરી આપશે તેવો સવાલ ઊઠાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર તેમાં કેટલી મદદ કરશે તે પણ સવાલ ઊઠી રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સૌથી વધુ આવક આપનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતની આવકમાં પણ ગાબડું પડવાની સંભાવના છે. તેમ જ કેરળ, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની આવકમાં પણ ગાબડું પડશે. આ રાજ્યોની 30થી 40 ટકા આવક જીએસટીના માધ્યમથી જ થાય છે. આ આવક ભરપાઈ કોણ કરશે તે સવાલ ઊઠી રહ્યો છે ત્યારે જ જીએસટીની ઘટનું વળતર આપવા માટે વસૂલવામાં આવતી સેસ ઓક્ટોબરથી બંધ થઈ રહી છે. તેથી ઘટ પૂરી કરવા માટેનું આયોજન રાજ્ય સરકારોએ પોતે જ કરવાનું છે.
રાજ્ય સરકારોને જીએસટીના દર ઓછા કરવાથી, આવકવેરાના સુધારેલા સ્લેબને પરિણામે લોકોના હાથમાં વાપરવા માટેના નાણાં બચવાના હોવાથી વધારાની ખરીદીને વેગ મળતા જીએસટીની જ આવક થવાની આશા છે. જોકે જાહેર જનતાના આરોગ્ય સામે જોખમ ઊભા કરતા તમાકુ સહિતની વસ્તુઓ તથા અલ્ટ્રા લક્ઝરી આઈટેમ્સ પરના 40 ટકાના જીએસટી ઉપરાંત 30થી 50 ટકાની લાગતી સેસ થકી તેમને આવક વધશે તેવી આશા છે. તદુપરાંત રાજ્ય સરકારોએ અને કેન્દ્રિય જીએસટી કચેરીઓએ જીએસટીની ચોરી કરનારાઓ પર દબાણ વધારવું પડશે. બોગસ બિલિંગ કરનારાઓ પર ધોંસ વધારવી પડશે. તેને માટે દરેક રાજ્યએ તેમના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને વધુ ચોક્કસ અને ચુસ્ત કામગીરી કરતાં કરવા પડશે. તેની સાથે જ રાજ્ય સરકારો પેટ્રોલ ને ડીઝલ પરના ટેક્સ વધારીને પણ જીએસટીની આવકમાં પડનારી ઘટને સરભર કરી શકે છે. દારૂ પરના જીએસટીમાં વધારો કરી શકે છે.
જીએસટી કાઉન્સિલની બેઠક આગામી ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં કેટલાક રાજ્યો તેમની આવકમાં પડનારી ઘટનું વળતર કેન્દ્ર સરકાર આપે તેવો આગ્રહ રાખશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ વાતનું ઉચ્ચારણ કરી ચૂક્યા છે. તેમાંય ખાસ કરીને જીએસટીની આવક પર જ રાજ્યનો કારોબાર ચલાવતા રાજ્યો તેની માગણી કરશે જ કરશે. તેને માટે મતદાન કરવામાં આવે તેવી શક્યતાને નકારી શકાતી નથી. કેન્દ્ર સરકારના મતનું વજન 33 ટકાથી વધુ છુ. જ્યારે તમામ રાજ્યના મળીને તેમના મતનું વજન 66 ટકાથી વધુ છે. આમ કોઈપણ દરખાસ્ત મંજૂર કરવા માટે તેની તરફેણમાં 75 ટકા મત પડવા જરૂરી છે.
મતના આ ગણિતો પરથી સ્પષ્ટ થાય છે કે જીએસટીના બે સ્લેબ કરીને જીએસટીની આવક ઘટાડવાના નિર્ણયનો કેટલાક રાજ્ય વિરોધ કરે તો પણ તેમની પીપુડી કોઈને ન સંભળાય અને તેમની વાતની સદંતર અવગણના થાય તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી. કારણ કે 75 ટકા મતના લક્ષ્યાંકને આંબી જવા માટે પૂરતા રાજ્યોનું સમર્થન કેન્દ્ર સરકાર ધરાવે છે. પરંતુ વળતર આપવાની માગણી કરે અને જીએસટીના સ્લેબ ઘટાડવાની માગણીને ઘણાં રાજ્યો ન સ્વીકારે તો જીએસટીને મુદ્દે ગ્રાહકોમાં અને વેપાર કરનારાઓમાં અનિશ્ચિતતાનો માહોલ ઊભો થવાની સંભાવના રહેલી છે.