• 8 October, 2025 - 7:46 PM

GSTનો સેલ્ફ સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો વેપારીઓ માટે કેટલો ફાયદાકારક?

ree

સેલ્ફ સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાથી ટેક્સ કન્સલ્ટન્ટને આપવી પડતી ફી તો બચી જશે પરંતુ વેપારી સામે બીજા જોખમ ઊભા થઈ શકે છે
 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઓડિટ બંધ કરાવવાનો સરકારનો નિર્ણય કંપનીઓ માટે લાભદાયી સાબિત થશે. વાર્ષિક રૂ. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે પણ અત્યાર સુધી જીએસટીનું વાર્ષિક ઓડિટ ફરજિયાત હતુ. સરકાર હવે વધુ ઉદાર બની રહી છે. સરકાર દ્વારા તેમને વાર્ષિક ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વાસ્તવમાં જીએસટી કાઉન્સિલે માર્ચ 2020માં જ આ નિર્ણય લઈ લીધો હતો. પરંતુ તેનો અમલ કોરાના અને તેને પગલે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે થઈ શક્યો નહોતો. આ જાહેરાત 2021-22ના નાણાંકીય વર્ષના બજેટના માધ્યમથી કરવામાં આવી છે. ઓડિટ રિપોર્ટ અને હિસાબોની મેળવણીના સર્ટિફિકેટ્સને કંપનીઓ અને પેઢીઓને સેલ્ફ સર્ટિફાય કરવા દેવાના સરકારના આ નિર્ણયથી સૌથી પહેલા તો તેને કારણે 80 લાખથી 1.20 કરોડ જેટલી પેઢીઓ અને કંપનીઓએ ઓડિટ માટે ખર્ચવા પડતા રૂ. 30,000 કરોડની બચત થશે. ઓડિટ રિપોર્ટ કઢાવવાનો સરેરાશ ખર્ચ કેટલો આવશે તે અંગે માહિતી આપતા એડવોકેટ રોનક જૈન કહે છે, “ટર્નઓવર રૂ. 5 કરોડ હોય તો 15000, 10 થી 50 કરોડ પ્લસ ટર્નઓવર હોય તો રૂ. 25000 અને 50 કરોડ પ્લસ હોય તો રૂ. 35,000થી 50,000 ઓડિટ ચાર્જ લાગે છે.” પ્રોફેશનલ્સની આ આવકમાં કાપ આવશે. પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડ કહે છે, “ઓડિટ રિપોર્ટ માત્ર ટેક્સની જવાબદારી જ નક્કી નથી કરી આપતો, કંપનીના જે તે વિભાગમાં રેવન્યુ લીકેજ હોય તો તેનાથી પણ માલિકને સાવધ કરી દે છે. ટેક્સની ગણતરીમાં કોઈ ભૂલ હોય તો તે અંગે ફેક્ટરી કે પેઢી માલિકને સમયસર જાણ કરી દઈને આવનારી તકલીફ સામે રક્ષણ આપે છે.” બીજી તરફ સરકારના આ નિર્ણયને પરિણામે પ્રોફેશનલ્સની આવકમાં ગાબડું પડે તેવું વિચારનારા ઘણાં છે. ટેક્સ કન્સલ્ટન્ટ રોનક જૈન કહે છે કે, “વેપારીઓને વાર્ષિક ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો અને હિસાબોનું મેળવણું કરવું એ આમ જોઈએ તો રિપિટીશન જ છે. તેથી તેનાથી કમ્પ્લાયન્સનો ખર્ચ ઓછો થઈ જશે તેવું મોટાભાગની પેઢીઓ કંપનીઓ માને છે.” ટેક્સપર્ટ પાસે વેપારીઓને ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવવાની જફા ઓછી થશે. તેઓ ઓફિસના એકાઉન્ટન્ટ મારફતે તે રિપોર્ટ તૈયાર કરાવીને સેલ્ફ સર્ટિફાય કરાવી દેશે. તેમાં ક્ષતિ રહી જવાની શક્યતા છે. એકાઉન્ટન્ટ કોઈ ગરબડ કરતો હશે તો તેની જાણ પેઢી કંપનીના માલિકને થશે નહિ. બીજું, એકાઉન્ટન્ટે ન બતાવેલી ક્ષતિનો વર્ષો પછી સરકારી અધિકારી કદાચ લાભ ઊઠાવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી. જીએસટી રિટર્નમાં દર્શાવવામાં આવેલી વિગતો અને ઓડિટ રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી વિગતો, આંકડાંકીય વિગતો એકમેકના સુમેળમાં નહિ હોય એટલે કે રિકન્સિલિયેટ નહિ થયેલી હોય તો જીએસટી અધિકારીઓ વેપારીઓ પર ચઢી બેસશે. પરંતુ, સરકારી અધિકારીઓ તો એવું જ કહે છે કે ટેક્સકન્સલ્ટન્ટ્સને તેમની આવકમાં ગાબડું પડવાની શક્યતા જણાતા તેઓ સરકારના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. ઓડિટ રિપોર્ટની જોગવાઈ નાબૂદ કરવા માટે સરકારે સહજ દેખાતું કારણ આપ્યું છે કે તે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસના ભાગરૂપે વેપારીઓને કમ્પ્લાયન્સના બર્ડનમાંથી મુક્તિ આપવા માંગે છે. તેમાંય ખાસ કરીને આશય નાની નાની પેઢીઓને ખર્ચબોજમાંથી રાહત આપવાનો છે. તેમને પ્રોફેશનલ્સને ઓડિટ ફી ચૂકવવી નહિ પડે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેનો વિરોધ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ આપતા સી.એ મહેશ છાજડ જણાવે છે કે, “હિસાબોના મેળવણાના પ્રમાણપત્ર અને જીએસટીનું ઓડિટ નાબૂદ કરવું યોગ્ય નથી. તેનાથી હિસાબોમાં આચરવામાં આવતી અનિયમિતતાઓ પર બ્રેક લાગશે.” એડવોકેટ પ્રદીપ જૈન કહે છે, “અત્યારે પ્રોફેશનલ્સ ટેક્સ પેયર્સના રિટર્નમાં અને તેના જીએસટીના ઓડિટમાં મિસમેચ ન રહે તેની તકેદારી રાખે છે. મિસમેચને કારણે ટેક્સ ભરવાનો રહી ગયો હોય તો પ્રોફેશનલ્સ તેનો અંદાજ સમયસર વેપારીને આપી દે છે. આમ આવનારી તકલીફ સામે તે ટેક્સ પ્રોફેશનલ્સ વેપારીઓને રક્ષણ આપે છે.” સેલ્ફ સર્ટિફિકેશનમાં વેપારીઓ કદાચ આ ક્ષતિને પકડી નહિ શકે. પ્રદીપ જૈનનું કહેવું છે, “રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઈલ થઈ ગયા બાદ જો સરકારી અધિકારીઓના ધ્યાનમાં ઓડિટ રિપોર્ટ અને જીએસટી રિટર્નની વિગતોમાંની વિસંગતતા આવશે તો તેઓ જીએસટીની બાકી રકમ પર વ્યાજ લગાડશે અને પેનલ્ટી પણ કરશે. પૈસાની બચત કરવાનો આ વિચાર સમય જતાં મોંઘો પડી શકે છે. લેને ગઈ પૂત, ખો આઈ ખસમ જેવો ઘાટ થઈ શકે છે.” આ સંજોગોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા પ્રમાણિત કરાવેલા ઓડિટ રિપોર્ટનું મહત્વ વધી જશે. કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીએસટીના કાયદાનો જાણકાર હોવા ઉપરાંત વ્યવસ્થિત હિસાબ રજૂ કરવાની કુશળતા પણ ધરાવે છે. હિસાબોમાંની વિસંગતતાઓ તે તરત જ પકડી પાડે છે. તેથી વેપારીઓ દ્વારા કરવામાં આવેલું કમ્પ્લાયન્સ વધુ સારુ બનશે. તેમ જ ભવિષ્યમાં તેને તેને કારણે કોઈ તકલીફ પડવાની અને સરકારી અધિકારીઓના સાણસામાં સપડાવાની તકલીફમાંથી મુક્તિ મળી જવાની સંભાવના છે. આ સંજોગોમાં ઓડિટના ખર્ચને ખર્ચ તરીકે જોવાને બદલે ભાવિ સલામતી માટે કરવામાં આવેલા રોકાણ તરીકે જોવામાં આવશે તો તે વેપારીઓના હિતમાં હશે. જીએસટીનો અમલ પહેલી જુલાઈ 2017થી થયો છે. હવે જીએસટીનો અમલ પહેલા કરતાં વધુ ચુસ્ત બનવા માંડ્યો છે. જીએસટીના અધિકારીઓ આ જ ક્ષતિ શોધવાની કવાયત કરીને વેપારીઓને સાણસામાં લેવાની ફિરાકમાં રહેશે. સરકાર પણ જીએસટીની આવકને વધારીને મહિને રૂ. 1.50 લાખથી વધુ આવક મેળવવાની કોશિશ કરી રહી છે. હાલ સરકારને દર મહિને રૂ. 1.10થી 1.15 લાખ કરોડની રેન્જમાં જીએસટીની આવક થાય છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના માસિક રિટર્નનો ડેટા કોન્સોલિડેટ થયા પછી વાર્ષિક રિટર્નમાં આવે છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કર્યા પછી ઓડિટ રિપોર્ટમાં પણ તે જ આંકડા આવે છે. આ બે વચ્ચેનો તફાવત કોઈ રહી ગયો હોય તો તે જણાવવો પડતો હતો. આમ આ એક સ્ટેટમેન્ટ જ હતું. સમય જતાં તેને ઓડિટ રિપોર્ટમાં ખપાવી દેવાયો હતો. જીએસટીઆર-1માં પરચેઝની વિગતો આપવી પડે છે. જીએસટીઆર-3બીમાં ખરીદ-વેચાણનો ટેક્સ કેટલો થાય છે તે દર્શાવવો પડે છે. તેમાં ખરીદ કે વેચાણ બિલ લેવાનું રહી ગયું હોય તો તે બિલ પછીના મહિને બતાવી શકાય છે. સંપૂર્ણ નાણાંકીય વર્ષના બિલની વાત કરવામાં આવે તો 2020-21ના વર્ષનું બિલ હોય તો તે બીજા વર્ષના સપ્ટેમ્બર સુધીમાં લઈ શકે છે. ત્યાં સુધી ડેટા રિકન્સાઈલ કરીને કમ્પ્લાયન્સ કરી શકાય છે. ત્યારબાદ જીએસટીઆર 9 રિટર્નમાં રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. છેવટે 9સીમાં આઈટી રિટર્નમાં જે ટર્નઓવર બતાવ્યું હોય તે અને જીએસટીઆર-9સીમાં ટર્નઓવર બતાવ્યું હોય તેનો તફાવત જ બતાવવો પડે છે. તફાવત ન હોય તો એમ જ ફાઈલ કરી શકાય છે. હા, વેપારી સેલ્ફ સર્ટિફાઈ કરેલો ઓડિટ રિપોર્ટ મૂકી દેશો તો તેમાં કેટલાક જોખમ રહેલા છે. સરકાર રોજ નવા નોટિફિકેશન બહાર પાડે છે. જીએસટી આવ્યા પછી અત્યાર સુધીમાં 900થી વધુ સુધારા જાહેર થઈ ચૂક્યા છે. દરેક વેપારી દરેક નોટિફિકેશન પૂરા વાંચતો ન હોય તેવી સંભાવના વધુ છે. તેમ જ વાંચે તોય દરેકને તે પૂરું સમજાય તેવી પણ શક્યતા નથી. હવે આ જાણકારી વિના સેલ્ફ સર્ટિફાય કરી દે અને ત્યારબાદ સરકારી ઓડિટર ડિપાર્ટમેન્ટલ ઓડિટ કરશે આ ઓડિટર ભૂલ કાઢે અને રૂ. 50,000ની ભૂલ નીકળે તો વેપારીઓને રૂ. 1.5 લાખ ભરવાની નોબત આવી શકે છે. તેના પર સો ટકા પેનલ્ટી લાગી શકે છે. સરકારી અધિકારીઓ ત્રણથી ચાર વર્ષ બાદ આ ભૂલ પકડીને વેપારીઓનો કાન આમળવા આવી જશે. આ ભૂલ વેચાણને લગતી હશે તો ભરવાપાત્ર થતી રકમ પર 18 ટકા વ્યાજ લાગશે. તેમ જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ-આઈટીસી લેવામાં ભૂલ થાય તો 24 ટકા વ્યાજ લાગશે. વેપારીનો ખુદનો ઓડિટર હિસાબી ચોપડાની ચકાસણી કરીને પછી તેને આધારે જીએસટી રિટર્ન ફાઈલ કરશે. તેમ જ આવકવેરાના રિટર્નની વિગતોના સુમેળમાં તેનું રિટર્ન રહે તેની તકેદારી રાખશે. તેમ નહિ થાય તો તકલીફ થશે. તેમાં મિસમેચ આવ્યું તે ઘણી મોટી તકલીફ ઊભી થઈ શકે છે. સેલ્ફ સર્ટિફિકેશનમાં હિસાબના ચોપડા જોઈને રિટર્ન ફાઈલ કરાશે નહિ. તેથી ભૂલ પકડાશે જ નહિ. પ્રોફેશનલ ચોપડા જોશે તો તે ભૂલ પકડી પાડીને મિસમેચ જ થવા દેશે નહિ. લાંબા ગાળે તકલીફ આવવા પર પૂર્ણ વિરામ મૂકી દેશે. બીજું ડિપાર્ટમેન્ટ તરફથી ક્વેરી આવે તો ટેક્સપર્ટ-વેરાના નિષ્ણાતની માફક વેપારી જવાબ આપી શકશે નહિ. મેઈલના જવાબ બરાબર નહિ જાય તો પણ વેપારીઓને તકલીફ થવાની સંભાવના છે. મિસમેચ આવશે તો જીએસટીનું પોર્ટલ જ વેપારીના એકાઉન્ટ કે જીએસટી નંબર સામે રેડ ફ્લેગ લગાવી દેશે. આ સંજોગોમાં એકાઉન્ટમાં અને ઓડિટમાં વધુમાં વધુ ક્લેરિટી રાખશે તેટલી ઉચિત ગણાશે. અન્યથા વેપારીઓની તકલીફ વધશે. અત્યાર સુધી જીએસટીના રિટર્ન ફાઈલ કરવાની અને ઓડિટ કરવાની સત્તા માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જ આપવામાં આવી હતી. માત્ર ગુજરાતમાં જ ટેક્સકન્સલ્ટન્ટ્સે તેને માટેની પરવાનગી મેળવી હતી. હવે જીએસટીમાં આ મંજૂરી નથી તો સી.એ.ને કંપનીમાં એપોઈન્ટ કરીને તેના માધ્યમથી જીએસટીના રિટર્ન ફાઈલ કરવાની સુવિધા ટેક્સપર્ટ્સે -વેરા નિષ્ણાતોએ કરી લીધી છે. બી.કોમ. થઈને જીએસટીનો કોર્સ કરીને પ્રેક્ટિસ કરનારાઓએ પણ આ રસ્તો અપનાવી લીધો હોવાનું જોવા મળે છે.

Read Previous

શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓએ ધ્યાન આપવું જોઈએ, 91% વેપારીઓ ડેરિવેટિવ્ઝમાં નુકસાન સહન કરે છે, સેબીનો અભ્યાસ શું કહે છે?

Read Next

Stock Idea : કોફીના બિઝનેસની કંપનીએ દસ વર્ષનો સૌથી મોટો નફો કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular