દશેરાના દિવસથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા સ્લેબનો અમલ થવાની સંભાવના
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરીને અમલ કરવાના નિર્ણયનો આગામી દશેરા એટલે કે 22મી સપ્ટેમ્બરથી અમલમાં આવે તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. દિવાળી પૂર્વે થનારી ખરીદીની ધમધમાટને પરિણામે જીએસટીની આવકમાં થનારા સંભવિત ઘટાડાનો આરંભમાં ફટકો ન પડે તે માટે દિવાળી પૂર્વે જ નવી સિસ્ટમને અમલમાં મૂકી દેવાનું સરકાર વિચારી રહી છે.
નવી વ્યવસ્થા હેઠળ 5 ટકા, 18 ટકાને બે સ્લેબ અમલમાં આવશે. અલ્ટ્રાલક્ઝરી ગુડ્સ અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર કરતાં અને સરકારની હેલ્થ કોસ્ટમાં વધારો કરતી તમાકુની બનાવટો પર 40 ટકા જીએસટી લેવામાં આવશે. આ વસ્તુઓ પર સેસ પણ મોટા પ્રમાણમાં લેવામાં આવશે. નવી વ્યવસ્થા અમલમાં આવતા કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં મોટો ઘટાડો થશે.
વ્યક્તિગત આરોગ્ય સેવા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાયની સેવાઓ પરના જીએસટીમાં કોઈ જ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના જણાતી નથી. સિનિયર સિટીઝન્સને તો બહુધા આરોગ્ય વીમાના પ્રીમિયમ પર શૂન્ય ટકા જીએસટી ભરવાનો આવે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાનો સરકાર ઇરાદો ધરાવે છે.
નવી વ્યવસ્થાને કારણે તમામ ગણિતો માંડ્યા પછી કેન્દ્ર સરકારની જીએસટીની આવકમાં ઓછામાં ઓછું રૂ. 40,000 કરોડનું ગાબડું પડવાની ધારણા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સચિવાલયની ફિટમેન્ટ કમિટીએ કઈ વસ્તુઓના જીએસટીના દર ઘટાડવા અને કઈ વસ્તુઓના જીએસટીના દરમાં વધારો કરવો તે અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકારની આવકમાં પણ ગાબડાં પડવાની સંભાવના રેહીલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ આ ઘટનો બોજ વેંઢારવા તૈયાર રહેવું પડશે.
સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સમગ્ર માળખાને સરળ બનાવવા માટે સ્લેબની સંખ્યા ઘટાડી રહી છે. કેન્દ્ર સરકારની ટીડીએસની આવકમાં પણ ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવાના તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયને પરિણામે પણ જીએસટીની આવકમાં ઘટાડો થશે.