ડિસેમ્બરમાં રિફંડ વધતાં જીએસટીની ચોખ્ખી આવકમાં 5 ટકાથી વધુનો ઘટાડો

GSTની કુલ આવકમાં 6.1 ટકાનો વધારો થયો, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા મોટો ફાળો
અમદાવાદઃ તહેવારોના ગાળાના વેચાણ પૂરા થયા પછી અને રિફંડની રકમમાં નોંધપાત્ર વધારો થઈ જતાં ડિસેમ્બર 2025ના મહિનામાં જીએસટી-GSTની કુલ સ્થાનિક આવકમાં 5 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-GST-જીએસટીના પોર્ટલ પર જાહેર કરાયેલા આંકડાઓને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે. જોકે વેરાના નિષ્ણાતો આ ઘટાડાથી જરાય ચિંતિત થયા નથી.
બીજીતરફ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST)ની મજબૂત વૃદ્ધિના કારણે કુલ ગ્રોસ વસૂલાતમાં વધારો થયો છે. આ વધારો 6 ટકાથી વધુનો રહ્યો છે. ડિસેમ્બર મહિનાની વસૂલાત નવેમ્બર મહિનામાં વપરાયેલ માલ અને સેવાઓ સાથે સંબંધિત છે. બીજું, હવે જીએસટીની આવકના આંકડાઓ કોમ્પેન્સેશન સેસ વગર જાહેર કરવામાં આવી રહ્યા છે, કારણ કે સિગારેટ, પાનમસાલા અને તમાકુ ઉત્પાદનો સિવાય અન્ય ઘણા ઉત્પાદનો પરથી આ સેસ હટાવી લેવામાં આવ્યો છે. જોકે પહેલી ફેબ્રુઆરીથી સિન ગુડ્સની કેટેગરીમાં આવતા પાન મસાલા-ગુટકા, તમાકુ અને તમાકુની બનાવટો પર હેલ્થ સેસ-આરોગ્ય ઉપકર, નેશનલ સિક્યોરિટી સેસ અને એક્સાઈઝનો બોજ વધારી દેવામાં આવ્યો છે.
જીએસટીના મળી રહેલા આંકડાઓ મુજબ ડિસેમ્બર મહિનામાં ગ્રોસ ઘરેલું આવક ₹1.22 લાખ કરોડથી વધુની થઈ છે. તેમાં માત્ર 1.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન રિફંડમાં 62 ટકાથી વધુનો વધારો થયો છે. તેથી નેટ વસૂલાત પર નકારાત્મક અસર પડી છે. તેમ જ નેટ વસૂલાતમાં ઘટાડો જોવા મળ્યો છે.
વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી 2.0 હેઠળ દરોમાં કરાયેલા ઘટાડાની અસર ડિસેમ્બરમાં નેટ જીએસટી ઘરેલું વસૂલાતમાં ઘટાડા રૂપે જોવા મળી છે. વધુમાં જીએસટી 2.0ના કારણે પેકેજિંગ, ખેતી, ફાર્મા જેવા ઘણા ક્ષેત્રોમાં ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર ઊભું થયું છે. ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરની સમસ્યા ઘેરી બની છે.આવ કરદાતાઓએ નવેમ્બર 2025માં ઇન્વર્ટેડ ડ્યૂટી રિફંડ માટે અરજીઓ કરી હતી અને ડિસેમ્બર 2025માં તેમને રિફંડ મળ્યા છે. તેને કારણે પણ જીએસટી કુલ ચોખ્ખી આવક પર વધુ અસર પડી છે. વેરાના નિષ્ણઆતોનું કહેવું છે કે સરકારના ખર્ચનો વપરાશ પર પડતો પ્રભાવ આગામી 6 મહિનાથી બાર મહિનામાં જોવા મળશે અને “નાણાકીય વર્ષ 2026-27માં જીએસટી કુલ વસૂલાતમાં ફરી એકવાર જોરદાર વધારો થશે.
જીએસટીની આવકમાં થયેલો ઘટાડો ચિંતા જનક સંકેત નથી. સરકાર દ્વારા જીએસટી દરોના ફેરફાર કરવામાં આવ્યા તે પછી સ્થાનિક જીએસટી આવકની વૃદ્ધિમાં થતો આ ઘટાડો અપેક્ષિત છે. આ પગલું ટૂંકાગાળાના લાભ કરતાં લાંબા ગાળાની કર સુસંગતતા પર વધુ ભાર મૂકે છે.
🔹 કુલ વસૂલાતમાં વધારો
આ દરમિયાન કુલ ગ્રોસ જીએસટી વસૂલાત ₹1.74 લાખ કરોડ સુધી પહોંચી છે. તેની અગાઉના મહિનાની તુલનાએ 6.1 ટકાનો વધારો દર્શાવે છે. અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને હરિયાણાની મજબૂત ભાગીદારીના કારણે જીએસટી આવક ટકી રહી છે. બજેટ 2026-27 નજીક આવી રહ્યું છે ત્યારે આ પ્રવૃત્તિઓ જીએસટી 2.0 સુધારાઓને આગળ વધારવા માટેની નીતિગત દિશાને મજબૂત બનાવે છે. તેમાં સંપૂર્ણ ડિજિટલ અનુપાલન, અનાવશ્યક વિવાદોમાં ઘટાડો અને સંતુલિત ક્રેડિટ માળખા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, જેથી આવકની ખાતરી જળવાઈ રહે અને વૃદ્ધિ સતત રહે.
જીએસટી કાઉન્સિલની નીતિઓના કારણે જીએસટીના કાયદાનું પાલન કરનારાઓમાં વધારો થયો છે અને વિવિધ ક્ષેત્રોમાં નાણાં પ્રવાહમાં સુધારો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે જીએસટી 2.0 હેઠળના મહત્ત્વના દર ઘટાડા બાદ પણ કર વ્યવસ્થા વધુ પરિપક્વ બની રહી છે અને અર્થવ્યવસ્થા વધતી જતાં તેમાં લવચીકતા-સ્થિતિ સ્થાપકતા તથા સ્થિરતા બંને જળવાઈ રહી છે.
જીએસટીની ગુજરાતની આવકમાં 12.37 ટકા વધી
ડીસેમ્બર-૨૦૨૫ ગુજરાતની જીએસટી આવકમ ૧૨.૩૭ ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં ગુજરાતની જીએસટીની આવક રૂ. ૬,૩૫૧ કરોડ થઈ છે. આમ ડિસેમ્બર 2025ની જીએસટીની આવક ગત વર્ષના ડિસેમ્બર (2024)માં થયેલી જીએસટીની આવક રૂ.૫,૬૫૧ કરોડ કરતા ૧૨.૩૭ ટકા વધુ છે. ડિસેમ્બર૨૦૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકમાં ૬.૧ ટકાનો વધારો થયો છે. બીજીતરફ ડિસેમ્બર -૨૦૨૫ માાં વેટ હેઠળ ₹ ૨,૭૧૧ કરોડની આક થઈ છે. તેમ જ ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી પેટે રા. ૯૭૬ કરોડ અને વ્યવસાય વેરાની રૂ. ૬૭ કરોડ ની આવક થઈ આમ રાજ્યકર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. ૧૦,૧૦૪ કરોડની આવક થઈ છે. ડીસેમ્બર-૨૦૨૫ માાં મોબાઇલ સ્ક્વૉડ દ્વારા અન્વેષણની કરવામાં આવેલી કામગીરી થકી રૂ. ૩૨.૬૧ કરોડની આવક થઈ છે. આ આવક ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ ₹ ૨૫.૪૨ કરોડ સામે ૨૮.૩ ટકા વધારે છે.



