જીવનવીમા અને હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર શૂન્ય ટકા જીએસટી વસૂલવામાં આવશે
બાવીસમી સપ્ટેમ્બરથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બે સ્લેબ અમલમાં આવશે
રોજબરોજના વપરાશની વસ્તુઓને 5 ટકા જીએસટીના સ્લેબ-GST Slab-માં મૂકતા રોજિંદા ઘરવપરાશની ચીજવસ્તુઓ સસ્તી થશે
કાચા માલ પરનો જીએસટી વધુ હોય અને ફિનિશ્ડ પ્રોડક્ટ પરનો જીએસટી ઓછો હોય તો ઊભી થતી ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર- inverted duty structure-ની સમસ્યનો હલ લાવશે
જીએસટીની આવકમાં રૂ. 48,000 કરોડનું ગાબડું પડવાની શક્યતાઃ લક્ઝરી ગુડ્સની સંખ્યા વધારીને તેના પર એક ટકાથી માંડીને 290 ટકા સુધીની સેસ-cess with GST- લગાવીને જીએસટીની આવકમાં પડનારી ઘટને સરભર કરવાનો પ્રયાસ કરાશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે 22મી સપ્ટેમ્બરથી જીએસટીના 5 અન 18 ટકાના બે સ્લેબની સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. બીજીતરફ બે વરસ સુધી ચાલેલા વિવાદને અંતે જીવન વીમા અને આરોગ્ય વીમા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ-LiC and Health insurance premium- પરનો જીએસટી 18 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજિંદા ઘરવપરાશની ચીજવસ્તુઓને 12 ટકા જીએસટીના સ્લેબમાંથી 5 ટકા જીએસટીના સ્લેબમાં મૂકી દેવામાં આવી છે. પરિણામે ઘર વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થશે.
તેમ જ ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર આવે તેવા કિસ્સાઓમાં સમસ્યા દૂર થાય તેવા ફેરફાર કર્યા હોવાની જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરી છે. આમ વેપારીઓ માટે બિઝનેસ કરવાનું સરળ બને તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. સરકારના પ્રસ્તુત પગલાંને પરિણામે દેશના અર્થતંત્રને નવો વેગ-Boost to economy- મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. જીએસટીના નવા સ્લેબને પરિણામે સંખ્યાબંધ વસ્તુઓ સસ્તી થતાં તેનો વપરાશ વધશે અને ગ્રાહકો વધુ ચીજવસ્તુઓ ખરીદી શકશે. તેનાથી આડકતરી રીતે અર્થતંત્રને વેગ મળશે.
આ સાથે જ જીએસટી રજિસ્ટર્ડ-GST registration-વેપારીઓને જીએસટીના કાયદાનું પાલન કરવું સરળ બને તે માટે સુધારાઓ અને ફેરફાર કરવામાં આવ્યા છે. તેને પરિણામે દેશના અર્થતંત્રમાં પા ટકા કે તેનાથી થોડા વધુનો સુધારો જોવા મળશે.
સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પરિણામે જીએસટીની આવકમાં ચોખ્ખો રૂ. 48000 કરોડનો કે 47,700 કરોડનો ઘટાડો જોવા મળશે. પરંતુ ચીજવસ્તુઓ સસ્તી થતાં તેનો વપરાશ વધવાને પરિણામે થનારી આવકને કારણે આ ઘટમાંથી ખાસ્સી ઘટ પૂરાઈ જશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવક પર તેની બહુ મોટી અસર પડશે નહિ. જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ વેપારીઓ ગ્રાહકોને નહિ પહોંચાડે તો વેપારીઓ સામે ગેરકાયદે નફાખોરી-Anti profiteering_ કરવા માટેના પગલાં લેવામાં આવી શકે છે. તેથી વેપારીઓ જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
40 ટકાના સ્લેબમમાં અલ્ટ્રા લક્ઝરી આઈટેમ્સ અને સિનગુડ્સને સમાવી લેવાયા
જીએસટી કાઉન્સિલની બેઠકમાં 5 અને 18 ટકાના સ્લેબ ઉપરાંતના 40 ટકાના સ્લેબમાં અલ્ટ્રાલક્ઝરી આઈટેમ્સ – Ultra luxury items-અને લોકોના આરોગ્ય માટે નુકસાનકારક બનતા તમાકુ અને તમાકુની બનાવટ-Sin goods-જેવી ચીજવસ્તુઓનો સમાવેશ કર્યો છે. 40 ટકાના સ્લેબમાં બહુ જ ઓછી ચીજવસ્તુઓને રાખવામાં આવશે. તેના પર 40 ટકા જીએસટી ઉપરાંત તગડી સેસ-Cess with GST- પણ વસૂલવામાં આવશે. આ સેસ 1 ટકાથી માંડીન 290 ટકા સુધી લગાડવામાં આવશે. તેના થકી જ સ્લેબના ઘટાડાને પરિણામે આવકમાં પડનારી ઘટમાં ખાસ્સી રિકવરી-Recovery in GST income_ આવી જવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. 40 ટકાના સ્લેબમાં એરેટેડ બેવરેજિસ અને કાર્બોનેટેડ ડ્રિન્કસ(ઠંડાં પીણાઓ), મધ્યમ કદની અને મોટી કારનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. 350 સીસીથી મોટી મોટરસાઈકલનો પણ 40 ટકા સ્લેબમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અંગત વપરાશ માટેના વિમાનો, યૉટ પર પણ 40 ટકા જીએસટી વસૂલવામાં આવશે. તમાકુમાંથી બનાવવામાં આવતા ગુટકા, પાનમસાલા પર પણ 40 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. તદુપરાંત તેના પર સેસ પણ લેવામાં આવશે. રાજ્ય સરકારોને જીએસટીમાં પડેલી ઘટના નાણાં ચૂકવવા માટે કેન્દ્ર સરકારે લીધેલી લોન ભરપાઈ ન થઈ જાય ત્યાં સુધી આ સેસ લેવાનું ચાલુ રાખવામાં આવશે.
નાની કાર, ઓટોપાર્ટ્સ પરનો જીએસટી ઘટાડ્યો
નાની કાર ઉફરાંત રિફ્રિજરેટર્સ, વૉશિંગ મશીન, એરકન્ડિશનર્સ, લેપટોપ્સ, ટેલિવિઝન, મોટરસાઈકલ, સોફા, બેડ, ટેબલ, ખુરશી, વૉર્ડરોબ-કપડાં મૂકવાનો કબાટ, માઈક્લોવેવ્સ, ડિશ વૉશર્સ, સ્માર્ટફોન, કોમ્પ્યુટર્સ, કેમેરા, ઈલેક્ટ્રિક બાઈક, મોટરસાઈકલ, ટેનિસના રેકેટ સહિત ગોલ્ફ ક્લબમાં વપરાતા સાધનો સહિતના રમતગમતના સાધનોનો કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દાગીના, કાંડાં ઘડિયાળ સહિતની ઘરમાં વપરાતા અન્ય સાથનો પરનો જીએસટી ઘટાડવામાં આવ્યો છે. અત્યારે 12 ટકા સ્લેબમાંની 99 ટકા આઈટેમ્સને 5 ટકાના સ્લેબમાં નાખી દેવામાં આવી છે. આ જ રીતે 28 ટકાના સ્લેબમાંથી 90 ટકા વસ્તુઓને 18 ટકાના સ્લેબમાં નાખી દેવામાં આવી છે. આ ઘટાડાને પરિણામે જીડીપીમાં 20થી 30 બેઝિસ પોઈન્ટનો એટલે કે પા ટકા કે તેનાથી થોડો વધુનો સુધારો જોવા મળશે. જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવાને પરિણામે ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના છ માસમાં કન્ઝ્યુમર ડિમાન્ડમાં ખાસ્સો વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. પરિણામે જીએસટીની આવકમાં પડનારી ઘટમાં ઘટાડો થઈ શકે તેવી કેન્દ્ર સરકારની ગણતરી છે.
જીએસટી રજિસ્ટ્રેશન ત્રણ દિવસમાં આપી દેશે
જીએસટી કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશન ત્રણ જ દિવસમાં આપી દેવાનો નિર્ણય કર્યો છે. હા, જે બિઝનેસ નોન રિસ્કી બિઝનેસની કેટેગરીમાં આવતા હશે તેમને ત્રણ દિવસમાં નવું રજિસ્ટ્રેશન મળી જાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. જે બિઝનેસમાં રિફંડ હોય અને ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટક્ચરમાં આવતો હોય અને નિકાસના કામ સાથે જ વધુ સંકળાયેલો હોય તે બિઝનેસ માટેના રજિસ્ટ્રેશન સાત દિવસમાં આપી દેવામાં આવશે. આ બિઝનેસમાં ટેક્સટાઈલ, કેમિકલ, ફર્ટિલાઈઝર અને ફાર્માસ્યૂટિકલ સેક્ટરના બિઝનેસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
માસિક રૂ. 2.5 લાખથી વધુની ટેક્સ લાયેબિલીટી ન ઊભી થતી હોય તો તેવા કિસ્સાઓમાં રજિસ્ટ્રેશન આપવાની પ્રક્રિયાને એકદમ સરળ બનાવીને આપોઆપ જ રજિસ્ટ્રેશન મળી જાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે. આમ જીએસટી કાઉન્સિલે માળખાકીય ફેરફારો કરવાની સાથોસાથ જ જીએસટીના દર સમતોલ કરવાના અને ઈઝ ઓફ લીવિંગ-જીવન જીવવું સરળ બને તે માટેના પગલાં પણ લીધા છે.
ઇન્ટરમિડિયરી માટે સ્પેસ ઓફ સપ્લાયના નિયમમાં પણ જીએસટી કાઉન્સિલે ફેરફાર કર્યો છે. તેથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર-જીસીસી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરી શકશે.
વસ્તુ જૂનો જીએસટી નવો જીએસટી
ટીવી 28 ટકા 18 ટકા
એરકન્ડિશનર 28 ટકા 18 ટકા
બટર-ઘી 12 ટકા 5 ટકા
ચોકલેટ 18 ટકા 5 ટકા
કોકોની બનાવટ 18 ટકા 5 ટકા
ખાંડમાંથી બનતી પીપર 18 ટકા 5 ટકા
ફાર્માસ્યૂટિકલ ગુડ્સ 12 ટકા 5 ટકા
જીવન-આરોગ્ય વીમો 18 ટકા 0 ટકા
ટ્રેક્ટર 12 ટકા 5 ટકા