ગુજરાતની નવી ઉદ્યોગ નીતિની દિવાળીની આસપાસ જાહેરાત થવાની સંભાવના
- સર્વિસ સેક્ટર પર અને તેમાંય ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એનેબલ્ડ સર્વિસને લાભ અપાશે
- ટેક્સટાઈલ સેક્ટર માટે સ્પેશિયલાઈઝ ડિઝાઈન એક્ટિવિટી એપર, જ્વેલરી, ફર્નિચર, ફેશન ગુડ્સ અને બાંધકામને લગતી એન્જિનિયરિંગ સર્વિસને પણ આ યોજના હેઠળ આવરી લઈને લાભ આપવામાં આવે તેવી શક્યતા
અમદાવાદઃ ગુજરાત સરકારની નવી તૈયાર થઈ રહેલી ઉદ્યોગ નીતિમાં સર્વિસ સેક્ટર પર વધુ ફોકસ કરવામાં આવશે એમ ગાંધીનગરના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. દિવાળી પછી જાહેર કરવામાં આવનારી ઉદ્યોગ નીતિમાં સર્વિસ સેક્ટરને ખાસ્સા પ્રોત્સાહન આપવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં સર્વિસ સેક્ટરનો જીડીપી-રાજ્યની કુલ ઉપજમાં અંદાજે 36 ટકાનો ફાળો હોવાથી તેના પર ફોકસ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન આપીને રાજ્યની કુલ ઉપજમાં ખાસ્સો વધારો થઈ શકે તેમ હોવાનું ઉદ્યોગ ક્ષેત્રના સરકારી સૂત્રોનું માનવું છે.
સર્વિસ સેક્ટરને સહાય આપવા માટેની સૂચિત યોજનામાં ઓછામાં ઓછા દસ કર્મચારીઓને નોકરી માટે લેનાર અને ઇન્વેસ્ટમેન્ટની ફિક્સ્ડ કોસ્ટના 35 ટકા નાણાંનું રોકાણ કરનારાઓને સર્વિસ સેક્ટર માટેની સૂચિત યોજના હેઠળ સહાય આપવામાં આવશે. તદુપરાંત વ્યાજ સબસિડી, ભાડાંપટ્ટાની રકમમમાં રાહત, ઇન્ટરનેટના ખર્ચમાં, સર્વરના ખર્ચમાં અને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડના ખર્ચ પરત આપવામાં મદદ કરવામાં આવશે.
હા, નાના અને મધ્યમ ઉદ્યોગો સેવા માટે નોકરિયાતોને રાખશે તો તેમને વધુ સારી સહાય આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે. સર્વિસસેક્ટરમાં આ પ્રકારના સાહસો વધુ ને વધુ થાય તેવું સરકાર ઇચ્છતી હોવાથી તેમને માફક આવે તેવો માહોલ નિર્માણ કરવા સરકાર પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. ટેક્સટાઈલ સેક્ટર માટે સ્પેશિયલાઈઝ ડિઝાઈન એક્ટિવિટી એપર, જ્વેલરી, ફર્નિચર, ફેશન ગુડ્સ અને બાંધકામને લગતી એન્જિનિયરિંગ સર્વિસને પણ આ યોજના હેઠળ આવરી લઈને લાભ આપવામાં આવે તેવી મજબૂત શક્યતા છે.
નવી સૂચિત ઉદ્યોગ નીતિમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એનેબલ્ડ સર્વિસિસ, ટુરિઝમ, આતિથ્ય સત્કાર, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને તેમાંય ખાસ કરીને બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, રિયલ એસ્ટેટ, મિડિયા, મનોરંજન, કાનૂની સેવા અને બિઝનેસ સર્વિસને આવરી લેવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. નવી જાહેર થનારી ઉદ્યોગ નીતિ હેઠળ ટ્રાન્સપોર્ટ, કન્ટેઈનર ફ્રેટ સ્ટેશન, ગોદામ, કોલ્ડસ્ટોરેજ, મટિરિયલ ટેસ્ટિંગ સેન્ટર, સ્ટાર્ટઅપ્સ અને ઇન્ક્યુબેશન સેન્ટરને પણ આવરી લેવામાં આવે તેવુ જાણવા મળી રહ્યું છે.
કોમ્પ્યુટર રિપેરિંગ, કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ રિપેરિંગ, ઘરવપરાશના સાધનોની મરામત કરવાની સેવાઓ આપનારાઓને પણ નવી ઉદ્યોગ નીતિ હેઠળ લાભ આપવામાં આવી શકે છે.