• 22 November, 2025 - 8:32 PM

ગુજરાતનો દરિયાકાંઠો બન્યો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ: વાર્ષિક 10.42 લાખ મેટ્રીક ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન

દર વર્ષે 21 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ‘ગૌરવપૂર્ણ’ બની જાય છે.

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ક્યાં છે ગુજરાત
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું ‘પાવરહાઉસ’ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.

આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પુષ્કળ છે. જેથી રાજ્યના મત્સ્ય ઉદ્યોગે વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે, ગુજરાતનો દરિયાકાંઠો આજે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બન્યો છે.

ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન કેટલું થયું
તાજેતરના આંકડાઓ મુજબ, ગત વર્ષ 2024-25માં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7.64 લાખ મેટ્રિક ટન અને અંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2.78 લાખ મેટ્રિક ટન મળીને ગુજરાતમાં કુલ 10.42 લાખ મેટ્રિક ટનથી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું. ચાલુ વર્ષ 2025-26 માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વધીને 11 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો પ્રાથમિક અંદાજ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક સરેરાશ 9.30 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી’ની ભારપૂર્વક હિમાયત કરી હતી. ગુજરાતમાં તેમણે નાખેલો મત્સ્યોદ્યોગનો મજબૂત પાયો આજે રાજ્યના વિકાસને ગતિ આપી રહ્યો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ઘણા અસરકારક પગલાં લીધાં છે. જેમાં ડીઝલ પર વેટમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલ પર સબસિડી, ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી, માર્ગ અને વીજળીના માળખાનો વિકાસ તથા નાના માછીમારો માટે સુધારેલી બંદર સુવિધાઓનો સમાવેશ થાય છે. વધુમાં, માધવડ, નવા બંદર, વેરાવળ-૨ અને સૂત્રપાડા ખાતે ચાર નવા માછીમારી બંદરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.

જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું
પ્રધાન જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર માત્ર ઉત્પાદન વધારવા પર જ નહીં, પરંતુ માછીમારોના જીવનધોરણને સુધારવા માટે પણ સતત કાર્ય કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ રહી છે. ગુજરાતની ‘બ્લૂ ઈકોનોમી’ માત્ર રાજ્ય માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પણ માછીમારી સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આધુનિકીકરણ, ટ્રેસેબિલિટીમાં સુધારો અને મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન પ્રણાલીનું નિર્માણ કરવા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વર્ષ 2020-21 થી 2024-25 સુધીમાં રૂ. 897.54 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. ચાલુ વર્ષ 2025-26 માટે પણ ગુજરાતને રૂ. 50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યમાં મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ આપશે.

 

Read Previous

ACME સોલારે સુરેન્દ્રનગરમાં પવન ઉર્જા પ્રોજેક્ટ અન્વયે 16 મેગાવોટનો વધારાનો પાવર પ્લાન્ટ શરૂ કર્યો

Read Next

Groww Q2 Results: ચોખ્ખો નફો 12% વધીને 471 કરોડ થયો, પરંતુ આવક 9.5% ઘટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular