• 15 January, 2026 - 8:27 PM

સોના-ચાંદીની તેજી કેટલી ટકશે?

 

સોનામાં સેફ હેવન બાયિંગ ટકી રહેશે તો બજારમાં લાલચોળ તેજી જોવા મળી શકે છે, ચાંદીના ભાવ વધારાનો આધાર તેની ઔદ્યોગિક ડિમાન્ડના સિનારિયા પર રહેલો છે

સોના અને ચાંદીમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. સોનામાં લગનસરાની ડિમાન્ડ વધુ ઊછાળો લાવી શકે છે. ચાંદીમાં વધી રહેલી ઔદ્યોગિક ડિમાન્ડ તેજીને ટેકો આપશે. વિશ્વબજારમાં પહેલી જાન્યુઆરી 2026ના સોનાનો ટ્રોય અંશ દીઠ ભાવ 4330થી 4400 ડૉલરની રેન્જમાં હતો. ત્યારબાદ સોનોનો ભાવ વધીને 4470થી 4510 ડૉલરની રેન્જને વળોટી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ઊંબાડિયાને કારણે સોનામાં સેફ હેવન બાયિંગ આવી રહ્યું છે. તેમ જ વેનેઝુએલાના પ્રમુખને અમેરિકાએ પકડી લીધા તેને પરિણામે પણ તે વિસ્તારમાં તાણ વધી જતાં સોનામાં રોકાણ વધી ગયું છે. તેની સાથે જ સોનાના ભાવમાં ઊછાળો આવી ગયો છે. વિશ્વબજારમાં એક કિલો સોનાનો ભાવ 1,45,000 અમેરિકી ડૉલર થઈ ગયો છે. દસ દિવસના ગાળામાં થોડા કરેક્શન સાથે સોનાના બજાર ભાવમાં સળંગ તેજી જોવા મળી છે.

બીજીતરફ ચાંદીની વાત કરીએ તો આઠમી જાન્યુઆરીએ એમસીએક્સમાં ચાંદીના ફ્યુચર્સના ભાવમાં રૂ. 10,000નું ગાબડું પડ્યું હતું. ચાંદીનો કિલોદીઠ ભાવ રૂ. 2,50,605થી ઘટીને રૂ. 2,40,605 પર આવી ગયો હતો. ત્યારબાદ તેમાં થોડી રિકવરી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ડિસેમ્બર એન્ડમાં ચાંદીના ભાવ ટ્રોય અંશ દીઠ 83.60 ડૉલરની સપાટીને વળોટી ગયા હતા. દસમી જાન્યુઆરીએ વિશ્વબજારમાં ચાંદીનો ટ્રોય અંશદીઠ ભાવ 79.95 અમેરિકી ડૉલરનો બોલાઈ રહ્યો છે. 2025ની સાલમાં સોનાના ભાવમાં 60 ટકાનો અને ચાંદીમાં 140 ટકાનો વધારો થયો છે. ઇન્વેસ્ટર્સની ડિમાન્ડ અને ભૌગોલિક અશાંતિને પરિણામે આ વધારો આવ્યો છે.

જાન્યુઆરી 2026માં ભારતીય બજારમાં સોનું દસ ગ્રામના રૂ. 1,38,00થી 1,39,000ની રેન્જમાં અથડાતું રહ્યું છે. અમદાવાદના ચોકસી બજારના પાંચ દાયકાના અનુભવી હર્ષવર્ધન ચોકસી સોનાના બજારની ટૂંકા ગાળાની ચાલ અંગે વાત કરતાં કહે છે કે દર સાતથી આછ વરસે સોનાના ભાવ ડબલ થતાં હોવાનું જોવા મળ્યું છે. 2000ની સાલમાં રૂ. 4000નો ભાવ હતો. 2016ની સાલમાં રૂ. 15000થી 17000ની આસપાસના ભાવ હતા. ત્યારબાદ અકલ્પનિય ઊછાળો આવ્યો છે. અત્યારે તેનો ભાવ રૂ. 1,38,000ની આસપાસનો છે. વરસ પહેલા પણ રૂ. 98000ની આસપાસનો ભાવ હતો. એક વર્ષમાં સોનામાં આવેલો ભાવ વધારો અત્યાર સુધીનો સૌથી વધુ છે. ચીન, રશિયા, યુરોપિયન દેશો અને ભારત સોનામાં લેવલા છે. આ લેવાલી પણ તેજીને ટેકો આપી રહી છે. અત્યારે સોનાના ભાવ સેચ્યુરેશન સુધી પહોંચી ગયા છે.

હર્ષવર્ધન ચોકસીનું કહેવું છે કે વર્તમાન ડિમાન્ડ ચાલુ રહે તો નજીકના ભવિષ્યમાં એટલે કે માર્ચ અંત સુધીમાં સોનું રૂ. 1.60ની સપાટીને વળોટી જાય તેવી સંભાવના છે. જોકે વચગાળામાં કરેક્શન આવી શકે છે. પરંતુ લગનસરાની ડિમાન્ડ તેને બહુ નીચે જવા દેશે નહિ. દેશના લેવલે જે લેવાલી છે તેમાંથી વેચાણ આવવાની સંભાવના ઓછી છે. પરંતુ છૂટક બાયરો વર્તમાન ભાવે નફો બુક કરવા બજારમાં વેચવાલી કરે તો થોડુંક કરેક્શન આવી શકે છે. તેઓ સોનું વેચીને ચાંદીમાં લેવાલી કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તેમના ઇન્વેસ્ટમેન્ટમા ડાયવર્ઝન આવી શકે છે. સોનાની ડિમાન્ડ જોતા માર્ચ અંત સુધીમા દસ ગ્રામે રૂ. 1.60 લાખની સપાટી વળોટી જાય તેવી સંભાવના છે. આ વરસે ખેતી સારી રહી હોવાથી સોનામાં લેવાલી આવી શકે છે. તેથી પણ સોનાની તેજીને ટેકો મળી શકે છે. પહેલા ખેડૂતો એક કે બે તોલા સોનું લેતા હતા. હવે ખેડૂતો પાસે રૂ. 1 કે 2 લાખ હોય તો તે પ્રમાણે સોનું ખરીદી લે છે. તેઓ સોનું ખરીદીને બચત કરવાની માનસિકતા ધરાવે છે. ખેડૂતોના પરિવારમાં વૈશાખ જેઠમાં લગન આવતા હોય છે. તેઓ આવકજાવકનો હિસાબ કરી સોનામાં રોકાણ કરે છે. તેમ જ તેમના સામાજિક વહેવારો નિભાવે છે. ઉતરાણ પછી લગનસરા ચાલુ થવાની છે તેથી સોનાના ભાવ સપાટી નીચે આવે તેવી સંભાવના બહુ જ ઓછી જણાય છે. સોનામાં સતત અને એકતરફી તેજી થઈ રહી હોવાથી પણ તેમાં ઘટાડો થવાની સંભાવના બહુ જ ઓછી છે. વર્તમાન ભાવ સપાટી જળવાઈ રહેવાની શક્યતા છે, નીચે જવાન અવકાશ ઓછો છે.

હર્ષવર્ધન ચોકસીનું કહેવું છે કે લગનસરામાં પણ પ્રસંગ માટે લોકો સોનું ખરીદે છે, પરંતુ રોકડ ન હોય તો જૂના દાગીના એક્સચેન્જમાં આપી નવા દાગીના ખરીદે છે. તેમ જ કેટલાક બજેટ પ્રમાણે ખરીદે છે. બીજું હવે લાઈટ વેઈટ જ્વેલરીનો-દાગીનાનો સમય આવી ગયો છે. પહેલા ચાર પાંચ કે દસ તોલા સોનું લેતા હતા. લોકોને ચેઈન તો પહેરવી જ છે. પરંતુ હવે પહેલાની જેમ જાડી ચેઈન પહેરતા નથી. તેઓ પાતળી ચેઈન પહેરતા થયા છે. પોલી ચેઈન લઈને જાડી હોવાનો દેખાવ કરતી જાડી-પાતળી ચેઈન ખરીદતા થયા છે. તેને હોલો ચેઈન ખરીદવાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે.

જુદાં જુદા દેશની સરકાર દ્વારા સોનાની કરવામાં આવી રહેલી ખરીદી અંગે વાત કરતાં હર્ષવર્ધન ચોકસી કહે છે કે તેમને હવે અમેરિકી ડૉલરમાં વિશ્વાસ રહ્યો નથી. અમેરિકા હવે દેવાળીયું થઈ જાય તેવા ગણિતો સાથે તેઓ ડૉલરમાં રોકાણ કરવાનું પસંદ કરતાં નથી. તેથી લોકો ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે ખરીદી કરતાં થયા છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ ચલણી નોટ્સ છાપતા હતા. ભારત અને અમેરિકાએ ગોલ્ડના સ્ટોક પ્રમાણે ચલણી નોટ્સ છાપવાની બંધ કરી દીધી છે. ઘણાં દેશોમાં ચલણી નોટ છાપવી હોય તો તેટલા પ્રમાણમાં ગોલ્ડની ગેરંટી હોવી જરૂરી છે. છતાં ડૉલર પરનો વિશ્વાસ ડગી ગયો હોવાથી બધાં દેશો સોનું ખરીદતા થયા છે.

2026ના વર્ષમાં સોનાનો ભાવ 5000 અમેરિકી ડૉલરની સપાટીને વળોટી જાય તેવી સંભાવના રહેલી છે. 2026માં સેફ હેવન બાયિંગ જોરદાર ચાલુ રહેવાની શક્યતા છે. 2026ના વર્ષમાં સોનાના ભાવમાં 15થી 30 ટકાનો વધારો થવાની સંભાવના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સોનું રૂ. 1,42,00થી રૂ. 1,48,000ની રેન્જમાં રહેશે. ફેબ્રુઆરીમાં સેફ હેવન ડિમાન્ડ ચાલુ રહે અને વ્યાજના દર ઘટે કે વર્તમાન સપાટીએ ટકી રહે તો સોનાના ભાવ રૂ. 1.42થી 1.48ની રેન્જમાં જ રહેવાની સંભાવના છે.આ ભાવ સપાટીએ સોનું મજબૂત ટેકો ઊભું કરી રહ્યું છે. સોનામાં મંદીનો ટોન આવે તો તેમાં 10થી 15 ટકા સુધીનો ઘટાડો પણ આવી શકે છે. સોનું ઘટીને રૂ. 1.28થી રૂ. 1.32ની રેન્જમાં આવી શકે છે.

ચાંદીમાં ફાટફાટ થતી તેજી જળવાઈ રહેશે

ચાંદીમાં પણ ફાટફાટ તેજી જોવા મળી રહી છે.  મુંબઈ અને અમદાવાદના બજારમાં કિલો ચાંદીનો 11મી જાન્યુઆરીનો ભાવ રૂ. 2,60,000ના ભાવ બોલાઈ રહ્યા છે. જ્યારે વિશ્વબજારમાં ચાંદીના ટ્રોય અંશ દીઠ 79.79 અમેરિકી ડૉલર બોલાઈ રહ્યા છે. ચાંદીમાં ઔદ્યોગિક ડિમાન્ડ  ભયંકર વધી ગઈ છે. ઇલેક્ટ્રિક વેહિકલ માટેની બેટરી ડેલવપ કરવા માટે બેટરીદીઠ એક કિલો ચાંદીની જરૂરિયાત સેમસંગને પડવાની હોવાથી આખી દુનિયામાં પેદા થતી ચાંદીમાં મોટી અછત આવવાની સંભાવનાના હેવાલો વહેતા થયા તે પછી ચાંદીમાં ફાટફાટ તેજી જોવા મળી છે. માત્ર વીસ ટકા વાહનો માટેની બેટરીમાં આ ચાંદી વપરાય તો ભયંકર અછત ઊભી થાય તેમ છે. તેથી જ ચાંદીના ભાવમાં એક જ વરસમાં 175 ટકાનો વધારો આવી ગયો છે. સોલાર પેનલ બનાવવા માટે પણ ચાંદીની ખાસ્સી જરૂર પડે છે. તેમજ  ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે પણ ચાંદીનો વપરાશ વધી રહ્યો છે.  ચાંદીની સાથે તાંબા અને પિત્તળના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. તાંબા અને પિત્તળનો સંગ્રહ કરવાનું ચાલુ થઈ ગયું છે. જોકે તેના સ્ટોરેજ અને લિક્વિડિટીની સમસ્યા નડી રહી છે. ચાંદીના વધી રહેલા ભાવ અંગે વાત કરતાં હર્ષવર્ધન ચોકસી જણાવે છે કે ચાંદીમાં પણ વિચારીને રોકાણ કરવું જોઈએ.

ચાંદીના ભાવ ફેબ્રુઆરી-માર્ચમાં કેવા રહે તેની વાત કરતાં બજારના નિષ્ણાતો કહે છે કે ચાંદી રૂ. 2.50 લાખની ઉપર ટકી રહે તો તેના ભાવ રૂ. 2.70થી 2.90 લાખની ભાવ સપાટીને ઓળંગી જાય તેવી સંભાવના છે. હા, ચાંદીની ઔદ્યોગિક ડિમાન્ડ જળવાઈ રહેવી જોઈએ. અન્યથા ચાંદી રૂ. 2.30થી 2.50 લાખની રેન્જમાં અથડાતી રહેવાની શક્યતા છે. ચાંદીમાં મંદીનો ટોન બેસે તો ઘટીને રૂ. 2.10 લાખથી રૂ. 2.50 લાખની રેન્જમાં ફરતી રહે તેવી સંભાવના છે.

સોનું કે ચાંદી સસ્તી મળે તો ખરીદતા પહેલા વિચાર કરજો, છેતરાઈ જશો

સોના અને ચાંદીના બજારની વિશ્વસનીયતાને ભારતના એક ચોક્કસ રાજ્યના વેપારીઓએ ફટકો માર્યો છે. ગુજરાતના વેપારીઓ 97થી 100 ટચ ચાંદીના વાસણો જ કે દાગીનાઓ બનાવતા હતા. તેઓ બ્રાન્ડથી ચાંદીના દાગીના-વાસણોનો વેપાર કરતાં હતા. 1970 સુધી ચાંદીમા મિક્સિંગ કરવાનું વલણ કે ચલણ જ નહોતું. ત્યારબાદ ભારતના એક ચોક્ક્સ રાજ્યના વેપારીઓએ તેમાં તાંબુ, પિત્તળ કે અન્ય ધાતુઓ અમુક પર્સન્ટેજમાં ભેળવવા માંડી હતી. આ સામાન્ય ગ્રાહક પકડી શકતા નથી. આજે તેઓ સોનામાં કેડિયમ મિક્સ કરે છે. સોનાની લગડીઓ પણ ડુપ્લિકેટ બનાવતા થઈ ગયા છે. તેમાં કેડિયમ મિક્સ કરીને આપતા થયા છે. સોનાના ભાવ સાતમે આસમાને છે ત્યારે તેઓ ડુપ્લિકેટ સોનાની લગડીઓ વેચાતી થઈ છે. આ સોનાના ટચ પકડાતા નથી. આ પ્રકારે કંઈક ગરબડ કરી રહ્યા છે. પરંતુ તેને મેલ્ટ કરીને ટચ કાઢો તો તે તેની ઓરિજિનાલિટીનો અંદાજ મળી શકે છે. બાંગલાદેશથી પણ આ પ્રકારનું સોનું ઘૂસાડવામાં આવી રહ્યું હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે સોનું ખરીદતી વખતે શું કરવું જોઈએ તેનું લોકોને માર્ગદર્શન આપવું જોઈએ.

ચાંદી કે સોનામાં રોકાણ કરનારાઓએ ચોરસા લેવા હોય તો તે વિશ્વસનીય વેપારી પાસે લેવા જોઈએ. 98 ટચ, 92 ટચ અને 96 ટચના સિક્કા મળતા થયા છે. કેટલાક વેપારીઓ તેમના 98 ટચનો સિક્કો મારીને વેચે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પણ આ ગેરરીતિને પહોંચી શકે તેમ જ નથી. હોલમાર્કિંગ સેન્ટર પણ ઓછા પડી રહ્યા છે. ગામડાંનો વેપારી બેચાર દાગીનાનુ હોલમાર્ક કરાવવા માટે આવે પણ બહુ લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. આ સ્થિતિમાં અજાણ્યા વેપારી પાસે સસ્તામાં મળે છે તો તેની પાસેથી સોનું ખરીદી લઈએ તેવી ભાવનાથી ખરીદી લેનારા ચોક્કસ છેતરાઈ જશે. હોલમાર્કિંગમાં એચયુઆઈડી કરેલું છે. તેથી તે એચયુઆઈડી નંબર લખી આપે છે. આ લેઝર નંબર વેબસાઈટમાં નાખે તો તે દાગીનાના કેરેટની માહિતી મળી જાય છે. આ નંબર વાંચી શકાય તેવો હોય છે. આ રીતે ચેક કરવાથી છેતરપિંડી થવાની સંભાવના ઓછી છે. લગડીના સ્વરૂપમાં સોનું લેનારાઓએ સ્કિન ટેસ્ટથી સોનાના કેરેટ ગણતરીની મિનિટોમાં કાઢી આપે છે. ઘણાં લોખંડના ટુકડાં પર સોના કે ચાંદીનું પતરું જડીને વેચી દેનારાઓ બજારમાં સક્રિય છે.

 

Read Previous

સફળ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની હવે એક સફળ બિઝનેસમેન બન્યો

Read Next

ભારત કોકિંગ કોલ IPOમાંબમ્પર લિસ્ટિંગ થવાની સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular