કરદાતા કેટલું સોનું રાખે તો આવકવેરા ખાતાને હિસાબ આપવો ન પડે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ એક પરિવાર પાસે 850 ગ્રામ સોનું હોય તો તેના પુરાવાઓ માગવાના આવશે નહિ
પ્રમોદ પોપટ, ટેક્સ કન્સલ્ટન્ટ

સોનાના અને ચાંદીના ભાવ સાતમા આસમાનને આંબી રહ્યા છે. સોનામાં છેલ્લા થોડા વરસોથી સળંગ તેજી હોવાથી તેનું મૂલ્ય સતત વધી રહ્યું છે. તેથી લોકો અન્ય કોઈ અસ્ક્યામતમાં રોકાણ કરવાને બદલે સોનામાં રોકાણ કરતાં થયા છે. છતાં તેમને સોનું લાવ્યા ક્યાંથી તે હિસાબ બતાવવાની ચિંતા તો તેમને રહે જ છ.
આ સ્થિતિમાં એક કરદાતા વ્યક્તિ અને તેનો પરિવાર કેટલું સોનું ઘરમાં રાખે તો તેણે આવકવેરા કચેરીને કોઈ જ હિસાબ આપવો પડશે નહિ. ચાલો જાણી લઈએ. સીબીડીટીના 1994ની સાલના પરિપત્રમાં કરવામાં આવેલી સ્પષ્ટતા કરવામાં આવેલી છે.
આવકવેરાના કાયદાની જોગવાઈ હેઠળ કેટલું સોનું સાચવીને રાખી શકાય છે. આવકવેરાના છેલ્લામાં છેલ્લા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ એક કરદાતા અને તેના પરિવારના સભ્યો એટલે કે પતિ-પત્ની અને અપરણિત પુત્રી મળીને ઘરમાં અંદાજે 850 ગ્રામ સોનું રાખી શકે છે. પત્ની પાસે 500 ગ્રામ વજન સુધીના ઘરેણાં હોય તો પત્નીએ તેના બિલ કે તેની ખરીદી કર્યાના પુરાવાઓ સાચવવાની કોઈ જ જરૂર નથી. વર્તમાન બજાર ભાવથી ગણતરી કરીને કહીએ તો 500 ગ્રામ સોનાનો ભાવ અંદાજે રૂ. 64,80,000ની આસપાસનો થાય છે.
આ જ રીતે પતિને નામે 100 ગ્રામ સોનું હોય તો તેના બિલ કે તે ક્યાંથી લાવવામાં આવ્યા તેનો હિસાબ આપવાનો આવતો નથી. 100 ગ્રામ સોનાનો વર્તમાન બજારભાવ રૂ. 12,96,000ની છે. તેમ જ અપરણિત પુત્રીને નામે 250 ગ્રામ સોનું રાખી શકાય છે. 250 ગ્રામ સોનાની વર્તમાન બજાર કિંમત રૂ. 32,40,000નું થાય છે. આમ ત્રણેય પાસે મળીને રૂ. 1.23 કરોડના મૂલ્યનું સોનું ઘરની તિજોરીમાં કે બેન્ક લૉકરમાં પડ્યું હોય તો કોઈ જ તમારી પાસેથી હિસાબ માગશે નહિ.
ઉપરોક્ત ત્રણ વ્યક્તિ પાસેના કુલ 850 ગ્રામ સોનાની કિંમતમાં 12 ટકા લેખે મેકિંગ ચાર્જને પણ ગણતરીમાં લેવામાં આવ્યો છે. મેકિંગ ચાર્જ તરીકે પાંચ ટકાથી માંડીને કેટલાક કિસ્સાઓમાં 12 ટકા સુધી લેવામાં આવે છે. આમ સોનાની કિંમતમાં 13,21,920નો મકિંગ ચાર્જમાં ઉમેરો કરવામાં આવે તો 1,23,37,920 સુધીના મૂલ્યનું સોનું તમારા ઘરમાં પડ્યું હોય તો તેનો હિસાબ આવકવેરા અધિકારીને આપવાની જરૂર જ પડતી નથી. તમારા ઘરમાં ઉપરોક્ત ત્રણ સભ્યનું મળીને 850 ગ્રામ સોનું હશે તો આવકવેરા અધિકારી તે અંગ તમને કોઈ જ પૂછપરછ કરશે નહિ. સીબીડીટીના પરિપત્રમાં જણાવ્યા મુજબ પત્નીને નામે 500 ગ્રામ, પતિને નામે 100 ગ્રામ અને અપરણિત પુત્રીને નામે 250 ગ્રામ સોનું રાખી શકાય છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના 11મી મે 1994ના પરિપત્ર નંબર 1994ના માધ્યમથી આ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એક પરિવારના ઉપર મુજબના સભ્ય પાસે મળીને 850 ગ્રામ સોનું હોય તો તે જપ્ત ન કરવાની સૂચના આપવામાં આવેલી છે.



