• 1 December, 2025 - 9:03 AM

કોમનવેલ્થ ગેમ્સની ફાળવણી થતાં અમદાવાદમાં હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના

અમદાવાદની માળખાકીય સુવિધામાં વધારો કરવો પડશે. રસ્તાઓ ડસ્ટ ફ્રી બનાવવા પડશે

ટ્રાફિક સેન્સ હોવાની ઇન્ટરનેશનલ ઇમેજ ઊભી કરવા માટે અમદાવાદની જનતાને ટ્રાફિકના નિયમો પાળીને ડ્રાઈવિંગ કરતાં શીખવાડવું પડશે.

અમદાવાદ શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાની વાતને સરકારે હવે વાસ્તવિકતામાં પલટી નાખવી પડશે

વસ્ત્રાલ ખાતે રુપિયા ૫૨ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાઈ રહયુ છે. ત્રણ હજાર ખેલાડી માટે વિલેજ બનાવાશે

સૂકા કે ભીના કચરાને અલગ-અલગ રાખવા માટે ૨૬૦૦ બીન મુકવા ચાર કરોડનો ખર્ચ કરવાનું આયોજન અમલમાં આવશે

અમદાવાદ શહેરમાં ૨૦૩૦ની સાલની કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) યોજવાના નિર્ણયને 26મી નવેમ્બરે મંજૂરીની મહોર મારવામાં આવી તે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના પરિસરમાં ફાઈવ અને સેવન સ્ટાર્સ હોટેલ(five and seven star hotels) ઉપરાંત ફોર સ્ટાર હોટેલમાં પણ મોટું રોકાણ (Huge investment)આવવાની સંભાવના વધી ગઈ છે. કોમનવેલ્થની બહુધા ગેમ્સ અમદાવાદ અને ગાંધીનગરમા જ થવાની હોવાથી આ બે શહેરોમાં ખાસ્સો વિકાસ જોવા મળશે. તમામ કેટેગરીની હોટેલ્સ મળીને કુલ ઉપલબ્ધ રૂમ્સની સંખ્યા 10,000થી 12,000 સુધીની થઈ જશે. સાઈક્લિંગની સ્પર્ધાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિસરના વિસ્તારોમાં યોજવામાં આવશે. કોમન વેલ્થ ગેમ્સની ઓપનિંગ અને ક્લોઝિંગની વિધિ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવામાં આવશે.

મેટ્રોરેલના, બીઆરટીએસ-બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના તમામ કામકાજ પૂરા કરી દેવા પડશે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું સરળ બની જાય તેવી સુવિધાઓ ઊભી કરવી પડશે. ફાઈવ અને સેવન સ્ટાર હોટેલ્સના ઉપલબ્ધ રૂમની સંખ્યામાં આગામી ત્રણ વર્ષમાં 1500થી 2500 રૂમ્સનો વધારો થશે. થ્રી અને ફોર સ્ટાર હોટેલ્સના રૂમની સંખ્યામાં પણ 3000નો ઉમેરો થવાની સંભાવના છે. આ વિકાસ નવી રોજગારીની તક પણ નિર્માણ કરશે.

તેની સાથે જ પશ્ચિમ અમદાવાદની પ્રોપર્ટીઓના ભાવમાં (property price boom)પણ મોટો ઊછાળો આવવાની સંભાવના વધી ગઈ છે, ક્રેડાઈ ગાહેડના પ્રમુખ તેજસ જોશીનું (Tejas Joshi,President credia-Gihed)કહેવું છે. પશ્ચિમ અમદાવાદની અને તેમાંય ખાસ કરીને બોપલ, ઘૂમા અને વાપાની મિલકતોના ભાવમા જબરદસ્ત ઊછાળો આવશે.

૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ પછી ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની ફાળવણી પણ ગુજરાત ભારતને કરવામાં આવે તેવી આશા સાથે પણ જંગી રોકાણ આવવાના દરવાજા ખૂલી ગયા છે. કારણ કે રમતોત્સવ ચાલુ હોય ત્યારે હોટેલના રૂમ્સ ભાડે રાખનારાઓની સંખ્યા વધી જતાં તેનો સરેરાશ ઓક્યુપમ્સી રેટ ૯૦ ટકાથી પણ ઉપર જાય છે. ઓલિમ્પિક ગેમ્સની ફાળવણી કરવામાં આવે તો વિકાસને નવો બુસ્ટર ડોઝ મળશે. અમદાવાદ અને ગાંધીનગરને વિકસિત દેશોના આંતરરાષ્ટ્રીય સુવિધા ધરાવતા શહેરની કેટેગરી સુધી આગળ લઈ જવું પડશે.

ગાંધીનગર અને ચાંદખેડા, એરપોર્ટ વિસ્તારમાં ખાસ્સું ડેવલપમેન્ટ થશે. અમદાવાદના મોટેરા, ગિફ્ટ સિટી નવી હોટેલો સ્થપાવાની સંભાવના રહેલી છે. મેરિયોટ, હ્યાટ, તાજ, આઈટીસી જેવી હોટેલ્સ્ તેમના નેટવર્કનું વિસ્તરણ કરશે. તેમ જ ફિઝિયો ફ્લોર, હાઈ પ્રોટીન કિચન અને આઈસ બાથ સહિતની સુવિધાઓ સાથેની નવી હોટેલ્સ શરૂ થશે. રેસ્ટોરાં અને ફૂડ ચેઈનને પણ વેગ મળશે. ભારતીય હોટેલ્સ વિદેશી હોટેલ્સ સાથે જોડાણ પણ કરે તેવી સંભાવના રહેલી છે.

અમદાવાદ અને ગાંધીનગરની ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલ્સમાં અત્યારે ૬૦૦૦ જેટલા્ર રૃમ્સ છે. તેમાં બીજા ૨૦ ટકાથી વધુ રુમ્સનો ઉમેરો થવાની સંભાવના રહેલી છે. કદાચ રૂમ્સની સંખ્યા બમણી કરી દેવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે. તેને માટે હોટેલ ઇન્ડસ્ટીઝમાં નવું મોટું રોકાણ આવવાની સંભાવના રહેલી છે. નવી હોટેલ ડેવલપ કરવા માટેનો સ્કોપ પણ સારામાં સારો છે. તેમાંય વળી ૨૦૩૬ની સાલની ઓલિમ્પિક ગેમ્સની ફાળવણી કરી દેવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સ પહેલા રોકાણ કરનારાઓનો બખાં થઈ જવાની સંભાવના રહેલી છે. એશિયન ગેમ્સ માટેની તમામ માળખાકીય સુવિધાઓ 2028 અને 2029 સુધીમાં પૂર્ણ કરી દેવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ટાર્ગેટને પહોંચી વળવા માટે ગુજરાતના બજેટમાં રૂ. 521 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

કોમન વેલ્થ ગેમ્સના આયોજનની છૂટ મળી જતાં અમદાવાદ શહેરના રસ્તાઓને ખરેખર ડસ્ટ ફ્રી બનાવવા માટે ગુજરાત સરકારે અને અમ્યુકોએ સારામાં સારી મહેનત કરવી પડશે. સમગ્ર શહેરના રસ્તાઓને તથા તેની આસપાસની ફૂટપાથોને નવો ઓપ આપવો પડશે. રસ્તાઓ પર પાણી ન ભરાઈ જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. તેવી જ રીતે ટ્રાફિકનું જડબેસલાક મોનિટરિંગ કરવા માટે સી. સી. ટીવી કેમેરાના નેટવર્કને વધુ સંગીન અને અસરકારક બનાવવું પડશે. તેનાથી પણ આગળ વધીને વાત કરીએ તો અમદાવાદના વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું જડબેસલાક પાલન કરતાં કરવાની ફરજ પાડવી પડશે. સ્પોર્ટ્સ પરસન માટે હાઈ પ્રોટનવાળા ડ્રિન્ક્સ આપનારા કિચન પણ ચાલુ થશે.

અમદાવાદના વસ્ત્રાલમાં 5 નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાશે

દેશમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છતાને લઈ અમદાવાદને પ્રથમ નંબર મળ્યા પછી શહેરને વધુ સ્વચ્છ બનાવવા  વિવિધ વિસ્તારમાં આવેલા શાકભાજી સહિતના અન્ય પ્રકારના મોટા માર્કેટની સાથે કોમર્શીયલ કોમ્પલેકસમાં સ્પીટીંગ બીન મુકવા હેલ્થ કમિટીએ દરખાસ્ત મંજુર કરી છે. કચરાને અલગ પાડવાના સેગ્રિગેશન કન્સેપ્ટ ધરાવતા ૨૬૦૦ બીન અલગ અલગ સ્પોટ ઉપર મુકવા રુપિયા ૪.૮૭ કરોડનો ખર્ચ કરાશે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મોટા માર્કેટ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેકસમાં કચરો એકઠો કરવા સેગ્રિગેશનની કાર્યપધ્ધતિ કોર્પોરેશન તરફથી અમલમા મુકાઈ છે.ચૂંટાયેલા પ્રતિનિધીઓ તરફથી તેમના વોર્ડ વિસ્તારમાં આ કામગીરી માટે વેસ્ટબીન મુકવા ગ્રાન્ટ ફાળવવામા આવે છે.હવે જુદા જુદા માર્કેટ તથા કોમર્શીયલ કોમ્પલેકસમાં શહેરીજનોને કચરો નાંખવા માટે ૨૬૦૦ સ્પીટીંગ બીનની ખરીદી કરી મુકવામા આવશે.ઘનશ્યામ એન્જિનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝ તથા નીલકમલ લીમીટેડને બે વર્ષનો રેટ કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે. અમ્યુકો વસ્ત્રાલ ખાતે રુપિયા ૫૨ કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાઈ રહયુ છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ નવા સ્પોટર્સ કોમ્પલેકસ બનાવાશે. ત્રણ હજાર ખેલાડીઓ માટે એથ્લેટિકસ વિલેજ બનાવવા પણ આયોજન હાથ ધરવામા આવશે.

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવની સુવિધા પ્રાપ્ત છે. નારણપુરા ખાતે રુપિયા ૮૨૫કરોડથી વધુના ખર્ચથી વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેકસ એકવાટીક સેન્ટર તેમજ કોમનવેલ્થ ગેમ્સ મુજબના સ્ટાન્ડર્ડ મુજબની તમામ સુવિધાઓ ધરાવે છે.આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને ધ્યાનમા રાખીને મોટા ફેરફાર કરવામા આવશે. જે સ્થળ કે  સ્ટેડિયમમાં  કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ની વિવિધ રમતો રમાવાની છે તે વિસ્તારમાં સ્ટેડિયમ સાથે કનેકટ થતા રસ્તાઓ પહોળા કરવામા આવશે. કોમનવેલ્થની મોટાભાગની રમતો એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવમાં યોજાશે. તેમ જ કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડમીમાં યોજવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ માટે ઈન્ટરનેશનલ બ્રોડકાસ્ટ સેન્ટર તૈયાર કરવામાં આવશે. તેમ જ મેઈન પ્રેસ સેન્ટર પણ ડેવલપ કરવામાં આવશે.

અમદાવાદમા આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનુ વિસ્તૃતિકરણની કામગીરી હાલમાં ચાલી રહી છે.આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ ડિસેમ્બર-૨૦૨૭માં પુરો થવા તથા ડિસેમ્બર-૨૦૨૯ સુધીમા સંપૂર્ણ રીતે શરુ થવાની સંભાવના છે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુમા વોટર સ્પોર્ટસ ફેસેલીટી ઉપલબ્ધ કરાવાશે

અમદાવાદમા હાલમા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુની કામગીરી ચાલી રહી છે.જાન્યુઆરી-૨૬ સુધીમા બંને તરફ રોડની કામગીરી પુરી થયા પછી ફેઝ-ટુમાં વોટર સ્પોર્ટસ ફેસેલીટી ડેવલપ કરવાની દિશામા કોર્પોરેશન તથા રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ તરફથી કવાયત શરુ કરાઈ છે.

દુનિયામાં જાણીતી સ્પોર્ટ્સ એકેડમી સક્રિય થશે

કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદને ફાલવણી કરવામાં આવતા યુવાનોનો રમતગમમાંનો રસ વધી જશે. તેમ જ રમતોત્સવ પૂરો થયા પછીય ગુજરાતની મુલાકાતા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધરો થઈ જશે. તેની સાથે જ પશ્ચિમ અમદાવાદ સહિતના અમદાવાદના મોટાભાગના વિસ્તારોની માલિકીની મિલકતના ભાવમાં જંગી ઊછાલો આવવાની સંભાવના વધી ગઈ છે.  વિશ્વસ્તરની મોટી સ્પોર્ટ્સ એકેડમી તેમની બ્રાન્ચ અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાં જાહેર કરી શકે છે.

Read Previous

ખરીફ મોસમમાં ભારતમાં અનાજનું વિક્રમ સર્જક ઉત્પાદન થયું

Read Next

સેન્સેક્સ પહેલી વાર 86,00 ને પાર, નિફ્ટીએ પણ ઇતિહાસ રચ્યો, આ પાંચ કારણોસર દોડ્યો તેજીનો આખલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular