પહેલી જાન્યુઆરીથી વિશ્વનો પ્રથમ કાર્બન ટેક્સ લાગુ થતાં ભારતના મેટલ એક્સપોર્ટના ભાવમાં 22 ટકા સુધીની કપાત આવવાનો ખતરો

અમદાવાદઃ યુરોપિયન સંઘના દેશોએ સમગ્ર વિશ્વનો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ- CBAM પહેલી જાન્યુઆરી 2026થી લાગુ કરી દેતા ભારત સહિત અનેક વિકાસશીલ દેશોમાં અસંતોષ ફેલાયો છે, કારણ કે આ વિવાદાસ્પદ વેપાર-પર્યાવરણ નીતિ હેઠળ યુરોપિયન યુનિયન (EU)માં પ્રવેશતી કાર્બન-ઘનતા ધરાવતી ચીજવસ્તુઓ પર ખાસ ટેક્સ લાગુ પડશે. આ વર્ષે બ્રિટન પણ આવી જ નીતિ અમલમાં મૂકે તેવી સંભાવના છે. પરિણામે અમેરિકાએ સ્ટીલ, એલ્યુમિનિયમ અને કૉપર પર ઊંચા શુલ્ક લગાવ્યા બાદ ઊભા થયેલા અવરોધોમાં વધારો થશે. તેમ જ વિકાસશીલ દેશોના નિકાસને નુકસાન થશે.
હાલના સ્વરૂપમાં, CBAM હેઠળ વીજ ક્ષેત્ર અને ઊર્જા-ઘન ઉદ્યોગો જેમ કે સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ, તેલ રિફાઇનરી, કાગળ, કાચ, કેમિકલ્સ અને ખાતરો જેવી ચીજવસ્તુઓના આયાત પર કાર્બન સંબંધિત ચાર્જ લાગુ થશે. તેમાંય ખાસ કરીને જે દેશોમાંથી આવતી આયાત પર જ્યાં EU કરતાં ઓછા પર્યાવરણલક્ષી ધોરણો અને નિયમો લાગુ પડે છે તેના પર આ ટેક્સ લગાવવામાં આવ્યો છે. જોકે EUના ધારાસભ્યોને આ યાદીમાં વધુ વસ્તુઓ ઉમેરવાની જોગવાઈ પણ છે. ભારત મુખ્યત્વે એલ્યુમિનિયમ, લોખંડ અને સ્ટીલ EUમાં નિકાસ કરે છે, જે આ નિયમન હેઠળ અસરગ્રસ્ત થવાની શક્યતા છે.
જ્યારે રશિયાએ ગયા વર્ષે મે મહિનામાં આ મુદ્દે ઔપચારિક વિવાદ શરૂ કર્યો હતો અને અન્ય વિકાસશીલ દેશો પણ તેમાં જોડાયા છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ પરિષદ (UNCTAD)એ ચેતવણી આપી છે કે CBAMનો અમલ ગરીબ દેશોના વિકાસને અસર કરી શકે છે અને નિકાસ આધારિત વિકાસની તકો ઘટાડે છે.
વિકસિત દેશો દલીલ કરે છે કે CBAM EUમાં સ્થાનિક ઉદ્યોગો પર લાગુ પડતા સમાન ધોરણોને વૈશ્વિક સ્તરે લાગુ કરે છે, જ્યારે વિકાસશીલ દેશોનું કહેવું છે કે આ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કાયદાના મુખ્ય સિદ્ધાંત ‘કોમન બટ ડિફરેન્શિયેટેડ રિસ્પોન્સિબિલિટીઝ (CBDR)’નું ઉલ્લંઘન કરે છે, જેને WTO દ્વારા માન્યતા આપવામાં આવી છે. CBDR મુજબ તમામ દેશો પર્યાવરણ સંરક્ષણ માટે જવાબદાર છે, પરંતુ તેમની જવાબદારીઓ વિકાસ સ્તર, ઐતિહાસિક યોગદાન અને પ્રતિસાદ ક્ષમતાને આધારે અલગ-અલગ હોઈ શકે છે.
બ્લાસ્ટ ફર્નેસ સામે આર્ક ફર્નેસ
CBAMને પહોંચી વળવા માટે ભારતીય નિકાસકારોએ સરકાર પાસેથી સહાય માગી છે, કારણ કે CBAM પાલન માટે બ્લાસ્ટ ફર્નેસની તુલનામાં વધુ સ્વચ્છ ગણાતી આર્ક ફર્નેસ ટેકનોલોજી અપનાવવી પડશે, જે સ્ટીલ સ્ક્રેપનો ઉપયોગ કરે છે. તેમણે ભારત-EU વેપાર કરારની વાટાઘાટોમાં MSME માટે ખાસ છૂટ માગી છે, જે કરાર આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની સંભાવના છે. જોકે EUએ સ્પષ્ટ કર્યું છે કે CBAM કોઈ વેપાર ઉપાય નથી અને વાટાઘાટોનો વિષય નથી.
સ્ટીલ ઉત્પાદન અને ઉત્સર્જન બાબતે, બ્લાસ્ટ ફર્નેસ-બેસિક ઑક્સિજન ફર્નેસ (BF-BOF) પદ્ધતિમાં ઉત્સર્જન સૌથી વધુ હોય છે, જ્યારે ગેસ આધારિત DRIમાં ઓછું અને સ્ક્રેપ આધારિત ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF)માં સૌથી ઓછું હોય છે. ભારતમાં મોટાભાગના ઉત્પાદકો બ્લાસ્ટ ફર્નેસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. નિકાસકારોએ વાણિજ્ય મંત્રાલયને જાણ કરી છે કે EU સ્ટીલ સ્ક્રેપની નિકાસને નિયંત્રિત કરીને પોતાની ઘરેલુ ક્ષમતા વધારી રહ્યું છે. નોંધપાત્ર રીતે, અમેરિકા અને EU સ્ટીલ સ્ક્રેપના સૌથી મોટા ઉત્પાદકો છે.
‘ભારતીય નિકાસકારોને 15–22% સુધી ભાવ ઘટાડવો પડી શકે’
ન્યૂ દિલ્હી સ્થિત થિંક-ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ જણાવ્યું છે કે 1 જાન્યુઆરી 2026થી EUમાં પ્રવેશતી દરેક ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ શિપમેન્ટ પર કાર્બન ખર્ચ લાગશે અને અનેક ભારતીય નિકાસકારોને 15થી 22 ટકા સુધી ભાવ ઘટાડવો પડી શકે છે. તેથી EU આયાતકારો એ માજિનનો ઉપયોગ CBAM ટેક્સ ચૂકવવા કરી શકશે.
GTRIના સૂત્રોના જણાવ્યા મુજબ CBAMનો સૌથી મોટો ફટકો MSME પર પડશે, કારણ કે જટિલ ડેટા અને વેરિફિકેશનની આવશ્યકતાઓ પાલન ખર્ચ વધારશે અને ઘણા નાના નિકાસકારોને EU બજારમાંથી બહાર કરી શકે છે. તેમની સામે મુખ્ય પડકાર એ છે કે મોટા ઉત્પાદકો ઘણીવાર MSME સાથે પ્લાન્ટ-સ્તરના ઉત્સર્જન ડેટા વહેંચતા નથી. પરિણામે MSME પાસે CBAM માટે જરૂરી પ્રમાણિત કાર્બન માહિતી રહેતી જ નથી. આ પ્રકારના કિસ્સામાં EU અધિકારીઓ વાસ્તવિક ઉત્સર્જન બદલે ઊંચા ડિફૉલ્ટ મૂલ્યો લાગુ કરી શકે છે, જેનાથી કાર્બન ખર્ચ ઘણો વધી જાય છે.
પર્યાવરણ કરતાં આયાત ઘટાડવાનો ઉદ્દેશ વધુ?
ભારતીય વેપાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે CBAM જેવી વેપાર-પર્યાવરણ જોડાયેલી નીતિઓ પર્યાવરણ સુરક્ષા કરતાં વધુ વિકસિત દેશોના વ્યાપારિક હિતોને પ્રોત્સાહન આપે છે. UNCTADના 2021ના અભ્યાસ મુજબ EUનો કાર્બન ટેક્સ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં માત્ર 0.1 ટકા ઘટાડો કરશે, પરંતુ વિકાસશીલ દેશોની નિકાસને ગંભીર અસર પહોંચાડશે. CBAMમાંથી મળતી આવકનો ઉપયોગ વિકાસશીલ દેશોમાં સ્વચ્છ ઉત્પાદન ટેકનોલોજી અપનાવવા માટે કરી શકાશે. ગયા વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે CBAMને એકતરફી, મનમાની અને ભારતીય ઉદ્યોગ માટે વેપાર અવરોધ ગણાવ્યો હતો અને EU સમક્ષ ભારતની ચિંતા વ્યક્ત કરી હતી.



