• 9 October, 2025 - 12:58 AM

IPO માટે કેવી રીતે એપ્લાય કરશો? ચેતીને નહિ ચાલો તો લપસ્યા જ સમજો

ree

 

ધંધો કરવા માટે દરેક કંપનીને મૂડીની જરૂર પડે છે. IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફર એ કંપનીઓ માટે ફંડ ઊભુ કરવાનો એક સરળ રસ્તો છે. 2021ના વર્ષ IPO માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું પુરવાર થયું છે. એપ્રિલથી જુલાઈના ચાર મહિનાના ગાળામાં 12 કંપનીઓ IPOના માધ્યમથી રૂ. 27,000 કરોડની મૂડી ઊભી કરી ચૂકી છે અને હજુ પણ રૂ. 70,000 કરોડના મૂલ્યના IPO આવવાના બાકી છે. રોકાણકારોને IPO પૈસા કમાવવાનો આસાન રસ્તો જણાતો હોવાથી તેઓ ઉત્સાહભેર દરેક IPOમાં ભાગ લઈ રહ્યા છે. આ જ કારણે આગામી સમયમાં 40 જેટલી કંપનીઓના IPO પાઈપલાઈનમાં છે. સ્ટોક માર્કેટમાં થતા IPOના વરસાદને જોતા 2021ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા IPOનું મૂલ્ય રૂ. 1 લાખ કરોડને પણ આંબી જવાની ગણતરી માંડવામાં આવી રહી છે. IPOમાં થતી કમાણીથી આકર્ષાઈને ઘણા નવા રોકાણકારો IPOમાં ઈન્વેસ્ટ કરવા માટે પ્રેરાયા છે. વળી, હવે IPOમાં ઈન્વેસ્ટ કરવું સાવ સરળ થઈ ગયું હોવાથી પણ વધુને વધુ રોકાણકારો IPO તરફ વળ્યા છે. જો કે તેમાં રોકાણ કરતા પહેલા IPO શું છે અને જો તમે નવા રોકાણકાર હોવ તો મોબાઈલ એપની મદદથી તેમાં રોકાણ કેવી રીતે કરી શકાય તે સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

 

IPO શું છે?

 

IPO એ ખાનગી કંપનીઓના શેર્સને લોકો માટે ઈશ્યુ કરવાની પ્રક્રિયા છે. કંપની પહેલી વાર પોતાના શેર્સ લોકો માટે બહાર પાડતી હોવાથી તેને ઈનિશિયલ પબ્લિક ઑફર પણ કહેવાય છે. ભારતમાં એવી લાખો કંપનીઓ છે જેની માલિકી પરિવારના સભ્યો ધરાવે છે અને તેના શેર્સ મર્યાદિત લોકો પાસે જ છે. આ તમામ ખાનગી કંપનીઓ છે. આવી કંપનીઓને જ્યારે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લેવી હોય અને બીએસઈ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અથવા તો એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટિંગ મેળવવું હોય તો IPO તેનો સૌથી સરળ રસ્તો છે.

 

IPOમાં કંપની પોતાના શેર્સ પબ્લિક શેરહોલ્ડર્સને મોટા પાયે વેચે છે અને પછી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થાય છે જ્યાં લોકો શેર્સ મુક્તપણે ખરીદી કે વેચી શકે છે.

 

IPOની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાય છે?

 

IPOની પ્રક્રિયા ઘણા તબક્કામાં પૂર્ણ થાય છે. જે કંપની IPO બહાર પાડવા માંગતી હોય તેમણે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર અને સેબી સમક્ષ એક મર્ચન્ટ બેન્કર એપોઈન્ટ કરવો પડે છે. તેને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે IPO બહાર પાડવા માટે કંપનીએ એક પ્રોસ્પેક્ટસ કે માહિતી પત્રક ભરવાનું રહે છે. એક વખત રેગ્યુલેટરીની મંજૂરી મળી જાય પછી કંપની પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી બિડ્સ મેળવવા માટે IPO લોન્ચ કરી શકે છે.

 
ree

 
 

IPOના ડોક્યુમેન્ટમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે?

 

IPO માટે કંપની જે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરે છે તેમાં કંપની, તેના શેરહોલ્ડર, તેની નાણાંકીય પ્રવૃત્તિઓ, બિઝનેસ એક્ટિવિટિ, હાલમાં કોઈ લિટિગેશન ચાલતી હોય તો તેની વિગતો, રિસ્ક ફેક્ટર વગેરે તમામની માહિતી જાહેર કરે છે. આ વિગતો વાંચીને રોકાણકારોને ખ્યાલ આવે છે કે કંપની રોકાણ કરવા યોગ્ય છે કે નહિ. જો તમે પણ IPOમાં રોકાણ કરવા માંગતા હોવ તો ડ્રાફ્ટ ડોક્યુમેન્ટમાં કંપનીએ જે ખુલાસા કર્યા હોય તે અવશ્ય વાંચવા જોઈએ. આ ઉપરાંત IPOમાં રિટેઈલ ઈન્વેસ્ટર્સ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સ તથા સંસ્થાકીય રોકાણકારો વગેરે માટે જુદા જુદા હિસ્સા અનામત રાખવામાં આવે છે. રિટેઈલ ઈન્વેસ્ટર રૂ. 2 લાખથી વધુ માટે બિડ કરી શકતા નથી.

 

ઈન્વેસ્ટર્સને શા માટે છે IPOનું આકર્ષણ?

 

સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર્સ, ખાસ કરીને યુવા રોકાણકારોમાં IPOમાં ઈન્વેસ્ટ કરવાનો ખાસ્સો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમનો આશય IPO ઊંચા ભાવે ખૂલે એટલે તાત્કાલિક શેર્સ વેચીને માર્જિન કમાઈ લેવાનો જ હોય છે. ઘણા ઓછા ઈન્વેસ્ટર્સ IPOમાં લોંગ ટર્મ માટે ઈન્વેસ્ટ કરવાના આશય સાથે રોકાણ કરતા હોય છે. મોટા ભાગના IPOમાં બિડ કરવાનું પસંદ કરતા રિટેલ ઈન્વેસ્ટર સંકેત શાહ જણાવે છે, “શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન મેળવીને એક્સ્ટ્રા ઈન્કમ ઊભી કરવા માટે IPO એક સારુ માધ્યમ છે. મોટા ભાગના IPOમાં રૂ. 15,000ની આસપાસ રોકાણ કરવું પડે છે. IPO પ્લસમાં ખૂલે તો તેના ઉપર રૂ. 5000થી રૂ. 7500 સુધીનો નફો મેળવી શકાય છે. 10 દિવસ રૂપિયા બ્લોક રહેતા હોય અને તેના પર આવું તગડું રિટર્ન મળતું હોય તો તેમાં શું ખોટું છે?” આ સાથે સંકેત શાહ ભારપૂર્વક એમ પણ જણાવે છે કે IPO ભરતા પહેલા કંપનીનું બેકગ્રાઉન્ડ જાણવું ખૂબ જરૂરી છે. દાખલા તરીકે, ઓગસ્ટમાં લોન્ચ થયેલો કાર ટ્રેડ IPO નેગેટિવ ખૂલતા રોકાણકારોને નુકસાન ખમવાનો વારો આવ્યો હતો. વળી, મહિનામાં ઉપરાછાપરી 6થી 8 IPO લોન્ચ થતા હોય તો તેની અસર પણ કંપનીઓના IPOના શેર્સની કિંમત પર પડતી હોય છે. આથી રોકાણકારે ખૂબ સમજી વિચારીને IPO ભરવો જોઈએ.

 

IPOમાં કેવી રીતે રોકાણ કરી શકાય?

 

IPOના શેર્સ માટે એપ્લાય કરવા માટે તમારુ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડિમેટ એકાઉન્ટ કોઈપણ બ્રોકિંગ ફર્મમાં ખોલાવી શકો છો. પરંતુ તમારી આર્થિક સુરક્ષા ખાતર તમારે કોઈ પ્રતિષ્ઠિત બ્રોકિંગ ફર્મમાં જ ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. ડિમેટ એકાઉન્ટમાં તમારા શેર્સ ડિજિટલ સ્વરૂપમાં સચવાય છે. એટલે કે અગાઉની જેમ શેર્સને લગતા કોઈ કાગળિયા કે સર્ટિફિકેટ આપવામાં નથી આવતા. તમે ટ્રેડિંગ એપ ઉપરથી જાતે પણ IPO માટે એપ્લાય કરી શકો છો. દરેક IPOની એક પ્રાઈસ બેન્ડ હોય છે. તમે એ રેન્જમાં જ શેર્સ માટે બિડ કરી શકો છો.

 

દાખલા તરીકે, IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 100થી 110 હોઈ શકે છે. એનો મતલબ એ કે ઈન્વેસ્ટર્સ રૂ.100થી રૂ. 110 વચ્ચે કોઈ પણ કિંમતે બિડ કરી શકે છે. રોકાણકાર પાસે ‘ઈશ્યુ પ્રાઈસ’ પર બિડ કરવાનો પણ વિકલ્પ છે. આ એ કિંમત છે જેના પર બધા જ બિડર્સને શેર્સ એલોટ કરવામાં આવશે. રિટેઈલ ઈન્વેસ્ટર IPOમાં રૂ. 2 લાખથી વધુ રોકાણ કરી શકતા નથી.

 

લેટેસ્ટ નિયમો અનુસાર IPOનું બિડિંગ ઈલેક્ટ્રોનિક માધ્યમથી જ કરી શકાય છે. અર્થાત્ તમે ચેક કે રોકડ આપીને IPOમાં રોકાણ કરી શકતા નથી. ઈન્વેસ્ટરનું બેન્ક એકાઉન્ટ તેના ડિમેટ એકાઉન્ટ સાથે લિંક થયેલું હોય છે. શેરનું એલોટમેન્ટ થાય ત્યાં સુધી IPOની બિડ જેટલી રકમ બેન્ક એકાઉન્ટમાં બ્લોક થઈ જાય છે. હવે કેટલીક બ્રોકિંગ ફર્મ એવી ટેક્નોલોજી પણ લાવી રહી છે જેમાં રોકાણકારો IPO ઓપન થાય તે પહેલા શેર્સ માટે પોતાની બિડ રિઝર્વ કરાવી શકે છે. IPO સામાન્ય રીતે ત્રણ દિવસ માટે ઓપન રહે છે.

 

IPO બંધ થાય પછી શું થાય?

 

એક વખત IPO બિડિંગ ક્લોઝ થાય પછી બધી બિડ્સ રેગ્યુલેટરી નિયંત્રણોની મર્યાદામાં છે કે નહિ તે ચકાસવામાં આવે છે. ઈનવેલિડ બિડ રિજેક્ટ કરવામાં આવે છે. ફાયનાન્શિયલ સબસ્ક્રિપ્શન નંબરના આધારે શેર એલોટ કરવામાં આવે છે. જો IPO અંડરસબસ્ક્રાઈબ્ડ હોય એટલે કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય તેના કરતા ઓછા લોકોએ બિડ કરી હોય તો જેટલાએ એપ્લાય કર્યું હોય તે તમામને શેર એલોટ થાય છે.

 

જો IPO ઓવરસબસ્ક્રાઈબ થયો હોય તો પ્રોરાટા બેઝ પર શેર એલોટ કરાય છે જેની સંખ્યા તમે બિડ કરી હોય તેના કરતા જુદી હોઈ શકે છે. તમને જેટલા શેર એલોટ થયા હોય તે તમારા ડિમેટ એકાઉન્ટમાં દેખાશે. છેલ્લે શેર્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે જ્યાં તમે તેને ખરીદી કે વેચી શકો છો.

 
ree

 
 

IPO પર આવતી ટેક્સની જવાબદારીથી તમે વાકેફ છો?

 

SEBIના ડેટા મુજબ વર્ષ 2021ના 9 મહિનાના ગાળામાં 1.42 કરોડ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. આ સાથે જ ડિમેટ એકાઉન્ટનો કુલ આંક 5.15 કરોડને વટી ગયો છે. ઝેરોધા, અપસ્ટોક્સ જેવી એપ્લિકેશનને કારણે યુવા રોકાણકારો જાતે જ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા થઈ ગયા છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે પણ નોકરીની સાથે સાથે યુવાનો સતત સ્ટોક માર્કેટમાં સક્રિય થઈ રહ્યા છે. જો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી યુવાનોને શેર બજારની લપસણી જમીન પર ચેતીને ચાલવાની સલાહ આપે છે.

 

તેઓ જણાવે છે, “એક અભ્યાસ મુજબ IPO બહાર પાડ્યા હોય એવી 100 કંપનીઓમાંથી 77 કંપનીઓ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તો તેના શેર્સ ઈશ્યુ પ્રાઈઝ કરતા ઓછી કિંમતે ટ્રેડ થઈ રહ્યા છે. IPOના નામે ઘણા લેભાગુ લોકો માર્કેટમાં ઘૂસી જાય છે. યંગ ઈન્વેસ્ટર્સ છેલ્લા 10 IPOના રિઝલ્ટ જોઈને સ્ટોક માર્કેટમાં ઝંપલાવી મૂકે છે પણ ઘણી વાર આ ખોટનો સોદો પુરવાર થઈ શકે છે. IPOમાં ઈન્વેસ્ટ કરતી વખતે મેનેજમેન્ટમાં કોણ છે, કંપનીની પ્રોફાઈલ શું છે, કંપનીનો ટ્રેક રેકોર્ડ કેવો છે તેનો બરાબર અભ્યાસ કરો. ઘણી વાર IPO એટલા હાઈ પ્રીમિયમ ભાવ પર ખૂલે છે કે ત્યાર પછી ઈન્વેસ્ટરને તેમાં કમાવવાની તક જ નથી મળતી. માર્કેટ જરા પણ સ્લો પડે તો તે શેર્સની ચૂંગાલમાંથી નીકળવું રોકાણકાર માટે મુશ્કેલ થઈ પડે છે.”

 

સી.એ લાખાણી વધુમાં એ પણ જણાવે છે કે રોકાણકારોએ IPOમાં થતા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર લાગતા ટેક્સને પણ નજરઅંદાજ ન કરવો જોઈએ. જો તમારી આવક એક્ઝેમ્પશન લિમિટ કરતા વધારે હોય તો IPOમાંથી થતી આવક પર તમારે 15.60 ટકા ટેક્સ ભરવાની જવાબદારી આવે છે. સી.એ કરીમ લાખાણી જણાવે છે, “સેબી અને સીબીડીટી વચ્ચે થયેલા એગ્રીમેન્ટ મુજબ સેબીએ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને IPOમાંથી કયા રોકાણકારને કેટલી આવક થઈ તેની વિગતો આપશે. જે રોકાણકારોએ તેમના રિટર્નમાં IPOમાંથી થતી આવક નહિ દર્શાવી હોય તે મોટી મુશ્કેલીમાં ફસાશે. ધારો કે આખા વર્ષ દરમિયાન IPOમાંથી રૂ. 1,00,000ની આવક થઈ હોય તો તેના પર 15.60 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ એડવાન્સમાં ભરી દેવો પડે છે. જો આ ટેક્સ નહિ ભર્યો હોય તો 2-3 વર્ષે કેસ રિઓપન થશે ત્યારે તેમણે 24 ટકા વ્યાજ સાથે તોતિંગ પેનલ્ટી ભરવાની નોબત આવશે.” કોઈ એક્સપર્ટના માર્ગદર્શન વિના સીધી એપ્સથી સ્ટોક માર્કેટમાં ઝંપલાવનારા યુવાનોએ આ સલાહ મગજમાં કોતરીને જ પછી રોકાણના નિર્ણયો લેવા જોઈએ.

Read Previous

બ્રાન્ડેડ ઘી-બટર પરનો જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માગણી

Read Next

રિજ્યોનલ ચેમ્બર્સ સાથે ગુજરાત ચેમ્બરનું ઓરમાયું વર્તન? સ્થાનિક મંડળોમાં ભારે નારાજગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular