ઇસબગુલના પ્રોસેસર્સે ખેડૂતો પાસેથી ખરીદી કેમ બંધ કરી દીધી?
જીએસટીને મુદ્દે પ્રવર્તતા ગૂચવાડા અંગે સરકારનું મૌન ઇસબગુલની એક્સપોર્ટના માર્કેટ પર કેવી અસર કરશે?
ઇસબગુલ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગે સ્પષ્ટતા ન હોવાથી ઇસબગુલ પ્રોસેસર્સ ઓફ ઇન્ડિયાએ છ ઓક્ટોબરથી સમગ્ર દેશની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓમાંથી ઇસબગુલની ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. ગુજરાતના ઇસબગુલના ખેડૂતોને તેને પરિણામે મોટો ફટકો પડશે. રાજસ્થાનમાં પણ ઇસબગુલની ખાસ્સી ખેતી થાય છે.
ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ તાજાં અને સૂકા ઇસબગુલને કૃષિ ઉપજ ગણવામાં આવશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. 2017ની પહેલી જુલાઈના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો ત્યારથી ઇસબગુલના પ્રોસેસર્સ આ અંગે સરકાર પાસે સ્પષ્ટતા માગી રહ્યા છે.
સરકાર તરફથી આ મુદ્દે સ્પષ્ટતા ન કરવામાં આવતી હોવાથી ઇસબગુલ પ્રોસેસર્સના કરોડો અબજો રૂપિયા સરકારની તિજોરીમાં સલવાઈ ગયા છે. તેથી ઇસબગુલ પ્રોસેસર્સની આર્થિક સ્થિતિ બગડી રહી છે. નિકાસના બજારમાં તેમની સ્પર્ધાત્મકતા પણ ખતમ થવા માંડી છે.
બીજીતરફ અમેરિકાની સરકારે 25થી 50 ટકાનો ટેરિફ લાદી દીધો હોવાથી પણ ઇસબગુલની સ્પર્ધાત્મકતા એક્સપોર્ટ માર્કેટમાં ખતમ થઈ રહી છે. નિકાસના કન્સાઈનમેન્ટ રવાના કરવામાં તકલીફ પડી રહી છે. હવે તેઓ તેમના કામકાજ કરી શકે તેમ જ ન હોવાની ફરિયાદ ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે.
ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુખ અશ્વિન નાયકનું કહેવું છે કે સરકાર તરફથી સ્પષ્ટ નોટિફિકેશન ઇશ્યૂ ન કરવામાં આવે ત્યાં સુધી અમે અમારા કામકાજ આગળ વધારી શકીએ તેમ જ નથી. અમે ખેડૂતો પાસેથી ઇસબગુલ ખરીદી શકીએ તેમ જ નથી.
ઇસબગુલના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ઇસબગુલ પ્રોસેસર્સના નિર્ણયને પરિણામે ખેડૂતોની હાલત દિવસે દિવસે બગડતી જશે. ખેડૂતોને તેમની ઉપજના કોઈ જ લેવાલ મળશે નહિ. તેને પરિણમે ઇસબગુલની નિકાસના બિઝનેસ પર પણ મોટી અસર પડશે. ઇસબગુલની નિકાસના બજારમાં ભારત વિશ્વમાં અવલ છે. ભારતના આ બિઝનેસ પર તેની અસર પડી રહી છે. જીએસટીના સત્તાવાળાઓ તરફથી આ મુદ્દે કોઈ જ જવાબ ન મળતાં તેમને ખરીદી બંધ કરવાની ફરજ પડી છે.