44ADને બદલે 44ADAમાં રિટર્ન ફાઈલ કરનારા પ્રોફેશનલ્સને આવકવેરા ખાતાની નોટિસ

- ટીડીએસનો ડેટા, આધારકાર્ડ અને પાનકાર્ડની વિગતોને સોફ્ટવેર આપોઆપ જ પકડી લેતું હોવાથી ખોટી કલમ હેઠળ રિટર્ન ફાઈલ કર્યું હોવાનું પકડાઈ ગયું
આવકવેરા ખાતાએ આવકવેરા ધારાની કલમ 44એડી-section 44 ADને બદલે કલમ 44એડીએ-section 44 ADAમાં ભરી દઈને આવકવેરા જવાબદારી ઓછી અદા કરનારાઓને નોટિસો પાઠવવા માંડી છે. આવકવેરા ખાતાએ કયા વ્યવસાયની વ્યક્તિઓએ કયા કોડ હેઠળ રિટર્ન ફાઈલ-income tax return file-કરવાનું છે તે માટેના કોડ નક્કી કરી આપ્યા હોવા છતાંય આવકવેરાના રિટર્ન જુદાં કોડ(wrong code selection for IT return) હેઠળ ભરીને કરચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી આ નોટિસો આપવામાં આવી છે.
પ્રોફેશનલ્સના રિટર્ન પર નજર
કલમ 44એડીમાં ઇન્ટિરિયર ડિઝાઈનર, કાયદાની પ્રેક્ટિશ કરનારા, એકાઉન્ટન્ટ, આર્કિટેક્ચર, કંપની સેક્રેટરી, એન્જિનિયર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, લીગલ પ્રોફેશન કે ટેકનિકલ કન્સલ્ટન્સી કરનારાઓને કલમ 44એડી હેઠળના પ્રોફેશનલ ગણવામાં આવ્યા છે.
ડોક્ટર ભેરવાયા, 200 ટકા પેનલ્ટી કરી
અમદાવાદના એક ડૉક્ટરની વાર્ષિક આવક રૂ. 38 લાખની હતી. પેશન્ટની સારવાર, હોસ્પિટલની સેવા અને ચિકીત્સાના માધ્યમથી ડૉક્ટરે આ આવક મેળવી હતી. તેમણે આવકવેરાનું રિટર્ન કલમ 44એડીએ હેઠળ ભરવાનું આવે છે. પરંતુ ડૉક્ટરે તેમની આવકને બિઝનેસની આવક તરીકે ઓળખાવીને 38,00,000ના આઠ ટકા પ્રમાણે 3,04,000નો ટેક્સ ભરી દીધી હતો. તેમની આવક રોકડેથી ન હોય તો તેમણે માત્ર છ ટકા જ ટેક્સ ભરવાનો આવે છે. પરંતુ રોકડેથી આવક થઈ હોવાથી તેમણે આઠ ટકા ટેક્સ ભરવાનો આવ્યો હતો. આમ આવક છુપાવવા માટે અને વેરો ઓછો ભરવો પડે તે માટે ડૉક્ટરે કલમ 44એડીએને બદલે 44એડીમાં રિટર્ન ફાઈલ કરી દીધું હતું. તેમાં ડૉક્ટરે કલમ 80-સીના ઇન્વેસ્ટમેન્ટ સહિતના તમામ ઇન્વેસ્ટમેન્ટ અને ખર્ચ પણ બાદ લીધા હતા. તેથી એક પણ રૂપિયાનો ટેક્સ ભરવાની જવાબદારી આવી નહોતી.
ખોટી કલમ હેઠળ રિટર્ન ફાઈલ કર્યું
આવકવેરો બચાવવા માટે પ્રોફેશનલ્સ ખોટી કલમ નીચે રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આ બાબત આવનારા દિવસોમાં બહુ જ મોટા વિવાદ ઊભા કરશે. સંખ્યાબંધ લોકોને નોટિસ મળી શકે છે,એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે. કલમ 44એડીમાં અંદાજિત આવક ગણીને તેના પર માત્ર 6 ટકા ટેક્સ ભરવાની વ્યવસ્થા કરીને તેમને હિસાબના ચોપડા કે ઓડિટ રિપોર્ટ તૈયાર ન કરવા પડે તેવી વ્યવસ્થા કરી આપી છે. વાર્ષિક રૂ. 3 કરોડ સુધીના ટર્નઓવર માટે આ છૂટ આપવામાં આવી હતી. રોકડેથી ટ્રાન્ઝેક્શન હોય તો રોકડ આવકના 8 ટકા અને ચેકથી આવક હોય તો ટકા પ્રમાણે ટેક્સ ભરી દેવાની છૂટ આપવામાં આવી હતી. તેમાં કરદાતાએ પોતે લગાડેલી મૂડી અને રોકડ સિલકની જ વિગતો આપવાની આવે છે. આ સિવાય તેમને માથે કોઈ જ જવાબદારી આવતી નથી. તેમને સ્ક્રૂટિનીનો પણ સામનો કરવાની બહુધા નોબત આવતી નથી.
કુલ આવકની 50 ટકા રકમ પર ટેક્સ ભરો
કલમ 44એડીએ હેઠળ ડૉક્ટર રિટર્ન ફાઈલ કરે તો તેમણે તેમની કુલ આવકની 50 ટકા આવક બતાવીને તેના પર ટેક્સ જમા કરાવવો પડે છે. આમ 44એડીએ હેઠળ તેમણે અંદાજે 3.5 લાખથી 4 લાખનો આવકવેરો જમા કરાવવો પડે તેમ હતો..આ રીતે ડૉક્ટરે અંદાજે ત્રણ લાખથી વધુ રકમની આવકવેરાની ચોરી કરી હતી. આવકવેરા ખાતાએ ડૉક્ટરે ખોટો કોડ આપીને રિટર્ન ફાઈલ કર્યુ હોવાનું પકડી પાડ્યું હતું. તેના 26એએસના એન્યુઅલ સ્ટેટમેન્ટમાં મિસમેચ જોવા મળ્યું હતું. હોસ્પિટલ્સ અને લેબોરેટરીઓએ આવકવેરા ધારાની કલમ 194 જે હેઠળ પ્રોફેશનલ સર્વિસ માટે ચૂકવેલી રકમ પર ટીડીએસ કર્યો હતો. ડૉક્ટરે બિઝનેસની આવક બતાવી કલમ 44એડી હેઠળ ખોટી રીતે રિટર્ન ફાઈલ કર્યું હતું. હેલ્થકેર સર્વિસને બદલે ટ્રેડિંગ બિઝનેસની કેટેગરીમાં રિટર્ન ફાઈલ કર્યું હતું. તેમના પાનકાર્ડમાં તેઓ એક રજિસ્ટર્ડ ડૉક્ટર-Registered Doctor- હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આવકવેરા ખાતાની સિસ્ટમે જ આ મિસમેચ બતાવી આપતા તેમને નોટિસ આપવામાં આવી હતી.
તદુપરાંત યુપીઆઈથી પેમેન્ટ કરાયાનું મોટા પ્રમાણમાં જોવાયું હતું. આ પેમેન્ટ ડૉક્ટરના નામે થયું હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ ડૉક્ટરની આવકની પુનઃઆકારણી કરીને 3.80 લાખની ટેક્સની, 40,000 વ્યાજની અને કલમ 270 (2) હેઠળ 200 ટકા પેનલ્ટી(Penalty under section 270(2) of IT Act)ની રકમ નક્કી કરીને રૂ. 7.6 લાખનો ટેક્સ જમા કરાવવાની નોટિસ આપવામાં આવી છે.




