ન્યુક્લિયર પાવર જનરેટ કરવા સક્રિય બની રહેલી ચાર કંપનીઓ શેર્સ પર નજર રાખી શકાય
GST રાહતથી મજબૂત બનતું 100 GW વીજળી પેદા કરવાનું સપનું સરળતાથી સાકાર થશે
ન્યુક્લિયર સાધનો પર હજી પણ 18 ટકા GST વસૂલાતા હોવાથી તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી
ન્યુક્લિયર પાવર જનરેટ કરવાની લગભગ 9 GWથી પણ ઓછી વીજળીનું ઉત્પાદનક્ષમતા ધરાવતું ભારત ક્ષમતાથી 2047 સુધીમાં 100 GW સુધી પહોંચવાનો લક્ષ્ય રાખી રહ્યું છે. આ લક્ષ્યાંકને પાર પાડવામાં ચાર કંપનીઓ સક્રિય બની છે. આ લાંબા ગાળાની યોજના હોવાથી હવે સરકારનું ધ્યાન ભારત સ્મોલ રિએક્ટર (BSR) અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR) તરફ વધુ કેન્દ્રિત થયું છે.
ન્યુક્લિયર ઊર્જાને રિન્યુએબલ જેવો દરજ્જો આપવાની માગણી
પાવર સેક્ટરમાં આ સમયે સૌથી વધુ ચર્ચા ન્યુક્લિયર ઊર્જાની છે. એટોમિક એનર્જી વિભાગે સરકારને સૂચન કર્યું છે કે ન્યુક્લિયર ઊર્જાને પણ રિન્યુએબલ એનર્જી જેવી સુવિધાઓ આપવી જોઈએ. આ સુવિધાઓમાં સૌથી પહેલા તેમના પ્રોજેક્ટ સરળતાથી મંજૂર થઈ જવા જોઈએ. બીજું, તેમને GSTમાં રાહત આપવી જરૂરી છે. ત્રીજું, તેમને ગ્રીન ફાઇનાન્સિંગની સુવિધા એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે તેવો પ્રોજેક્ટ હોવાથી તેને ગ્રીન ફાઈનાન્સ હેઠળ લોનની સરળ વ્યાજદરથી ધિરાણ મળી રહે તેવી જોગવાઈ કરવી જોઈએ. ન્યુક્લિયર ઊર્જા પણ સ્વચ્છ ઊર્જા છે, તો તેને ઉચ્ચ જોખમવાળી પ્રવૃત્તિ તરીકે ટેક્સ અને ફાઇનાન્સ ન કરવી જોઈએ.
GST તફાવતનો મોટો પ્રશ્ન
સપ્ટેમ્બર 2025માં સોલાર અને વિન્ડ ઊર્જા માટેના સાધનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો. પરંતુ ન્યુક્લિયર સાધનો પર હજી પણ 18 ટકા GST વસૂલાય છે.
આ 13 ટકાનો તફાવત અત્યંત મહત્વનો છે, કારણ કે એક ન્યુક્લિયર પ્લાન્ટનો ખર્ચ આશરે ₹40,000 કરોડ જેટલો હોય છે. GST સમાનતા મળવાથી તરત જ હજારો કરોડની મૂડી રોકાણમાં અંદાજે રૂ. 500 કરોડનો ઘટાડો આવી શકે છે. આણ ઓછી મૂડી ખર્ચવી પડે છે. આમ ટેક્સ ઘટે અને ફાઇનાન્સિંગ સરળ બને, તો ન્યુક્લિયર પ્રોજેક્ટ્સની ગતિ વધી શકે છે. પરિણામે ન્યુક્લિયર પાવર જનરેટ કરવા માટેના સાધનો ખરીદવાના ઓર્ડરમાં વધારો થશે. લાંબા ગાળાનો કામકાજ વધુ સરળતાથી આગળ વધારી શકાશે. કંપનીઓ માટે સતત આવકની શક્યતા ઊભી થશે.
ભારત સ્મોલ રિએક્ટર (BSR) પર સરકારનો ભાર મૂકશે
2024-25ના કેન્દ્રીય બજેટે 220 MW ક્ષમતાવાળા ભારત સ્મોલ રિએક્ટર (BSR) પર ખાસ ભાર મૂક્યો છે. આ રિએક્ટરો ઝડપથી સ્થાપિત કરી શકાય તેવા છે. ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ ₹20,000 કરોડની ફાળવણી સાથે SMR પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. તેથી ટાટા પાવર અને રિલાયન્સ જેવી ખાનગી કંપનીઓને ન્યુક્લિયર ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તક મળશે. આ પ્રવેશ અત્યાર સુધી મુખ્યત્વે PSU સુધી મર્યાદિત હતો.
ન્યુક્લિયર ક્ષેત્ર સાથે જોડાયેલા 4 મહત્વના સ્ટોક્સ છે. તેમાં સૌથી પહેલું સ્થાન લાર્સન એન્ડ ટુબ્રોનું છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન ઊભું કરવા માટે માળખાકીય સુવિધા ઊભી કરવામાં મહત્વની કામગીરી લાર્સન એન્ડ ટુબ્રો કરી શકે છે. આમ લાર્સન એન્ડ ટુબ્રો પર મોટો મદાર છે.L&T એ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ક્ષેત્રની અગ્રણી કંપની છે.
એલ એન્ડ ટીના Q2 FY26ના નાણાંકીય પરફોર્મન્સના આંકડાઓ નીચે મુજબ છે. લાર્સન એન્ડ ટુબ્રોની આવક રૂ. 67,987 કરોડની છે. તેમાં વર્ષે વરસે સરેરાશ 10.4 ટકાનો વધારો થાય છે. કંપનીનો વાર્ષિક નફો રૂ. 3,900 કરોડનો છે. કંપનીના નફામાં વરસે વરસે સરેરાશ 16 ટકાનો દરે વધારો થતો જાય છે. અત્યારે કંપની પાસે તગડી ઓર્ડર બુક છે. કંપની પાસે રૂપિયાના મૂલ્યમાં રૂ. 6.7 લાખ કરોડના ઓર્ડર છે. કંપનીની ઓર્ડર બુકમાં 31 ટકાનો વધારો થયો છે.
L&T હાઇડ્રોકાર્બન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુક્લિયર સંબંધિત એન્જિનિયરિંગ ક્ષમતામાં વધારો કરી રહી છે. જો ન્યુક્લિયર ક્ષેત્રને રિન્યુએબલ જેવી રાહતો મળે, તો L&T માટે લાંબા ગાળાનો સ્થિર કામનો પ્રવાહ ઊભો થઈ શકે છે. છેલ્લા એક વર્ષમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરના ભાવમાં 15.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીની ઓર્ડર બુક જોતાં આ વધારો ચાલુ રહેવાની સંભાવના છે.
વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ: શેરનો ભાવ ઘટ્યો, પણ નજર રાખવા જેવી
વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના 1908માં કરવામાં આવી હતી. આ કંપની હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કાર્યરત છે. 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાના કંપનીના આર્થિક પરિણામોની વાત કરીએ તો કંપનીની આવક રૂ.51.8 કરોડની થઈ છે. આ ગાળામાં કંપનીએ રૂ. 12 કરોડનું ચોખ્ખું નુકસાન કર્યું છે. કંપની ધીમે ધીમે ડિફેન્સ, ન્યુક્લિયર અને એરોસ્પેસ (DNA) ક્ષેત્ર તરફ સરકી રહી છે. કંપનીને ન્યુક્લિયર પ્રોજેક્ટ્સને નીતિ આધાર મળશે તો ઓર્ડરબુક વધુ સ્થિર બની શકે છે. પરંતુ જોખમ હજી પણ ઊંચું છે. છેલ્લા એક વર્ષમાં વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 30.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં ન્યુક્લિયર પાવર સેક્ટરની ક્ષમતાને જોતાં કંપનીના શેર પર નજર રાખવા જેવી છે.
આ કેટેગરીમાં આવતી ત્રીજી કંપની MTAR ટેક્નોલોજીઝ છે. પ્રિસિઝન એન્જિનિયરિંગના ક્ષેત્રની આ એક મજબૂત કંપની છે. MTAR ડિફેન્સ, એરોસ્પેસ, ન્યુક્લિયર અને ક્લીન એનર્જી માટે અતિ ચોક્કસ પૂરજાઓ બનાવે છે. 2025-26ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના કંપનીના આર્થિક પરફોર્મન્સની વાત કરવામાં આવે તો કંપનીની કુલ આવક રૂ. 135 કરોડની થઈ છે. તેમ જ ચોખ્ખો નફો રૂ. 4.2 કરોડનો થયો છે. કંપની અત્યારે કાઇગા 5 અને 6 ન્યુક્લિયર રિએક્ટર માટે આશરે રૂ. 500 કરોડના ઓર્ડર તેને મળે તેવી અપેક્ષા રાખીને બેઠી છે. કુલ ન્યુક્લિયર ઓર્ડર રૂ. 800 કરોડ સુધી પહોંચી શકે છે. હા, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 51.6 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે.
આ કેટેગરીમાં આવતી ચોથી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ (BHEL) છે. BHEL પાવર પ્લાન્ટ સાધનો બનાવતી અગ્રણી PSU-જાહેર ક્ષેત્રની કંપની છે. નાણાંકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાના-Q2 FY26 તેના આર્થિક પરિણામોની વાત કરવામાં આવે તો કંપનીની કુલ આવક રૂ. 7,512 કરોડની થઈ છે. કંપનીની આવકમાં વરસે સરેરાશ 14 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનો આ ગાળામાં નફો રૂ. 368 કરોડનો થયો છે. કંપનીના નફામાં વાર્ષિક ધોરણે સરખામણી કરતાં અંદાજે 279 ટકાનો (YoY +279%)નો વધારો જોવા મળ્યો છે. આજે પણ કંપનીની ઓર્ડર બુક તગડી છે. કંપની પાસે હાલમાં રૂ. 2.2 લાખ કરોડના ઓર્ડર છે. BHELએ NPCIL સાથે PHWR આધારિત ન્યુક્લિયર પ્લાન્ટ માટે સહકાર વધાર્યો છે. નીતિ આધાર મળે તો ન્યુક્લિયર પ્રોજેક્ટ્સમાં સ્થિરતા આવી શકે છે. ભેલના શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 36.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ચાર કંપનીઓના શેર્સનું મૂલ્યાંકન
- L&T: મૂલ્યાંકન વાજબી છે. તેમાં રોકાણ કરનારાઓને સ્થિર રિટર્ન મળી શકે છે.
- Walchandnagar ઇન્ડસ્ટ્રીઝ નાણાકીય રીતે થોડી નબળી કંપની છે. તેમાં રોકાણ કરવામાં જોખમ ઊંચું છે. પરંતુ ન્યુક્લિયર પાવર માટેના ઓર્ડર મળી જશે તો તેના શેરના ભાવમાં સટાસટ વધારો આવી શકે છે. તેથી તેના પરફોર્મન્સ અને તેની ઓર્ડરબુક પર નજર રાખવી જરૂરી છે.
- MTARના શેરનું મૂલ્ય અત્યારે ઊંચું છે. ભવિષ્યમાં કંપનીના કામકાજ અને નફામાં વધારો થવાની ધારણા સાથે જ અત્યારે જ તેના શેર્સના ભાવ વધી ગયા છે.
- BHEL: પાવર સેક્ટરના તેના કામકાજમાં ફરી વધારો થઈ રહ્યો છે. તેથી તેના પ્રીમિયમ વધી રહ્યા છે.
ભારતનું ન્યુક્લિયર ઊર્જા અભિયાન હજી શરૂઆતના તબક્કામાં છે, પરંતુ નીતિ સ્તરે ચર્ચા તેજ બની રહી છે. સપ્લાય ચેઇનમાં જોડાયેલી કંપનીઓ હવે રોકાણકારોના ધ્યાનમાં આવી રહી છે. કેટલીક કંપનીઓ વિશાળ અને સ્થિર છે, જ્યારે કેટલીક વિશેષતા આધારિત અથવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. જો ન્યુક્લિયર ઊર્જાને રિન્યુએબલ જેવો નીતિ આધાર મળે તો આ ક્ષેત્ર લાંબા ગાળે મહત્વપૂર્ણ બની રહેશે. તેના શેર્સના ભાવમાં આવનારો વધારો કદાવર હશે.




