દવાના વેપારમાં લૂંટઃ દવા બનાવતી કંપનીઓએ દરદીઓ પાસેથી રૂ. 8500 કરોડ વધુ વસૂલ્યા

NPPA દ્વારા માંગવામાં આવેલી વધારાની રકમમાંથી લગભગ 85 ટકા હજી વસૂલાત બાકી
અમદાવાદઃ ભારતમાં દવાઓની કિંમતોની દેખરેખ અને અમલવારી કરનાર સત્તા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા દવાઓની કિંમતોમાં વધારાનો આક્ષેપ કરી ફાર્મા ઉદ્યોગ પાસેથી માંગવામાં આવેલી કુલ રકમમાંથી લગભગ 8500 કરોડ, 30 સપ્ટેમ્બર 2025 સુધી વસૂલ કરવાના બાકી છે. એનપીપીએ નક્કી કરી આપેલા ભાવ ઉપરાંતના ભાવ દવામાં વસૂલનાર કંપનીઓ પાસેથી એનપીપીએએ કાઢેલા લેણાની રકમને કંપનીઓએ કોર્ટમાં પડકારીને વસૂલી પર બ્રેક લગાવી છે. આ સિવાયના કારણોસર પણ વસૂલાત પર બ્રેક લાગી છે.
ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) 1979, 1987, 1995 અને 2013 હેઠળ વ્યાજ સહિતના લેણાની રકમ 30મી સપ્ટેમ્બર 2025 સુધીમાં એનપીપીએએ તેમની પાસેથી કુલ રૂ. 10,013.3 કરોડના લેણા કાઢવામાં આવ્યા છે. આ લેણાની રકમમાંથી રૂ. 8,526.1 કરોડની વસૂલાત હજી બાકી છે. આમાંથી કોર્ટમાં ચાલી રહેલા કેસો, કલેક્ટર પાસે રિફર કરાયેલા કેસો સહિત વિવાદમાં સંકળાયેલી રકમ આશરે રૂ. 5,938.7 કરોડ છે. 30મી સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં કુલ લેણામાંથી માત્ર રૂ. 1,487.1 કરોડની વસૂલાત થઈ છે. રસપ્રદ બાબત તો એ છે કે સપ્ટેમ્બર 2024માં દર્શાવેલા બાકી લેણા રૂ. 8,579.1 કરોડ હતા. તે સપ્ટેમ્બર 2025ના અંતે રૂ. ઘટીને 8,526.1 કરોડ થઈ છે. એક વર્ષમાં માત્ર રૂ. 53 કરોડની આસપાસની જ વસૂલી આવી છે. હજીય વિવાદ હેઠળની રકમ પણ સપ્ટેમ્બર 2024ના રૂ. 6,076.4 કરોડથી ઘટીને રૂ. 5,938.7 કરોડની છે.
સપ્ટેમ્બર 2025ના અંતે બાકી રહેલી કુલ રકમમાંથી આશરે રૂ. 223.8 કરોડ કલેક્ટર પાસે રિફર કરાયેલા અને હજી વસૂલાત માટે બાકી કેસોની છે. ઉપરાંત રૂ. 5.5 કરોડની માંગ BIFR અથવા અધિકૃત લિક્વિડેટર પાસે પેન્ડિંગ છે. વિવાદ હેઠળના કેસોમાં કલેક્ટર પાસે રિફર કરાયેલા કેસો અને અધિકૃત લિક્વિડેટર પાસે પેન્ડિંગ રકમને બાદ કરતાં, પ્રક્રિયા હેઠળના વધારાની વસૂલાત સંબંધિત બાકી રકમ આશરે રૂ. 2,358.2 કરોડ થાય છે.
નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિનામાં એનપીપીએ દ્વારા ઊભા કરવામાં આવેલા લેણામાં ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એનપિપીએ 85 કેસોમાં રૂ. 61.51 કરોડના નવા લેણા ઊભા થયા છે. તેમાંથી આશરે રૂ. 12.08 કરોડની વસૂલાત થઈ છે. તેની સરખામણીમાં, 2024-25ના પ્રથમ છ મહિનામાં 47 કેસોમાં રૂ. 2.77 કરોડની ડિમાન્ડ ઊભી થઈ હતી અને તેમાંથી રૂ. 3.31 કરોડની વસૂલાત થઈ હતી.
2025-26ના પ્રથમ છ મહિનામાં એનપિપીએ કુલ રૂ. 68.33 કરોડની વસૂલાત કરી છે. જ્યારે આ સમયગાળામાં ઊભા કરવામાં આવેલા રૂ. 49.43 કરોડના લેણાની હજી વસૂલાત બાકી હોવાથી 30 સપ્ટેમ્બર 2025 સુધી કુલ બાકી રકમ રૂ. 8,526.1 કરોડ પર પહોંચી છે.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એનપીપીએ કુલ 107 કેસોમાં રૂ. 13.96 કરોડના લેણઆ કાઢ્યા હતા. જોકે સમગ્ર વર્ષ દરમિયાન કુલ રૂ. 20.54 કરોડની વસૂલાત કરવામાં આવી છે. તેમાંથી રૂ. 3.46 કરોડ તે વર્ષમાં ઉઠાવવામાં આવેલી માંગમાંથી અને બાકીની રકમ અગાઉના વર્ષોની બાકી માંગમાંથી હતી.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વ્યાજ સહિત ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગોમાં
Swiss Garnier Genexiaa Sciences Pvt Ltd Nifutin 100 mg ટેબ્લેટ્સ રૂ. 12.81 કરોડ
Torrent Pharmaceuticals Regestrone CR 10 ટેબ્લેટ રૂ. 6.58 કરોડ
USV Ltd Clopidogrel 75 mg ટેબ્લેટ રૂ. 4.54 કરોડ
Unichem Laboratories Ltd Trilostar 6.25 ટેબ્લેટ રૂ. 3.32 કરોડ
Lupin Ltd Telista 20 ટેબ્લેટ્સ રૂ. 2.37 કરોડ
નોંધઃ સપ્ટેમ્બર 2025 સુધીમાં Torrent Pharma પાસેથી રૂ. 3.03 કરોડ, USV Ltd પાસેથી રૂ. 1.86 કરોડ, Unichem Ltd પાસેથી રૂ. 1.35 કરોડ, અને Lupin Ltd પાસેથી રૂ. 87.86 લાખની વસૂલાત થઈ છે.



