• 9 October, 2025 - 12:53 AM

છૂટક વસ્તુઓ પર GSTના ઘટાડેલા દર પ્રમાણેના ભાવના લેબલ લગાડવાની છૂટ આપી

જૂના લેબલની ઉપર નવા લેબલ ચિટકાડવાની છૂટ આપવામાં આવી નથી, જૂના લેબલની વિગતો દેખાય તે રીતે નવા સુધારેલા ભાવને ડિસ્પ્લે કરવા પડશે.

ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સના સેક્ટરની કંપનીઓએ ભાવ જાળવી રાખી પેકિંગમાં ભરેલી વસ્તુઓના વજનમાં વધારો કરી દઈને સમસ્યાનો ઉકેલ કાઢ્યો

અમદાવાદ,10મી સપ્ટેમ્બરઃ ભારત સરકારના ગ્રાહકોની બાબતોના ખાતાં-Department of consumer affairs-એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દર-GST rate)માં થયેલા ઘટાડા પછી મેન્યુફેક્ચરર્સને અગાઉ બજારમાં મૂકેલા પ્રોડક્ટ્સની મહત્તમ છૂટક કિંમત-retail priceમાં ઘટાડો કરવા માટે નવેસરથી ભાવના લેબલ લગાડવાની છૂટ આપી છે. ગ્રાહકોને લગતી બાબતોના ખાતાએ આપેલી ઉપરોક્ત છૂટને પરિણામે મેન્યુફેક્ચરર્સ-Manufacturersને મોટી રાહત મળશે.ગ્રાહકોને પણ યોગ્ય કિંમતે એટલે કે ઘટાડેલી કિંમતે પ્રોડક્ટ્સ મળતા થશે.

મેન્યુફેક્ચરર્સે, પેકિંગ કરનારા-packers-ઓએ અને આયાતકારોએ-Importers પહેલાથી જ પેકિંગ-pre packers કરીને બજારમાં મૂકી દેવામાં આવેલી કોમોડિટીના સુધારેલા છૂટક ભાવની જાહેરાત પણ કરવી પડશે. જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો તે પહેલા જ બજારમાં મૂકી દીધેલી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની તેમને તક આપવામાં આવી છે. આજે એટલે કે નવમી સપ્ટમ્બરે જ આ જાહેરાત કરવામાં આવી છે.

જૂના ભાવ પર ઘટાડેલા ભાવનો સિક્કો મારીને તેમાં સુધારો કરી શકાશે. તેમ જ તેના પર નવું સ્ટીકર લગાડીને ભાવમાં ઘટાડો કરી શકશે. જે વસ્તુઓના ટેક્સના દર વધ્યા હોય તે વસ્તુઓના ભાવમાં વધારો પણ આ જ રીતે કરી શકશે. હા, તેને કારણે પહેલા છાપેલી મહત્તમ કિંમત દબાઈ જવી ન જોઈએ. જૂના ભાવ પર ઓવરરાઈટ કરીને નવા ભાવ લખવાના રહેશે નહિ, એમ સરકારી આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે. સુધારેલી કિંમત લગાડવામાં આવે તેમાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડા કે વધારાને ધ્યાનમાં રાખીને જ વધારો કે ઘટાડો કરવાનો રહેશે. તેનાથી વધારે કે ઓછો ફેરફાર કરવા દેવામાં આવશે નહિ.

પ્રોડક્ટ્સના ભાવમાં કરવામાં આવેલા વધારા કે ઘટાડા અંગે મેન્યુફેક્ચરર્સ કે પેકર્સ અથવા તો આયાતકારે ઓછામાં ઓછી બે જાહેરાત આપવી ફરજિયાત છે. એક કે એકથી વધુ અખબારમાં આ જાહેરાત આપવી જરૂરી છે. ભાવમાં કરવામાં આવેલા ઘટાડા કે વધારા અંગેની નોટિસ તેમના દરેક ડિલર સુધી પહોંચાડવી પડશે. તેમ જ આ નોટિસની કોપી કેન્દ્ર સ રકારના ડિરેક્ટર ઓફ લીગલ મેટ્રોલોજીને તથા રાજ્ય સરકારના કંટ્રોલર ઓફ લીગલ મેટ્રોલોજીની કચેરીને પણ મોકલવાની રહેશે. તેમાં ભાવમાં કરવામાં આવેલા ફેરફારની વિગતો આપવી ફરજિયાત છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ પ્રકારની નોટિસો આપવી ફરજિયાત છે.

આ રીતે લેવામાં આવેલી પરવાગની-permission to change price tag- 31મી ડિસેમ્બર 2025 સુધી જ માન્ય ગણાશે. 31મી ડિસેમ્બર સુધીમાં સ્ટોક ખતમ ન થાય તો સ્ટોક ખતમ થાય ત્યાં સુધીના ગાળા માટે આ પરવાનગીનો ઉપયોગ કરી શકાશે. 31મી ડિસેમ્બર પહેલા જ સ્ટોક ખતમ થઈ જાય તો તે પહેલા જ પરવાનગીની માન્યતા ખતમ થઈ જશે.

કન્ઝ્યુમરગુડ્સના ઉત્પાદન સાથે સંકળાયેલીકંપનીઓએ સુધારેલા જીએસટીના દરની વ્યવસ્થાનો અમલ 22મી સપ્ટેમ્બરને બદલે તેના પછી ચાલુ કરવાની માગણી કરી છે. 22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર અમલમાં આવે તો તેને માલની હેરફેર કરવામાં તકલીફ પડી શકે છે. પ્રોડક્ટ્સના ભાવમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે ચીજવસ્તુઓના પેકિંગમાં થોડા ગ્રામ વધુ માલ ભરીને વેચી દેવાના વિકલ્પના સરકાર માન્ય રાખશે કે નહિ તે અંગે પણ કન્ઝ્યુમર ગુડ્સનું ઉત્પાદન કરતી કંપનીઓએ સ્પષ્ટતા કરવાની માગણી કરી છે. ખાસ કરીને ઓછા ગ્રામવાળા પેકિંગમાં આ સુવિધા આપવામાં આવે તેવી માગણી તેમણે મૂકી છે.

જીએસટીના નવા સ્લેબ પ્રમાણેના દરનો 22મી સપ્ટેમ્બરથી અમલ થાય તે પહેલાથી જ કંપનીઓના ગોદામમાં એકત્રિત થઈ ગયેલા માલ એટલેકે વેચાયા વિના જ પડી રહેલી ઇન્વેન્ટરીને કઈ રીતે હેન્ડલ કરવી તે અંગે પણ કંપનીઓએ સ્પષ્ટતા માગી છે. જીએસટીના દરમાં કરવામાં આવેલા ફેરફારને કારણે થઈ રહેલા સંક્રમણ એટલે કે એક દરમાંથી બીજા દરમાં જવાની પ્રક્રિયા પૂરી કરવા માટે વધુ લાંબા સમયની જરૂર પડશે. કારણ કે ઉત્પાદનો ગોદામમાં પહોંચી ગયા છે. તેમ જ છૂટક દુકાનોમાં પહોંચી ગયેલા છે. તેના ભાવ જીએસટીના જૂના દર પ્રમાણે નક્કી કરવામાં આવેલા છે. આ સ્થિતિમાં જૂના જીએસટી પ્રમાણેનો અને નવા જીએસટી પ્રમાણેના ભાવનો માલ ગોદામોમાં એકત્રિત થઈ જશે. નવરાત્રિ અને દિવાળીની સીઝન માથે ઊભી છે ત્યારે આ ફેરફાર કરવાની કામગીરી કઠણાઈ ઊભી કરશે. તહેવારની મોસમ આવી રહી હોવાથી ઘણી કંપનીઓએ ગોદામોમાં બહુ જ મોટા પ્રમાણમાં માલ જમા કરી લીધો છે. તેમાંય ગિફ્ટ પેકમાં વપરાતી વસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવેલો છે.

પહેલી જુલાઈ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પછી તેના લાભ ગ્રાહકો સુધી ન પહોંચાડવામાં આવ્યા હોવાનું જણાવીને સંખ્યાબંધ કંપનીઓને એન્ટિપ્રોફિટિયરિંગ ઓથોરીટી તરફથી નોટિસો પાઠવવામાં આવી હતી. વેરાના ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી ન પહોંચાડવા બદલ ઉપરોક્ત નોટિસો આપવામાં આવી હતી.

હિન્દુસ્તાન યુનિલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ તથા લોરિયલ જેવી એફએમસીજીના સેક્ટરની અગ્રણી કંપનીઓએ જીએસટીના નવા દરને અનુકૂળ રહીને ચીજવસ્તુઓના પેકિંગમાં વજનમાં વધારો કરી આપીને તેમના મૂળ ભાવને જાળવી રાખવાનો અભિગમ અપનાવ્યો છે.

 

Read Previous

તમે ખાવ છો તે પોપકોર્ન ખરેખર હેલ્ધી ફૂડ છે ખરું?

Read Next

ઝેન્સાર ટેક લિમિટેડનો AI આધારિત વિકાસ, શેર માટે ખરીદીની ભલામણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular