બજેટ 2026માં છૂટછાટ વધાર્યા બાદ ન્યૂ ટેક્સ રીજીમ તરફ વધુ ઝુકાવ વધવાની શક્યતા
નવા કરવેરાના ફેરફારોને કારણે નાગરિકોના હાથમાં વધુ પૈસા રહેશે, જેનાથી તેમની ખરીદી વધશે. અર્થતંત્રનું ચક્ર ફરતું રહેશે. આમ પગારદારો અર્થતંત્રમાં વિવિધ રીતે યોગદાન આપી શકશે
અમદાવાદઃ બજેટ 2026 નજીક આવી રહ્યું છે ત્યારે ગયા વર્ષે જાહેર કરાયેલી વ્યાપક રાહત બાદ સરકારની વ્યક્તિગત કર નીતિમાં ન્યૂ ટેક્સ રજીમ કેન્દ્રસ્થાને આવી ગઈ છે. બજેટ 2025માં વધારવામાં આવેલી છૂટછાટ અને શૂન્ય કર મર્યાદા હવે ઓછા કપાતવાળી, સરળ કર વ્યવસ્થાને વધુ મજબૂત રીતે આગળ ધપાવે તેવી અપેક્ષા ઊભી થઈ રહી છે. બજેટ 2025માં ન્યૂ ટેક્સ રજીમ હેઠળની મૂળ છૂટછાટ ₹3 લાખથી વધારી ₹4 લાખ કરવામાં આવી હતી, જેના પરિણામે ₹12.75 લાખ સુધીની પગાર આવક પર આવકવેરો શૂન્ય થયો હતો.
કેન્દ્રીય બજેટ 2026 માટે તૈયારી ચાલી રહી છે ત્યારે ભારતની વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો દિશાસૂચક સંકેત વધુ સ્પષ્ટ થતો જઈ રહ્યો છે. બજેટ 2025માં કરવામાં આવેલા ફેરફારો, ખાસ કરીને ન્યૂ ટેક્સ રજીમ હેઠળ મૂળ છૂટછાટમાં કરાયેલ નોંધપાત્ર વધારો, એ સંકેત આપે છે કે આવનાર વર્ષે આ સરળ કર વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન મળી શકે છે.
બજેટ 2025માં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ન્યૂ ટેક્સ રજીમ હેઠળની મૂળ છૂટછાટ રૂ.3 લાખથી વધારી રૂ. 4 લાખ કરી હતી, જેના કારણે પગારધારક કરદાતાઓને નોંધપાત્ર રાહત મળી હતી. કેન્દ્ર સરકારે વધારેલા સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે મળીને આ પગલાએ રૂ.12.75 લાખ સુધી કમાણી કરનારા પગારધારકો માટે આવકવેરો સંપૂર્ણપણે દૂર કરી દીધો છે. હવે બજેટ 2026 નજીક આવતા, ઘણા કરદાતા ન્યૂ ટેક્સ રજીમ તરફ બદલાવ કરવો કે હજી પણ વધુ છૂટછાટ અને કપાત આપતા ઓલ્ડ ટેક્સ રજીમમાં જ રહેવું તે અંગે ફરી વિચાર કરી રહ્યા છે.
ન્યૂ ટેક્સ રજીમ તરફનો ફેરફાર હવે નોંધપાત્ર ગતિ પકડી ચૂક્યો છે, અને 2025ના ફેરફારોને તેને ડિફોલ્ટ સિસ્ટમ બનાવવાની દિશામાંનું પગથિયું માનવામાં આવી રહ્યું છે. આકારણઈ વર્ષ 2024–25માં દાખલ થયેલા 7.28 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્નમાંથી 5.27 કરોડ (અંદાજે 72 ટકા) રિટર્ન ન્યૂ ટેક્સ રજીમ હેઠળ ભરવામાં આવ્યા હતા. બીજીતરફ ઓલ્ડ ટેક્સ રજીમ હેઠળ માત્ર 2.01 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ પ્રવાહ બજેટ 2026ના વિચાર-વિમર્શ પર ચોક્કસ અસર કરશે.
ઓલ્ડ ટેક્સ રજીમ સામે ન્યૂ ટેક્સ રજીમ
ન્યૂ ટેક્સ રજીમ હેઠળ હવે પગાર મેળવનારા વ્યક્તિઓ અને પેન્શનરો બંનેને રૂ. 75,000ની સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. બજેટમાં જાહેર કરાયેલી રૂ. 12 લાખની શૂન્ય કર મર્યાદા સાથે આ સુધારાથી પગારધારકો માટે કરમુક્ત આવકની મર્યાદા રૂ. 12.75 લાખ સુધી વિસ્તરી છે. બેન્ક બઝારની ગણતરી અનુસાર નવા કરવેરાના ફેરફારોને કારણે નાગરિકોના હાથમાં વધુ પૈસા રહેશે, જેનાથી તેમની ખરીદી વધશે. અર્થતંત્રનું ચક્ર ફરતું રહેશે. આમ પગારદારો અર્થતંત્રમાં વિવિધ રીતે યોગદાન આપી શકશે. ન્યૂ ટેક્સ રજીમમાં ન્યૂનતમ કર સ્લેબ રૂ. 7 લાખથી વધારી 12 લાખ કરવામાં આવ્યો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે રૂ. 12 લાખ સુધી કમાણી કરનારા માટે આવકવેરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે અને હવે 30 ટકા કર સ્લેબ માત્ર રૂ. 24 લાખથી વધુ આવક ધરાવનાર પર લાગુ પડે છે. આથી મધ્યમ વર્ગને નોંધપાત્ર બચત થાય છે.
ઉદાહરણ આપીને વાત કરીએ તો રૂ.15 લાખ કમાણી કરનારને ઓલ્ડ ટેક્સ રજીમની સરખામણીમાં ન્યૂ ટેક્સ રજીમ હેઠળ 25 ટકા વધુ લાભ મળે છે. કુલ બચત રૂ. 36,400 જેટલી થાય છે, જે 2024ના ન્યૂ અને ઓલ્ડ બંને કર સ્લેબની તુલનામાં વધારે છે.
આવક પ્રમાણે કર બચત
આવકના નીચલા સ્તરે ન્યૂ ટેક્સ રજીમ અસરકારક રીતે કર જવાબદારી સંપૂર્ણપણે દૂર કરે છે. રૂ. 5 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવનાર માટે બંને રજીમ હેઠળ કર શૂન્ય છે. જોકે રૂ. 7.5 લાખ પર ફરક સ્પષ્ટ થાય છે. ઓલ્ડ રજીમમાં કરની જવાબદારી રૂ. 65,000ની આવે છે, જ્યારે 2025ના ન્યૂ રજીમ હેઠળ તે શૂન્ય થઈ જાય છે. આમ 2024ના ન્યૂ રજીમની સરખામણીમાં રૂ.26,000ની બચત દર્શાવે છે. રૂ.10 લાખ અને રૂ. 12 લાખની આવક પર આ બચત અનુક્રમે રૂ. 52,000 અને રૂ. 83,200 સુધી વધી જાય છે.
સૌથી મોટો લાભ રૂ.15 લાખથી રૂ. 25 લાખ આવકવાળા વર્ગને મળે છે. રૂ. 15 લાખ પર ઓલ્ડ રજીમમાં કર રૂ. 2.73 લાખનો આવકવેરો ભરવો પડે છે. તેની સામે સુધારેલા ન્યૂ રજીમમાં તે રૂ. 1.09 લાખ સુધી ઘટે છે. આમ રૂ. 36,400 અથવા 25 ટકા બચત થાય છે. રૂ. 20 લાખની આવક પર બચત રૂ. 93,600ની એટલે કે 31 ટકા થાય છે. તેમ જ રૂ. 25 લાખની આવક પર રૂ.1.14 લાખ (25 ટકા)વેરાની બચત થાય છે. રૂ. 30 લાખથી ઉપરની વાર્ષિક આવક ધરાવનાર માટે કુલ બચત આશરે રૂ.1.14 લાખથી રૂ.1.24 લાખ સુધી સ્થિર રહે છે, પરંતુ આવક વધતા ટકા પ્રમાણેનો લાભ ઘટતો જાય છે. ઉદાહરણ તરીકે, રૂ. 30 લાખ પર બચત 18.6 ટકા છે. રૂ. 50 લાખ પર 9.2 ટકા અને રૂ. 1 કરોડ પર માત્ર 1.9 ટકા જ રહે છે. રૂ. 5 કરોડ જેવી બહુ ઊંચી આવક પર બચત માત્ર 0.3 ટકા સુધી સીમિત રહે છે.
કુલ મળીને જોવામાં આવે તો, ન્યૂ ટેક્સ રજીમ ઊંચી આવક પર સમાન રકમની રાહત આપે છે, પરંતુ તેનો મુખ્ય હેતુ રૂ. 7.5 લાખથી રૂ. 25 લાખ આવક ધરાવતા મધ્યમ વર્ગને વધુમાં વધુ સંબંધિત લાભ આપવાનો છે. આ રચના સરકારના સરળ કે ઓછી કપાતવાળી કર વ્યવસ્થાની દિશામાંના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.




