• 9 October, 2025 - 12:58 AM

MSMEથી MNC બનવા સુધીની સફર કઈ રીતે પૂરી કરશો ?

ધંધાને લગતો દરેક નિર્ણય પોતે જ કરવાનો આગ્રહ છોડી દો
વિકાસ માટે ભારતીયોએ પેઢીવાદી માનસિકતા છોડવી જ પડશે
ઘર આંગણે જ શ્રેષ્ઠ ગુણવત્તાની વસ્તુઓ બનાવવાનો વિશ્વાસ કેળવો
 
 
ree

ભારતમાં છ કરોડથી વધુ એમએસએમઈ-નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે. રજિસ્ટર થયેલા 6 કરોડ એકમો ઉપરાંત ભારતમાં રજિસ્ટર ન થયેલા એકમો પણ છે. આજની નાની કંપની આવતીકાલની એમએનસી-મલ્ટી નેશનલ કંપની બની શકે છે. ગુજરાતમાં 35થી 40 લાખ જેટલા નાના અને મધ્યમ કદના એકમો છે. પ્રાચીન કાળમાં ભારતના એક પરિવારના વ્યવસાય કાયમી ધોરણે એક જ સરખો રહેતો હોવાથી ભારતમાં નિપુણતા-કાર્યકુશળતા વધારે જોવા મળતી હતી. આ કાર્યકુશળતાને કારણે પ્રોડક્ટની ક્વોલિટી સારી આવતી હતી. કાળક્રમે મોચીનો દીકરો મોચી અને લુહારનો દીકરો લુહાર ન બન્યો તેથી ભારતે આ કાર્યકુશળતા ગુમાવી છે. વંશ પરંપરાગત વ્યવસાયને કારણે એક્સપર્ટાઈઝ અને ક્વોલિટી આવતી હતી. કાળક્રમ તે લુપ્ત થઈ. તેની સાથે જ ભારતની આત્મનિર્ભરતા લુપ્ત થઈ છે. તે સાથે જ વિશ્વ વેપારમાં ભારતનો મોટો હિસ્સો હતો તે ઘટી ગયો. આજે વિશ્વવેપારમાં ભારતનો હિસ્સો માત્ર ત્રણ જ ટકા છે. ચીનનો હિસ્સો 22થી 25 ટકા છે.

 

આજે એક પ્રોડક્ટ તૈયાર કરવા માટે અનેક દેશના લોકો પર નિર્ભર બનવું પડી રહ્યું છે. છતાં આજે પણ આત્મનિર્ભર બનવું અશક્ય નથી. આત્મ નિર્ભર ભારત સરકારનું આ દિશામાંનું પહેલું ડગલું છે. ભારતના ઉત્પાદકોએ ભારતીય રૉ મટિરિયલ પર જ મદાર બાંધીને ઉત્પાદન કરતાં શીખવું પડશે. વૉકલ ફોર લૉકલ વાત સાચી છે, તેને અનુસરતા શીખવું પડશે. ભારત સરકાર આ રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. દેશ બહારની વસ્તુઓ પર ઓછમાં ઓછો મદાર બાંધવો પડશે. બધી જ વસ્તુઓ પોતાને ત્યાં બને તે જોવું પડશે. આ રસ્તો લાંબો હશે, પરંતુ તે સંગીન પાયા પર મંજિલ સુધી લઈ જનારો માર્ગ હશે. વિદેશની કંપની જેવું આપણે ત્યાં બનતું નથી તેમ જણાવીને સ્થાનિક ઉત્પાદકોની અવગણના કરવાનું બંધ કરવું પડશે. તેમને પ્રોત્સાહન આપી પોતાના પ્રોડક્ટ માટે તેમના પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું વલણ અપનાવવું પડશે. તેનાથી કોસ્ટિંગ નીચે આવશે.

 

એક, ભારતમાં યુવાનોની સંખ્યા 35 કરોડથી વધારે છે. આ યુવા માનવ બળનો ઉપયોગ કરીને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી શકાય છે. તેમને દરેક રૉ મટિરિયલના ઉત્પાદનમાં એક્સપર્ટ બનાવવા પડશે. તેમને જુદા જુદાં ઉદ્યોગો માટે જરૂરી રૉ મટિરિયલ તૈયાર કરવા સજ્જ કરવા પડશે. કંપનીના ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટેની ચેઈન તેમના માધ્યમથી ઊભી કરવાની રહેશે. આ માટે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભા કરવા જરૂરી છે. સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરોને વધુ સિરિયસલી ચલાવવા પડશે. તેમ થશે તો જ આવતીકાલ માટે સ્કીલ મેનપાવર ઊભો કરી શકાશે. માત્ર ડિગ્રીના અભ્યાસક્રમોમાં યુવાનોને મોકલવાને બદલે ટેક્નિકલ કુશળતા વધે તે માટે યુવાનોને તૈયાર કરવા પડશે. જીઆઈડીસીમાં માત્ર બે ચાર ટ્રેનિંગ સેન્ટર ઊભા કરી દેવાથી આ કાર્ય સિદ્ધ થઈ શકશે નહિ. એમએસએમઈથી એમએનસી સુધીની સફર પૂરી કરવા માટે સ્કીલ ડેવલપમેન્ટ એક મોટી જરૂરિયાત છે. તેના વિના આગળ વધવું અશક્યવત છે. સ્કીલ મેનપાવર હાયર કરવા કંપનીઓએ થોડો વધુ પગાર ચૂકવવા તૈયાર રહેવું પડશે. એડવાન્ટેજ મોટો મળશે.

આત્મનિર્ભર બન્યા પછી જ એમએનસી સુધીની સફર પૂરી કરી શકાશે. ચાર્ટર્ડ એકાઉન્ટન સિદ્ધાર્થ ભટ્ટ કહે છે, “ગામડાંને બેઠાં કરવા તે આ દિશામાં પહેલું પગલું હશે. ગામડાંમાં કાર્યકુશળતા વિકસાવવાનો સારો અવકાશ છે. ગામડાંના લોકોને દરેક ચીજ વસ્તુઓના ઉત્પાદન માટેના રૉ મટિરિયલનું ઉત્પાદન કરવામાં જોતરવા પડશે. ખેતી પૂરી થયા પછીની તેમના નવરાશના સમયમાં તેમને વધારાની આવક કરવા સજ્જ કરવા પડશે. ગામના દરેક પરિવારને અલગ અલગ બિઝનેસ પર ફોકસ કરતા કરવા પડશે. એક કંપની કે એક પરિવાર એક ક્ષેત્રમાં એક્સપર્ટાઈઝ મેળવી લે તેવી વ્યવસ્થા નિર્માણ કરવી પડશે. તેમ થશે ત્યારે એમએસએમઈથી એમએનસી તરફ ગતિ કરવાનો રસ્તો ખૂલશે.”

 
ree

સિદ્ધાર્થ ભટ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

 

જોકે આજે ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં ડગ માંડ્યું જ છે. દવા ઉદ્યોગના દ્રષ્ટાંત આપીને વાત કરીએ. દવા બનાવવા માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (કાચો માલ-બલ્ક ડ્રગ) માટે ભારત અંદાજે 25થી 30 વર્ષથી ચીન પર મદાર બાંધી બેઠું છે. ચીન ગમે ત્યારે તેના ભાવ વધારી કે ઘટાડીને દવા કંપનીઓના ગણિત ખોરવી નાખે છે. સપ્લાય અટકાવી દઈને કંપનીના ડિલીવરીના આયોજનોને તોડાવી નાખીને તેના કમિટમેન્ટ પૂરા ન થવા દે અને તેની કમિટમેન્ટ પૂરા કરવાની ક્ષમતા સામે ખરીદારના મનમાં શંકા જગાવી દે છે. આ સ્થિતિમાં ન જવું પડે તે માટે ભારત સરકારે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈને દેશમાં જ બનાવવા માટે પ્રોત્સાહન આપવા માટેની રૂ.10,000 કરોડની સ્કીમ જાહેર કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ ભટ્ટ કહે છે કે, “માત્ર વિદેશમાં ક્વોલિટી અને ક્વોન્ટિન્ટીમાં વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે છે તે માન્યતાને તોડીને પોતાની ક્ષમતામાં એટલે કે ઘર આંગણે જ બેસ્ટ વસ્તુઓ બનાવવા માટેનો વિશ્વાસ કેળવવો પડશે. માત્ર દવા ઉદ્યોગ માટે જ નહિ, દરેક ઉદ્યોગ અને વ્યવસાય માટે પણ આ જ નીતિ અપનાવવી પડશે.” પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ કેન્દ્ર સરકારે જુદાં જુદાં 13 જેટલા સેક્ટર માટે જાહેર કરી છે. આ આત્મનિર્ભરતાની દિશામાંનું એક મહત્વનું પગલું છે.

 

બીજું, દરેક કંપનીઓએ કર્મચારીઓને સાચવતા શીખવું પડશે. આજે ભારતની કંપનીઓમાં કર્મચારીને સાચવવાની ભાવના ઓછી છે. આ ભાવના આવવી જરૂરી છે. વિદેશમાં લોકો બહુ ઝડપથી કર્મચારીને છોડતા નથી. ત્રીસ ચાળીસ વર્ષ કે તેનાથીય લાંબો ગાળા સુધી નોકરી કરનાર છેલ્લે કંપનીમાં મોટા હોદ્દા પર પહોંચી જાય છે. ક્લાર્ક કે મશીન ઓપરેટર તરીકે જોડાયેલો માણસ ટોચના હોદ્દા પર પહોંચીને પછી જ નિવૃત્ત થાય છે. વાસ્તવમાં લાંબે ગાળે તેની એક્સપર્ટાઈઝ વધે છે. આ એક્સપર્ટાઈઝ કંપનીને નવી ઊંચાઈએ મૂકી શકે છે. વેલ્યુ એડિશન કરવામાં અને કંપનીને નવી ઊંચાઈએ મૂકી આપવામાં મહત્વનો ફાળો આપે છે. આ હકીકતને દરેક એમએસએમઈએ સમજવી પડશે.

 

ત્રીજું, લેબર લૉઝનું યોગ્ય પાલન કરવું જરૂરી છે. લેબર લૉઝનું પાલન કરવાને બદલે તેનો ડિસએડવાન્ટેજ લેવાનું વલણ વધુ છે. કંપનીઓ મોટી રકમની લોન લીધા બાદ તે લોનને અન્યત્ર ડાયવર્ટ કરી દઈને કંપનીને ખાડે લઈ જાય છે. સમૃદ્ધ થવા માટેના શોર્ટકટને અપનાવે છે. તેમ કરવાથી તેમની ખાડે ગયેલી કંપની કે તેમના દ્વારા ચલાવવામાં આવતી અન્ય કંપનીઓ આગળ વધી શકતી નથી. કામદારોને તેમના અધિકારો આપીને તેમનું જતન કરવામાં આવે તો તે કંપની લાંબે ગાળે લાભમાં જ રહે છે. કામદારને લાભ ન આપવાનું કે લાભથી વંચિત રાખવાનું વલણ કંપનીના ભાવિ માટે જોખમી જ છે. હાયર એન્ડ ફાયરની નીતિ અમુક અંશે વાજબી હશે. પરંતુ તેમાંય લેબરને પૂરતો અવકાશ આપીને પરફોર્મને સુધારવાની તક આપવામાં આવે તો તે પ્રોગ્રેસ માટે લાભદાયી છે. ઇન્ફોસિસ એમએનસી બની તેની પાછળ તેની પ્રામાણિક નીતિ જવાબદાર છે. એમએનસી બનવા માગતી કંપનીઓએ પુરુષ અને સ્ત્રી કર્મચારીઓ કે કામદાર વચ્ચે ભેદ રાખવાનું વલણ પણ છોડવું પડશે. લેબરને સાચવશે તો લાંબેગાળે કંપની તેમના થકી વધુ કમાઈ શકશે. નારાયણ મૂર્તિની ઇન્ફોસિસ એમએનસી બની તેમાં કર્મચારીઓને સાચવવાની અને તેમને પૂરતી લિબર્ટી આપવાની તેમની માનસિકતાનો ફાળો મોટો છે.

 

ચોથું, ભારતમાં હજીય પેઢીવાદી બિઝનેસની માનસિકતા જોવા મળી રહી છે. તેમાં બિઝનેસમેનનો દીકરો બિઝનેસ હેડ જ બને છે. પરંતુ તેને ગાદી પર બેસાડી દેવાની માનસિકતા ઊચિત નથી. તેને કાબેલ બનાવ્યા પછી જ તેને કંપનીની બાગડોર સોંપવી જોઈએ. માત્ર પરિવારના સભ્ય હોવાથી હોદ્દો સોંપવો ઉચિત નથી. પેઢીવાદી માનસિકતા છોડવી પડશે.

 
ree

મલ્હાર દલવાડી, કોસ્ટ એકાઉન્ટન્ટ

 

પાંચમું, કંપનીના વડા તરીકે તમામે તમામ નિર્ણય પોતે જ લેવાની માનસિકતામાંથી પણ પેઢીદર પેઢીથી ધંધો ચલાવનારાઓએ બહાર આવવું પડશે. એમ.ડી.એ દરેક નિર્ણયો પોતે જ લેવો તેવું રાખવું ન જોઈએ. કોફી ચા મંગાવવાથી માંડીને રૂ. 1 કરોડની વસ્તુ લેવી હોય તો તે એક જ વ્યક્તિ નિર્ણય લે તેવું ન હોવું જોઈએ. ટોચની વ્યક્તિએ કંપનીના પ્રોગ્રેસ માટે નીતિ વિષયક નિર્ણયો જ લેવા જોઈએ. તેમણે નાના નાના નિર્ણયો લેવાનું નાના અને જવાબદાર વ્યક્તિઓને માથે નાખી દેવું જોઈએ. આમ સત્તાની વહેંચણી કરવી પણ એટલી જ જરૂરી છે. સત્તાનું વિકેન્દ્રકરણ પણ કંપની કે બિઝનેસની પ્રગતિ માટે જરૂરી છે. યોગ્ય અધિકારીઓને યોગ્ય નિર્ણય લેવાના અધિકારો આપવા જોઈએ. કોસ્ટ એકાઉન્ટન્ટ મલ્હાર દલવાડી કહે છેઃ “કંપનીના પ્રમોટરે મન્થલી ઇન્ફોર્મેશન સિસ્ટમ રાખવી જરૂરી છે. તેને આધારે કંપનીની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી દેવી જોઈએ. પેઢીની માનસિકતા સાથે ચાલતી કંપનીઓના શેઠ નાના ચેક લખવાથી માંડીને ચાનું બિલ આપવા સહિતની બધી જ જવાબદારી પોતાના હાથમા રાખે છે. તેનાથી કંપનીના પ્રોગ્રેસમાં અવરોધ આવે છે. સત્તાનું આ પ્રકારનું કેન્દ્રિકરણ કંપનીના વિકાસ માટે અવરોધરૂપ છે.”

 

છઠ્ઠું, નાની કંપનીઓએ આગળ વધવા માટે ઇન્નોવેશન પર પણ ફોકસ કરવું જરૂરી છે. પ્રોડક્ટમાં નવા રિસર્ચ પણ થવા એટલા જ જરૂરી છે. ગુજરાત કે ભારતમાં મોટાભાગને નાના અ મધ્યમ કદના ઉદ્યોગો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં માનતા નથી. તેને માટે નાણાં ખર્ચવા તૈયાર નથી. ઇન્નોવેશન અને રિસર્ચની મદદથી તેઓ નવા પ્રોડક્ટ્સ તૈયાર કરી શકશે. ઇન્નોવેશન લઈને આગળ આવતા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું એ પણ પ્રગતિની દિશામાં ગતિ કરવા માટે અનિવાર્ય છે. ઇન્નોવેશનને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ઇન્નોવેશન પણ સામુહિક જનતાને માટે ઉપયોગી બને તેવા ઇન્નોવેશન કરવા જોઈએ.

 

ઇન્નોવેશન માટે સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવું પડશે. નવા અને લોકોને વધુ કમ્ફર્ટ આપે અને જે તે વિસ્તારના લોકોને માટે ખરી રીતે ઉપયોગી બને તેવા ઇન્નોવેશન લઈને આવનારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ સ્ટાર્ટઅપ માટે ફાઈનાન્સ કરવાની વ્યવસ્થા પણ વધુ સંગીન હોવી જરૂરી છે. અત્યારે ઘણાં સ્ટાર્ટઅપ ફાઈનાન્સ વિના આરંભમાં જ તૂટી પડી રહ્યા છે.

 

બીજીતરફ સારા પ્રોજેક્ટ તૈયાર કરનારા ટેકનિકલી સાઉન્ડ યુવાનોને પ્રોત્સાહન ઉદ્યોગોએ આપવું પડશે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં 30 જેટલા ઇન્ક્યુબેશન સેન્ટર છે. આ ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી 75 ટકા ઇન્ક્યુબેશન સેન્ટર અમદાવાદની પરિસરમાં જ આવેલા છે. આ સેન્ટરો આખા ગુજરાતમા હોવા જોઈએ. તેને બદલે માત્ર અમદાવાદની આસપાસ જ છે. દરેક તાલુકા લેવલે અને તેનાથી નીચેના સ્તરે ઇન્ક્યુબેશન સેન્ટર હોવા જરૂરી છે. ગુજરાતભરમાં ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવા જરૂરી છે. તેમ જ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા જરૂરી છે. સ્ટાર્ટઅપના આઈડિયાને અપનાવીને તેનો એડવાન્ટેજ લેનારા નાના ઉદ્યોગો મોટી સફળતા મેળવી શકે છે. નાની કંપનીઓએ ઇન્નોવેશનનો એડવાન્ટેજ લેવો જરૂરી છે.

 

સાતમું, મિનિમમ વેસ્ટેજ પર ઇન્ડ્ટ્રીઝે ફોકસ કરવું જરૂરી છે. અમેરિકાની છે મોલેક્સ. તે મોટરકાર ચાલુ કરવા માટેના સેલ બનાવે છે. તેને કનેક્ટર તરીકે પણ ઓળખાવવામાં આવે છે. દરેક મશીનને સ્ટાર્ટ કરવા માટે કનેક્ટર જરૂરી છે. આ કનેક્ટર માટે અસંખ્ય પ્રમાણમાં ચીપ્સની જરૂર પડે છે. આ ચીપ્સમાં જાત જાતની ધાતુઓ એટલે કે તાંબું, સોનું, ચાંદી, કલઈ જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ગાડીઓમાં અને મશીનરીમાં આ પ્રકારની ચિપ્સ લાગેલી જ હોય છે. મોલેક્સ દરેક ચિપ્સ વપરાઈ ગયા પછી તેને ડિસમેન્ટલ કરી લે છે. તેમાંથી ગોલ્ડ, કોપર, નિકલ બધું જ અલગ તારવી લે છે. આ રીતે વેસ્ટમાંથી ઉપયોગી ધાતુ અલગ તારવીને ફરીથી તેનો ઉપયોગ કરે છે. આમ મિનિમમ વેસ્ટથી કંપની કામ કરે છે. તેનાથી નવા ફિનિશ્ડ પ્રોડક્ટની કોસ્ટ 10થી 12 ટકા જેટલી નીચે આવી શકે છે. તેને કારણે નવા ઓર્ડર આપવાનો ખર્ચ ઘટે છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટે છે. તેને માટે જોઈતો મેનપાવરનો કોસ્ટ ઘટી જાય છે. છેવટે તે પ્રોડક્શન કોસ્ટ નીચે લાવે છે. કંપનીઓએ વેસ્ટ ઘટાડીને ઉત્પાદન કિંમત ઘઠાડવાની કોશિશ કરવી જરૂરી છે.

 

આ પ્રકારની કોઠાસૂઝ ભારતના ગામડાંઓમાં ભરપૂર પડેલી છે. તેનો ઉપયોગ દરેક કંપનીના દરેક સ્ટેજ પર થાય તો તેનાથી બગાડ અટકાવીને કોસ્ટિંગ સુધારી શકાય છે. ગામડાંની પ્રજાની કોઠાસૂઝની વાત કરીએ તો ગાયને પાળે છે. તેના થકી દૂધ મેળવે છે. ગાયના દૂધમાંથી ઘી બનાવે છે. તેનું મૂલ્ય અમૂલ્ય છે. ગાયના છાણનો ઉપયોગ કરીને ગોબર ગેસ મેળવે છે. તેના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરે છે. છાણમાંથી છાણા બનાવી તેનો ચૂલો સળગાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. છાણમાંથી ધૂપ પણ બનાવે છે. તેનું પણ વેચાણ કરી શકે છે. ગૌમૂત્રનો ઉપયોગ પાકને જંતુઓની અસરથી મુક્ત રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

 

પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ ઘટાડે છે. ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવા બનાવે છે. તેમ જ માનવ વપરાશ માટેની દવાઓ પણ તેમાંથી બનાવે છે. ગૌમૂત્રનો ઉપયોગ કરીને કેન્સરના દર્દીઓને રાહત આપે તેવી દવાઓ પણ બનાવે છે. ગાયના શરીરમાંથી મળતાં પાંચ દ્વવ્યોમાંથી બનતું પંચગવ્ય કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થઈ રહ્યું છે. આમ ગાય અને તેના થકી મળતી વસ્તુઓનો ઉપયોગ કરતાં રહીને મિનિમમ વેસ્ટ કરવામાં આવે છે. મિનિમમ વેસ્ટનું આ સારામાં સારું ઉદાહરણ છે. મેક્ઝિમમ યુઝનું આ એક સારામાં સારું દ્રષ્ટાંત છે. આ કોઠાસૂઝને ઉદ્યોગ કે બિઝનેસમાં લાગુ કરવાની જરૂર છે.

 

આઠમું, પ્રોડક્ટનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પણ નાનીમાંથી મોટી કંપની બનાવવા માટે અનિવાર્ય છે. અત્યારે પોતાના પ્રોડક્ટના બે ચાર રેગ્યુલર બાયર મળી જાય તે પછી પ્રોડક્ટનું માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરવાનું વલણ નાની કંપનીઓમાં ઓછું છે. તેમ હોવાથી તેમની ઇમેજ બિલ્ડિંગ થતી નથી. તેમનો ક્લાયન્ટ બેજ વધતો નથી. ક્લાયન્ટ બેઝ વધારવો અને પ્રોડક્શનની ક્વોલિટી સુધારવી એ એમએસએમઈથી એમએનસી સુધીની સફર પૂરી કરવા માટે મહત્વની છે.

 
ree

 

કંપનીને નવી ઊંચાઇએ લઇ જવા માટે ઇનોવેશન અને સંશોધન જરૂરી

 

કંપનીને નવી ઊંચાઇએ લઇ જવા માટે ઇનોવેશન અને સંશોધન જરૂરી છે જોકે ગુજરાતમાં સારી સ્થિતિ છે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના પોસ્ટ ટ્રેનિંગ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટના સિનિયર કન્સલ્ટન્ટ મયંક મહેતા કહે છે, “નવા ઉદ્યોગ સાહસિકોને ધંધો ચાલુ કરવા જરૂરી માર્ગદર્શન અને સપોર્ટ સરકારી સંસ્થાના નિષ્ણાત મેન્ટર આપે છે. તેથી સરળતાથી ધંધો ચાલુ થઇ શકે. ઇન્ક્યુબેશન સેન્ટરમાં નવા પ્રોડક્ટ અથવા તો સામાજિક સમસ્યાઓનું નિવારણ આપતા સાહસિકોને સરકાર ઇન્ક્યુબેશન સેન્ટર મારફતે નાણાંકીય સહાય આપે છે. તદુપરાંત તે ટકી શકે તે માટ તેને દર મહિને નિશ્ચિત રકમની આર્થિક સહાય આપવામાં આવે છે. હા, તે માટે તેમને દર અઠવાડિયે તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવો પડે છે.” તેનું એક ઉદાહરણ છે સુરજમુખીની જેમ સુરજની બદલાતી દિશા બદલતી સોલાર પેનલ. રાજકોટની એક કંપનીએ કરેલા ઇન્નોવેશનના પરિણામે સોલાર પેનલથી થતા વીજળીના ઉત્પાદનમાં અંદાજે ૨૦ ટકાનો વધારો થયો છે.

છતાંય ટેક્નોલોજીમાં ભારતે-ગુજરાતે આત્મનિર્ભર બનવું પડશે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારના દરેક યુવાનમાં કોઈને કોઈ ટેકનિકલ સૂઝ છે. રાજકોટનો વિકસેલો એન્જિનિયરિંગ ઉદ્યોગ તેનો એક બોલતો પુરાવો છે. તેમની કુશળતાનો લાભ લેવવો જોઈએ. તેમની કુશળતાને નવી ધાર આપવી જોઈએ. તેમની મદદથી નવી ટેક્નોલોજી તૈયાર કરીને આગળ વધવું જોઈએ. તેમને તાલીમ આપીને તૈયાર કરવા જોઈએ. માત્ર ને માત્ર વિદેશની ટેક્નોલોજી પર મદાર બાંધીને રહેવાની માનસિકતા છોડવી પડશે. સિદ્ધાર્થ ભટ્ટ કહે છે, “સેન્ટર ફોર એન્ટ્રેપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ આજે ગપગોળા જેવું બની ગયું છે. તેમાં સ્ટાર્ટઅપ માટેના પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. તેની સાથે પ્રોડક્ટ કે પ્રોજેક્ટની કોમર્શિયલ વાયેબિલીટીનો વિચાર કર્યા વિના જ નિર્ણય લેવાય છે. આ પ્રોડક્ટ વધુ લોકોમાં ખરીદાય કે વપરાય તેવી હોવી જોઈએ.”

Read Previous

આજે સ્ટોકમાર્કેટમાં શું કરશો?

Read Next

આજે NIFTY FUTUREમાં શું થઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular