MSME: પેમેન્ટ અટકી ગયું હોય તો શું કરશો?

લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. રોજગારી ઉત્પન્ન કરવાની અને સંશોધનની બાબતે MSMEની તુલનામાં બીજું કોઈ આવી શકે તેમ નથી. દેશની જીડીપીમાં MSME 28 ટકાનો તોતિંગ ફાળો આપે છે. દેશની ઉત્પાદન ક્ષમતામાં તેનો ફાળો 45 ટકા અને નિકાસમાં 40 ટકા જેટલો જંગી છે. એક અંદાજ મુજબ MSME દેશમાં 11.1 કરોડ લોકોને રોજગારી આપે છે. આ દૃષ્ટિએ કૃષિ પછી તે રોજગારી આપતું સૌથી મોટું સેક્ટર છે. દુઃખની વાત એ છે કે દેશના અર્થતંત્રમાં આટલો મહત્વનો ફાળો આપવા છતાં MSMEને અસ્તિત્વ ટકાવી રાખવા અને આગળ વધવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. આવો જ એક મોટો પડકાર છે ડિલેઈડ પેમેન્ટ એટલે કે પેમેન્ટ અટકી પડવાનો. MSME મોટી કંપનીઓ માટે કોમ્પોનન્ટ્સ, કાચા માલ બનાવવાનું પણ કામ કરે છે. તેના ઉપયોગથી ફાઈનલ પ્રોડક્ટ્સ બનાવી, તેનું બ્રાન્ડિંગ કરીને તગડા માર્જિન રાખીને મોટી કંપનીઓ માલ માર્કેટમાં વેચે છે. આમ છતાં MSMEને આપવાના થતા પેમેન્ટમાં મોટી કંપનીઓ ઘણી વાર ગલ્લા તલ્લા કરે છે. આ કારણે MSMEની મોટી રકમ અટવાઈ પડે છે અને તેમના બિઝનેસ પર બ્રેક વાગી જાય છે.
MSMEના હિતોની રક્ષા માટે સરકારે MSMED એક્ટ બનાવ્યો છે. આ એક્ટમાં જો પેમેન્ટ અટવાય તો કંપની શું કરી શકે તેની સ્પષ્ટ જોગવાઈ છે. કમનસીબે નાની કંપનીઓને માર્કેટમાં કટ્ટર પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડતો હોવાથી બિઝનેસ ગુમાવવાની બીકે તે પોતાના માટે બનાવેલા કાયદાનો ઉપયોગ કરતા ખચકાય છે અને મોટી કંપનીની સામે પડવાનું પસંદ નથી કરતા. આ કારણે ઘણી MSMEના અટવાયેલા પેમેન્ટ NPAમાં પરિવર્તિત થઈ જાય છે. જો આ પેમેન્ટ સમયસર થાય તો MSME પોતાના બિઝનેસને વિકસાવી શકે અને આર્થિક તંગીમાંથી બહાર આવી શકે. આ માટે તેમણે તેમના હિતની રક્ષા માટે બનાવાયેલા કાયદાનું જ્ઞાન મેળવવું જરૂરી છે.

મગનભાઈ પટેલ, પ્રમુખ, ઓલ ઈન્ડિયા MSME ફેડરેશન
ઓલ ઈન્ડિયા MSME ફેડરેશનના પ્રમુખ મગનભાઈ એચ. પટેલ જણાવે છે, “આ કાયદા માટે મેં સ્વયં ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ તથા તે સમયના નાણાંમંત્રી મનમોહનસિંહની મુલાકાત લીધી હતી. સરકારે ખૂબ અભ્યાસ કરીને આ કાયદો બનાવ્યો છે છતાં તેનું યોગ્ય અમલીકરણ નથી થયું. તેને કારણે આજે દેશમાં MSMEના 6 લાખ કરોડથી વધુ નાણા ડિલે પેમેન્ટમાં ફસાયેલા છે. મોટા યુનિટો, સરકારી કંપનીઓ બે-બે વર્ષ પછી પણ માલ ખરાબ છે, મોડો આવે છે વગેરે બહાના કાઢીને પેમેન્ટ કરતા ન હોવાથી આ કેસોનો નિકાલ થઈ શક્યો નથી. સરકારની નીતિઓ સારી છે, પણ મોટી કંપનીઓ પોતાની વગ વાપરીને નાના ઉદ્યોગોને પેમેન્ટ નથી કરતી આવી અનેક ફરિયાદો અમારા ફેડરેશન પાસે આવે છે. સરકાર આ કાયદાનું કડક અમલીકરણ નહિ કરાવે તો ઘણા MSME સિક યુનિટમાં પરિવર્તિત થઈ જશે.”

કાયદો શું કહે છે?
વર્ષ 2006માં અસ્તિત્વમાં આવેલા માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ ડેવલપમેન્ટ એક્ટ મુજબ ખરીદદાર ખરીદીના 45 દિવસની અંદર અંદર સપ્લાયરને પેમેન્ટ કરવા બંધાયેલો છે. જો આ ગાળામાં પેમેન્ટ ન થાય તો તેણે રિઝર્વ બેન્કના કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટના દર મુજબ પાર્ટીને વ્યાજ સહિત રકમ ચૂકવવી પડે છે.
બે પાર્ટી વચ્ચે પેમેન્ટ અંગે મતભેદ હોય તો?
ઘણી વાર મોડી ડિલિવરી, ખરાબ માલ વગેરે કારણોસર બે પાર્ટી વચ્ચે પેમેન્ટને લઈને મતમતાંતર થઈ શકે છે. આ સંજોગોમાં મામલો માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ (MSEFC) પાસે જાય છે. કાઉન્સિલ આર્બિટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટની કલમ 65થી 81 મુજબ બંને પાર્ટી વચ્ચે કોર્ટ બહાર સમાધાન કરાવવાના પ્રયત્ન કરે છે.
MSEFC, MSME કમિશનર ઑફિસ, ગાંધીનરના લીગલ એડવાઈઝર અર્પિત કચોલિયા જણાવે છે, “સમાધાન બે તબક્કામાં થાય છે- મિડિયેશન અને આર્બિટ્રેશન. મિડિયેશનમાં MSEFC બંને પાર્ટી વચ્ચે પડીને મામલો સુલઝાવવાની કોશિશ કરે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ છે. ડિલે પેમેન્ટને લગતા 50થી 60 ટકા કેસ તો 90 દિવસની અંદર અંદર મિડિયેશન થકી જ સોલ્વ થઈ જાય છે. જે કેસ આ તબક્કે સોલ્વ ન થાય તે આગળ આર્બિટ્રેશનમાં જાય છે.”
જો બંને પાર્ટી વચ્ચે સમાધાન ન થાય તો?
જો બંનેમાંથી એક પણ પાર્ટી સમાધાન કરવા રાજી ન હોય તો કેસ આર્બિટ્રેશનમાં જાય છે. અહીં કેસના નિકાલમાં 1 વર્ષ જેટલો ગાળો પણ લાગી જાય છે. સપ્લાયર સિવાય સામી પાર્ટીએ કેસ ફાઈલ કર્યો હોય તો કેસ ચાલે ત્યાં સુધીમાં ખરીદદારે 75 ટકા રકમ ડિપોઝિટ કરાવવાનો નિયમ છે. અમુક સ્પેશિયલ સંજોગોમાં ખરીદદારને આ રકમ જમા કરાવવી કે નહિ તેનો નિર્ણય કમિટીને હસ્તક રહે છે. આ આર્બિટ્રેશન કમિટીમાં સામાન્ય રીતે 3થી 5 સભ્યો હોય છે. તેમાં ડિરેક્ટર ઑફ ઈન્ડસ્ટ્રીઝ કક્ષાના સરકારી અધિકારી, બેન્ક તથા નાણાંકીય સંસ્થાના પ્રતિનિધિ તથા MSME એસોસિયેશનના પ્રતિનિધિ હોય છે જેથી કેસની જુદા જુદા દૃષ્ટિકોણથી તપાસ થઈ શકે અને ન્યાય તોળી શકાય.
આર્બિટ્રેશન માટે GCCI (ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ) દ્વારા ADRC (ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર)ની સ્થાપના કરવામાં આવી છે. આર્બિટ્રેશનની ફીઝ ઘણી ઊંચી હોય છે. GCCI ADRC 50 ટકા ફીમાં કેસ સોલ્વ કરવાની કોશિશ કરે છે. આ માટે રૂ. 50,000થી રૂ. 6,00,00 સુધી ખર્ચ કરવો પડી શકે છે.
કાયદાકીય પ્રક્રિયાનો ખર્ચ કોણ ભોગવે?
આર્બિટ્રેશન દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનો ખર્ચ બંને પાર્ટી ભોગવે છે. છેલ્લે મામલો સેટલ થાય ત્યારે ડિફોલ્ટરે તેનો ખર્ચ ભોગવવાનો આવે છે.

અર્પિત કચોલિયા, લીગલ એડવાઈઝર, MSEFC ગાંધીનગર
જ્યુરિસડિક્શન કોનું ગણાય?
લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ કોન્ટ્રેક્ટ સાઈન કરતી વખતે જ્યુરિસડિક્શન અંગે સ્પષ્ટતા કરવી ખાસ જરૂરી છે. અર્પિત કચોલિયા જણાવે છે, “મોટી કંપનીઓ કોન્ટ્રેક્ટમાં લખાવી લે છે કે મતભેદ થશે તો કેસ તેમના જ્યુરિસડિક્શનમાં ચાલશે. આમાં નાની કંપનીઓ ભરાઈ જાય છે. જ્યુરિસડિક્શન કંપનીની અનુકૂળતા મુજબનું હોય છે અથવા તો ઈન્ડિપેન્ડન્ટ આર્બિટ્રેટરને માફકનું હોય છે. આ પ્રક્રિયા નાના ઉદ્યોગોને ઘણી મોંઘી પડી શકે છે. લઘુ ઉદ્યોગોને સરકારે કાયદાનું રક્ષણ આપ્યું છે. આથી સપ્લાયર તરીકે લઘુ ઉદ્યોગો તેમના જ્યુરિસડિક્શનમાં કેસ ફાઈલ કરી શકે છે.” ધારો કે, કંપનીનું રજિસ્ટ્રેશન ગુજરાતનું હોય અને પછી તે આખા દેશમાં ગમે ત્યાં માલ સપ્લાય કરે તો કેસ ગુજરાતમાં જ ફાઈલ કરી શકાય છે.
કેસ કેમ લંબાયા કરે છે?
ડિલે પેમેન્ટની ફરિયાદ ઓનલાઈન સમાધાન પોર્ટલ https://samadhaan.msme.gov.in/ પર પણ ફાઈલ કરી શકાય છે અને ઓફલાઈન પણ ફાઈલ કરી શકાય છે. કેસ લંબાવવાનું કારણ એ છે કે મોટા ભાગે MSME
પૂરતા દસ્તાવેજો શેર કરી શકતા નથી. ઘણાના એડ્રેસ સહિતની વિગતો પણ પૂરી નથી હોતી. આ કારણે તેમનો કેસ કાચો પડે છે. અર્પિત કચોલિયા જણાવે છે, “MSMEએ બધા જ વ્યવહાર લેખિતમાં કરવાની આદત પાડવી જોઈએ. આમ કરવાથી ડિસપ્યુટ થાય તો તેમનો કેસ મજબૂત પડે છે. હાલ તેમના ઘણા વહેવારો મૌખિક રીતે થાય છે જે પુરવાર કરવા મુશ્કેલ છે. તમારો ઓર્ડર એક્સેપ્ટ થાય, રિજેક્ટ થાય, તેનો લેખિતમાં રેકોર્ડ રાખો. આમ કરવાથી તમારો જ પક્ષ મજબૂત બનશે. આ ઉપરાંત તમારા માલની ગુણવત્તા તમે વાયદો આપ્યો છે એ મુજબની જ રાખો. આમ કરવાથી ઘણા મતભેદો ઓછા થઈ જશે.”
MSEFC ગુજરાતની સ્થિતિઃ
કુલ ફાઈલ થયેલા કેસઃ 7421
કેટલી રકમ સંડોવાયેલી છેઃ 2139.67 કરોડ
કેટલા કેસનો નિકાલ થયોઃ 2231
MSMEને કેટલું વળતર મળ્યુંઃ 505.85 કરોડ
ગુજરાતમાં પેન્ડિંગ કેસઃ 5190
ભારતમાં પેન્ડિંગ કેસઃ 28,661
સમાધાન પોર્ટલ પર કેવી રીતે એપ્લાય કરશો?
સ્ટેપ 1
ઉદ્યોગ સાહસિક તેને લાગુ પડતી કાઉન્સિલમાં ઓનલાઈન એપ્લિકેશન ફાઈલ કરી શકે છે. 15 દિવસની અંદર અંદર કાઉન્સિલ એપ્લિકેશન પર એક્શન લેશે.
સ્ટેપ 2
અરજકર્તા અને સામી પાર્ટી બંનેને ઈ-મેઈલથી ઈન્ટિમેશન મોકલવામાં આવશે.
સ્ટેપ 3
બંનેને મ્યુચ્યુઅલ સેટલમેન્ટનો વિકલ્પ આપવામાં આવશે.
સ્ટેપ 4
કાઉન્સિલ આંત્રપ્રોન્યોરની અરજી સ્વીકારીને તેને કેસમાં પરિવર્તિત કરી શકે છે.
સ્ટેપ 5
અયોગ્ય લાગે તો કાઉન્સિલ એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે.
સ્ટેપ 6
જો અરજી કેસમાં કન્વર્ટ થાય તો SMSથી બંને પાર્ટીને જાણ કરવામાં આવે છે.
સ્ટેપ 7
ઓફલાઈન એપ્લિકેશન મળી હોય તો કાઉન્સિલ કેસ ડિટેઈલ ઓનલાઈન પોર્ટલ પર નાંખી શકે છે.
સ્ટેપ 8
ઓનલાઈન પોર્ટલ પર કેસના હિયરિંગનું સ્ટેટસ અને તારીખ જાહેર કરવામાં આવશે.
સ્ટેપ 9
ઉદ્યોગસાહસિક એપ્લિકેશન કે કેસનું સ્ટેટસ ઉદ્યોગ આધાર નંબર કે અરજી નંબર નાંખીને જોઈ શકે છે.