MSMEની હાલત ખરાબ, નાના વેપારીઓ બદતર સ્થિતિમાં, પણ ઓનલાઈન માર્કેટિંગ તેજતર્રાર
એક જ રોટલીના બે હિસ્સેદાર બનવાના ભયથી નાના અને મધ્યમ ઉદ્યોગના એકમોએ અને એસોસિયેશનોએ નાના વેપારીઓને એમએસએમઈનું સ્ટેટસ આપવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો
કોરોનાની ત્રીજી લહેરનો ખતરો માથે તોળાઈ રહ્યો છે. બીજો વેવ આવીને વિદાય લેવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયા અને બ્રિટન હાલ કોરોનાની થર્ડ વેવનો સામનો કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ અધનામે 16મી જુલાઈએ થર્ડ વેવની ચેતવણી ઉચ્ચારી દીધી છે. માત્ર ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જ નહિ, પરંતુ વિશ્વના ઘણાં દેશો તેની લપેટમાં આવી ચૂક્યા છે. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વધુ ખતરનાક છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધવાના શરૂ થઈ ચૂક્યા છે. વેપાર ઉદ્યોગ માટે એંધાણી અમંગળ છે. અચ્છે દિન દૂર હૈ, બૂરે દિન દસ્તક દે રહે હૈ. છતાંય સરકારે નાના ઉદ્યોગો અને નાના વેપારીઓને ઉગારવા કવાયત ચાલુ કરી દીધી છે.

કોરોનાના પહેલા અને બીજા વેવમાં જ દવા ઉદ્યોગને તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની કંપનીઓને બાદ કરતાં નાના વેપારીઓ, નાની કંપનીઓ, ફેક્ટરી માલિકો અને અસંખ્ય કંપનીઓ તૂટી ચૂકી છે. નાના વેપારીઓ કાગારોળ મચાવી રહ્યા છે. કારણ કે વેપારીઓને પણ મોટો ફટકો પડ્યો છે. અનાજ-કરિયાણાની દુકાનોને બાદ કરતાં જુદા જુદાં વ્યવસાય સાથે સંકળાયેલી તમામ દુકાન ચલાવનારાઓ અને શૉરૂમ્સના માલિકોની હાલત બદથી બદતર થતી જાય છે. સ્ટાફને ઓછો કરવાની, સ્ટાફના પગાર પર કાપ મૂકવાની ફરજ પડી રહી છે. કેન્દ્ર સરકારે નાના વેપારીઓને એમએસએમઈ-સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે. તેથી તેમને પણ નાના અને મધ્યમ ઉદ્યોગને મળતી સરકારી રાહતો જેવી રાહતો મળતી થશે.
જોકે એપ્રિલ-મે અને જૂન 2021 નાની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે સારા ગયા છે. કોરોનાનો પ્રભાવ હોવા છતાંય જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 2021માં નાની ખાનગી મેન્યુફેક્ચરર્સના ઉત્પાદનોનું વેચાણ 31 ટકા જેટલું વધુ હોવાનું રિઝર્વ બેન્કના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. હા, તેમણે વેચાણ વધ્યુ છે તે ગાળામાં કાચા માલની ખરીદી માટે વધારે ખર્ચ કરવો પડ્યો છે. જોકે માર્ચ 2020થી જૂન 2020 સુધીના ગાળામાં તેમના વેચાણો ખાસ્સા ઠપ થઈ ગયા હતા. જુલાઈ 2020થી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 ઠીક ઠીક ગયા. પરંતુ સોળમી જુલાઈએ રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડાઓ મુજબ શેરબજારમાં લિસ્ટિંગ ધરાવતી 26,081 કંપનીઓમાંથી 1633 કંપનીઓના વેચાણમાં 31 ટકાનો વધારો ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ મે અને જૂન 2021માં જોવા મળ્યો છે. 2020ના આ જ ત્રિમાસિક ગાળાની તુલનાએ આ વધારો 7.4 ટકાનો છે. તેમણે કાચો માલ ખરીદવા માટે ખર્ચ કર્યો હોવા છતાંય તેમના નફાના માર્જિનમાં ખાસ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
તેમ છતાંય નાના દુકાનદારો તો સાવ જ ધોવાઈ ગયા છે. કોરોનાને કારણે સંખ્યાબંધ લોકોએ માર્કેટમાં ખરીદી કરવા જવાનું પસંદ કર્યું નથી. તેનો સીધો લાભ ઇ-કોમર્સ પ્લેટફોર્મને મળ્યો છે. શાકભાજી પણ ઓનલાઈન મંગાવી લેનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. તેને પરિણામે ડિલીવરી ચાર્જની વધારાની આવકે તેમના નફા પણ વધાર્યા જ છે. વર્ક ફ્રોમ હોમ કરનારાઓની સંખ્યા પણ કોવિડના પહેલા અને બીજા વેવમાં ખાસ્સી રહી છે. તેની સીધી અસર હેઠળ ચાર્જર, બેટરી જેવી દરેક વસ્તુઓની એટલે કે આવશ્યક ચીજવસ્તુઓની કેટેગરીમાં ન આવતી વસ્તુઓનો પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરની ખરીદીમાં વધારો થયો છે. તેનો સીધો લાભ ઈ-કોમર્સ કંપનીઓને મળ્યો છે. પ્રેશર કૂકરથી માંડીને એરકન્ડિશનર્સ કે પછી ટેલિવિઝનની પણ ઈ-કોમર્સના પ્લેટફોર્મ પરથી ખરીદી થઈ છે. પરિણામે કોરોનાના કાળમાં આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય ચીજ વસ્તુઓની ઓનલાઈન ખરીદી વચ્ચેનો ભેદ વિસરાયો છે. અમુક વસ્તુ તો દુકાનમાં જઈને જ ખરીદવી જોઈએ તેવી માનસિકતાને પણ લોકોએ તિલાંજલી આપીને કોમ્પ્રોમાઈસ કરવા માંડ્યા છે. તેમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વસ્તુઓ બદલી આપવામાં આનાકાની ન કરવાનું વલણ વધુ જવાબદાર છે. પરિણામે કોરોનાના કાળમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. “તેની અસર હેઠળ નાના દુકાનદારો ધોવાઈ ગયા છે”, એમ અમદાવાદની ડિસ્ટ્રીબ્યુટર કંપનીના અરુણ પરીખનું કહેવું છે. જોકે તેમનો વ્યવસાય ફૂડમાં વધુ છે. છતાંય જનરલ ઇમેજ દુકાનદારો ધોવાઈ ગયાની જ છે. હવે તો નાના નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇ-કોમર્સના પ્લેટફોર્મ્સનું પેનટ્રેશન વધ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં તેનું ફલક વિસ્તરે તે દિવસ પણ બહુ દૂર નહિ જ હોય. આ હકીકત કુરિયર કંપનીઓ માટે અચ્છે દિનની આગાહી કર રહ્યા છે. અત્યારે પણ કુરિયર કંપનીઓની આવક તગડી થઈ ગઈ છે. આગામી એક બે વરસમાં તેમાં વધુ તેજી જોવા મળશે. કારણ કે ત્યારબાદ લોકોને આદત પડી જવાની સંભાવના રહેલી છે.

ઈ-કોમર્સનું ફલક વિસ્તરતા માર્કેટમાં ઓવરક્રાઉડિંગ થવાની સમસ્યા થોડી હળવી થઈ છે. કોરોનાનો ચેપ ફેલાતો ઓછો થયો હોઈ શકે છે. પરંતુ માત્ર ને માત્ર હોમ ડિલીવરી પર જ વેપાર ચાલે તે લાંબે ગાળે વેપારના હિતમાં નથી જ નથી. નાના દુકાનદારો તેમાં સાવ જ ખતમ થઈ જાય તેવી શક્યતાઓ વધી જાય છે. તેથી ઇ-કોમર્સને બહુ પ્રોત્સાહન મળે તે જરૂરી નથી. કારણ કે ફાર્મા ઉદ્યોગમાં પણ કેમિસ્ટો બૂમરાણ મચાવી રહ્યા છે કે ઇ-ફાર્મ બિઝનેસે તેમના ધંધા તોડી નાંખ્યા છે. નાના વેપારીઓને સાચવવા માટે સરકારે તેમને એમએસએમઈનું સ્ટેટસ આપ્યું છે. તેનાથી સૌ પ્રથમ તો નાના દુકાનદારોને પણ પ્રાયોરિટી લેન્ડિંગનો લાભ મળશે. સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગની માફક જ વેપારીઓને પણ ધિરાણ આપવામાં અગ્રક્રમ આપવાનો નિર્ણય કર્યો છે. તેથી બેન્કોએ તેમને અગ્રક્રમ આપવો પડશે. આ અગ્રક્રમ ખરેખર આપશે કે કેમ તે તો વ્યક્તિગત બેન્ક પર નિર્ભર છે. ટ્રાવેલ ઉદ્યોગને રૂા. 10 લાખનું ધિરાણ ગેરેન્ટી વિના આપવાની જાહેરાત કરવામાં તો આવી છે. પરંતુ બેન્કોએ તો તેમને ધિરાણ આપવાની બાબતમાં નેગેટીવ લિસ્ટમાં મૂકી દીધા છે. આ જ સ્થિતિ નાના વેપારીઓની થાય તો સરકારના સંપૂર્ણ આયોજનનો ફિયાસ્કો થઈ જવાની દહેશત છે. વેપારીઓને પણ આ જ દહેશત છે. તેમને ખરેખર ધિરાણ આપવામાં આવશે કે નહિ. તે એક મોટો સવાલ છે. બેન્કોની વધતી એનપીએ-ફસાયેલી મૂડીને કારણે બેન્કો પણ ખોટા ધિરાણ ન થઈ જાય તેની તકેદારી રાખી રહી છે.
અમદાવાદના ઘી બજારના પ્રતાપ ચંદન કહે છે, “સરકારનું પગલું આવકારદાયક છે. વેપારીઓની લાંબા સમયની માગણીનો સ્વીકાર થયો છે. પરંતુ તેના પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન પછી જ તેનો લાભ વેપારીને મળશે કે કેમ તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. આ ચિત્ર સ્પષ્ટ થતાં 3થી 4 મહિના લાગી જશે. પહેલા વેપારીઓએ તેનો લાભ લેવા માટે સરકારે જાહેર કરેલા પોર્ટલ પર તેમના નામનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બાબત અંગે નાના દુકાનદારોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. તેમ થશે તો જ દુકાનદારો તેનો લાભ લેવા સક્રિય થશે. તેના વિના નાના દુકાનદારો આ લાભ લેવા પ્રયત્ન કરશે કે કેમ તે પણ એક સવાલ જ છે. મુદ્રા લોન કે બીજી લોનની કેટેગરી માટે તેઓ પાત્ર બનશે. પરંતુ મળશે કે કેમ તે એક સમય જતાં જ ખબર પડશે.”

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતનું કહેવું છે કે, “ટ્રેડર્સને સરકારના પ્રસ્તુત આયોજનને પરિણામે સરળતાથી ફાઈનાન્સ મળશે. તેના થકી તેમના બિઝનેસને બેઠો કરવામાં મદદ મળશે. નાના વેપારીઓને મોટો ટેકો મળેલો ગણાશે. મોટરસાઈકલ રિપેર કરનારા, ગેરેજ માલિકો અને ઓટો પાર્ટ્સનો વેપાર કરનારાઓ, જરીના વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ તમામને તેનો લાભ મળશે. ટેક્સટાઈલના, કેમિકલ, તેમને ફાઈનાન્સ મળવામાં હજીય તકલીફ થશે તો અમે તેમનો નાણાં મંત્રીને સંપર્ક કરીશું.”
જોકે નાના અને મધ્યમ ઉદ્યોગની કેટેગરીમાં સરકારની આ જાહેરાતથી હોબાળો મચી ગયો છે. તેમણે તેની સામે વિરોધનો સૂર છેડ્યો છે. કારણ કે એક રોટલીમાં બે ભાગ પડશે તેવી દહેશતે તેમનો હિસ્સો કપાઈ જવાનો ભય તેમને સતાવી રહ્યો છે, આ હકીકતને સમર્થન આપે છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કે.ઈ.રઘુનાથ. તેઓ કહે છે કે, “નાના વેપારીઓને એમએસએમઈનું સ્ટેટસ આપી દેવાનું સરકારનું પગલું ઉચિત નથી. કારણ કે સરકારે તેને માટે ફાળવેલા ફંડની રકમમાં કોઈ જ વધારો કરવાની જાહેરાત કરી નથી. પરિણામે તેનો યોગ્ય લાભ એમએસએમઈને પણ મળશે નહિ અને નાના વેપારીઓને પણ મળશે નહિ. તેનાથી બાવાના બેય બગડ્યા જેવો ઘાટ થશે.”
તેમનું તો કહેવું છે કે સરકારે આ પગલું લઈને આફતને આમંત્રણ આપ્યું છે. સૂક્ષ્મ, નાના, લઘુ અને મધ્યન ઉદ્યોગો અત્યારે કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને જોઈતી સહાય પૂરતા પ્રમાણમાં મળતી નથી. ત્યારે તેમના હિસ્સામાંથી ભાગીદારી કરાવવા માટે સરકારે નાના દુકાનદારોને આ સ્ટેટસ આપીને સદંતર ખોટુ જ કર્યું છે. સરકારના કહેવા પ્રમાણે 2.70 કરોડ દુકાનદારો અને નાના બિઝનેસમેનો જ તેમાં જોતરાવાના છે. પરંતુ આ આંકડો વાસ્તવમાં ઘણો જ નાનો છે. છ કરોડ જેટલા એમએસએમઈ એકમો ઉપરાંત બીજા છ કરોડ જેટલા નાના દુકાનદારો અને બિઝનેસમેન પણ તેમાં ભાગ પડાવવા આવશે. તેથી બેમાંથી એકને પણ ફાયદો થશે જ નહિ. આ સ્થિત ખરેખર દયનીય હશે. કોઈપણ બેઠું થઈ શકશે નહિ. સરકાર માત્ર જાહેરાત કરીને બેસી ગઈ છે. તેમનું કહેવું છે કે સરકારે હજી એકાદ વરસ પહેલા જ એમએસએમઈની વ્યાખ્યા બદલી છે. તેમાં સર્વિસ સેક્ટરનો પણ સમાવેશ કર્યો છે. તેમને ટર્નઓવરને આધારે કેટેગરાઈઝ કરી રહી છે. તેથી તેમાં પણ એમએસએમઈ સ્કીમનો લાભ લેનારા વધી ગયા છે. હજી તેમાં વધારો થશે, પણ ફંડ નહિ વધે તો અર્થહીન બની જશે.
જોકે અમદાવાદના બિઝનેસ સર્કલ સાથે સંકળાયેલા પદ્મિન બૂચ સરકારના આ નિર્ણયને આવકારતા કહે છેઃ “કોરોનાના વર્તમાન કાળ પ્રમાણે સરકારે જાહેર કરેલું પગલું ઇમરજન્સી મેઝર છે. રિટેઈલર્સનો બિઝનેસ અંદાજે 75થી 79 ટકા ઓછા થઈ ગયો હોવાનું રિટેઈલર્સ એસોસિસેન ઓફ ઇન્ડિયા જણાવે છે. પરિણામે તેમની ફાઈનાન્શિયલ લિક્વિડિટી ખતમ થઈ ગઈ છે. તેમની પાસે વેપાર કરવા માટ રોકડ નાણાં જ નથી. રિટેઈલર્સ માટે રોકડ મોટી જરૂરિયાત છે. 2017માં આ જોગવાઈ હતી જ હતી, પરંતુ વચગાળામાં તે જોગવાઈ પાછી ખેંચી લેવામાં આવી હતી. હવે સરકાર તેમને ફરીથી આ સ્ટેટસ આપવા તૈયાર થઈ છે. આ પગલું ખરેખર નાના વેપારીઓ માટે લાભદાયક સાબિત થશે. પેન્ડેમિકસમાં આ રીતે સહાય આપવા સિવાય સરકાર પાસે કોઈ છૂટકો જ નહોતો.”

તેથી નાના ઉદ્યોગો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આત્મનિર્ભરતાના પેકેજના તમામ લાભ નાના દુકાનદારોને પણ મળશે. લોન માટે તેમને અગ્રતા ક્રમ મળશે. અત્યાર સુધી બેન્કો તેમને ગણતરીમાં લેતી જ નહોતી. દરેક રાજ્યની સરકાર પણ તેમને આ કેટેગરીમાં આપવામાં આવતા લાભ આપતી થશે.
તેનાથી કેટલાક પ્રોબ્લેમ પણ ઊભા થશે. તેના અમલ માટેની વ્યવસ્થા યોગ્ય રીતે નહિ કરવામાં આવે તો અંધાધૂંધી ફેલાઈ જશે. ઇમ્પ્લિમેન્ટેશન મિકેનિઝમ બરાબર તૈયાર કરવું પડશે. બેન્કોને તે માટે તૈયાર કરવી પડશે. આ જાહેરાત હજી સુધી થઈ નથી. તે આ આયોજનનું એક નબળું પાસું છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની ચોક્કસ બ્રાન્ચને તેને માટે સરકારે નોમિનેટ કરી દેવી પડશે. ઇમ્પ્લિમેન્ટેશન મિકેનિઝમની જાહેરાત પણ તત્કાળ કરવી પડશે. નાના વેપારીઓને લોન માટેના ડોક્યુમેન્ટેશન કરવાની બરાબર ગતાગમ હશે નહિ. આ બ્રાન્ચોમાં ખાસ અધિકારીઓને નિયુક્ત કરીને તેમને ફોર્મ ભરવાથી માંડીને તમામ વિગતો તૈયાર કરવામાં મદદ કરતાં હોવા જોઈએ. ભૂતકાળમાં એસએમઈ માટે આ પ્રકારના પગલાં લેવાની સરકારને ફરજ પડી હતી. કરિયાણાવાળાને બધી ગતાગમ ન હોય તે પણ એટલી જ સાચી હકીકત છે. તેથી તેમને મદદ કરવામાં આવશે તો તેઓ ઝડપથી બેઠાં થઈ શકશે. આ પગલું ચાર મહિના વહેલું લેવાયું હોત તો તેનાથી નાના વેપારીઓને વધુ સારો ફાયદો થયો હોત.
કેન્દ્ર સરકારના આ કેટેગરાઈઝેશનને પરિણામે નાના વેપારીઓને લોન મળી જશે તો તે પછી તેઓ પરત ન ભરી શકે અને કોરોનાનો થર્ડ વેવ વધુ અસર કરી જાય તો બેન્કોની એનપીએ ફસાયેલી મૂડી વધી જવાની પણ એટલી જ શક્યતા છે. અત્યારે નાની મોટી કંપનીઓમાં બેન્કોના લાખો કરોડ ડૂબ્યા છે. છેલ્લા પંદર મહિનામાં પણ બેન્કનો એનપીએમાં 6 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. જોકે આ લોન આપવાની કામગીર રાષ્ટ્રીયકૃત બેન્કો જ કરશે કે પછી સહકારી બેન્કોને પણ તેનો અમલ કરવાની જવાબદારી સોંપવામાં આવશે તે પણ મહત્વનું છે. નાના વેપારીઓ સહકારી બેન્કો સાથે સંકળાયેલા છે. નાના નગરો અને ગામડાંના લેવલના વેપારીઓ સહકારી બેન્ક સાથે જ વહેવાર કરે છે. સહકારી બન્કો થકી લોન વધુ નાના વેપારીઓ સુધી પહોંચી શકશે. એમએસએમઈનું સ્ટેટસ આપ્યા પછી આ પ્રકારની બારીકાઈ પર પણ નજર રાખવી એટલી જ જરૂરી છે. એનપીએ વધે કે ન વધે નાના વેપારીઓ માટે નાણાંકીય પ્રવાહિતામાં વધારો કરવો અત્યારના સંજોગોમાં અનિવાર્ય બની ગયો છે. આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ કેટલીક અનિશ્ચિતતા હતી. આ અનિશ્ચિતતા ધીરે ધીરે દૂર થઈ ગઈ છે. સરકારે આત્મનિર્ભર પેકેજ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં સરકારે વધારો કર્યો જ છે.

પદ્મિન બૂચ કહે છે કે , “નિર્મલા સીતારામને ઇમરજન્સી ક્રેડિટ લાઈન વધારીને 4.5 લાખ કરોડ કરી દીધી છે. તેથી વેપારીઓ એમએસએમઈની હિસ્સામાંથી નહિ, પણ વધારાના ફાળવેલા નાણાંમાંથી આર્થિક ધિરાણ મળવાનું છે તે હકીકત ને પણ એમએસએમઈએ સમજી લેવાની જરૂર છે.” પ્રતાપ ચંદન પણ તેમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે કે એમએસએમઈએ તેમનો હિસ્સો ઘટી જવાનો ભય રાખવાની જરૂર નથી. તેમણ પણ સમજદારી દાખવવાની જરૂર છે.
બીજુ, એમએસએમઈને બીજો એક પણ ભય છે તેમનો ધંધો છીનવાઈ જવાનો છે. સરકારી કંપનીઓમાં અને સરકારી કચેરીઓમાં જે ચીજવસ્તુઓની ડીમાન્ડ નીકળે છે તે ડીમાન્ડની વસ્તુઓમાંથી 25 ટકા વસ્તુઓ માત્રને માત્ર એમએસએમઈ પાસેથી જ ખરીદવાનો નિર્ણય કરેલો છે. આ ધંધામાં પણ નાના વેપારીઓ ઘૂસી જાય તો તેમના ધંધાનો હિસ્સો મેળવી લે તેવી પણ એમએસએમઈને દહેશત છે. આ દહેશત પણ નાના વેપારીઓને એમએસએમઈનું સ્ટેટસ આપવા માટેના નિર્ણય સામેના વિરોધના મૂળમાં હોવાની શક્યતા છે. આ ડરનો પણ ઉપાય છે. મેન્યુફેક્ચરર્સ છે કે ટ્રેડર્સ છે તેને પણ ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવે તો આ સમસ્યા વકરે તેવી શક્યતા નથી. વેપારીઓ તેમાં બહુ ઝડપથી પડે તેવી શક્યતાઓ પણ સીમિત છે. પરંતુ થોડીગણી ચિંતા તેમની વાજબી હોવાનુ કહી શકાય તેમ છે.
નાના વેપારીઓને એમએસએમઈનું સ્ટેટસ આપવાના નિર્ણય પાછળ સરકારનું રાજકીય ગણિત પણ કામ કરી રહ્યુ હોવાનુ કેટલાક નિષ્ણાંતો જણાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર પાસે પ્રજાની અપેક્ષા સચિન તેંડુલકર જેટલી મોટી હતી. પરંતુ આ અપેક્ષાની એરણ પર મોદી કસોટીમાં જોઈએ તેટલા અને જોઈએ તેટલી સફળતાથી પાર ઉતર્યા નથી. આ સ્થિતિમાં તેમના પ્રત્યેનો અહોભાવ થોડો ઓસર્યો છે. આ સંજોગોમાં ઇલેક્શનની ગણતરીઓ પણ નાના વેપારીઓને એમએસએમઈનું સ્ટેટસ આપવા પાછળ હોવાની શક્યતાને નકારી શકાતી નથી. આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી માથે છે. યોગી આદિત્યનાથ સામેનો વિરોધ વધેલો છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપના ઓસરતા પ્રભાવ વચ્ચે વિધાનસભાની આગામી ચૂંટણીમાં આસાનીથી જીતી જાય તેવું લાગતું નથી. તેથી જ નાના વેપારીઓને પોતાની તરફ ખેંચી લેવાના ધ્યેયથી તેમણે એમએસએમઈનું સ્ટેટસ નાના વેપારીઓને આપ્યું છે. આ લાભ આપવાની જાહેરાત અને તેના અમલીકરણા માધ્યમથી તેઓ ઇલેક્શનની વૈતરણી પાર કરી જવાનો ગણિતો માંડીને બેઠાં હોવાની શક્યતા પણ જોવાઈ રહી છે. ત્યારબાદ તો તેરા તેલ ગયા અને મેરા ખેલ હૂઆના ન્યાયે હાથ ઊંચા કરી દેતા કોઈ પણ રાજકીય પક્ષને કોઈ રોકી શકતું જ નથી.