નવસારી: વારી એનર્જીમાંથી આવકવેરા વિભાગને શું-શું હાથ લાગ્યું? કરોડોની ટેક્સ ચોરી બહાર આવવાની સંભાવના
આવકવેરા વિભાગે નવસારી-વલસાડ વચ્ચે આવેલા સોલાર એનર્જીનું ઉત્પાદન કરતાં દેશનાં જાયન્ટ સોલાર ઉત્પાદક વારી એનર્જી પર દરોડાની કાર્યવાહી કરી છે. 6 દિવસ સુધી ચાલેલી દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી કરવા અંગેના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ ચીખલીમાં એનર્જી પ્લાન્ટ ધરાવતા વારી ગ્રુપના ત્યાં મુંબઈ આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા.6 દિવસ સુધી ચાલેલી તપાસમાં સોલાર આયાત નિકાસના ડેટા મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચીખલી, સુરત અને નવસારી ખાતે ખરીદવામાં આવેલી જમીનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

સુરતમાં બિલ્ડરો સાથેની ભાગીદારી સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય રોકાણના દસ્તાવેજો પણ આવકવેરા વિભાગે હસ્તગત કર્યા છે. આ ઉપરાંત આઇટી વિભાગે ડિજિટલ વિગતો પણ જપ્ત કર્યા છે. તમામ દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વારી સાથે સંકલાયેલી પેઢીઓ અને બિલ્ડરોને નોટિસ ફટકારવામાં આવશે. આવકવેરા વિભાગે 6 દિવસ સુધી વારી ગ્રુપને ત્યાં તપાસ હાથ ધરી છે.
વારી ગ્રુપને ત્યાં કરવામાં આવેલી તપાસ સંદર્ભે આઇટી વિભાગ દ્વારા આગામી દિવસમાં સત્તાવાર યાદી જાહેર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. વારી ગ્રુપ પર પડેલા આઇટીના દરોડા ,દક્ષિણ ગુજરાતમાં ટોક ઓફ ધ નેશન બન્યો હતો.ચીખલીમાં પ્લાન્ટ શરૂ થયાને સાત મહિનામાં મસ મોટી ગોબાચારી આચરવામાં આવી હોવાની શંકાના પગલે આઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
વિગતો મુજબ આઈટીની રેડમાં સુરત નવસારીના બે, વલસાડનો એક બિલ્ડર અને હવાલા ઓપરેટર તપાસની રડારમાં આવી ગયા છે. આઈટીની તપાસ નો રેલો જમીન વેચનારા સુધી પહોંચે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. નવસારી ની ખ્યાતનામ હોટલની આસપાસ ખરીદેલી જમીનના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આઈટીની તપાસમાં મોટી કરચોરી બહાર આવવાની શક્યતા નકરી શકાતી નથી.




